આપણને જ્યારે એમ અનુભવાય કે આપણે આપણાં પરિવારજનો કે પોતિકા પર ભારરૂપ બની રહ્યા છીએ ત્યારે આપણને ખરેખર ખુબ જ મજબૂત પ્રેરણા મળે છે. આપણે કંઈક સર્વોત્તમ કરવા પ્રેરાઈ જઈએ છીએ. અને એ જ પ્રેરક બળ આપણને સફળતા તરફ દોરી જાય છે. હા પણ આ પ્રેરણા પણ આપણી અંદરથી જ આવે છે અને એ માટે આપણી કંઈક કરી બતાવવાની ઇચ્છાશક્તિ પ્રબળ હોવી જોઈએ જો એ ન હોય તો આપણી આળસ આ કશું ન કરી શકવાની અથવા પરિવાર પાસ ભારરુપ હોવાની ગ્લાનિ આપણને થશે જ નહીં અને જો એ ગ્લાનિ નહીં હોય તો સ્વાવલંબી બની કંઈક કરી બતાવવાની પ્રેરણા મળશે નહીં.
આ સિવાય શું તમે જાણો છો કે એક નકારાત્મક ઘટના કે વ્યક્તિ પણ આપણને પ્રેરણા આપી જાય છે, આપણાં જીવનને નવો વળાંક આપવાની પ્રેરણા આપી જાય છે. જ્યારે તમે કોઈ ગરીબને એક નાનામાં નાની વસ્તુ માટે સંઘર્ષ કરતાં જોઈએ છીએ ત્યારે આપણને જીવનમાં સમૃદ્ધિ મેળવવા મહેનત કરવાની પ્રેરણા મળે છે. અને જ્યારે એ જ ગરીબ માણસને નાની નાની ખુશી તહેવારની જેમ માણતા જોઈએ છીએ ત્યારે આપણને જે મળ્યું છે તેની કિંમત કરીને જીવનની પળેપળને તહેવાર સમી માણવાની પ્રેરણા મળે છે. એક બીમાર વ્યક્તિને આપણે જોઈએ છીએ હર પળમાં મરતા કે પછી જીવન જાણે પૂરું જ થઈ ગયું છે એમ જીવન પસાર કરતાં તો એ આપણને સ્વસ્થ અને તંદુરસ્ત બનવા અને રહેવા પ્રેરણા આપે છે.
હું વાત મારા વિશે જ કરીશ. જયારે હું મારા જેવી બીમારી ધરાવતા બીજા લોકોને જોઉં છું ત્યારે મોટાભાગના એવા લોકો પોતાના જીવનમાંથી રસ ગુમાવી બેઠા હોય છે. અને એ જ મને પ્રેરણા પૂરી પાડે છે જીવનને ઉત્સાહ પૂર્વક જીવવાની.. હું મારી જાતને હંમેશાં જીવનરસથી ભરપૂર અને આશીર્વાદરૂપ ગણું છું. મારે જીવનમાં અસહ્ય પીડા સહેવી પડે છે છતાં હું મારા જીવનને વ્યર્થ માનતો નથી. મારા જીવનની પ્રત્યેક ક્ષણનો ઉપયોગ હું બીજા હતાશ લોકોને પ્રેરણા આપવા માટે કરું છું.
જયારે હું ‘કાંઈ જ’ ન હતો ત્યારે મારી જીવન પ્રેરક શક્તિએ જ મને સાચો રસ્તો પસંદ કરવમાં મદદ કરી. અને આજે જયારે મારું જીવન સાર્થક બન્યું છે ત્યારે એ મારું કર્તવ્ય બને છે કે હું બીજા લોકોને પણ એ સાચો રસ્તો શોધવામાં મદદ કરું. તમે જે સંઘર્ષ કરો છો તેમાંથી સારી રીતે બહાર નીકળવું તે અઘરામાં અઘરી વાત છે. ઈશ્વરે હંમેશાં મારા નિર્ણયની કાળજી લીધી છે. જો મારો ઈશ્વર સાથેનો સંપર્ક ન હોત તો આજે જે શક્ય બન્યું છે તે બનત જ નહીં. કદાચ એટલે જ મને લોકોનો આટલો પ્રેમ મળતો રહે છે. જેટલા ડોકટરોએ મારી સારવાર કરી છે તેઓ મને પોતાની ‘પ્રેરણા’ તરીકે જ જુએ છે. ડોકટરો કહે છે કે હું એકસાથે ઘણાં બધાં કાર્યો કરી શકું છું. મારી તબિયતને જોતાં તેઓ એવું અનુભવે છે કે દિવ્યાંગ હોવા છતાં હું સામાન્ય લોકો જેવું જીવન જીવી શકું છું. તેઓ મને ‘હીરો’ કહીને બોલાવે છે. કારણ કે હું સામાન્ય માણસો કરતાં વધારે કાર્યો કરી શકું છું.
એક વાત હંમેશા યાદ રાખવી જોઈએ કે સખત મહેનત કરવા માટે હંમેશાં સકારાત્મક પ્રેરણા જ પ્રેરક બને એવું નથી હોતું. પરંતુ ક્યારેક ‘હું આમ નહીં કરું તો…’ જેવો નકારાત્મક વિચાર પણ આપણને સખત મહેનત કરવા પ્રેરી શકે છે. આપણું મન જયારે એમ વિચારે કે આપણી સમસ્યાથી પરિસ્થિતિ વધારે ગંભીર બની શકે તેમ છે ત્યારે તેને ગંભીર બનતી અટકાવવા માટે આપણે ગમે તે કરવા તૈયાર થઇ જઈએ છીએ.
આપણો પ્રેરક વિચાર સકારાત્મક હોય કે નકારાત્મક, પરંતુ દરેક વ્યક્તિએ પોતાનાં કામ બાબત ગંભીર થઈને તેને શરુ કરી દેવું જોઈએ. પ્રેરણા તમને જિંદગી વિશેની સ્પષ્ટ સમજ આપે છે અને તેથી તમને યોગ્ય દિશા મળે છે. પોતાના ક્ષેત્રમાં સફળ કે નિષ્ફળ હોય તેવી દરેક વ્યક્તિ તમારા માટે પ્રેરણારૂપ બનીને તમને આગળ દોરી શકે છે. સારું એ છે કે તમે સફળ વ્યક્તિની જેમ વિચારો અને સફળ બનો. અથવા તો તમે નિષ્ફળ વ્યક્તિની જેમ ન બનીને સફળ બનો. આ તમારી આંતરિક શક્તિને બહાર લાવવા માટેનો પહેલો પાઠ છે. તે પહેલાં તમને અને પછી બીજા લોકોને સારું જીવન જીવવા માટેની પ્રેરણા પૂરી પાડે છે.
હાર્દિક કલ્પદેવ પંડયા