જે કરો તે મનથી કરો…

આજે ઘણા ખરા લોકો ચિંતા, આવેશ અને તણાવમાં જીવી રહ્યા છે. હસતાં મોઢા સાથે કદાચ જ કોઈ જોવા મળે છે. આનું મુખ્ય કારણ એ છે કે આપણે જે કોઈ કામ કરીએ છીએ એ મજબૂરી અથવા જવાબદારી માનીને મગજ પર ભાર રાખીને કરીએ છીએ અને એ કામને માત્ર પૂરું કરવા જ કરીએ છીએ.. આપણે આપણાં કામને માણી શકતા નથી… કે એમ કહો કે કામને માણતા નથી. એટલે જ એ કામ સફળતા પૂર્વક પાર પડતું નથી. સફળતા મળવાને બદલે નિષ્ફળતા મળે છે. આ કારણે આપણે તણાવ અનુભવીએ છીએ. આ તણાવ આપણાં શરીર પર પણ ખોટી અસર કરે છે. આપણે ગંભીર બીમારીઓના શિકાર બનીએ છીએ. આ તણાવ માત્ર શરીરને જ નુકશાન નથી પહોંચાડતું પણ આ તણાવના કારણે સંબંધોમાં ખટાશ આવવાની શક્યતાઓ પણ વધી જાય છે. ઘરમાં કજિયા કંકાસનો વધારો થાય છે. જીવન જાણે નાશ પામે છે. માટે આ તણાવથી જો દૂર રહેવું હોય તો પોતાના રસના ક્ષેત્રમાં જ કામ કરવું જોઈએ, જેથી આપણે આપણું કામ માણી શકીએ અને ઉત્સાહ અને આનંદ સાથે કામ કરી શકીએ. જો આપણે પોતાના રસનું કામ કરીએ છીએ તો તેમાં આપણું મન એકાગ્રતા પૂર્વક પોરવાયેલું હોય છે કારણ કે એ કામ કરવામાં આપણને આનંદ આવે છે, જ્યારે એકાગ્રતાથી કોઈ કામ થાય ત્યારે તેમાં સફળતા તો ચોક્કસ મળે જ ને..??!!

પોતાના સપનાને બાળકોની જવાબદારી ન બનાવવી..

અહીં એક વાત એ પણ છે કે કેટલાક લોકો એવા પણ હોય છે કે જે પોતાના ન પૂરા થયેલ સપનાઓને પૂરા કરવા પોતાના બાળકો ઉપર આશા અને અપેક્ષા રાખે છે અને બાળકો તેમના માતા-પિતાના સપના પૂરા કરવા માટે પોતાના સપનાઓનો ભોગ આપી દે છે. સંસ્કાર અને સંસ્કૃતિનું આ કદાચ ઉત્કૃષ્ટ ઉદાહરણ હોઈ શકે પણ જે સંસ્કૃતિ અને સંસ્કાર બાળકને જીવન માણવાનું શીખવાડવાની જગ્યાએ માત્ર જીવી નાખવાની શિક્ષા આપે એ શું કામના??? માટે વડીલો અને માતા-પિતાએ પણ બાળકોને સ્વતંત્રતા પૂર્વક તેમના ગમતા ક્ષેત્રમાં આગળ વધવાની અને સફળતાના શિખરોને સર કરવાની છુટ આપી તેમના આત્મવિશ્વાસમાં વધારો કરવો જોઈએ.. તેમણે કહેવું જોઈએ કે “બેટા તમારે જે ક્ષેત્રમાં આગળ વધવું હોય તેમાં વધો… હું/અમે તમારી સાથે જ છું/છીએ. આમ કરવાથી બાળક પોતાના મનગમતા વિષયનુ નિષ્ઠા પૂર્વક અધ્યયન કરશે અને ઉત્તમ જ્ઞાન મેળવી એ ક્ષેત્રમાં સફળતાને પ્રાપ્ત કરશે. અને જ્યારે પોતાના મનગમતા ક્ષેત્રમાં આગળ વધી સફળ થશે તો તે જીવનને માણી અને તણાવમુક્ત જીવન જીવશે. આનો બીજો લાભ એ પણ કે બાળકોની નજરમાં તમારું માન પણ વધશે. ગર્વથી કહેશે કે “મારા માતા-પિતાએ મને હંમેશા પૂરતી સ્વતંત્રતા આપી છે.” આ પૂરતી સ્વતંત્રતા તેમને જવાબદાર બનાવશે અને તમારું નામ ઉજ્જવળ પણ કરશે. માટે હંમેશા બાળકોને તેમની મરજી પ્રમાણે અને રસ પ્રમાણેનું ક્ષેત્ર પસંદ કરવા દો અને આગળ વધવા દો. હા, ચોક્કસ એમનું માર્ગદર્શન કરી એમને ગેરમાર્ગે દોરાતા રોકો અને સાચાખોટાનું ભાન પણ કરાવો… એની જરાય ના નહીં પણ પોતાના સપના પૂરા કરવાનું સાધન પોતાના બાળકને ન જ બનાવશો.

આપણાં સૌનું અંતિમ ધ્યેય ખુશહાલી અને આત્મિક આનંદ જ હોય છે, એ વાતને તો તમે સૌ સહમત થશો જ. તો આ ખુશી કે આત્મિક સુખ/આનંદ ક્યારે મળે??? આ ત્યારે જ મળે જ્યારે આપણે જીવનને પોતાની મરજી મુજબ જીવીએ અને પોતાના મનપસંદ ક્ષેત્રમાં કામ કરી સફળતા મેળવીએ… માટે જે કરો તે મનથી કરો. અને પોતાના નફા, નુકશાન, સફળતા અને નિષ્ફળતાની શક્યતાઓ વગેરે બધા જ પાસાઓને જાણી પારખીને જે કામ કરવામાં આનંદ આવતો હોય અને જે વિષયનો અભ્યાસ કરવામાં રુચિ પડતી હોય તે પસંદ કરો તો સફળતા ચોક્કસ મળે છે અને જ્યારે સફળતા મળે છે ત્યારે ચોક્કસ આપણું અંતિમ ધ્યેય એટલે કે ખુશહાલી અને આત્મિક આનંદ પ્રાપ્ત થઈ જ જાય છે.

તો ચાલો આજથી જ નક્કી કરીએ કે જે કોઈ કામ કરીશું તે મનથી કરીશું અને સફળતાનો સ્વાદ ચાખવાની સાથે જીવનને માણીશું પણ ખરા…. અને હંમેશા તણાવમુક્ત રહી ખુલ્લા મનથી હસીશું અને હસતાં શીખવાડીશું સૌને…!

 

હાર્દિક કલ્પદેવ પંડયા

પર્યાવરણ બચાવો, જીવન સંવારો…!

આજના આ આધુનિક યુગમાં દુનિયા જ્યારે વિકાસને ઝંખી રહી છે ત્યારે વિકાસની આંધળી દોટમાં કુદરતી સંપત્તિનું જતન અને રક્ષણ કરવાની જવાબદારીની આપણાથી ઉપેક્ષા થઈ જાય છે. સામાન્ય જનમાનસના રહેઠાણ અને રોજગારની સગવડો ઊભી કરવા માટે રહેવાસી વિસ્તારો તથા ઔધ્યોગિક વિસ્તારોના નિર્માણ માટે આપણે જંગલો કાપ્યા અને નદીઓમાં પણ સિમેન્ટ અને કોંક્રેટના ઢગલા કર્યા. આ જ મૂળ કારણ છે કે આજે આપણે ઘનઘોર જંગલો અને નિર્મળ વહેતી નદીઓને લુપ્ત થતાં જોઈ રહ્યા છીએ. વૃક્ષારોપણ તો જાણે ઘટતું જ ગયું છે અને એટલે જ પૃથ્વીનું ધોવાણ વધતું ગયું છે. પરિણામે પ્રદૂષણ અને કુદરતી આપદાઓનું પ્રમાણ વધારવામાં આપણે જ કારણભૂત બન્યા છીએ.

સુનામી આવે કે ભૂકંપ… દુકાળ સર્જાય કે અતિવૃષ્ટિ…. તકલીફો કોઈપણ પડે આપણે સરકાર અને પ્રશાસન ઉપર ઠીકરું ફોડી પોતાની જવાબદારીઓથી મુક્ત થઈ જઈએ છીએ. પણ શું એમ આસાનીથી આપણી કુદરત તરફની જવાબદારીઓથી મુક્ત થઈ શકાય ખરું?? શું આપણી કોઈ જવાબદારી નથી?? આ પર્યાવરણ આપણને સુંદર, સ્વસ્થ જીવન અને જીવન-નિર્વાહ માટેના સંસાધનો આપે છે તો શું એ આપણી ફરજ નથી કે આપણે પણ તેનું જતન કરીએ?? જો આપણે ફરજો નિભાવી ન શકીએ તો હક માંગવાનો અધિકાર પણ આપણને નથી…! આજે આધુનિકરણના નામે આપણે જળ, વાયુ, ધરતી અને આકાશ બધુ જ દૂષિત કરી દીધા છે. માણસ તો ઠીક પણ આપણે તો પશુ-પક્ષી અને જંગલી પ્રાણીઓનું જીવન પણ દુશ્વાર કરી દીધું છે. અને એટલે જ આજે કેટકેટલાય પ્રાણીઓ માત્ર ફોટાઓમાં જ જોવા મળે છે. જો આમ જ ચાલશે તો આ દુનિયા નષ્ટ થતાં વાર નહીં લાગે. આપણે સમજવાની જરૂર છે કે જો આપણે જીવન ટકાવી રાખવું હશે તો પર્યાવરણને બચાવવું જ પડશે અને એ વાતને પોતાની ફરજ માનીને સ્વીકાર કરવી પડશે. આ માટે કોઈ મોટા વેદ ભણવાની જરૂર પણ નથી. કશું જ અઘરું નથી. જો આપણે ઇચ્છીએ તો ખુબ જ સહેલાઈથી આપણે પર્યાવરણનું સંરક્ષણ કરી શકીએ છીએ. બસ દૃઢ ઇચ્છાશક્તિ અને સંકલ્પની જરૂર છે.

પર્યાવરણને બચાવવાનો એક ઉત્તમ ઉપાય છે વૃક્ષારોપણ. આપણે રહેઠાણ અને ઔધ્યોગિક ક્રાંતિ માટે ઇમારતો બનાવવા વૃક્ષો કાપ્યા અને જમીનને ખોખલી અને કમજોર કરી નાખી. કહેવાય છે કે વૃક્ષો વરસાદ લાવવામાં મદદ કરે છે. આ વૃક્ષો કાપવાના કારણે વરસાદ અનિયમિત થઈ ગયો. એટલું જ નહીં વાયુ પ્રદૂષણ અને જળ પ્રદૂષણમાં પણ વધારો થયો. અને આ જ કારણે બધી જ ઋતુઓ અનિયમિત થઈ ગઈ, જેને કારણે જમીનનું ધોવાણ વધ્યું અને તેની ફળદ્રુપતાની સાથે સાથે મજબૂતી પણ ખોરવાઈ ગઈ. જળ અને વાયુની સ્વચ્છતા ખોવાઈ ગઈ અને આપણુ જનજીવન મુશ્કેલીમાં મુકાઇ ગયું. માટે જો આપણે વૃક્ષો વાવીશું તો જમીનનું ધોવાણ અટકશે. જમીનની ફળદ્રુપતા ટકી રહેશે. સુનામી, પૂર, વાવાઝોડા, અતિવૃષ્ટિ અને અનાવૃષ્ટિ જેવી આપદાઓથી આપણું રક્ષણ થશે. ભલે આપણી સગવડ અને સુવિધાઓ માટે એક વૃક્ષ કાપીએ, પણ એની સામે આગિયાર વૃક્ષ વાવીએ. વાયુ અને જળમાં થતાં પ્રદૂષણને અટકાવવામાં પણ આ વૃક્ષારોપણ મદદરૂપ થઈ શકે છે.

ચાલો સંકલ્પ કરીએ વૃક્ષો વાવીએ

અને પર્યાવરણ બચાવવામાં આપણુ નાનું અમથું યોગદાન આપીએ.

 

હાર્દિક કલ્પદેવ પંડ્યા

પરીક્ષાથી ડરવાની જરૂર નથી…

પરીક્ષા… શબ્દ સાંભળતા જ પરસેવો છૂટી જાય. શરીરમાં જાણે ધ્રુજારી થવા લાગે… માતા સીતા, અર્જુન જેવા પૌરાણિક પાત્રો યાદ આવી જાય. પણ શું ખરેખર આ પરીક્ષાથી ડરવાની જરૂર છે ખરી?? ના… જરાય નહીં.

આજના આ સ્માર્ટફોનના જમાનામાં માણસ જેટલો સ્માર્ટ બન્યો છે એટલો જ ડરપોક પણ. પરીક્ષાના નામથી જ એટલો ગભરાય છે કે ના પુછો વાત. અને આ ડરને દૂર કરવા અને પરીક્ષાથી બચવા આપઘાત જેવા ખોટા રસ્તે ચાલી નીકળે છે. જે ખરેખર ખોટું છે. મિત્રો, પરીક્ષા એ આપણને ડરાવવા કે હેરાન કરવા માટે નથી, બલ્કે આ પરીક્ષા એ આપના સર્વાંગી વિકાસ માટે અને આપની લાયકાતને પારખવા અને વધારવા માટેની પગદંડી છે. જેને પાર કરી આપણે સફળતાના મુકામે પહોંચીએ છીએ. માટે ક્યારેય પરીક્ષાથી ગભરાવું જોઈએ નહીં. બલ્કે નિષ્ઠા પૂર્વક સખત અને સાચી દિશામાં મહેનત કરવી જોઈએ અને પોતાની મહેનત ઉપર આત્મવિશ્વાસ રાખવો જોઈએ.

જો કે હા, આવા પ્રેરક લેખ, પ્રેરક વકતાવ્યો માત્ર પ્રેરણા પૂરી પાડી શકે છે, બાકી આત્મવિશ્વાસ સૌએ પોતાની અંદરથી જાતે જ જગાવવો પડે. અંદરથી આત્મવિશ્વાસ ન જાગે ત્યાં સુધી કંઈ જ શક્ય નથી. માટે આત્મવિશ્વાસ કેળવો અને સાચા રસ્તે મહેનત કરવા કટિબદ્ધ રહો. કારણ કે મહેનત વગર કંઈ જ મળતું નથી. ઘણી વખત એવું પણ બને છે કે વ્યક્તિ મહેનત કરવા તૈયાર જ નથી હોતો, એને મહેનત વિના જ ઘણું બધુ મેળવવું હોય છે, અને એ નિષ્ક્રિય બેસી રહે છે. અને પરીક્ષાની ઘડીએ આ આળસ જ ભયને જન્મ આપે છે. માટે એ પણ કહીશ કે ક્યારેય મહેનત કરવામાં આળસ કરવી જોઈએ નહીં. કારણ કે નિષ્ઠા પૂર્વક સખત અને સાચી દિશામાં મહેનત એ જ સફળતાની ચાવી છે, જેનો કોઈ ટૂંકો રસ્તો નથી.

આજે વાત કરીએ ધોરણ દસ અને બારમાં ભણી રહેલા અને બોર્ડની પરીક્ષાની તૈયારી કરી રહેલા વિદ્યાર્થી મિત્રો માટે, અને સાથે જ બીજી કોઈપણ સ્પર્ધાત્મક પરીક્ષા આપી રહેલા મિત્રો માટે…! થોડા ઘણા સૂચનો અને ઉપાયો કે જે આ કહેવાતા પરીક્ષાના ભયને દૂર કરવામાં મદદ કરી શકે છે. પણ હા એક વાત યાદ રાખજો મિત્રો આ બધા જ ઉપાય કે સૂચન ત્યારે જ કામ લાગે છે જ્યારે આપણને પોતાને એના ઉપર વિશ્વાસ હોય. એ વગર એ સૂચનોનો કોઈ મતલબ નથી. માટે વિશ્વાસ કેળવી આ સૂચનોનું અનુસરણ કરજો.

વિદ્યાર્થી મિત્રો, સૌથી પહેલા તો હું એમ કહીશ કે મમ્મી-પપ્પા, ગુરૂજનો અને વડીલો તમારા ઉપર જે અપેક્ષા રાખે છે એમાં એમનો કોઈ સ્વાર્થ નથી. તેઓ માત્ર એટલું ઇચ્છે છે કે તમે પરીક્ષામાં ઉત્તીર્ણ થઈ સફળતા મેળવો. માટે એ અપેક્ષાઓ પ્રત્યે જે ભય મનમાં હોય એને કાઢી નાખો. અને વિશ્વાસ રાખો કે તમે એ અપેક્ષાઓને પૂરી કરવા સક્ષમ છો એટલે જ તમારા વડીલો અને ગુરૂજનો આપેક્ષા રાખી રહ્યા છે. હવે જ્ઞાન મેળવવાનો સૌથી ઉત્તમ ઉપાય એટલે વાંચન. થોડું થોડું કરીને પણ રોજ વાંચન ચાલુ રાખવું જોઈએ. અરીસા સામે ઊભા રહી મોટા અવાજે વાંચવું જોઈએ. અને આ વાંચન દ્વારા મેળવેલું જ્ઞાન સ્થાયી રૂપે યાદ રાખવું હોય તો એને લખવાનું રાખવું જોઈએ. પરીક્ષાની તૈયારી માત્ર પરીક્ષા આવે ત્યારે નહીં પણ આખું વર્ષ મહેનત કરો. વાંચન અને લેખન દ્વારા જ્ઞાનનું સિંચન પોતાના મગજમાં કરો. રોજ સવારના ત્રણથી ચાર કલાક વાંચન માટે ફાળવો. સવારનો સમય ખૂબ જ લાભદાયી રહે છે, કારણ કે આપણું મન એ ખૂબ અતિક્રિયાશીલ હોય છે, અતિ ચંચલ હોય છે, અને એટલે જ વિચારોનો વંટોળ આપણી એકાગ્રતાને ભંગ કરી શકે છે, રાત્રિના આઠ કલાકના આરામ બાદ જ્યારે સવારે ઊઠીએ છીએ ત્યારે આપણા મન મગજમાં વિચારોના વંટોળની ગતિ મંદ હોય છે જેને નિયંત્રિત કરી આપણે મનને વાંચનમાં એકાગ્ર કરી શકીએ છીએ. અને એકાગ્રતા પૂર્વક કરેલું કોઈ પણ કામ સફળ જ નીવડે… પછી એ વાંચન જ કેમ ના હોય…! સવાર સવારમાં વાંચન અને લેખન કરેલું જલ્દી યાદ રહી જાય છે. આ સિવાય શાળા અને ટ્યુશન ક્લાસમાં ગંભીરતા પૂર્વક ધ્યાન આપો. વિષયોને માત્ર રટો નહીં. શબ્દે શબ્દ સમજીને વાંચો, લખો. જો સમજીને વાંચશો અને લખવાની પ્રેક્ટિસ રાખશો તો ચોક્કસ યાદ રહી જશે અને ક્યારેય ભૂલી નહીં જવાય. વાંચન અને લેખન માટે સમય પત્રક બનાવવું જોઈએ. અને શિસ્તબદ્ધ રીતે એનું પાલન કરી ભણવું જોઈએ. જ્યારે પણ પરીક્ષાખંડમાં પરીક્ષા આપવા બેસો ત્યારે આપણાં મગજમાં એકમાત્ર વિષય, અભ્યાસક્રમ, અને પ્રશ્નપત્ર હોવું જોઈએ. એ સિવાય કોઈપણ પ્રકારના પાસ, નાપાસ, સફળ, અસફળ વગેરે જેવા વિચારો મનમાં આવવા જોઈએ નહીં. બસ આત્મવિશ્વાસ પોતાના ઉપર અને શ્રદ્ધા ભગવાન ઉપર રાખી પ્રશ્નપત્ર ઉપર ધ્યાન કેન્દ્રિત કરી પરીક્ષા આપવી.

આ સાથે એક વાત એ પણ યાદ રાખવી જોઈએ કે કોઈ પણ વસ્તુની અતિ હંમેશા નુકસાનકારક જ હોય છે. માટે ક્યારેય પુસ્તકિયા કીડા બનવા પ્રયત્ન ન કરવો. ભણતર, વાંચન અને લેખનની સાથે પોતાના મગજને આરામ અને મનોરંજન થકી રિફ્રેશ રાખવું પણ જરૂરી છે. તબિયતનું ધ્યાન રાખવું પણ જરૂરી છે. દિવસમાં છ કલાકની ઊંઘ અને બે-ચાર કલાકની મનોરંજક પ્રવૃતિને પણ ભણતરની સાથે સ્થાન આપવું જોઈએ. સંગીત સાંભળવું, વાર્તા કે નવલકથાના પુસ્તક વાંચવા, થોડુઘણું ટીવી જોવું અથવા થોડીવાર બગીચામાં ફરવું, મિત્રો સાથે મજાક મસ્તી કરવી, પોતાની મનગમતી રમત રમવી. આમ મગજને સ્ફૂર્તિલૂ અને તરોતાજા રાખવા માટે પણ સમય ફાળવવો જોઈએ. જેથી આપણો સર્વાંગી વિકાસ સુદૃઢ રીતે થાય.

ચાલો આ સાથે સૌ વિદ્યાર્થી મિત્રોને પરીક્ષા માટે ખુબ ખુબ શુભેચ્છાઓ…! અને જીવનની પરીક્ષા આપી રહેલા સૌ લોકોને પણ સકારાત્મક રહી બસ આવેલ પરીક્ષાને માણવા અને ભગવાન પર શ્રદ્ધા રાખી નિષ્ઠા પૂર્વક મહેનતથી પરીક્ષા પાર કરવી… સફળતાના રૂપમાં સુખ, સમૃદ્ધિ અને સ્વાસ્થય પણ મળશે જ.

હાર્દિક કલ્પદેવ પંડયા

મોટિવેશન શું છે?? પ્રેરણા કોને કહેવાય??

આ મોટિવેશન શું છે?? પ્રેરણા કોને કહેવાય??

પ્રેરણા કે મોટિવેશન બીજું કંઈ જ નહીં પણ આપણી અંદર રહેલ સકારાત્મક્તાનો પ્રકાશપુંજ છે. પ્રેરણા આપણી અંદર જ છે, બહારથી આપણને પ્રેરણા કોઈ ના આપી શકે… પ્રેરક લેખ લખનાર લેખક હોય કે પ્રેરક વક્તવ્ય આપનાર વક્તા કોઈ આપણને પ્રેરણા આપી નહીં શકે, જ્યાં સુધી આપણે એના શબ્દોને સ્વીકારવા તૈયાર ના હોઈએ, આપણે ખોટા રસ્તે જઈ રહ્યા છીએ એ સ્વીકારીએ નહીં ત્યાં સુધી કોઈ આપણને સાચો રસ્તો બતાવી, એ તરફ વાળી નહીં શકે…

જાગવાની ઈચ્છાશક્તિ આપણાંમાં નહીં હોય ત્યાં સુધી એલાર્મ પણ આપણને જગાડી નહીં શકે

આખી વાત ઈચ્છાશક્તિની છે… જો આપણી અંદર ઈચ્છાશક્તિ ના હોય, તો આપણને કોઈ કંઈ જ કરાવી શકવાના નથી…! આ પ્રેરક લેખ કે વકતવ્યો એલાર્મ જેવા છે… એ આપણી અંદર સુસુપ્ત અવસ્થામાં રહેલ સકારાત્મક ઉર્જાના પુંજને જગાડવાનું કામ કરે છે..! પણ જાગવાનુ કામ તો આપણે જાતે જ કરવું પડે…! પણ પ્રોબ્લેમ એ છે કે આપણને એલાર્મમાં સ્નુઝનો પણ વિકલ્પ આપેલો હોય છે અને એની આપણને આદત પડી ગઈ છે, સ્નુઝ દબાવી પાછા સૂઈ જવાનું… આ વકતવ્યો સાંભળીએ કે લેખ વાંચીએ એટલે પૂરું નથી થઈ જતું, એ વિચારોને અમલમાં મૂકવા પડે, પોતાના જીવનમાં પરિવર્તન લાવવા તૈયાર થવું પડે… જો ઈચ્છાશક્તિનો અભાવ હોય, પોતાની ભૂલ સ્વીકારવાના અને પોતે ખોટા છે એ વાત સ્વીકારવાના સ્વભાવનો અભાવ હોય તો આપણે આ પ્રેરક શબ્દોને સ્વીકારી નહીં શકીએ અને પોતાની ભૂલો પણ નહીં સમજાય. તો તમે જ કહો ફાયદો ક્યાંથી મળવાનો??

જેમનામાં ઈચ્છાશક્તિ હોય છે એ લોકો પોતાના ધ્યેયને વળગી રહે છે અને ક્યારેય નિષ્ક્રિય બેસી નથી રહેતા. હંમેશા કર્મઠ બની પોતાનું કામ કરતાં રહે છે, પોતાની ભૂલ સ્વીકારવામાં સંકોચ નથી કરતાં, ભૂલ સુધારવા કટિબદ્ધ રહે છે, પોતાની ફરજો નિષ્ઠા પૂર્વક નિભાવતા રહે છે, અને જે પોતાની ફરજો નિષ્ઠાપૂર્વક નિભાવે છે, જીવનમાં પરિવર્તન લાવવાથી ડરતા નથી, જોખમ લેવા તૈયાર રહે છે, એ હંમેશા સફળ થાય જ છે… આ ફરજો નિભાવવાની અને સખત મહેનત સાથે ઈમાનદારીથી કામ કરવાની ઈચ્છાશક્તિ હોયને તો પ્રેરણા આપોઆપ અંદરથી જ મળી જાય… બહારથી કશું જ મેળવવાની જરૂર નથી. પ્રેરક લેખો કે વકતાવ્યો તો આપણને એક દિવસ માટે સકારાત્મક ઉર્જા પૂરી પાડે છે, પણ જે પ્રેરણા અંદરથી મળે છે એ આજીવન મરીએ ત્યાં સુધી આપણને કર્મઠ બની કામ કરવાની અને સફળતા મેળવવાની શક્તિ અને સ્ફૂર્તિ આપે છે… હા બધાની અંદર પ્રેરણા જાગૃત અવસ્થામાં નથી હોતી કેટલાકની અંદર આ પ્રેરણાનો પ્રકાશપુંજ સુસુપ્ત અવસ્થામાં આવી ગયો હોય છે ત્યારે પ્રેરક લેખો અને વકતાવ્યો એમને જાગૃત થવામાં મદદ કરે છે… પણ મૂળે એક વાત ચોક્કસ કે એ પ્રેરક શબ્દોથી મળેલ ઉર્જાને સક્રિય કરી આપણાં એ પ્રેરણના પ્રકાશપુંજને જાગૃત આપણે જ કરવો પડે..! એ સિવાય આ શબ્દોનો કોઈ અર્થ નથી. માટે પ્રેરક વક્તયો સાંભળવા અને પ્રેરક લેખ વાંચવા ખરા પણ એ પહેલા એ શબ્દોને હું મારા જીવનમાં ઊતરીશ અને મારા જીવનમાં પરિવર્તન કરીશ એ બાહેંધરી પોતાની જાતને આપવી અને પોતાની ઇચ્છાશક્તિને પ્રબળ કરવી જ રહી.

જો મહેનતમાં પ્રમાણિક્તા નહીં હોય, તો સફળતા અને સમૃદ્ધિ પણ આપણી પાસે પ્રમાણિક્તા દાખવશે નહીં…!

પોતાની જાતને કહેવું પડે કે મારે સફળ થવું છે.. કામ કરવું છે અને મહેનતથી ઉપર ઊઠવું છે… અને હું એ માટે સક્ષમ છું, કટિબદ્ધ છું. સફળતાનો કોઈ ટૂંકો રસ્તો નથી… અને આ રસ્તા પર કુદકા મારીને એને ટૂંકો પણ ન જ કરાય… કુદકા મારવા જઈશું તો ચોક્કસ પડીશું જ… આ સફળતાના રસ્તે તો શાંતિ, સમજદારી અને ઈમાનદારી પૂર્વક ચાલીને જ જવું પડે…! તો જ સફળતા મળશે, બાકી નિષ્ફળતા જ મળશે…! જો મહેનતમાં પ્રમાણિક્તા નહીં હોય, તો સફળતા અને સમૃદ્ધિ પણ આપણી પાસે પ્રમાણિક્તા દાખવશે નહીં… ગમે ત્યારે દગો દઈ જશે…! અને આપણે સફળતાના આસમાનેથી ભોંયતળીએ પછડાઈશું…! એક વાત હંમેશા યાદ રાખવી કે જો નિષ્ફળતાને સ્વીકારવાની હિંમત આપણી અંદર હશે તો જ આપણે સફળતાને પણ મેળવી અને માણી શકીશું. જો નિષ્ફળતાને સ્વીકારીશું નહીં તો સફળ થઈ જ નહીં શકીએ…! કારણ કે નિષ્ફળતાને સ્વીકારીશું તો ભૂલ શું કરી એ સમજી શકવા સક્ષમ થઈશું. અને ભૂલ સમજાઈ જશે તો એ સુધારવાના રસ્તા પણ મળી જશે… અને ભૂલ સુધારી લઈશું એટલે સફળતા પણ મળી જ જશે. અને એ ભૂલ સુધારીને મેળવેલ સફળતાનું જે સુખ હશે એ આપણને એક અનોખો આનંદ આપશે… મન પ્રફુલ્લિત થઈ જશે અને આપણને જીવન જીવતા અને માણતા પણ આવડી જશે…

બાકી આપણે બધા  જ અહીં સફળ થવા અને દુનિયાનું બધુ સુખ માણવા જ જનમ્યા છીએ… આપણાં જીવનમાં જે પરીક્ષાનો સમય આવે છે કે પ્રતિકૂળ પરિસ્થિતિ સર્જાય છે એ બીજું કંઈ નહીં પણ મારા પ્રગતિ માટે ભગવાને સર્જેલી મારી કાબેલિયત પારખવા માટેની પરીક્ષા જ છે જે પરીક્ષા પણ ભગવાન પોતે જ આપે છે, મને તો માત્ર એમાંથી પસાર જ કરે છે… અને એટલે જ હું ઉત્તીર્ણ થઈને મસ્ત મજાનાં ફળ મેળવું છું. આપણે આ વાત પર ભરસો કરતાં શીખવું પડશે…! ભગવાન પર શ્રદ્ધા રાખવાની જરૂર છે..! પછી જુઓ કોઈ સમય તકલીફ વાળો નહીં લાગે… મન દુખી નહીં થાય… ચહેરા પરનું સ્મિત ક્યાંય નહીં ખોવાય…! એક એક દિવસ… એક એક પળ તહેવાર સમી થઈ જશે..! અને તહેવાર તો ઉજવવા માટે જ હોય ને..! આખું જીવન માત્ર જીવી ન નાખીએ…! તહેવારની જેમ માણીએ…!

પોતાની અંદર જીવન માણવાની ઈચ્છાશક્તિ ઉત્પન્ન કરીએ… આપણને અને આપણાં થકી બીજાને પણ જીવન માણવાની પ્રેરણા આપોઆપ મળી જશે.

 

હાર્દિક કલ્પદેવ પંડ્યા

સફળ લગ્નજીવનના નીતિ નિયમો શું?

હિન્દુ ધર્મ-શાસ્ત્રો મુજબ જીવનમાં સોળ સંસ્કારોનું મહત્વ રહેલું છે. એ સોળ સંસ્કારોમાં એક છે લગ્ન. આ લગ્ન એટલે એક છોકરા અને એક છોકરીનું વિધિવત મેળાપ નહીં, પણ બે અલગ અલગ સભ્યતાઓનો, બે અલગ અલગ વિચારસરણીનો એકમેકમાં સમન્વય..! આજના સમયમાં સમાજમાં લગ્નના બે પ્રકાર છે.: ૧) પ્રેમ લગ્ન અને ૨) વ્યવસ્થા લગ્ન(arrange marriage) એવું કહી શકાય. પણ હું કહીશ કે જે પણ લગ્ન થાય છે એ પ્રેમ લગ્ન જ હોય છે. પહેલાના સમયમાં જ્યારે બાળ લગ્નની પ્રથા હતી ત્યારથી માંડીને હાલના સમયમાં થતાં કહેવાતા વ્યવસ્થા લગ્ન મારા મતે વાસ્તવમાં પ્રેમ લગ્ન જ ગણાય. કારણ કે એમાં પણ બે પરિવારની કે બે વડીલોની સ્નેહ ભાવના, એકબીજા પ્રત્યે સન્માનની ભાવના સમાયેલી હોય છે. બે પરિવાર કે બે વડીલો (હાલના સમયમાં છોકરા-છોકરી સહિત) જ્યારે અરસપરસ આત્મીયતાનો અનુભવ કરે છે, અને એમનામાં વિશ્વાસ ઉદભવે છે કે આપણે એકબીજાના રીતિરિવાજ સારી રીતે સમજી અને નિભાવી શકીશું ત્યારે જ તો લગ્ન નક્કી થાય છે. જેમ પ્રેમ લગ્નમાં છોકરો અને છોકરી એકબીજાને પસંદ કરે છે, એકમેકની ભાવનાઓનું સન્માન કરે છે, એકબીજા પ્રત્યે આત્મીયતા અનુભવે છે, અને પછી લગ્નેતર સંબંધમાં બંધાવા તૈયાર થાય છે, એમ જ…! જો એ આત્મીયતા ન બંધાય તો શું લગ્ન નક્કી થાય?? ના…! ક્યારેય નહીં. તો પછી એ પણ પ્રેમ લગ્ન જ થયા ને..!

“હક છીનવી ન શકાય એને જીતવા પડે.”

કેટલાક કિસ્સાઓ દુખદ હોય છે, જ્યાં લગ્ન વિચ્છેદને આરે આવીને ઊભા થઈ જાય છે. પણ એમાં પણ વાંક લગ્ન પ્રકારનો તો નથી જ હોતો. લગ્ન સંબંધ હોય કે બીજો કોઈ પણ સંબંધ, દરેક સંબંધમાં અમુક હક અને ઘણી બધી ફરજો મળતી હોય છે જેને નિભાવીને જ સંબંધ મધમીઠો રાખી શકાય છે, સંબંધ તૂટવાનું અથવા સંબંધોમાં તિરાડ પાડવાનું કારણ અપેક્ષાઓ પૂરી ન થવી અને ફરજપાલનની તૈયારી ન હોવી, એ જ હોય શકે. એક વાત સનાતન સત્ય છે જે આપણે સ્વીકારવી જ રહી, કે હક અને ફરજ બેય એક જ સિક્કાની બે બાજુ છે, અને બંને સાથે જ મેળવી શકાય છે, પહેલા હક અને પછી ફરજ કે પહેલા ફરજ અને પછી હક એ રીતે નહીં. જો હક મેળવવા તૈયાર હોવ તો સાથે ફરજ નિભાવવા તૈયારી બતાવવી જ પડશે અને જો ફરજો નિભાવવા તૈયાર હોવ તો હક જીતવા કેવી રીતે તે પણ શીખવું પડશે. એ વગર નહીં જ ચાલે. કારણ કે હક હંમેશા જીતવા પડે છે, તેને છીનવી ન જ શકાય.

“એક વાત યાદ રાખો, કોઈપણ સંબંધની શરૂઆત વ્યક્તિમાં રહેલ આભાથી થાય છે,

પણ તેના ટકવા કે તૂટવા પાછળ વ્યક્તિનો વ્યવહાર કારણભૂત હોય છે.”

હવે સફળ લગ્નેતર સંબંધના નીતિનિયમો શું? તો પહેલા તો સફળ કોને કહેવાય? એ સમજીએ… સફળ એટલે જેના જીવનમાં સુખાકારી, સમૃદ્ધિ, અને સ્વાસ્થયનો સમન્વય હોય તે. અને આ સમન્વય ત્યારે જ શક્ય છે જ્યારે ફરજ અને હકનુ સુયોગ્ય રીતે સભાનતાપૂર્વક નિર્વહન થાય. આપણે હંમેશા યાદ રાખવું જોઈએ કે જો આપણે કોઈને પોતાના કરવા હોય તો પહેલા આપણે એને સમર્પિત થવું પડે, એ વગર કોઈને પણ પોતાના કરવા શક્ય નથી. પોતાની ઈચ્છાઓને માન મળે એ અપેક્ષા કરતાં પહેલા આપણા સાથીની ઈચ્છાઓને માન આપવું પડે. આપણને ખબર હોય કે આપણે સાચા છીએ, પણ એ વાત આપણા સાથી પર થોપવાનો હઠાગ્રહ ન જ રખાય. અને એમ કરવા જઈએ તો સંબંધમાં તિરાડ પાડવાની કે ઘસારો પહોંચવાની શક્યતા વધી જાય છે, શરૂઆત તો એની વાતને માન આપીને જ કરવી પડે, ત્યાર પછી જ શાંતિથી વાતચીત અને પોતાના તર્ક થકી આક્રોશ વિના સમજાવવા પ્રયત્ન કરવો જોઈએ. ચોક્કસ ઈચ્છિત પરિણામ આવે જ. જે અપેક્ષા આપણે આપણા સાથી પાસે રાખીએ છીએ એ જ ફરજ સ્વરૂપે આપણે એના માટે પણ નિભાવવી પડે. કેટલીક વખત બાંધછોડ કરવી પડે તો એ માટે તૈયારી પણ રાખવી પડે. જો આપણે “હું”પણું છોડી નહીં શકીએ તો કોઈ પણ સંબંધને આપણે નિભાવી શકીશું નહીં, એવું જ દાંપત્યમાં પણ છે. એટલે જ સુખી અને ખુશહાલ દાંપત્યજીવન માટે “હું”પણું પણ છોડવું જ પડે.

ભલે આપણી સફળતા અને સમૃદ્ધિ આપણી પોતાની મહેનતથી જ હોય, પણ આપણા સાથીને શ્રેય આપતા શીખવું જોઈએ. કારણ કે એનો મૂક-સહકાર પણ આપણી સફળતા માટે જવાબદાર છે જ, જો આપણો સાથી સહકાર અને સાથ આપવા તૈયાર જ ન હોત તો?? એની આપણા કાર્ય અને આપણી ક્રિયાશીલતાને મંજૂરી જ ન હોત તો? શું આપણી સફળતા શક્ય હતી? બસ એ મંજૂરી માટે શ્રેય આપવો જોઈએ. કોઈને પોતાના કરવા માટેનો આ એક અકસીર ઉપાય છે. આપણા સાથીના સહકારની, એના કામની સરાહના કરવી જોઈએ. ભલેને નાનામાં નાનું કામ કે નાનો અમથો જ સહકાર કેમ ન હોય, એનું “એ તો એની ફરજ છે, એમાં શું મોટી વાત છે?” એમ કહી અપમાન ન કરતાં એની આભાર કહી સરાહના કરવી જોઈએ. આ નાનકડી સરાહના પણ હૃદય જીતી શકે છે.

દાંપત્ય સંબંધની સફળતા માટે જરૂરી છે કે આપણે આપણા સાથીને તેના અવગુણો સાથે સ્વીકારીએ. કોઈપણ સંજોગોમાં એને બદલવા હઠાગ્રહ ન જ કરીએ. કારણ કે જે આપણા માટે અવગુણ છે એ આપણા સાથી માટે જીવનનો સિદ્ધાંત અને જરૂરિયાત હોઈ શકે, અને એની પાસે એ સાબિત કરવા તર્ક પણ હોય, એવું’ય બને. આમ પણ કોઈના કહેવાથી જો પોતાનો મૂળ સ્વભાવ બદલવા તૈયાર થઈ જાય તો એ સાચો માણસ નથી જ. એ વાત હું દૃઢપણે માનું છું. બદલાવ, પરિવર્તન અંદરથી આવે છે, બહારથી નહીં. હા, પ્રેરણાસ્રોત બની શકાય. પણ હઠાગ્રહ કરવો એ આપણા સંબંધ માટે અહિતકર્તા થઈ શકે છે. જો આપણે આપણા સાથીના ગુણો કરતાં અવગુણો પર વધુ ધ્યાન આપીએ છીએ તો આપણા સાથીની આંખો દ્વારા આપણી ભૂલોને જોવાની પણ તૈયારી રાખવી પડશે. જો એમ નહીં થાય તો ક્લેશ જન્મ લેશે જ. માટે ખુશહાલ દાંપત્યજીવન માટે એકબીજાના અવગુણોને સ્વીકારી એકબીજાના ગુણોની સરાહના કરી જીવતા અને સાથ નિભાવતા શીખવું જોઈએ. એક દિવસ એવો ચોક્કસ આવશે કે જ્યારે આપણી ખુશી માટે આપણો સાથી એવા મૂળ સ્વભાવ કે જેને આપણે અવગુણનું નામ આપ્યું છે એમાં બાંધછોડ કરવા તૈયાર થશે જ.

જેમ સ્કૂલની પરીક્ષામાં મનગમતું પરિણામ જોઈએ

તો સમર્પિત થઈ વિષયોને ભણવા પડે,

એ જ રીતે લગ્નજીવનમાં મનગમતું પરિણામ જોઈએ તો

આપણા સાથીને સમર્પિત થઈને એને ભણવો અને જાણવો જ પડે.

હાર્દિક કલ્પદેવ પંડ્યા

બચત એટલે ભવિષ્યની કમાણી..!

વર્તમાનમાં જીવી સખત મહેનત અને પરિસ્થિતિ મુજબ વર્તવાની જેટલી જરૂર છે એટલી જ સુખદ અને સમૃદ્ધ ભવિષ્ય માટે બચત પણ જરૂરી છે. પણ આપણને બચત કરવી ગમતી નથી. આપણો તો એક જ મંત્ર, આજે મોજથી જીવવું… પણ કાલનું શું? આજના સમયમાં માણસ વર્તમાનમાં જીવતા શીખી ગયો છે. ન ભૂતકાળનો અફસોસ, ન તો ભવિષ્યની ચિંતા. એક રીતે આ સારું અને સાચું છે. પણ એ માત્ર સકારાત્મક રહી, કર્મઠ બની સફળતા તરફ આગળ વધવા માટે જ. આજની મોજમાં આપણે એ ભૂલી જઈએ છીએ કે આજની આ મોજ કાલની સજા પણ બની શકે છે. આ સજાથી બચવું હોય તો બચત કરવી જરૂરી છે. કરકસરથી જીવવું અને બચત કરવી એ કંજૂસી નહીં પણ ભવિષ્યનું રોકાણ અને કમાણી છે.

હાલના આ આધુનિક સમયમાં માણસ સ્વાર્થી બની ગયો છે. પોતાના વૃદ્ધ માતા-પિતાને પણ બોઝારૂપ માને છે, અને વૃદ્ધાશ્રમમાં એકલા રહેવા છોડી દે છે. ભાઈ ભાઈનો સગો નથી રહ્યો. મિલકત, જમીન-જાયદાદ માટે ના કરવાનું પણ કરવા તૈયાર થઈ જાય છે. આવા સમયે આપણો સાચો સાથી આપણી બચત જ છે. કોઈના સહારે ન જીવવું પડે, કોઈના ઉપકાર નીચે દબાવું ન પડે, એવું જીવન જોઈએ તો બચત અને સુયોગ્ય રોકાણ જ એક માત્ર રસ્તો છે.

“માત્ર બચત નહીં, પૈસાનું સુયોગ્ય રીતે રોકાણ પણ એટલું જ જરૂરી છે.”

સૌ કોઈએ પોતાની આવક અને બચત વિશે ચિંતન કરવું જોઈએ. આજની બચત એ ભવિષ્યની કમાણી સમાન છે. સુખી અને સમૃદ્ધ જીવન માટે આર્થિક રીતે સશક્ત થવું પડે, અને આર્થિક રીતે સશક્ત થવા માટે બચત અને યોગ્ય માર્ગદર્શન સાથે નાણાંકીય રોકાણ પણ ખુબ જ જરૂરી છે. કારણ કે માત્ર પૈસા બચાવવાથી જ પૂરું થતું નથી, એ પૈસાનું યોગ્ય માર્ગદર્શન મેળવી રોકાણ કરીશું તો જ આપણી મૂડીમાં વધારો થશે. આર્થિક રીતે સશક્ત બની શકાશે. સમયસર શરૂઆત કરી, થોડું થોડું કરીને બચવીએ અને તેનું સુયોગ્ય રોકાણ કરીએ તો લાંબાગાળે એક મોટી મૂડી ઉપજાવી શકાય છે. અને એ જ મૂડી પાછલા જીવનમાં સ્વમાનભેર જીવવાની શક્તિ પ્રદાન કરે છે. સમાજ અને પરિવારમાં માનપાન પણ વધારે છે. આપણા બાળકોને પણ એક સારી એવી મિલકત આપી શકીએ છીએ અને સાથે જ બચત અને કરકસર પૂર્વક જીવવાની મહામૂલી શીખ પણ આપી શકીએ છીએ. બચત અને સુયોગ્ય રોકાણ દ્વારા મળેલ આ આર્થિક સશક્તિ આપણને માત્ર સમૃદ્ધિ જ નથી અપાવતી, પણ આપણને સમાજને મદદરૂપ થવા અને સમાજ કલ્યાણના કર્યો કરવા માટે પણ સક્ષમ બનાવે છે. આપણને દેશની પ્રગતિમાં નાનો અમથો પણ ફાળો આપવાની શક્તિ બક્ષે છે.

“આજની બચત આવતીકાલની આર્થિક સમૃદ્ધિને સુનિશ્ચિત કરે છે.”

 

હાર્દિક કલ્પદેવ પંડ્યા

વિચારવાયુ અભિશાપ છે

આજના આ આધુનિક યુગમાં લોકો માત્ર સ્વાર્થી અને લોભી થઈ ગયા છે એ વાત સદંતર ખોટી… આજે પણ આ દુનિયામાં ભાવુક, ભોળા અને હૃદયનું સાંભળી કામ કરવાવાળા લોકો છે અને આવા લોકો માટે અભિશાપ સ્વરૂપ કોઈ રોગ હોય તો એ છે, વિચારવાયુ! આ એક એવો રોગ છે જેનો એકમાત્ર ઈલાજ એટલે સકારાત્મક વિચારસરણી. આ વિચારવાયુ એ ખતરનાક બીમારીઓ કરતાં પણ ખતરનાક છે. એને અંગ્રેજીમાં “ઓવર થિંકિંગ” કહી શકાય. સાદી ભાષામાં કહીએ તો કોઈ એક વસ્તુ, વ્યક્તિ કે વિષય વિશે હદ વિનાના વિચારો કરવા એટલે વિચારવાયુ. અહીં નોંધપાત્ર વાત એ છે કે આવા વિચારોમાંના નેવું ટકા વિચારો નકારાત્મક જ હોય છે. આ નકારાત્મક વિચારો આપણી અંદર રહેલી સકારાત્મક ઉર્જાને નષ્ટ કરી નાખે છે. આપણા વિકાસને પણ અવરોધે છે. સામાજિક અને પારિવારિક સંબંધોમાં તિરાડ ઊભી કરી શકે છે અને આ વિચારવાયુની સૌથી ખરાબ અસર આપણા શરીર ઉપર થાય છે.

આ વિચારવાયુ એટલે શંકારૂપી બીજમાંથી ઊગી નીકળેલું વટવૃક્ષ અને શંકા-કુશંકા ક્યારે થાય? તો એનો જવાબ છે અવિશ્વાસ અથવા અપૂરતો આત્મવિશ્વાસ. જ્યારે કોઈ વસ્તુ, વ્યક્તિ, કે વાત પર આપણો આત્મવિશ્વાસ ઓછો પડે છે અથવા એના પર અવિશ્વાસ રાખીએ છીએ ત્યારે ઉપજે છે શંકા-કુશંકા. એ શંકા જન્મ આપે છે વિચારવાયુને…

આ વિચારવાયુના નુકસાન ઘણા છે એ તો ખબર પડી ગઈ, પણ આ રોગનું એમ કહો કે આ કુટેવનું નિદાન શું? વિચારવાયુ ન ઉપજે, નકારાત્મકતા અંતરમાં ન પ્રવેશે એ માટે કરવું શું? તો એનો જવાબ છે, સકારાત્મક અભિગમ સાથે પોતાના જીવનમાં સકારાત્મક પરિવર્તન…

સર્વપ્રથમ એક વાત આપણે સૌએ યાદ રાખવી જોઈએ કે સંસારમાં દરેક વસ્તુ એકબીજાની સાપેક્ષમાં ચાલે છે, કોઈપણ એક વસ્તુ, વાત, ટેવ/કુટેવ એમનેમ છોડી શકાતી નથી. એ માટે તેને બીજી કોઈ વસ્તુ, વાત, ટેવ/કુટેવ સાથે બદલવી પડે છે. માટે જો વિચારવાયુની કુટેવથી છૂટકારો જોઈએ તો આપણે તેને બીજી સુટેવથી બદલવી પડશે, પછી જ આ કુટેવ નાબૂદ થશે. સારા વિચારો આવે, કોઈપણ પરિસ્થિતિમાં સકારાત્મકતા અડગ રહે તે માટે પોતાના રોજિંદા જીવનમાં નવીનતા અને નિયમનો સમાવેશ કરવો જોઈએ. આપણે રોજ કરતાં હોઈએ એનાથી અલગ કોઈ ક્રિયા કરવાનો નિયમ લઈ શકીએ, જેમ કે રોજ વાંચન કરવું, પોતાની રોજનીશી લખવી,વગેરે. આમ કરીશું તો આપણી અંદર સકારાત્મક ઉર્જાનો સંચાર થશે. અને આ ઉર્જા નકારાત્મક વિચારોને મનમાં આવવા જ નહીં દે. જ્યારે પણ આવા કોઈ વિચારો આવે ત્યારે મન એ તરફથી હટાવી કોઈને કોઈ પ્રવૃત્તિ શરૂ કરવી જોઈએ. કંઈક એવું કે જેમાં સંપૂર્ણ ધ્યાન કેન્દ્રિત કરીને કામ કરવાની જરૂર હોય. આમ કરવાથી આપણું ધ્યાન જે-તે મનને વ્યથિત કરનારી વાતથી હટી જશે અને મન શાંત થઈ જશે. શાંત મન આનંદ અને પ્રસન્નતાને જલ્દી ગ્રહણ કરે છે, અને પ્રસન્ન ચિત્ત આવેલી કોઈપણ પરિસ્થિતિને સકારાત્મક દ્રષ્ટિકોણથી જોવામાં મદદરૂપ થાય છે અને આ જ સકારાત્મક દ્રષ્ટિકોણ વિચારવાયુના આ ગંભીર રોગનો નાશ કરે છે અને એનાથી થતાં સંભવિત નુકશાન ટાળી શકાય છે.

પોતાના ઉપર વિશ્વાસ રાખીએ, અને બીજાની પરિસ્થિતિને સમજવાની કોશિશ કરીએ તો આપણે આ વિચારવાયુથી બચી શકીએ છીએ. આપણે હંમેશા યાદ રાખવું જોઈએ કે આત્મવિશ્વાસ રાખીશું તો કોઈના પર મૂકેલો વિશ્વાસ ખોટો નહીં પડે અને શંકાનું બીજ પણ નહીં રોપાય કે વિચારવાયુનું વટવૃક્ષ પણ નહીં થાય. આપણી ખુશી એ આપણા જ હાથમાં છે. હંમેશા ખુશ રહેવા પ્રયત્ન કરીએ. જે થાય છે તે સારા માટે જ થાય છે, અને જે થઈ રહ્યું છે એ પણ સારા માટે જ છે એમ માની જીવનને માણીશું તો ક્યારેય આ વિચારવાયુનો રોગ આપણને અડકી પણ નહીં શકે.

“વિચારવાયુ કોઈ કાયમી બીમારી કરતાં પણ વધુ ખતરનાક છે.”

 

હાર્દિક કલ્પદેવ પંડ્યા

આપણા સપના જ આપણી સફળતાની સીડી છે

સપના જુઓ… કારણ કે જો આપણે સપના જોઈશું તો જ તેને પૂરા કરી શકીશું. ભગવાન જ્યારે પણ આપણને સપના દેખાડે છે ત્યારે સૌથી પહેલા એ સપના પૂરા કરવાની તાકાત આપણી અંદર ભરે છે, ત્યાર પછી જ સપના દેખાડે છે, ત્યાં સુધી નહીં. માટે સપના જુઓ. અને એ સપના પૂરા કરવાનો નિશ્ચય કરો.

મહાન લોકો કે જેઓના સપના સાકાર થયા છે તેમણે પણ કસોટીના સમયમાં જ સપના જોયા હતા. જ્યારે કંઈક અશક્ય હતું ત્યારે જ તેને શક્ય કરવાના સપના સેવ્યા હતા. મહાત્મા ગાંધીબાપુએ પણ એવા સમયે સ્વતંત્રતાનું સપનું જોયું હતું જ્યારે આપણો દેશ અંગ્રેજોની ગુલામીમાં ગળાડૂબ ઊંડે ઉતરેલો હતો. ધીરુભાઈ અંબાણીએ પણ આધુનિક ભારતનુ સપનું ત્યારે જ જોયું હતું જ્યારે આપણા દેશમાં સૂચના અને પ્રસારણના સંસાધનો ખુબ જ અલ્પ પ્રમાણમાં હતા. કોઈ વિચારી જ નહોતું શકતું કે એક પૈસામાં પણ મોબાઈલ દ્વારા વાત થઈ શકે છે. અને આજે જુઓ એ જ ધીરુભાઈ અંબાણીની કંપની રીલાયન્સ મોબાઈલ અને નેટવર્કના ક્ષેત્રમાં બીજી કેટલીયે કંપનીઓને પછાડી રહી છે. જ્યારે આપણો દેશ સેવા અને ઉત્પાદનના ક્ષેત્રમાં પણ ખુબ જ પાછળ હતો ત્યારે જ રતન ટાટા એ સપનું જોયું હતું ભારતના સામાન્યમાં સામાન્ય નાગરિક પાસે પણ ગાડી હોય. અને એ જ સપનું સાકાર કરતાં તેમણે ભારતને આપી તત્કાલીન સમયની સસ્તામાં સસ્તી એવી નેનો ગાડી માત્ર એક લાખ રૂપિયામાં. “શાંતિ ત્યારે જ પ્રાપ્ત થાય જ્યારે શક્તિ અખૂટ હોય” આ જ વિચાર સહ ભારતને વિજ્ઞાન ક્ષેત્રમાં આગળ લાવવાનું અને અધ્યતન હથિયારોથી ભારતીય સેનાને સશક્ત કરવાનું સપનું આપણા દેશના મિસાઈલ મેન પૂર્વ રાષ્ટ્રપતિ મહામહિમ શ્રી એ.પી.જે. અબ્દુલ કલામ સાહેબે જ્યારે આપણો દેશ વિજ્ઞાન ક્ષેત્રે ખુબ જ પાછળ હતો ત્યારે જ જોયું હતું. આવા વિશ્વમાં બીજા કેટલાય ઉદાહરણ છે. મૂળભૂત વાત છે, સ્વપ્ન જોવાની અને તેને સાચા કરવાની… 

સપના એ આપણી સફળતાની સીડી સમાન છે. આપણા મનમાં કોઈ વિચાર સ્ફુરિત થયો છે તો સમજી લ્યો કે એ વિચાર આપણી અંદર મૂકાતા પહેલા ભગવાને એ વિચાર અમલમાં મૂકવાની અને એ થકી સફળ થવાની શક્તિ આપણી અંદર મૂકી જ દીધી છે. માટે એમ કહી કે “આ મારા માટે શક્ય નથી.” ક્યારેય આવેલ વિચારને પ્રયત્ન કર્યા વિના છોડવો જોઈએ નહીં.

આપણે જે છીએ અને ભવિષ્યમાં આપણે જે હોઈશું, સપનું એ આ બે પરિસ્થિતિ વચ્ચેનું અંતરાલ છે.

આપણું સપનું એ આપણે હાલ જે છીએ તે અને ભવિષ્યમાં જે કંઈ પણ હોઈશું તે વચ્ચેનો અંતરાલ છે. સપનું એટલે આવેલ વિચાર અને તેના અમલીકરણ થકી સફળતા પ્રાપ્ત કરવા વચ્ચેનો ગાળો. અને એટલે જ “હું મારા બધા જ સપના પૂરા કરવા સક્ષમ છું.” બસ આ જ આત્મવિશ્વાસ સાથે સપના જુઓ અને તેને પૂરા કરવા સંપૂર્ણ નિષ્ઠા અને લગન સાથે મહેનત કરો તો સફળતા પ્રાપ્ત થાય જ છે. અને પછી જુઓ તો પોતાની ક્ષમતાને લગતા કોઈ પ્રશ્નો રહેતા જ નથી. પ્રશ્ન રહે છે તો માત્ર એ જ કે “હું આ સપનું ક્યાં સુધીમાં પૂરું કરી શકીશ?”

હાર્દિક કલ્પદેવ પંડ્યા

છેલ્લે ક્યારે કોઈ કામ પહેલીવાર કર્યું હતું?

આપણે સૌ ઘંટીના બળદ જેવું જીવન જીવતા થઈ ગયા છીએ. એ જ રોજ સવારે આળસ મરડી ધીમે ધીમે ઊઠવું, નિત્યક્રમ પતાવી પૂજાપાઠ કરવા, નાસ્તા-પાણી ને જમણવાર પતાવવા અને તૈયાર થઈ કામ-ધંધે લાગવું. એ જ વાહન ચલાવી ઓફિસ જવું, એ જ ઓફિસ અને એ જ કામ, સહકર્મચારીઓ સાથે કામકાજ અને રકઝક, પાછું એ જ વાહન ચલાવી ઘરે આવવું, રાત્રિ ભોજન, કંટાળાજનક દૈનિક ધારાવાહિક અને હૃદયને દ્રવિત કરી દે તેવા સમાચાર, અને પાછું પથારીમાં પડવું ને ઊંઘી જવું. બીજા દિવસે ઊઠીને પણ બસ એ જ ક્રમ શરૂ….

“આ જીવન સામાન્ય રહી માત્ર પસાર કરવા માટે જ નથી.

રોજ કંઈક નવું કરીએ, જીવનમાં નવા ઉત્સાહ, ઉમંગ અને આનંદનો ઉમેરો દરરોજ કરીએ..”

જીવન એટલે રોજિંદા કામકાજ કરીને દિવસ પસાર કરવો એ જ નથી. રોજ એકનું એક જ કામ કરતાં રહેવું જરૂરી નથી. જીવન એ આજીવન કારાવાસની સજા નથી. જાણે કોઈએ આપણાં ઉપર જીવન થોપી દીધું હોય, એવી રીતે ક્યારેય જીવવું નહીં. હંમેશા જીવનમાં કંઈક નવીનતા લાવવા પ્રયત્નશીલ રહેવું. દરરોજ, દર મહિને, દર વર્ષે, કંઈક નવું શીખવાની ઇચ્છા મનમાં હંમેશા જીવંત રાખવી જોઈએ. શીખવાની કોઈ ઉંમર હોતી નથી. કોઈપણ ઉંમરે કંઈ પણ શીખી શકાય. મનની ઇચ્છાઓ પૂરી કરવા માટે કોઈ ચોક્કસ સમય હોતો નથી. કોઈ એવી પ્રવૃત્તિ કે જે આપણને કરવી ગમતી હોય પણ તેના અપૂરતા જ્ઞાનના કારણે કરી ન શકતા હોઈએ તો એમાં નિપુણ થવા પ્રયત્ન કરવો જોઈએ. લેખન, ગાયન, ચિત્રકળા, નૃત્યકળા વગેરે… આ તો માત્ર ઉદાહરણ છે, આવી અનેક પ્રવૃત્તિઓ છે. જે પ્રવૃત્તિમાં રસ હોય તે કરવા સમય ફાળવવો જોઈએ. ક્યારેક પોતાના વાહનમાં મુસાફરી કરવાની જગ્યાએ સાર્વજનિક વાહન વ્યવહારનો ઉપયોગ કરીએ. ક્યારેક રોજિંદા કરતાં અલગ એવા કપડાં પહેરીએ, નવી ભાષા શીખીએ, નવી રમતો રમીએ, આજ કાલ તો અવનવા આધુનિક ઉપકરણોનો જમાનો છે, કોઈ વખત એય વાપરવા અને શીખવાનો ઉત્સાહ મનમાં જગાવીએ. રોજ કંઈક નવું શીખતા રહેવામાં જે અનેરો આનંદ છે એ બીજે ક્યાંય નથી. સક્રિય રહેવાનો પ્રયત્ન કરીએ. કંઈક નવું શોધતા રહીએ. રોજિંદા જીવનની ક્રિયાઓને અલગ રીતે કરીએ. પોતાની કામ કરવાની ઢબ બદલીએ. આમ કરવાથી પણ કંઈક નવું શીખવા મળશે, જાણવા મળશે.

“પોતાની જિજ્ઞાષાવૃત્તિને જીવનપર્યંત જ્વલંત રાખીએ.”

જીવનમાં હંમેશા સર્જનાત્મક રહીએ. પોતાની જિજ્ઞાષાવૃત્તિને આજીવન જ્વલંત રાખીએ. આમ જ સક્રિય રહી આગળ વધીએ. જોખમ લેવાની શક્તિ કેળવીએ. તો જ આપણે જીવનને ખરા અર્થમાં જીવી જ નહીં પણ માણી શકીશું. નવું કરવા અને નવું સ્વીકારવા તૈયાર હોઈશું તો જ મનથી આનંદમાં રહી શકીશું. આપણી દરેક સફળતાઓ, દરેક ઉપલબ્ધિઓથી પણ મહત્વનુ છે પોતાની જાતને એ પૂછવું કે “છેલ્લે મેં ક્યારે કોઈ કામ પહેલીવાર કર્યું હતું?”

ચાલો વિચારીએ, પૂછીએ પોતાની જાતને આ સવાલ અને આજથી જ જીવનને એક તહેવાર બનાવીએ. દરરોજ પોતાની હયાતિની સાબિતી આ દુનિયાને આપીએ. ઉત્સાહભેર જીવન જીવીએ. કંઈક નવું શોધીએ અને કરીએ.

 

હાર્દિક કલ્પદેવ પંડ્યા

મારો જન્મ અહીં જ કેમ થયો??

“મારો જન્મ અહીં જ કેમ થયો?” આ સવાલ આપણાંમાંથી ઘણાને થતો હશે, થાય… પણ વિચારવાની અને સમજવાની વાત એ છે કે આ સવાલ ક્યારે અને કઈ પરિસ્થિતિમાં થાય છે અને હકીકતમાં ક્યારે થવો જોઈએ. સામાન્ય રીતે આ સવાલ જ્યારે આપણે તકલીફમાં હોઈએ ત્યારે જ ફરિયાદ સ્વરૂપે મનમાં આવે છે. પણ ક્યારેય આ સવાલ આપણે સફળતાના શિખરો પર હોઈએ ત્યારે મનમાં આવે છે ખરો? ના.. જરાય નહીં. કારણ કે આપણે અસફળ થઈએ ત્યારે તો ભગવાનને દોષ આપીએ છીએ પણ જ્યારે સફળતા મળે ત્યારે એમ કહીએ છીએ કે “મારી મહેનતનુ પરિણામ છે.” બધો શ્રેય આપણે જ લઈએ છીએ. પછી આવો કોઈ સવાલ થવાની શક્યતાઓ જ ક્યાં રહી?

ખરેખર તો આ સવાલ જ્યારે સુખનો સમય હોય ત્યારે થવો જોઈએ કે “મારો જન્મ અહીં કેમ થયો? મારે આ દુનિયાને શું આપવાનું છે? મારા જન્મનો ધ્યેય શું?” આપણો આ માનવ જન્મ આપણાં પાછલા ૮૩ લાખ ૯૯ હજાર ૯ સો ૯૯ જન્મોમાં કરેલા પાપ અને પુણ્યનું પરિણામ છે. માનવ જન્મ મળ્યો એ આપણાં સત્કર્મનું પરિણામ છે, તેમજ કોઈ ખોડખાપણ સાથે કે ખડતલ બાંધા સાથે જન્મવું, અમીર પરિવારમાં કે ગરીબ પરિવારમાં જન્મવું, સ્વસ્થ શરીર સાથે જન્મવું કે કોઈ બીમારી સાથે, આ બધુ પણ આપણાં એ પાછલા જન્મ દરમિયાન કરેલા પાપ-પુણ્ય થકી જ નક્કી થાય છે. કોના સંતાન થઈ જન્મ મળશે, કોણ ભાઈ,બહેન, સગા-સંબંધી હશે એ પણ આ જ રીતે પાછલા જન્મોની બાકી રહેતી લેવડ-દેવડ મુજબ નક્કી થાય છે. કેટલું સુખ અને કેટલું દૂ:ખ ભોગવવાનું છે એ બધુ જ આપણી હસ્તરેખાઓમાં પહેલેથી જ લખીને ભગવાન આપણને આ દુનિયામાં મોકલે છે. સાથે જીવનને દરેક પરિસ્થિતિમાં આનંદથી માણવાની ક્ષમતા પણ એ આપણી અંદર ભરીને મોકલે છે, બસ જરૂર હોય છે એ ક્ષમતાને ઓળખી એનો સદુપયોગ કરવાની!

ભગવાને આપણને આ દુનિયાને કંઈક આપવા અને આ દુનિયા પાસેથી ઘણું બધુ મેળવવા માટે જ જન્મ આપ્યો છે. હા, આપવાનું ખૂબ ઓછું અને મેળવવાનું વધુ… આ જન્મ એ આપણો છેલ્લો જન્મ છે, જે કંઈ મેળવવાનું કે આપવાનું છે એ આ જ જન્મમાં અને અહીં જ. પણ જ્યારે આપણે મેળવીએ છીએ ત્યારે ભગવાનને પણ ભૂલી જઈએ છીએ, બસ કોઈ ફરિયાદ કરવાની હોય ત્યારે જ યાદ આવે છે. આપણે લેવાની વૃત્તિ આપણી અંદર વિકસાવી છે પણ આપવાની વૃત્તિ વિકસાવવામાં કાચા રહ્યા છીએ. આપણે મેળવવું છે બધુ જ પણ કોઈને આપવાની વાત હોય તો મન ખાટુ થઈ જાય છે. નિ:સ્વાર્થ સેવા, પરોપકાર જેવા ભાવ તો જાણે લુપ્ત જ થતાં જાય છે. સંસારમાં શ્વાસ લઈ રહેલ ૮૪ લાખ પ્રકારના જીવોમાં માણસ જ એક એવો જીવ છે જે લાગણીઓને અનુભવી શકે છે, શબ્દો દ્વારા એને વ્યક્ત કરી શકે છે. મનુષ્ય એક જ એવો જીવ છે જેમાં જીવનને માણવાની શક્તિ રહેલી છે, પણ આજના આ આધુનિક યુગમાં જીવનને માણતા આવડતું હોય એવા લોકો ખૂબ જ ઓછા થઈ ગયા છે, માણસે ભગવાનની આપેલી બુદ્ધિક્ષમતા દ્વારા મશીનો તો બનાવ્યા પણ સાથે સાથે પોતે પણ એક મશીનની જેમ જીવતો થઈ ગયો. અને એટલે જ દુ:ખી રહે છે…. ફરિયાદ કરતો રહે છે.

ભગવાને આપણને અહીં હેરાન કરવા કે તકલીફો આપવા જ જન્મ નથી આપ્યો. એ તો ઇચ્છે જ છે કે સૌને સુખનો અનુભવ થાય, એ જે કોઈ પરિસ્થિતિમાં આપણને મૂકે છે એ માત્ર આપણી લાયકાત વધારવા અને આપણી લાયકાતને પારખવા માટે જ હોય છે, સમજો કે આપણી પરીક્ષા… એમાંથી સફળતા પૂર્વક પસાર થઈ ગયા તો ઉત્તમ ફળ આપવા ભગવાન તૈયાર જ બેઠા છે. પણ આ બધુ મેળવતા પહેલા સમાજને, આ સંસારને કંઈક આપવું તો પડે ને! જ્યાં સુધી આપણું લેવાનું અને દુનિયાને આપવાનું આ બધુ જ પૂરું ના થાય ત્યાં સુધી એ પરમ કૃપાળુ પરમાત્મા આપણને એના શ્રીચરણોમાં પાછા બોલાવશે નહીં એ પણ સનાતન સત્ય છે. જો આપણે જીવંત છીએ તો એનો અર્થ એ છે કે હજી આ દુનિયામાં આપણી લેવડ-દેવડ પૂરી નથી થઈ. હજી કંઈક આપવાનું અને આપણાં ભાગ્યનું કંઈક લેવાનું બાકી છે. એટલે હંમેશા આશાવાદી રહી પોતાના હાથમાં આવેલ કર્મ કરતાં રહેવું અને જીવનને માણતા રહેવું. દરેક નવો દિવસ તેની સાથે એક નવી આશા લઈને આવે છે, બસ એ આશાના કિરણને પોતાની અંદર સમાવી આગળ વધતાં રહેવું જોઈએ. ભગવાને આ જન્મ આનંદ માણવા અને એની આ રચેલી સુંદર દુનિયાનું સૌંદર્ય અનુભવવા આપ્યો છે.

“માણસ એટલે જેનામાં જીવન આનંદથી માણવાની ક્ષમતા છે એવો એકમાત્ર ઈશ્વરીય જીવ”

યાદ રાખો:

  • જેના જીવનમાં કોઈ ધ્યેય નથી તેનું જીવન વ્યર્થ છે.
  • જીવનને ધ્યેય મળવું એ આપણાં જીવનની સાચી શરૂઆત છે.
  • ધ્યેયની પ્રાપ્તિ એ આપણી સફળતા છે.
  • જીવનમાં પોતાની સુખાકારી સાથે સમાજની સમૃદ્ધિ અને સુખાકારીની વાત કરવી એ જીવનની સાર્થકતા છે.
  • માનવ જન્મ પરમાત્માએ આપણને આનંદ માણવા માટે જ આપ્યો છે. દુ:ખી રહેવા માટે નહીં.

 

હાર્દિક કલ્પદેવ પંડ્યા