આજના સમયમાં લોકોને જોઈએ છે બધુ જ પણ મહેનત કશી જ કરવી નથી. પર્સનાલીટી પાડવી છે પણ શરીર તો જાણે માયકાંગલું. સાવ એવું કે દસ કિલોની થેલી ઉપાડી ચાલે તો દસ ડગલાં પણ માંડ મંડાય. કેટલાક એવા કે શર્ટનું એકાદ બટન ખુલ્લુ રહી જાય તો પાંસળીઓ દેખાય. જો કે એકલા છોકરાઓ નહીં છોકરીઓમાં પણ આવું જ છે ઘણી છોકરીઓ પંજાબી ડ્રેસ પહેરીને નીકળે તો લાગે કે ડ્રેસ હેંગર પર લટકાવ્યો હોય. શરીર સાવ ઢીલું-ઢાલું… અમુક યુવક-યુવતીઓ તો પર્સનાલીટી પાડવા મોંઘા કપડાં, મોંઘી ઘડિયાળ, બાઇક, સ્કૂટી અને સૌથી વધારે મોંઘો દાટ મોબાઈલ, સાલું બાઇક કે સ્કૂટીમાં પેટ્રોલ ભરાવવાના ફાંફા હોય અને ઇ.એમ.આઈ. પર હજારોનો મોબાઈલ ખરીદે, શો ઓફ કરે. પણ અંદરથી એટલા ખોખલા કે કોઈ એક લાફો પણ મારી જાય તો ધડામ કરતાં નીચે પડે. એમનો આત્મવિશ્વાસ પણ એવો જ માયકાંગલો… કોઈ બે શબ્દ બોલી જાય તો આંખે આંસુડાની ધાર નીકળી જાય. ખાવા-પીવામાં પણ આપણે બેદરકાર, લગભગ આજના બધા જ યુવાનો રોટલી-શાક-દાળ-ભાત તો કદાચ જ ખાતા હશે.. એમને તો પેલા ફાસ્ટ ફૂડ સેન્ટરના વડાપાઉં ને દાબેલી, વળી ક્યારેક પાણીપુરી બસ આ જ ભાવે… પછી શરીર દેખાવડું કેવી રીતે બને? પછી ૨-૪ મહિના જીમ જવાનું પણ એમાંય નિયમિતતા તો નહીં જ.
દોસ્તો, ભગવાને આપણને મનુષ્ય જન્મ આપ્યો છે, આટલું સરસ મજાનું શરીર આપ્યું છે, તો પછી આ શરીરને જીવનપર્યંત આટલું જ સુંદર અને સુદ્રઢ રાખવાની આપણી જવાબદારી છે કે નહીં??? એક વાર તમારા અંતરાત્માને પૂછી જુઓ. એ જ કહેશે તમને…
આપણે સૌએ કસરત અને યોગનું મહત્વ સમજવાની જરૂર છે. સમાજમાં જાગૃતતા લાવવાની જરૂર છે. દોસ્તો, આ કસરત અને યોગ કરવા મોંઘા દાટ જીમમાં જવાની કાંઈ જરૂર નથી. રોજ નિયમિત વહેલા ઉઠો, દસથી પંદર મિનિટ ચાલો, પંદર-વીસ મિનિટ હલકી ફૂલકી કસરત, દસેક મિનિટ યોગ બસ આટલું જ કરવાનું છે. દિવસનો માત્ર અડધો-પોણો કલાક કાઢવાનો છે આપણાં આ શરીરને છેલ્લા શ્વાસ સુધી સુંદર અને સુદ્રઢ ટકાવી રાખવા માટે… શું આટલું ન થઈ શકે?
એવું કોઈ નથી કહેતું કે બોડી બિલ્ડર બનો, વજનમાં પઠ્ઠા જેવા થાવ… આપણે આપણું શરીર કોઈને દબાવવા કે મારધાડ કરવા સક્ષમ નથી કરવાનું, પણ ક્યાંક માર ખાવાનો વારો આવે તો એને ઝીલવાની શક્તિ અને સામનો કરવાનો આત્મવિશ્વાસ તો જોઈએ ને! આ કસરત અને યોગ માત્ર શારીરિક ક્ષમતામાં અને દેખાવમાં જ વધારો નથી કરતાં, આપણી અંદર એક આત્મવિશ્વાસ જગાવે છે. આપણાં વ્યક્તિત્વમાં પણ નિખાર લાવે છે. યોગ અને કસરત આપણી યાદશક્તિ, એકાગ્રતામાં વધારો કરે છે, માનસિક તણાવ ઘટાડે છે. કસરત અને યોગ આપણી રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરે છે. વારંવાર બીમાર પડવાથી બચી શકાય છે. અને સ્વસ્થ શરીર એટલે સ્ફૂર્તિલું શરીર… કોઈપણ કામ કરવા માટે તુરંત જ હાજર. બોલો આવા લોકો કોને ના ગમે?
આ શરીરની નબળાઈ માનસિક કંટાળો ઉદભવે છે અને આપણને આળસું બનાવે છે, આપણામાં લઘુતાગ્રંથીનો ભાવ જગાડે છે. આ બધા નુકશાનથી બચવું હોય તો ચાલો આપણે આજથી જ નિયમિત કસરત અને યોગ શરૂ કરી દઈએ. અને ભગવાનની આ અમુલ્ય ભેટ(શરીર)ને જેમ જન્મ વખતે મેળવી હતી એમ જ પાછી ભગવાનને પરત કરીએ.
હું તો કહું છું :
- જેણે વહેલી સવાર નથી જોઈ એની પ્રગતિની સવાર પણ નથી થઈ.
- જીવનપથમાં આપણું શરીર જ આપણાં છેલ્લા શ્વાસ સુધીનો સાથી છે, બીજું કોઈ નહીં.
- જો શરીર સુંદર અને તંદુરસ્ત તો લગભગ ૮૦% જીવન સુખી જ સુખી.
- કસરત જેણે જીવનમાં ના કરી, વૃદ્ધત્વ એને યુવાનીમાં જ જઈ વરી.
Wah
LikeLiked by 1 person
Thanks
LikeLike