વર્તમાનમાં જીવો અને સફળતાને વરો

સફળતા સૌને ગમે છે. સૌ કોઈ સફળ થવા માંગે છે, પણ સફળ થવા માટે વર્તમાનમાં જીવવું અને મળેલ જીવનને માણવું જરૂરી છે એ વાત કોઈ સમજતું નથી. કેટલાક ભૂતકાળને વળગીને બેસી રહે છે. તો કેટલાક ભવિષ્યના પરિણામોની ચિંતામાં જોખમ લેતા ગભરાય છે. અને વર્તમાન સમય નિષ્કર્મ રહી વેડફી નાખે છે. પછી એમ કહીને કે “મારા નસીબમાં સફળતા લખી જ નથી.” પોતાના નસીબ પર દોષનો પોટલો થોપી દે છે. પણ કર્મ કરો નહીં, જોખમ ઉઠાવો નહીં તો સફળતા મળે જ કઈ રીતે?

જો સફળતા પ્રાપ્ત કરવી હોય તો વર્તમાનમાં જીવતા શીખવું પડશે. સફળ થવા માટે અસફળતાના પણ ઘૂંટ પીવાની તૈયારી રાખવી પડશે. ભૂતકાળની ઘટનાઓને યાદ કરી પસ્તાવાથી કે ભવિષ્યની ચિંતામાં સમય બગાડવાથી કંઈ જ પ્રાપ્ત નહીં થાય. જીવનની સાચી સફળતા વર્તમાનમાં જ જીવવામાં છે. જો વર્તમાનમાં જીવતા આવડી ગયું તો પરિસ્થિતિનો સામનો કરવાની તાકાત આપોઆપ આવી જશે, મુશ્કેલીઓના ઉકેલ આપણી આંખો સમક્ષ આવીને ઊભા રહેશે. થઈ ગયેલી ભૂલને વળગી બેસી રહેવાથી ઉકેલ આવવાનો નથી. વર્તમાનમાં રહી કર્મ કરવું પડશે, આવેલ મુશ્કેલીનો ઉકેલ શોધવા મહેનત કરવી પડશે, તો જ એમાંથી બહાર આવવામાં સફળ થઈ શકાશે. એવી જ રીતે ભવિષ્યની ચિંતા કરવાથી કે કોઈપણ કામનું શું પરિણામ આવશે એના વિચારો કર્યા કરવાથી આપણે જ્યાં છીએ ત્યાં જ રહી જઈશું… આગળ વધવાની અને સફળ થવાની તકો આપણાથી દૂર થતી જશે.

સફળ થવું હોય તો જોખમ લેવું જ રહ્યું..

સફળતા મેળવવા માટે ઘણા સૂત્રો છે, પણ એ એકેય સૂત્રો કામના નથી જો આપણને વર્તમાનમાં જીવતા ન આવડે. કારણ કે સફળ થવા જે કરવાનું છે એ આજે અને અત્યારે જ કરવાનું છે. વિચારતાં બેસી રહીશું અને અત્યારે કરવાનું કામ મોડા કરીશું તો અસફળ થવાની શક્યતાઓ વધી જશે. ભૂતકાળના અનુભવોમાંથી શીખી વર્તમાનમાં એ બાબતને ધ્યાનમાં રાખી આગળ વધવું જ પડશે. અને પરિણામ શું આવશે એની ચિંતા કર્યા વિના જોખમ લેવા પણ તૈયાર રહેવું પડશે. તો જ સફળતા આપણાં આંગણે આવીને ઊભી રહેશે. અત્યાર સુધીમાં જે કોઈ સફળ વ્યક્તિઓ થઈ ગયા તેઓએ પણ હંમેશા વર્તમાનમાં રહીને આજે શું કરવું જેથી સફળતા પ્રાપ્ત થાય?? એના જ વિચારો પોતાના મન-મસ્તિસ્ક ઉપર રાખ્યા હશે અને એટલે જ તેઓ સફળ થઈ ગયા.

“આજમાં જીવવું અને આજે એવું તે શું કરવું કે

સફળતા સામેથી આવીને હાથ ઝાલે, બસ એ જ વિચાર કરવો.”

ઉદાહરણ સ્વરૂપે સફળ લોકોના નામ જોઈએ તો અનેકાનેક નામ મળશે. આજે એવા જ એક સફળ સાહિત્ય સેવકની વાત કરીએ. જેઓ પોતે તો સફળ છે જ, સાથે અનેક સાહિત્ય રસિકોને પણ તેમણે સફળતા અપાવી છે, લેખક તરીકે આગળ આવવાનું પ્રોત્સાહન આપ્યું છે. એમનું નામ છે શ્રી જીજ્ઞેશ અધ્યારૂ… તેઓ કર્મે સિવિલ એંજિનિયર છે. બાળપણથી વાંચનના શોખને કારણે તેઓ સાહિત્ય લેખન તરફ આકર્ષાયા અને સાહિત્ય જગતને મળ્યા એક ઉત્તમ લેખક, વિવેચક, સંપાદક, શોર્ટફિલ્મ મેકર.. અક્ષરનાદ, રીડગુજરાતી અને માઈક્રોસર્જન જેવી વેબસાઈટ દ્વારા તેમણે અનેક નવોદિત અને પ્રખ્યાત લેખકોને લેખનનું મંચ પૂરું પાડ્યું. અને સાહિત્યની સેવા હાથ ધરી. “આજમાં જીવવું અને આજે શું એવું કરવું કે સફળતા સામેથી આવીને હાથ ઝાલે, બસ એ જ વિચાર કરવો.” આ જ સૂત્ર તેમણે પણ અપનાવ્યું હશે. ગુજરાતી સાહિત્યમાં માઈક્રોફિકશન વાર્તા પ્રકારને ઓળખાવનાર શ્રી ડો. હાર્દિક નિકુંજ યાજ્ઞિકની સાથે મળી શ્રી જીજ્ઞેશભાઇએ “સર્જન” નામથી વ્હાટ્સએપ ગ્રુપની શરૂઆત કરી અને સાહિત્ય લેખનમાં રસ ધરાવતા સૌ નવોદિત તેમજ પ્રખ્યાત લેખકોને એકઠા કરી સાહિત્યના નવા વાર્તા પ્રકાર માઈક્રોફિકશનની ઓળખાણ કરાવી. મહેનત, કર્તવ્યનિષ્ઠ ભાવના સાથે તેઓ આગળ વધતાં ગયા. હા, એમનાથી પણ ઘણી ભૂલો થઈ જ હશે, એમને પણ ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હશે, પણ તેઓ વિના ભયભીત થયે આગળ વધતાં રહ્યા. ભૂતકાળના અનુભવોને વળગીને બેસી રહેવાની જગ્યાએ અનુભવોમાંથી શીખી નવસર્જનના માર્ગે ચાલતા રહ્યા અને આ જ કારણ છે કે આજે સાહિત્ય જગતમાં એમનું નામ ઊંચાઈએ પહોંચ્યું છે, વાર્તાલેખનથી માંડી શોર્ટફિલ્મ બનાવવાના ક્ષેત્રે પણ તેઓ સફળ થયા છે. એટલું જ નહીં લગભગ સો જેટલા લેખકોને સાથે લઈ સાહિત્યની સેવા કરી રહ્યા તેમણે અનેક નવોદિત કલાકારોને અવનવા મંચ પ્રદાન કર્યા છે પોતાની પ્રતિભાને બહાર લાવવા… તેઓ એક સફળ લેખક, સંપાદક અને સંચાલક બની શક્યા છે.

આ બધુ જ કઈ રીતે? જો તેમણે લેખનની શરૂઆતમાં થયેલ ક્ષતિઓને મનમાં ભરી રાખી લખવાનું છોડી દીધું હોત તો? વ્હોટ્સએપ ગ્રુપ બનાવવાનો વિચાર માત્ર વિચારોમાં રાખી એના પરિણામોની ચિંતામાં સમય વેડફ્યો હોત તો? એમને પણ આટલા બધા લોકોને સાથે લઈ ચાલતા કેટલાય કડવા અનુભવ થયા હશે. જો શ્રી ડો. હાર્દિક નિકુંજ યાજ્ઞિક અને શ્રી જીજ્ઞેશ અધ્યારૂ એ કડવા અનુભવોથી વ્યથિત થઈ ત્યાં જ રોકાઈ ગયા હોત, તો શું ગુજરાતી સાહિત્યના નવા વાર્તા પ્રકાર “માઈક્રોફિકશન”એ આજે આટલી પ્રસિદ્ધિ મેળવી હોત? શું આપણને આવા સરસ સૂક્ષ્મ વાર્તા સ્વરૂપ થકી સમાજમાં જાગૃતતા લાવનાર એવા ઉત્તમ લેખકો મળ્યા હોત? શું આ બેય વ્યક્તિઓ પણ પ્રસિદ્ધિ મેળવી શક્યા હોત? ના… સો ટકા ના… તેમણે ભૂતકાળના અનુભવોથી શીખ લઈ વર્તમાનમાં જીવી, સખત મહેનત કરવાનો રસ્તો અપનાવ્યો એટલે જ તેઓ આજે સફળતાના શિખરો ઉપર બિરાજમાન છે.

એક વાત હંમેશા યાદ રાખવી કે ના તો ભૂતકાળ બદલી શકાય છે, ના તો ભવિષ્ય જોઈ શકાય છે, યોગ્ય એ જ છે કે આપણે વર્તમાનમાં જીવતા શીખીએ, જીવનની દરેક પળને માણીએ અને આવેલી મુશ્કેલીઓનો સામનો હસતાં હસતાં કરીએ. બસ આટલું કરવાની જરૂર છે અને પછી જોશો કે પરિણામ આપણું જોઈતું જ આવશે અને સફળતા આપણો દરવાજો સામેથી આવીને ખખડાવશે.

“ભૂતકાળના અનુભવોથી શીખી વર્તમાનમાં જે જીવે,

મહેનતથી જે આગળ વધે, સફળતા એને આપમેળે જઈ વરે.

હાર્દિક કલ્પદેવ પંડ્યા

સુખ, સમૃદ્ધિ અને સફળતાના માપદંડ શું?

સુખ-દૂ:ખ, અમીરી-ગરીબી અને સફળતા-નિષ્ફળતા…. આ છ શબ્દો જાણે-અજાણે આપણે કેટલીયે વાર ઉપયોગમાં લેતા હોઈશું. પણ આ છ શબ્દોના અર્થ કે માપદંડ શું?

આપણાં સમાજમાં આ છ શબ્દો પૈકીનાં પહેલા ત્રણ શબ્દો સુખ,અમીરી અને સફળતાને સારા અને બીજા ત્રણ શબ્દો દૂ:ખ, ગરીબી અને નિષ્ફળતાને ખરાબ ગણવામાં આવે છે. બાળક થોડું સમજણું થાય ત્યારથી જ આ છ શબ્દોને સારા અને ખરાબ એમ બે પ્રકારે વર્ગીકરણ કરી જેમ દીવાલ પર ખીલ્લી ઠોકી બેસાડીએ એમ એના મગજમાં બેસાડી દેવામાં આવે છે.

આમ જોઈએ તો દુનિયાદારીની દ્રષ્ટિએ આ વર્ગીકરણ સાચું. પણ જો દૂ:ખ ન પડે તો સુખની કિંમત કેમ કરી સમજાય? જો નિષ્ફળતા જોઈ ન હોય તો સફળતાનો સ્વાદ કેવી રીતે માણી શકાય? અને જો કરકસરમાં જીવતા ન આવડે તો પૈસા આવે ત્યારે છલકાઈ જવાનો ભય ન રહે? આ પ્રકારની સમજ આપવાવાળું બાળપણમાં કોઈ નથી મળતું એટલે જ મોટા થઈ આપણે ભેદભાવની માયાજાળમાં ફસાઈએ છીએ અને જીવન નષ્ટ થાય છે, નાની અમથી નિષ્ફળતા હાથ આવે ને હારી જઈએ છીએ, પૈસાની ખેંચ પડે અને ભગવાનને દોષ આપવા લાગીએ છીએ.

સાચું સુખ કયું? સમૃદ્ધિ કોને કહેવાય? સફળતા શું છે? સાચી વ્યાખ્યા આપણે જાણતા જ નથી. સાચું સુખ, સાચી સમૃદ્ધિ અને સફળતા એટલે “સંતોષ”. હા, જેણે “સંતોષ” શબ્દને સમજી લીધો; જાણી લીધો એ ખરા અર્થમાં સુખી અને સમૃદ્ધ થઈ ગયો. સફળતાને વરી ગયો. પણ આ “સંતોષ” વિશે સાચી સમજણ કોણ આપે? અહીં તો બાળપણમાં જ હજી એકડો ઘૂંટતા શીખતા હોઈએ અને વડીલો તરફથી ફરમાન આવે “પહેલો નંબર લાવવાનો છે હોં!” અને બાળક રેસના ઘોડાની જેમ પહેલા નંબરની દોડમાં લાગી જાય. અને કદાચ પહેલો નહીં ને બીજો નંબર આવે તો આનંદ માણવાની જગ્યાએ બાળકમાં હિન ભાવના જાગૃત થઈ જાય. માત્ર બાળકોને જ આપણે રેસના ઘોડાની માફક દોડાવતા નથી, આપણે પણ એ જ કરીએ છીએ, નોકરી કરતાં હોઈએ કે ધંધો, હું આગળ કેવી રીતે આવું અને એથી પણ વધુ પેલો મારાથી આગળ કેવી રીતે થઈ ગયો? બસ આ જ વિચારો આપણાં મગજમાં ફરતા રહે છે અને આપણે મળેલ જીવનને માણી શકતા નથી. જો આપણે જે મેળવ્યું છે એનો સંતોષ કરતાં શીખી જઈએ તો ખરેખર સાચા સુખી, સમૃદ્ધ અને સફળ વ્યક્તિ આપણે જ કહેવાઈએ.

“આપણે જવાનું હોય મહેનતના માર્ગે પણ આપણે સફળતાનો માર્ગ શોધવામાં સમય બગાડીએ છીએ”

સુખ, સમૃદ્ધિ અને સફળતાના માર્ગને શોધવામાં સમય બગાડ્યા વગર મહેનતના રસ્તે નિષ્ઠાપૂર્વક આગળ વધીશું તો સફળતાનો માર્ગ આપોઆપ મળી જ જશે, એક વખત સફળતા મળી એટલે સમૃદ્ધિ આવી સમજો અને સમૃદ્ધિ આવે એટલે જીવન તો સુખી થઈ જ ગયું ને!! કોઈ પણ ક્ષેત્રે કામ કરીએ, એમાં સફળ થવું એ આપણાં હાથમાં નથી. પણ મહેનત કરવી એ આપણાં હાથમાં છે, મહેનત વગર કશું જ મેળવી શકાતું નથી. બને કે મહેનત સાચી દિશામાં હોય પણ ત્વરિત પરિણામ ન મળે, પણ એક વાત હંમેશા યાદ રાખવી, મહેનત ક્યારેય એળે નથી જતી, આજે નહીં તો કાલે, વહેલા કે મોડુ પણ મહેનતનુ ફળ મળે જ છે. જરૂર છે આપણો દ્રષ્ટિકોણ બદલવાની..! ઉપરના શબ્દોની આપણી પરિભાષા બદલવાની..!

“સુખ, સમૃદ્ધિ અને સફળતા મેળવી છલકાઈ ન જવું,

દૂ:ખ, ગરીબી અને અસફળતા મળે તો નિરાશ થઈ બેસી ન જવું.”

“સુખ અને દુખ બેય સરખા જ.” આપણો આ સમભાવ આપણને ક્યારેય દુખી થવા નહીં દે. આપણને ક્યારેય ગરીબી અને અસફળતાનો અહેસાસ નહીં થાય…! આ સમજ જો કેળવી લીધી તો સમજો જંગ જીતી લીધી. લોકો આપણી તરફ આકર્ષાશે. આપણી બધી જ ઇચ્છા પૂરી થશે. બસ ઈશ્વરના ઘડેલા નિયમો પર શ્રદ્ધા રાખી આગળ વધીએ અને મહેનતનુ કર્મ કરતાં રહીએ, પોતાની સાથે આખા સંસારનું ભલું થાય તેવી પ્રાર્થના કરીએ. કારણ કે જેવુ વાવીશું એવું જ પામીશું.

ભગવાનને ન કહો કે આપણી તકલીફ કે દૂ:ખ કેટલા મોટા છે, 

તકલીફ અને દૂ:ખને બતાવો કે આપણો ભગવાન કેટલો મહાન(મોટો) છે.

હાર્દિક કલ્પદેવ પંડ્યા

પ્રામાણિક્તા આઘરી વાત નથી..!

પ્રામાણિક્તા એ સત્યનું બીજું નામ છે. સત્ય અને પ્રામાણિક્તા બેય એકબીજાના સમાનાર્થી છે. હાલના સમયમાં જો સૌથી ઓછી કોઈ વસ્તુ જોવા મળતી હોય તો એ છે માણસમાં પ્રામાણિક્તા. ખરેખર સોનું, ચાંદી, ને ઝવેરાત કરતાં પણ કિંમતી વસ્તુ એવી પ્રામાણિક્તા અત્યારના સમયમાં ભાગ્યે જ જોવા મળે છે.

“આપનાર પેદા થયા એટલે જ તો લેનાર પેદા થયા…”

સિદ્ધાંતો, પ્રામાણિક્તા, સત્ય, મહેનત આ ચાર સફળતાના મૂળભૂત પાયા છે. આપણે આ વાત જાણીએ તો છીએ પણ તેનો સ્વીકાર કરી આ મૂળભૂત પાયા સ્વરૂપ મૂલ્યોને અનુસરતા નથી. ઈતિહાસમાં થઈ ગયેલા મહાન લોકો યુધિષ્ઠિર, રાજા હરિશ્ચંદ્ર, ગાંધીજી હવે માત્ર વાર્તાના પાત્રો જ બનીને રહી ગયા છે, આમાંથી કોઇની જન્મ જયંતિ આવે એટલે એ એકાદ દિવસ પૂરતું સત્ય અને પ્રામાણિકતાની વાતો થાય, એ પણ થોડીક જ વાર. પછી જેવા હતા તેવા ને તેવા જ. ખરેખર તો આપણને રાજનેતાઓ કે સરકારી કર્મચારીઓ પર તંજ કસવાનો કોઈ હક જ નથી. એ ભ્રષ્ટાચાર કરે છે પણ આપણે એમને પ્રોત્સાહન આપીએ છીએ એટલે… આપણે જ કોઈ માથાકૂટમાં પડવું નથી. બસ પોતાનું કામ સહેલાઈથી થાય છે ને… આપો પૈસા, કરો ભ્રષ્ટાચાર, ખરા અર્થમાં ગુનેગાર એ રાજનેતાઓ કે સરકારી કર્મચારી નહીં આપણે છીએ.

આપણાં વ્યક્તિત્વનો પ્રભાવ આપણાં કપડાં, અને મોંઘા બંગલા કે ગાડીથી નહીં પડે, જ્યાં સુધી અંતરમાં પ્રામાણિક્તાનો તેજ નહીં હોય. આ ભૌતિક ચીજવસ્તુઓ મુખ્ય નહીં ગૌણ છે, મુખ્ય છે સત્ય અને પ્રામાણિક્તા. સત્ય અને પ્રામાણિક્તા ભલે હાલ દુખદાયી કે કષ્ટદાયી હોય પણ લાંબા ગાળે એ સુખાકારી અને ખુશહાલી જ આપશે. સફળતાનો આનંદ આપશે. અને એ જ સાચો આનંદ છે. ઈશ્વર પર શ્રદ્ધા રાખી પ્રામાણિકતાથી આગળ વધીશું તો સફળતા મળવાની જ છે. પણ વાત તો એ છે કે આપણે સત્ય અને પ્રામાણિક્તા પર શ્રદ્ધા રાખતા જ નથી. ખબર છે ને કે આ રસ્તે જે જોઈએ છે એ સહેલાઈથી નહીં મળે…. અને આપણે તો બધુ વગર મહેનતે સહેલાઈથી જ મેળવવું હોય છે, પછી સત્યના રસ્તે કોણ જાય? નહીં? ખરેખર, બાળપણ જ એક એવો સમયગાળો છે જ્યારે આપણે સત્યના રસ્તે ચાલીએ છીએ, કોઈ ખોટું બોલવાનું શીખવે તોય આપણાં મોંઢે સત્ય જ નીકળે છે, પણ જેમ જેમ આપણે મોટા થઈએ છીએ, સ્કૂલ, કોલેજ, અને નોકરી-ધંધે લાગીએ છીએ આપણી અંદર અસત્યનું તો જાણે વટવૃક્ષ રોપાઈ જાય છે.

આ દુનિયામાં “કોઈ કોઈનું નથી!” એ યાદ રાખજો.

દોસ્તો, હકીકત તો એ છે કે જેવું કરશો તેવું જ પામશો. જો અપ્રામાણિક્તા અને અસત્યના રસ્તે આગળ વધીશું તો ભલે અત્યારે લોકો આપણી સાથે હશે, ખુશહાલી ત્વરિત દેખાતી હશે, પણ જ્યારે કુદરતનો ફટકો પડશે અને આપણે બદહાલીમાં પહોંચીશું ત્યારે એકેય જણ આપણી પાસે પણ ભટકશે નહીં. અને સત્યના રસ્તે એકલા ચાલવાનું શરૂ કરીશુંને તો પાછળથી બીજા પણ આપણી સાથે જોડાશે. અને એ જ ખરા અર્થમાં છેક સુધી આપણી સાથે રહેશે. આમ એકએક કરીને આખી દુનિયામાં સત્ય અને પ્રામાણિકતાનું મહત્વ વધશે. અને પછી દુનિયામાં ખુશહાલી જ ખુશહાલી… માટે એકલા તો એકલા પણ સત્યના રસ્તે જવું જ યોગ્ય છે.

આપણે વ્યક્તિત્વ નિખારની વાતો કરીએ છીએ, એમાં પણ આ સત્ય અને પ્રામાણિક્તા ખુબ જ મહત્વનો ભાગ ભજવે છે. નાના નાના એવા કેટલાય જૂઠાણા બોલી આપણે દારૂ અને સિગારેટ કરતાં પણ ખતરનાક વ્યસનના શિકાર બનીએ છીએ. માટે અસત્યને ના કહેતા શીખો… જૂઠું બોલવાથી બચો.

“Say Yes To Loyalty & Learn To Say No To Lie”

“પ્રામાણિક માણસનું મૂલ્યાંકન થાય છે, જ્યારે ભષ્ટ માણસની કિંમત..!”

 

હાર્દિક કલ્પદેવ પંડ્યા

 

ચાલો સકારાત્મક્તાને સાદ આપીએ…

ખરેખર આપણે કેટલું ખોટું કરીએ છીએ, કદાચ એટલે જ આપણી સાથે ખોટું જ વધારે થાય છે. આપણે જરૂર છે સકારાત્મક્તા ફેલાવવાની અને ફેલાવીએ છીએ નકારાત્મક્તા… આધુનિક માધ્યમથી હોય કે મૌખિક પ્રચારથી આપણે નકારાત્મક ખબર પહેલા વહેંચીએ છીએ. કોઈ સારી અને સરાહનીય ખબર જલ્દી વહેંચતું નથી. દુનિયામાં ગુનાખોરી, ભ્રષ્ટાચાર અને આવી જ બીજી નકારાત્મક્તાનું વધવું એ આનું જ પરિણામ છે. કોઈ સારું અને સરાહનીય કામ કરે તો એને સૌથી પહેલા વિવેચનાનો સામનો કરવો પડે છે. લોકો એની ખીલ્લી ઉડાવતા જરાય સંકોચ નથી અનુભવતા અને એટલે જ લોકોમાં સારા અને સમાજ કલ્યાણના કામ કરવામાં રસ ઓછો થતો જાય છે. સચ્ચાઈ અને પ્રમાણિકતાના રસ્તે ચાલતા લોકો ગભરાય છે.

દોસ્તો, દુનિયામાં માત્ર બદીઓ જ નથી, સારાપણું પણ એટલું જ પ્રવર્તે છે. પણ તકલીફ એ છે કે આપણે માત્ર ખોટા/ખરાબ સમાચાર જ ફેલાવીએ છીએ. કોઈના સત્કર્મને આપણે જરા અમથું પણ મહત્વ નથી આપતા અને કોઈના ખોટા કામને ગાઈ વગાડીને જોરશોરથી દુનિયાને કહીએ છીએ. આપણને કોઇની ટીકા-ટિપ્પણી અને વિવેચના વધુ પસંદ આવે છે… પોતાના મનોરંજન માટે જ, અને જ્યારે આપણી વિવેચના થાય ત્યારે ઝગાડવા પણ તૈયાર રહીએ છીએ. અને આ જ બધી ટીકા-ટિપ્પણીની વચ્ચે ક્યારે આપણે અફવાઓનો દોર શરૂ કરી દઈએ છીએ એ આપણને જ ખબર નથી પડતી અને પરિણામ સ્વરૂપ દંગા-ફસાદ, હત્યા, લૂંટ અને બીજું કેટકેટલું…

જો આમ જ ચાલતું રહ્યું તો આપણો સમાજ નકારાત્મક્તાનો મહેલ બની જશે. ન તો આપણું ભલું થશે ન તો સમાજનું. ક્યાંક એવો દિવસ જોવાનો વારો ન આવે કે આ નકારાત્મક્તા આપણાં જ પતનનું કારણ બની જાય.

આપણે સૌએ એકવાર અચૂક વિચાર કરવો જ રહ્યો…

અત્યારના ૪જી સ્પીડના સમયમાં આપણે અલગ અલગ કેટલીય સોશિયલ મીડિયાની એપ્લીકેશન વાપરીએ છીએ, પણ એક વખત વિચાર કરજો કે સંપૂર્ણ ઉપયોગમાંથી કેટલો સારા અને ઉપયોગી કામ માટે હોય છે? આ બધી જ એપ જેણે પણ બનાવી હશે એ માત્ર મનોરંજનના હેતુથી નહીં બનાવી હોય, એમનો પણ આ દુનિયાને વધુને વધુ સુંદર બનાવવાનો અને લોકો એકબીજાને મદદરૂપ થઈ શકે એવું કરવાનો હેતુ પહેલો હશે. અને આપણે એમની મહેનતનો ખરેખર દુરુપયોગ વધુ કર્યો છે.

હવે ચૂપ રહેવાથી અને આમ જ નકારાત્મક્તા ફેલાવવાથી નહીં ચાલે, સકારાત્મક્તા ફેલાવવી જરૂરી છે. ચાલો, આજથી જ નક્કી કરીએ કે કોઈપણ પરિસ્થિતિને સકારાત્મક દ્રષ્ટિકોણથી જોઈશું. અને જ્યાં પણ મોકો મળે સકારાત્મક ઉર્જા ફેલાવવા પ્રયત્ન કરીશું. કોઈ સારી બાબત કે કોઈના સારા કામ વિશે જાણ થાય તો બને એટલો પ્રચાર કરીશું, ભલેને પછી એમાં આપણો કોઈ ફાયદો ન હોય. આપણાં ઘરના સભ્યોનું કોઈ સારું કામ હોય કે આપણી આસપાસ રહેતા કોઈનું, બને એટલો એ સારા કામનો પ્રચાર કરીએ, અને લોકોને પણ સત્કર્મ કરવા પ્રેરણા આપીએ. કોઈ સારું કામ કરતું હોય તો એનો મજાક બનાવવાની જગ્યાએ એનો સાથ આપીએ. એને પ્રોત્સાહન આપીએ. કોઈના સારા કામની માત્ર પ્રસંશા ના કરતાં એને જોરશોરથી લોકોને કહીએ, એના વિશે લખીએ, વાતો કરીએ, એનો જયકારો બોલાવીએ. ચાલો આ દુનિયાને બતાવી દઈએ કે આ દુનિયા ખરેખર સુંદર છે.

“સકારાત્મક રહો… વધુને વધુ સકારાત્મક્તા ફેલાવો.”

 

હાર્દિક કલ્પદેવ પંડ્યા

જ્યાં સ્વચ્છતા ત્યાં જ પ્રભુતા

સ્વચ્છતા પર તો આપણા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજી પણ ભાર આપતા હતા. “જ્યાં સ્વચ્છતા ત્યાં જ પ્રભુતા” આ કહેવતને બે રીતે મુલવી શકાય છે. ૧) જ્યાં સ્વચ્છતા હોય ત્યાં જ પ્રભુનો વાસ હોય છે, એટલે કે ભગવાનના આશીર્વાદ તેના પર જ રહે છે જે સ્વચ્છતાનુ ધ્યાન રાખે છે. ૨) જ્યાં (જે જગ્યાએ) સ્વચ્છતા હોય છે તેનું જ પ્રભુત્વ વધારે હોય છે, એટલે કે જે જગ્યા સ્વચ્છ અને સુંદર હોય છે એની જ ખ્યાતિ વધે છે, એ સ્થળ પ્રગતિ અને સમૃદ્ધિ પામે છે, ત્યાંની પ્રજા સુખી અને સમૃદ્ધ રહે છે.

સ્વચ્છતાનો મુદ્દો માત્ર સ્વાસ્થયને લક્ષીને જ મહત્વ નથી ધરાવતો, પણ જ્યાં સ્વચ્છતા હોય છે ત્યાં લોકોને આવવું ગમે છે, માણસની પહેલી પસંદ સ્વચ્છ, સુંદર અને રળિયામણી જગ્યા જ હોય છે, સ્વચ્છતાથી સફળતા સુધી બધા જ તત્વો એકબીજા સાથે સંકળાયેલા છે. જો તમારી આસપાસ સ્વચ્છતા હશે તો દુનિયા તમારી સાથે રહેશે. જો ગંદકી હશે તો દૂર રહેશે. આપણા શરીરની સ્વચ્છતા અને સુંદરતા જેમ લોકોને આકર્ષવા માટે જરૂરી છે એમ જ આપણી આસપાસના વિસ્તારને વિકસાવવા અને રોજગારની નવી તકો ઊભી કરવા માટે આપણો વિસ્તાર પણ સ્વચ્છ અને સુંદર હોય એ જરૂરી છે, તો જ બહારના વેપારીઓ અને રોકાણકારો અહીં આવશે અને રોકાણ કરશે. અને તો જ રોજગાર ઊભું થશે!

તમે એક કહેવત તો સાંભળી જ હશે કે લક્ષ્મી તિલક કરવા આવે ત્યારે મોં ધોવા ના જવાય. પણ દોસ્તો, લક્ષ્મીજી પણ એને જ તિલક કરવા આવે છે જે મનથી સ્વચ્છ અને છળકપટની ગંદકીથી દૂર હોય, જેના કર્મો સ્વચ્છ હોય. જીવનમાં કમાવવાની વૃત્તિ સાથે પરોપકારનો ગુણ પણ ધરાવે એને જ મા લક્ષ્મી તિલક કરવા આવે છે. માટે પોતાના કર્મો પણ સ્વચ્છ હોવા જોઈએ. તો જ લક્ષ્મીજી તિલક કરશે. આપણુ પ્રભુત્વ વધશે. અને આપણી સમૃદ્ધિનો માર્ગ સાફ થશે.

જીવનમાં આપણને ઘણા લોકો મળે છે, જેમાંથી અમુક સાથે ખરાબ અનુભવ પણ થાય છે, અને અમુક એવાય મળે છે જેમની પુજા કરવાનુ મન થાય, પણ આ બધા વચ્ચે જો આપણે આપણા સદ્દગુણોને વળગી રહી સૌ સાથે એક સરખું વર્તન રાખી શકીએ તો એ જ આપણાં સ્વચ્છ હૃદયની સાબિતી છે. જેનું હૃદય સ્વચ્છ હોય છે એના જીવનમાં ક્યારેય દુશ્મનાવટ કે દરિદ્રતા, દૂ:ખ કે તકલીફોની ગંદકી વધુ સમય રહેતી નથી. એ હમેશા સમાજમાં ઊંચું નામ અને સમૃદ્ધિ પામે છે. માટે જ હૃદયની સ્વચ્છતા પણ એટલી જરૂરી છે.

છેલ્લે બસ આટલું જ:

  • વ્યક્તિનુ મન સ્વચ્છ તો સમાજનુ દર્પણ સ્વચ્છ
  • સમાજની લાગણીઓ સ્વચ્છ તો પ્રગતિની કેડીઓ સ્વચ્છ
  • આપણુ શહેર સ્વચ્છ તો શહેરની સમૃદ્ધિનો રસ્તો સ્વચ્છ
  • આપણા શહેરની સમૃદ્ધિનો રસ્તો સ્વચ્છ તો આપણાં દેશની પ્રગતિ અને ખ્યાતિનો માર્ગ સ્વચ્છ અને તો જ આખી દુનિયા સ્વચ્છ, સુંદર અને રળિયામણી… ટૂંકમાં રહેવા લાયક… જીવવા લાયક…

બાકી સ્વચ્છતાને સ્વાસ્થય સાથે સાંકળીને કહું તો જો આપણે અને આપણુ શહેર/ગામ સ્વચ્છ રાખીશું તો જ આપણે સ્વસ્થ રહીશું અને સ્વસ્થ રહીશું તો જ તો કામકાજ કરી શકીશું અને પૈસા કમાઈ શકીશું. જો સ્વચ્છતા નહીં હોય તો બીમાર પડીશું અને આપણી કમાણી ઘટાડી, ડોક્ટરોની કમાણી વધારીશું… બીજું કંઈ જ નહીં…

હાર્દિક કલ્પદેવ પંડ્યા

કર્મયોગ એટલે ઉત્તમ યોગ…

કર્મ કોને કહેવાય? મારા મતે કર્મ એ જ ધર્મ, અને ધર્મ એ જ કર્મ… આપણાં ખભે મુકાયેલ જવાબદારીઓનું નિષ્ઠાપૂર્વક નિર્વાહન એટલે કર્મ અને એ જ આપણો પહેલો ધર્મ છે. આપણાં આખા જીવન દરમિયાન જે જે કર્યો આપણે કરીએ છીએ તે કર્મ…

આ કર્મના  બે ભાગ પડેલા છે. ખરાબ અને સારા… અને આ જ વર્ગીકરણ મુજબ આપણાં નસીબના લેખજોખાં પરમાત્મા તૈયાર કરતાં હોય છે અને એ મુજબ આપણને સારા કે ખોટા ફળ પ્રાપ્ત થતાં હોય છે. જો આપણું જીવન ખરાબ કામોથી જ ભરેલું હશે તો એ પાપના ખાતે જમા થઈ નુકસાન, ખોટ, સજા સ્વરૂપે આપણને મળશે. અને ભોગવવાનું છે તે ભોગવવું જ પડશે. અને જો હરહંમેશ માત્ર સત્કર્મ જ કર્યા હશે તો ભલે થોડી તકલીફો વેઠવી પડે પણ અંતે તો સફળતા અને સુખાકારી જ મળશે. જીવન સાર્થક થયું એવું જણાશે. અને મન પણ હમેશાં પ્રફુલ્લિત અને ખુશ રેહશે.

ભગવાને ધર્મ, અર્થ, કામ, અને મોક્ષ એમ ચાર યોગ કહ્યા છે અને કહ્યું છે કે પહેલા અને છેલ્લા પર તું ધ્યાન આપ અને બીજા અને ત્રીજાને મારા પર છોડી દે… પણ આપણે પહેલું અને છેલ્લું ભૂલી વચ્ચેના બંને પર વધારે ધ્યાન કેન્દ્રિત કરીએ છીએ અને ગમે તેવા ખોટા કામ કરવાથી પણ અચકાતાં નથી, પરિણામે દુખ અને તકલીફો ભોગવવાનો વારો આવે છે. અને ભગવાનને જ ખરાબ શબ્દોથી વધાવીએ છીએ.. પણ આપણે કરેલ ખોટા કર્મોની સજા તો આપણે જ ભોગવવી પડે ને! એમાં એ ભગવાન પણ શું કરે?

શાસ્ત્રોમાં કહ્યું છે કે આપણાં આગલા ૮૩ લાખ ૯૯ હજાર ૯ સો ૯૯ જન્મમાં કરેલા પાપ અને પુણ્યના હિસાબ કરી પરમાત્મા એ આ મનુષ્ય જન્મ આપ્યો છે. અને આ જન્મમાં પણ આપણે જે ભોગવી રહ્યા છીએ એ પણ એનું જ પરિણામ છે. આ મનુષ્ય જન્મ બીજી વાર નથી મળતો. માટે આ જીવનમાં હંમેશા સત્કર્મ કરવાનો આગ્રહ રાખવો… હા, આપણાં નસીબમાં જે લખ્યું છે અને પરમાત્માએ જે વિચાર્યું છે એ તો થઈને જ રહેવાનું, પણ બને ત્યાં સુધી પ્રભુમાં શ્રદ્ધા રાખી સત્કર્મના રસ્તે જ ચાલતા રહેવું.

  • જો આપણે કોઈનું સારું કરીશું તો આપણું પણ સારું જ થવાનું.
  • જીવનમાં જે થવાનું છે તે થઈને જ રહેશે, બસ તેને કેવી રીતે પ્રતિભાવ આપવો એ આપણાં હાથમાં છે.
  • ક્યારેક એવું પણ બને કે સત્કર્મના માર્ગે ચાલતા નુકસાન અને પરાજય મળતી દેખાય પણ બની શકે કે એ આપણી જીતની શરૂઆત હોય.

જીવનમાં જ્યારે પણ સુખ મળે ત્યારે વિનમ્ર રહેવું અને દુ:ખ પડે ત્યારે મન શાંત રાખી વ્યગ્ર થયા વિના પરિસ્થિતિનો સમજદારી પૂર્વક સામનો કરવો. સત્કર્મ અને સખત મહેનતનો કોઈ બીજો વિકલ્પ નથી. સત્કર્મ અને સખત મહેનત થકી જ જીવન સાર્થક બનાવી શકાય છે. દોસ્તો બીજો ત્રીજો જન્મ જેવુ કંઈ જ નથી હોતું જે છે એ આ જ જન્મ છે માટે સદૈવ સારા કર્મો કરો અને સમાજ માટે એક પ્રેરણા સ્વરૂપ બનો. યાદ રાખો કે કોઈપણ પરિવર્તનની શરૂઆત ઘર આંગણેથી જ થાય. પહેલા આપણે સત્કર્મના માર્ગે ચાલીશુ તો જ લોકોને પ્રેરણા પૂરી પડી શકીશું. અને તો જ સમાજમાં સકારાત્મકતા ફેલાશે. અને સત્કર્મ કર્યા હશે તો જ મોક્ષની પણ પ્રાપ્તિ થશે. પરમ કૃપાળુ પરમાત્માના ચરણોમાં સ્થાન પ્રાપ્ત થશે.

  • સફળતાના બે સૂત્રો:
  1. જે જાણો છો તે બધુ જ બધાને ન કહો.
  2. ક્યારેય એમ ના સમજો કે હું બધુ જ જાણું છું.
  • નાના નાના સારા કર્યો પણ મોટા મોટા પરિવર્તન લાવી શકે છે.
  • આપણું કરેલ એક નાનું પરોપકાર કોઈના માટે મોટામાં મોટી મદદ હોઈ શકે છે.
  • આપણે જો સાચા હોઈશું અને એકલા પણ હોઈશું તો પણ જીત આપણી પક્કી જ છે.
  • જીવન એવું જીવો કે તમારી બિનહયાતિમાં પણ લોકોના હૃદયમાં હયાત રહી જાઓ. એવું જીવન કે જેના થકી આ દુનિયાનું કંઈક ભલું થઈ જાય.

ભગવાન કહે છે કે,”તું એ કરે છે જે તું ઇચ્છે છે, પણ થાય તો એ જ છે જે હું ઇચ્છું છું. હવે તું એ કરવા લાગ જે હું ઇચ્છું છું અને પછી જો તું જે ઇચ્છે છે તે આપોઆપ થવા લાગશે.”

 

હાર્દિક કલ્પદેવ પંડ્યા

પર્સનાલીટી પાડવી છે? તો કસરત અને યોગ જરૂરી છે..

આજના સમયમાં લોકોને જોઈએ છે બધુ જ પણ મહેનત કશી જ કરવી નથી. પર્સનાલીટી પાડવી છે પણ શરીર તો જાણે માયકાંગલું. સાવ એવું કે દસ કિલોની થેલી ઉપાડી ચાલે તો દસ ડગલાં પણ માંડ મંડાય. કેટલાક એવા કે શર્ટનું એકાદ બટન ખુલ્લુ રહી જાય તો પાંસળીઓ દેખાય. જો કે એકલા છોકરાઓ નહીં છોકરીઓમાં પણ આવું જ છે ઘણી છોકરીઓ પંજાબી ડ્રેસ પહેરીને નીકળે તો લાગે કે ડ્રેસ હેંગર પર લટકાવ્યો હોય. શરીર સાવ ઢીલું-ઢાલું… અમુક યુવક-યુવતીઓ તો પર્સનાલીટી પાડવા મોંઘા કપડાં, મોંઘી ઘડિયાળ, બાઇક, સ્કૂટી અને સૌથી વધારે મોંઘો દાટ મોબાઈલ, સાલું બાઇક કે સ્કૂટીમાં પેટ્રોલ ભરાવવાના ફાંફા હોય અને ઇ.એમ.આઈ. પર હજારોનો મોબાઈલ ખરીદે, શો ઓફ કરે. પણ અંદરથી એટલા ખોખલા કે કોઈ એક લાફો પણ મારી જાય તો ધડામ કરતાં નીચે પડે. એમનો આત્મવિશ્વાસ પણ એવો જ માયકાંગલો… કોઈ બે શબ્દ બોલી જાય તો આંખે આંસુડાની ધાર નીકળી જાય. ખાવા-પીવામાં પણ આપણે બેદરકાર, લગભગ આજના બધા જ યુવાનો રોટલી-શાક-દાળ-ભાત તો કદાચ જ ખાતા હશે.. એમને તો પેલા ફાસ્ટ ફૂડ સેન્ટરના વડાપાઉં ને દાબેલી, વળી ક્યારેક પાણીપુરી બસ આ જ ભાવે… પછી શરીર દેખાવડું કેવી રીતે બને? પછી ૨-૪ મહિના જીમ જવાનું પણ એમાંય નિયમિતતા તો નહીં જ.

દોસ્તો, ભગવાને આપણને મનુષ્ય જન્મ આપ્યો છે, આટલું સરસ મજાનું શરીર આપ્યું છે, તો પછી આ શરીરને જીવનપર્યંત આટલું જ સુંદર અને સુદ્રઢ રાખવાની આપણી જવાબદારી છે કે નહીં??? એક વાર તમારા અંતરાત્માને પૂછી જુઓ. એ જ કહેશે તમને…

આપણે સૌએ કસરત અને યોગનું મહત્વ સમજવાની જરૂર છે. સમાજમાં જાગૃતતા લાવવાની જરૂર છે. દોસ્તો, આ કસરત અને યોગ કરવા મોંઘા દાટ જીમમાં જવાની કાંઈ જરૂર નથી. રોજ નિયમિત વહેલા ઉઠો, દસથી પંદર મિનિટ ચાલો, પંદર-વીસ મિનિટ હલકી ફૂલકી કસરત, દસેક મિનિટ યોગ બસ આટલું જ કરવાનું છે. દિવસનો માત્ર અડધો-પોણો કલાક કાઢવાનો છે આપણાં આ શરીરને છેલ્લા શ્વાસ સુધી સુંદર અને સુદ્રઢ ટકાવી રાખવા માટે… શું આટલું ન થઈ શકે?

એવું કોઈ નથી કહેતું કે બોડી બિલ્ડર બનો, વજનમાં પઠ્ઠા જેવા થાવ… આપણે આપણું શરીર કોઈને દબાવવા કે મારધાડ કરવા સક્ષમ નથી કરવાનું, પણ ક્યાંક માર ખાવાનો વારો આવે તો એને ઝીલવાની શક્તિ અને સામનો કરવાનો આત્મવિશ્વાસ તો જોઈએ ને! આ કસરત અને યોગ માત્ર શારીરિક ક્ષમતામાં અને દેખાવમાં જ વધારો નથી કરતાં, આપણી અંદર એક આત્મવિશ્વાસ જગાવે છે. આપણાં વ્યક્તિત્વમાં પણ નિખાર લાવે છે. યોગ અને કસરત આપણી યાદશક્તિ, એકાગ્રતામાં વધારો કરે છે, માનસિક તણાવ ઘટાડે છે. કસરત અને યોગ આપણી રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરે છે. વારંવાર બીમાર પડવાથી બચી શકાય છે. અને સ્વસ્થ શરીર એટલે સ્ફૂર્તિલું શરીર… કોઈપણ કામ કરવા માટે તુરંત જ હાજર. બોલો આવા લોકો કોને ના ગમે?

આ શરીરની નબળાઈ માનસિક કંટાળો ઉદભવે છે અને આપણને આળસું બનાવે છે, આપણામાં લઘુતાગ્રંથીનો ભાવ જગાડે છે. આ બધા નુકશાનથી બચવું હોય તો ચાલો આપણે આજથી જ નિયમિત કસરત અને યોગ શરૂ કરી દઈએ. અને ભગવાનની આ અમુલ્ય ભેટ(શરીર)ને જેમ જન્મ વખતે મેળવી હતી એમ જ પાછી ભગવાનને પરત કરીએ.

હું તો કહું છું :

  • જેણે વહેલી સવાર નથી જોઈ એની પ્રગતિની સવાર પણ નથી થઈ.
  • જીવનપથમાં આપણું શરીર જ આપણાં છેલ્લા શ્વાસ સુધીનો સાથી છે, બીજું કોઈ નહીં.
  • જો શરીર સુંદર અને તંદુરસ્ત તો લગભગ ૮૦% જીવન સુખી જ સુખી.
  • કસરત જેણે જીવનમાં ના કરી, વૃદ્ધત્વ એને યુવાનીમાં જ જઈ વરી.

નસીબ એટલે વળી શું??

આપણે કેટલાકને કહેતા સાંભળ્યા છે કે “મારું તો નસીબ જ ખરાબ છે.” તો કેટલાકને “નસીબ જેવુ કાંઈ નથી હોતું, મહેનતથી જ બધુ પ્રાપ્ત થાય છે.” કહેતા સાંભળ્યા છે. પણ વળી આ નસીબ કઈ બલાનું નામ છે?

દોસ્તો, જો આપણે આપણાં વ્યક્તિત્વમાં નિખાર લાવવો હશે તો આ “નસીબ” શબ્દ અને તેના અર્થને સમજવો ખુબ જ જરૂરી છે. દરેક માણસ પોતાના જીવનકાળમાં અનેક ઘટનાઓમાંથી પસાર થાય છે, જન્મ, બાળપણ, શાળાજીવન, મિત્રમંડળ, જીવનસાથી, નોકરી-ધંધો, અને પછી પોતાના બાળકો… અને આમ જ જીવનકાળ અવિરત ચાલ્યા કરે છે.  અને આ બધી જ ઘટનાઓ દરમિયાન જે શબ્દ સૌથી વધારે આપણે સાંભળીએ છીએ તે છે “નસીબ”…

દોસ્તો, આ “નસીબ” એટલે આપણાં ભૂતકાળમાં કરેલા કર્મોના આધારે આપણાં જીવનમાં ઘટતી અણધારી ઘટનાઓ કે જેના વિશે આપણને કંઈ જ ખબર નથી હોતી. બસ એ ઘટના ઘટે છે અને એને આપણે માત્ર સ્વીકારવાની હોય છે. સ્વીકારવી જ પડે છે… જેના પર આપણું કોઈ જ નિયંત્રણ નથી હોતું. બસ આને કહેવાય “નસીબ”. પણ હા હોં! આ “નસીબ”ને આપણાં નિયંત્રણમાં લાવવું એટલું અઘરું પણ નથી જ. બસ પોતાના પર આત્મવિશ્વાસ રાખી આગળ વધીએ અને સકારાત્મક્તા પૂર્વક સાચા રસ્તે સખત મહેનત કરીએ. બસ પછી જુઓ આપણું નસીબ કેવું બદલાય છે અને આપણી ઇચ્છા મુજબના પરિણામ આવે છે.

“જે છે, તે છે” બસ આ સ્વીકારી આગળ વધીશું તો ભયમુક્ત જીવન જીવી શકીશું. જે “નસીબમાં થવાનું છે તે તો થઈને જ રહેશે.” આ વાત સમજી ગયા એ સૌ સફળતા તરફ એક ડગલું આગળ વધી ગયા. કારણ કે તેમના જીવનમાં કોઈ પણ તકલીફો આવશે તોય એ ડગી નહીં જાય પણ “આ તો ભગવાન તરફથી થતી મારી પરીક્ષા છે. મને કંઈક સરસ પરિણામ આપવા માટે.” એમ કહી એ તકલીફ સામે લડી જશે. અને ક્યારેય એને અફસોસ પણ નહીં અનુભવાય, કારણ કે એ જાણે છે કે “મેં જે કર્યું છે એનું જ આ પરિણામ છે.” બસ આપણે પણ આ જ શીખવાનું છે. અને પછી જુઓ જીવન કેવું ખુશખુશાલ થઈ જાય છે.

આ નસીબ એટલે ભગવાન રામનું ચૌદ વર્ષનું વનવાસ, ભગવાન કૃષ્ણનું એક સામાન્ય શિકારી દ્વારા મોત, અને મીરાને ઝેર પીવાની ફરજ પડવી…. અને ઈતિહાસમાં અમર થઈ ગયેલ અનેક મહાનુભાવોના જીવનમાં આવેલ મુશ્કેલીઓ… તો પછી આપણે કોણ વળી?

બસ આટલું યાદ રાખો:

  • જે છે, તે છે…
  • જે થવાનું છે, તે તો થઈને જ રહેશે.
  • બસ એને સ્વીકારીને આગળ વધવું અને જીવનને માણવું.!

જીવન ઘડતરમાં વાંચનનું મહત્વ શું?

આપણાં આખા જીવનમાં થતી બધી જ ક્રિયાઓમાંની સૌથી ઉત્તમ અને મહત્વપૂર્ણ ક્રિયા એટલે વાંચન.. વાંચનને આપણાં મગજ અને આત્માનો ખોરાક પણ કહી શકાય. વાંચન ખુબ જ જરૂરી છે. આપણાં વ્યક્તિત્વને નિખારી જ્યારે આપણે લોકોથી અલગ તરી આવવું હોય તો વાંચન આવસ્યક છે.

દોસ્તો, આપણાં વિદ્યાર્થીકાળમાં આપણી પાસે એક ચોક્કસ પ્રમાણમાં અભ્યાસક્રમ હોય છે. ને પાછી વિદ્યાલયો દ્વારા લેવાતી વારંવાર કસોટીઓ… આપણાં ભણતરમાં રહેલ કચાસને સુધારવાની તક મળતી રહે છે. પણ આપણાં જીવનકાળના અભ્યાસક્રમની તો કોઈ સીમા જ નથી હોતી, ત્યારે શું કરવું? કેવી રીતે જીતવું? કેવી રીતે સફળ થવું? દોસ્તો આનો એક માત્ર જવાબ છે અવિરત વાંચન… દિવસે દિવસે બદલાતી ફાસ્ટ ટ્રેક દુનિયામાં હમેશાં અપડેટ રહેવું જરૂરી છે અને એ અપડેશન માટે જરૂરી છે વાંચન…

વાંચનમાં એક અદ્ભુત શક્તિ છે, આપણાં જીવનમાં પુસ્તકોનું વાંચન જે મદદ કરી શકે છે એ બીજું કોઈ કરી શકતું નથી. એક પુસ્તક લખવાથી માંડીને તેના પ્રકાશન અને વિમોચન સુધીની પ્રક્રિયા કંઈ નાની વાત નથી. લેખક તેના વિચારો, સિદ્ધાંતો, જે-તે વિષયનું પોતાનું જ્ઞાન વગેરેનું સુયોગ્ય સમન્વય કરે છે ત્યારે એ પુસ્તક બને છે. અને એ પુસ્તકનું વાંચન આપણાંમાં રહેલ નકારાત્મક વિચારો, હતાશાને દૂર કરી દે છે. આપણાં વ્યક્તિત્વ પર એક સકારાત્મક પ્રભાવ છોડી જાય છે. આ ફાસ્ટ ટ્રેક જીવનમાં વાંચવાનો સમય જ ક્યાં છે? એવું બહાનું નહીં ચાલે… આપણાં મોજ શોખ માટે સમય કાઢીએ જ છીએ ને? તો હવે પછી નિયમ કરીએ કે મહિને એક પુસ્તક તો વસાવવું જ અને વાંચવું જ… દિવસના ૨૪ કલકમાંથી માત્ર અડધો કલાક જ, પણ… વાંચન કરવું.

“જેટલું સારું વાંચન હશે એટલું જ સરસ રીતે આપણું કામ થશે અને પરિણામની લેશ માત્રની પણ ચિંતા નહીં રહે…”

મહાન વ્યક્તિઓના જીવન ચરિત્ર, ધાર્મિક પુસ્તકો જેવા ઉત્તમ પુસ્તકો વાંચો અને વાંચવા પ્રેરિત કરો કારણ કે પુસ્તક વાંચન જીવન જીવવાની જડીબુટી સમાન છે. આપણે પેલી કહેવત તો જાણીએ જ છીએ, “એક સારું પુસ્તક વ્યક્તિના સાચા મિત્ર જેવું હોય છે.” એમ જ એક પુસ્તક જેવી ઉત્તમ બીજી કોઈ ભેટ નથી. પુસ્તકની ભેટ એટલે જ્ઞાનની ભેટ… અને જ્ઞાનની ભેટ તો સર્વશ્રેષ્ઠ જ કહેવાયને!!! બસ તો પછી આજે જ નવું પુસ્તક વસાવો અને વાંચનની શુભ શરૂઆત કરો. વાંચો અને વાંચવા પ્રેરિત કરો.

કોઇકે કહ્યું છે કે, “સારા પુસ્તકો વસાવતા રહો, ભલે પછી એમ લાગતું હોય કે એ વંચાશે કે નહીં???”

ચાલો, આ વાંચનમાં રહેલી એ અદ્ભુત, અનોખી અને દિવ્ય શક્તિ થકી આપણે આ દુનિયાદારીની ભીડમાં અલગ તરી આવીએ.. અને વાંચનનું મહત્વ સમજાવી સમાજમાં પણ જાગૃતિ લાવીએ. વાંચનનો પ્રચાર-પ્રસાર કરીએ. આપણી અને સૌની પ્રગતિને વેગવંતુ કરીએ.

“આજથી વહેલી કોઈ શરૂઆત નહીં

અને કાલથી મોડી કોઈ વાત નહીં.”

 

હાર્દિક કલ્પદેવ પંડ્યા

ધર્મ એટલે શું? માન્યતાઓ: શ્રદ્ધા કે અંધશ્રદ્ધા??

આ ધર્મના નામે કેટકેટલી ચર્ચાઓ અને વિવાદો થાય છે… પણ ખરેખર લાગે છે કે ધર્મને આપણે સાચી રીતે ઓળખી જ શક્યા નથી. ધર્મના નામે હુલ્લડો કરી નાખીએ છીએ, કોઈના વાદે ચડી મારધાડ કરી નાખીએ છીએ પણ ક્યારેય ધર્મને ઊંડાણથી સમજવા પ્રયત્ન કર્યો છે ખરો? માનતાઓ માનીએ છીએ, બાધા રાખીએ છીએ, પાઠ-પુજા કરીએ છીએ પણ બધું જ સમજ્યા વગર… ભય, બીક, ડરને વશીભૂત થઈને…

દોસ્તો, ધર્મ એટલે વ્યક્તિના સર્વાંગી વિકાસ માટેનું પ્રથમ પગથિયું. ધર્મ એટલે અનુશાસનની પાઠશાળા, જ્યાં આપણી અંદર સકારાત્મકતાની સાથે શિસ્તનું સિંચન થાય. જે ધર્મની સાચી વ્યાખ્યા સમજી શક્યા છે તેઓ મહાન વ્યક્તિ તરીકે ઈતિહાસમાં અમર થઈ ગયા અને જે ધર્મના નામે કટ્ટરપંથી બન્યા એ માત્ર વિવાદોમાં ઘેરાઈને રહી ગયા. અહીં કોઈ એક ધર્મની વાત નથી. દરેક ધર્મનો અંતિમ હેતુ અવગુણોનો નાશ કરી ગુણોનું સિંચન કરી વ્યક્તિનો સર્વાંગી વિકાસ જ હશે/છે.

દરેક ધર્મમાં અમુક માન્યતાઓ, રીત-રિવાજ અને નિયમો હોય છે. આ બધાં જ નીતિ-નિયમો, માન્યતાઓ જ્યારે પણ સમાજ સામે મૂકવામાં આવી હશે ત્યારે તેનો હેતુ કટ્ટરવાદ તો નહીં જ હોય. જો મારી માનો તો આ બધાં જ નિયમો અને રિવાજો પણ વૈજ્ઞાનિક તર્કથી અને સમાજના સર્વાંગી વિકાસ માટેની જરૂરિયાત સમજીને જ મૂકવામાં આવ્યા હશે, પણ આપણે “ના હોં… આ તો કરવું જ પડે નહીં તો ભગવાન નારાજ થઈ જાય ને હેરાન હેરાન કરી નાખે..” બસ આ ડર દિલોદિમાગ પર ખીલ્લો ઠોકી બેસાડી દીધા છે. આ બધું સમજવા અને તર્ક જાણવાનો સમય જ ક્યાં છે આપણી પાસે? નહીં?? પાછા જેમને આવા નિયમો પાળવા ન હોય એ અભિવ્યક્તિની આઝાદીની વાતો કરીશે.

ચાલો હિન્દુ ધર્મના જ અમુક રીત-રિવાજો અને નિયમો વિશે વાત કરીએ…

દોસ્તો, આ શનિવારે કે મંગળવારે આપણાં તેલ ન નાખવાથી કે માથું ન ધોવાથી હનુમાન દાદાને વળી શું ફરક પાડવાનો?? તોય બસ સમજ્યા જાણ્યા વગર જ આપણે એ માનીએ છીએ. પણ આ રિવાજ શરૂ કરવા પાછળનો હેતુ એ હશે કે આપણી અંદર રહેલ લાલચ, લોભ, લાલસા, વાસના જેવા વિકારો પર નિયંત્રણ લાવતા શીખીએ. એક વૈરાગી જેમ જીવે તે રીતે ક્યારેક જીવવું પડે તોય આપણે જીવી લઈએ એ શીખવવા આ નિયમ બનાવ્યો હશે. કારણ કે હનુમાનજી મહારાજ પોતે વૈરાગી/બ્રહ્મચારી જીવન જીવતા… પણ આપણે તો બસ ધર્મના નામે કટ્ટરતાથી એ માનવું અને લાલચ, લોભની પૂરતી માટે કંઈ પણ ખોટું કરવું પડે તો કરવામાં પાછા ના પડવું… બસ આ જ કરીએ છીએ.

એમ જ ક્યારેય રાત્રે નખ ન કાપવા એ નિયમ પણ તાર્કિક રીતે બન્યો હશે. કે પુરાતન કાળમાં વીજળીની સુવિધા ન હતી. સાયંકાળથી (એટલે કે સાંજ પડતાં જ) દીવો પ્રગટાવી દેવામાં આવતો. અને દીવાની જ્યોત કેટલી નાની હોય છે? હવે જો એ જ્યોતમાં નખ કાપવા જઈએ તો ચામડી કપાઈ જવાનો ડર રહે, શારીરિક નુકશાન થાય અને દવા કરાવવી પડે, માટે આ નિયમ બનાવાયો. પણ કદાચ આ નિયમ બનાવનાર મહાત્માઓને પણ ખબર હશે કે આ સમાજ એમના તર્કને ક્યારેય નહીં સમજે, એમને તો ડરાવવા જ પડશે… એટલે કહી દીધું કે રાત્રે નખ કાપશો તો લક્ષ્મીજી નારાજ થઈ જશે. અને આપણે બસ કટ્ટરતાથી માની લીધું. પણ એ ન સમજ્યા કે લક્ષ્મીજીનું નારાજ થવું એટલે કે પૈસા વપરાવા.. તમે ડોક્ટર પાસે જાવ તો એ ઈલાજ કરવાના પૈસા તો લે જ ને.! એટલે લક્ષ્મીજી નારાજ થયા ગણાય એમ કહ્યું. અને કહ્યું કે રાત્રે નખ ન કાપો. મા લક્ષ્મી તો દેવી મા છે. આખા જગતને સમૃદ્ધિ આપનારી મા કંઈ એના બાળકોથી નારાજ થાય ખરી? અને તોય આપણે…

આ ઉપવાસ પણ રિવાજમાં મુકાયા એ કંઈ ભગવાન એવું નથી કહેતા કે તમે ભૂખ્યા રહો અને મને છપ્પન ભોગ ધરાવો… આ ઉપવાસનું પણ વૈજ્ઞાનિક અને તબીબી કારણ હશે/છે. બસ આપણે સમજ્યા નથી. ઉપવાસનો હેતુ છે આપણી શારીરિક અને માનસિક શુદ્ધિ… અઠવાડિયે એક દિવસ ઉપવાસ કરવાથી પાચનતંત્ર સારું રહે છે અને અનેક પ્રકારની બીમારીથી બચી શકાય છે. એક દિવસનો ઉપવાસ આપણી અંદર સ્ફૂર્તિ અને ઉર્જાનો સંચાર કરે છે. જે આપણને કોઈપણ વિકાર વિના સકારાત્મકતાથી જીવન જીવતા શીખવી જાય છે.

દાનધર્મનો નિયમ પણ આપણી અંદર પરોપકારનો ગુણ અને અને ત્યાગનો ગુણ શીખવવા બનાવાયો હશે. પણ કટ્ટરપંથીઓએ એને પણ સમાજમાં ભય સ્વરૂપે વહેચ્યું. જો દાનધર્મ નહીં કરો તો પરમાત્મા નારાજ થશે. અને કરશો તો બમણું મળશે.. અરે ભગવાને આ દુનિયામાં માણસનો અવતાર જ એકબીજાની મદદ કરવા આપ્યો છે. દાનધર્મથી ભગવાન ખુશ નથી થતાં પણ તમારી એક મદદના કારણે કોઈ બીજું ખુશ થયું એ જોઈ ભગવાન ખુશ થાય છે. એની આ સરસ મજાની દુનિયા રચવાની મહેનત સફળ થઈ એ જાણી ખુશ થાય છે. અને એ જ ખુશીમાં એ તમને બમણું આપે છે… એ માટે કે પહેલીવાર તમે તમારું પેટ કાપીને પણ જરૂરિયાતમંદની મદદ કરી તો હવે તમને બમણું મળવું જ જોઈએ જેથી તમે તમારું તો સુંદર રીતે પૂરું કરી જ શકો અને વધે તેમાંથી સમાજ કલ્યાણના કામ કરી શકો. આ દુનિયાને સુંદર મજાની બનાવી શકો. આ છે તર્ક, આ છે વિચાર દાનધર્મનો… ને આપણે???

ભગવાને આ જે સ્વર્ગ અને નર્ક, સારું અને ખરાબ બધું જ જે બનાવ્યું છે એ તમને બધી જ સારી વસ્તુઓની કદર કરતાં શીખવાડવા જ સર્જયું છે, નહીં કે આપણને હેરાન કરવા… આપણે સૌ એ પરમાત્માના જ સંતાન છીએ પછી એ પોતાના જ બાળકોને હેરાન કરે ખરાં??? એટલું તો વિચારો??

મિત્રો, ધર્મ ડરવા કે ડરાવવા માટે નથી, આપણને નિર્ભય બનાવવા માટે છે. ધર્મનું આંધળું અનુકરણ ના કરો કે ના કોઈને કરવા મજબૂર કરો. ધર્મ અને રીતિરિવાજોને સમજવા પ્રયત્ન કરો અને એનું મર્મ સમજી અનુસરણ કરો. તમારો સર્વાંગી વિકાસ નિશ્ચિત છે.

  • અનુકરણ અને અનુસરણ વચ્ચે ખુબ જ પાતળી ભેદરેખા છે… તેને સમજવી જ રહી.
  • જે કરવાથી જાન, માલ કે બીજા કોઈપણ પ્રકારનું નુકશાન ના થાય એ શ્રદ્ધા, પણ જે કરવાથી કોઈના જીવન પર સંકટ આવે કે કોઈ બીજા પ્રકારનું નુકશાન થાય એ બધું જ અંધશ્રદ્ધા.

 

હાર્દિક કલ્પદેવ પંડ્યા