સમય એ અમૂલ્ય છે… એની કદર કરો..

જેને “સમય” ની કિંમત સમજાઈ એમનું જીવન સફળ થઈ ગયું ને બાકી બધા જ એની રાહ જોતાં રહી ગયા.

દોસ્તો, આપણે રૂપિયા-રૂપિયાનો હિસાબ રાખીએ છીએ. આપણાં બાળકોમાં પણ આ જ ટેવ કેળવીએ છીએ. પણ ક્યારેય આપણે ન તો પોતે પોતાના સમયના હિસાબ પર ધ્યાન આપ્યું ન તો બાળકોને સમયનો હિસાબ રાખતા શીખવ્યું. ઇતિહાસ સાક્ષી છે કે જેણે સમયની કદર કરી, સમયનો સદુપયોગ કર્યો એમનું નામ ઈતિહાસમાં સુવર્ણ અક્ષરે લખાયું. જો આજના યુવાવર્ગની વાત કરી તો, એ તો બસ મોબાઈલ, સોશિયલ મિડિયા, ફ્રેન્ડ, ટીવી, અને બાઈક… બસ આની આસપાસ જ જીવન વ્યતીત કરે છે… અરે વેડફે છે. હા, સંપૂર્ણ યુવાવર્ગને દોષી નથી ગણતો પણ ઘણા ખરાં યુવાનો આવા જ છે.

જાગી જાવ દોસ્તો..! આ “સમય” ભગવાને એમનેમ વેડફવા નથી આપ્યો. દિવસના ૨૪ કલાક અને ૧ કલાકની ૬૦ મિનિટ હોય છે, અને એ એકેએક મિનિટમાં ૬૦ ક્ષણો(સેકન્ડ) હોય છે. આ ક્ષણેક્ષણનું સમય પત્રક બનાવો. રોજેરોજનું આયોજન કરો. ભલેને પછી આયોજન મુજબ કામ ન થાય, પણ આયોજન તો કરવું જ. સવારે ઉઠવાના સમયથી માંડીને રાત્રે ઊંઘવાનો સમય પણ નિશ્ચિત કરો. શું કામ કરવું છે? કયું કામ ક્યારે કરવું છે? બધું જ કામ આયોજન કરીને કરો. ઈશ્વરની આપેલી આ અમુલ્ય ભેટ “સમય”નો સંપૂર્ણ સદુપયોગ કરો અને આ બધું જ માત્ર મગજમાં રાખવા કરતાં એક જગ્યાએ લખવાનું રાખો. ડાયરી બનાવો.

તમને આલ્બર્ટ આઈન્સ્ટાઈને આપેલ નિયમ તો ખબર જ હશે. “દરેક વસ્તુ બીજી વસ્તુની સાપેક્ષમાં ગતિ કરે છે.” બસ આવું જ કઈંક સમયનું પણ છે.

“તમે સમયની કિંમત નહીં કરો તો સમય તમારી કિંમત નહીં કરે.”

જીવન સફળ બનાવવા, જીવનમાં વ્યક્તિત્વમાં નિખાર લાવવા આ એક મહત્વનુ પાસું છે. કોઈ કાર્યક્રમમાં જવાનું હોય તો સમયસર પહોંચી જાઓ. કોઈને મળવા માટે સમય આપ્યો હોય તો અચૂક સમય સાચવી મળો, અને ન મળાય તો ક્ષમા માંગી નવો સમય લઈ મળો. સમયનું આયોજન એવું કરો કે ક્યાંય નીચું જોવાનો વારો જ ન આવે. સમય સાથે ચાલો, સમય બદલાય એમ પોતાને બદલો. સમયને સન્માન આપો.

“આ સમય પણ જતો રહેશે.”

દરેક સારા સમયની એક ખરાબ આદત હોય છે કે એ પૂરો થઈ જાય છે, અને ખરાબ સમયની સારી વાત એ હોય છે કે એ પણ પૂરો થઈ જાય છે. સમય એક સરખો ક્યારેય રહેતો નથી. જે આ વાત સમજી ગયા એ જાણે છે કે “હું એ જ છું જે સમય પ્રમાણે સુખ-દુ:ખ અનુભવવાને બદલે તટસ્થ રહું છું.”

“When Time Never Stops For Me Then Why Should I Always Wait For Right Time?”

“No Time Is Wrong To Do Anything Right.”

વળી આ મહેનતનું મહત્વ છે શું??

“ભાઈ આ મહેનત જેવું કંઈ નથી હોતું… નસીબ જોઈએ નસીબ…”

આવું કહેતા તમે ઘણાને સાંભળ્યા હશે. એક વાત હમેશાં યાદ રાખજો “પુરુષાર્થ વિના પ્રારબ્ધ કશું જ નથી” મહેનત કરશો તો જ સફળતાને પામશો. પણ હા, આપણે આપણાં બાળકોને કહીએ છીએ ખરા કે મહેનત કરો, મહેનત કરો. અરે કહીએ છીએ શું… ગુસ્સાસભર અવાજે ધમકાવીએ છીએ.. અને ક્યારેક તો ન બોલવાના શબ્દો પણ બોલી દઈએ છીએ… પણ ક્યારેય તમે બાળકને મહેનતની સાચી દિશા કઈ એ સમજાવ્યું છે, ખરું? ના… તો પછી જો બાળક ખોટા રસ્તે મહેનત કરે તો વાંક કોનો?

  • સખત મહેનત એ સીડી જેવી હોય છે, જ્યારે નસીબ લિફ્ટ જેવું. લિફ્ટ બગડે ને અટકી જાય પણ પુરુષાર્થ(મહેનત)ની સીડી તમને સફળતાના શિખરો સર કરાવે જ છે.
  • આપણું આ જીવન સંઘર્ષભર્યું છે, એનાથી ભાગવું આસન છે, પણ સંઘર્ષથી ડરીને ભાગી જવાથી કઈં જ મળશે નહીં. આ સંઘર્ષથી અડગ રહી લડશો(મહેનત કરશો) તો જ વિજયને પ્રાપ્ત કરશો

આપણાં વ્યક્તિત્વના નિખાર માટે પણ સખત મહેનત કરવી જ પડે છે. મહેનત એટલે સતત પરીક્ષણ… સતત કાર્યરત રહેવું, સતત વાંચન, કસરત, નિયમ પાલન… હા સતત… બધું જ સતત… આ જ છે સાચી મહેનત. સાચા રસ્તે અને સખત મહેનત કરવાવાળા ક્યારેય પાછા પડતાં નથી. એ હમેશાં સફળતા મેળવે છે. હા, એવું નથી કે તમે મહેનત કરો ને તરત જ ફળ મળી જાય.. ક્યારેક વાર પણ લાગે. પણ મહેનત ક્યારેય વ્યર્થ જતી નથી. અને જ્યારે મહેનત રંગ લાવે છે ત્યારે આખું વાતાવરણ અવનવા ફૂલોથી આચ્છાદિત બગીચાની જેમ મહેકી ઊઠે છે. અને મનને પ્રફુલ્લિત કરી મૂકે છે. માટે સતત કર્મ કરતાં રહો. એક પક્ષી માળો બાંધવા કેટલી મહેનત કરે છે, અને થોડો અમથો પવન ફૂંકાય ને માળો વેરવિખેર… પણ એ કઈં મહેનત કરવાનું છોડતું નથી. ફરી માળો બનાવવા મહેનત શરૂ કરે છે. બસ એ જ આપણે પણ શીખવાની જરૂર છે. જો એ પક્ષી થઈને મહેનત કરવામાં પાછું નથી પડતું તો આપણે શું કામ?

મહેનતને કાલ પર તો ક્યારેય ન છોડવી…

હાલ જ કામ પર લાગી જાઓ. આજથી જ મહેનત કરવા લાગો. એનું પરિણામ કદાચ તરત નહીં મળે પણ મહેનત કરવાનું છોડશો નહીં. જો અંતરમાં મહેનતના બીજ રોપ્યાં હશે તો બહાર સફળતાના મીઠા ફળ ખાવા મળશે જ. એમાં કોઈ શંકાને સ્થાન નથી.

“કર્મ અને ફળ ક્યારેય અલગ નથી હોતા…

કર્મ(મહેનત) થાય તો ફળ(ઇચ્છિત પરિણામ) મળે જ.”

પણ હા હોં, પેલા ચોર અને ડાકું પણ મહેનત તો કરે જ છે પણ એ મહેનતની દિશા ખોટી છે અને એનું પરિણામ તો પતન જ હોવાનુ. માટે મહેનત કરો, પણ સકારાત્મક વિચારો થકી સાચા અને ઈમાનદારીના રસ્તે. જીવનમાં તમારે જે કઈં પણ મેળવવું છે તેના માટે સાચા રસ્તે અને સખત મહેનત જરૂરી છે. ચાહે પછી તમારે જીવનસાથીની તલાશ હોય કે પૈસા કમાવવા હોય, સુખ મેળવવું હોય કે સમૃદ્ધિ દરેક માટે મહેનત જરૂરી છે. અને મહેનત કરશો તો પરિણામ તમારી તરફેણમાં જ આવશે એ આત્મવિશ્વાસ પણ રાખવો.

Be Confident… But Never Be Over-Confident

જીવનમાં અનુભવાતો સંઘર્ષ એ આપણાં સર્વાંગી વિકાસ માટે વિધાતા દ્વારા લેવાતી આપણી લાયકાતની પરીક્ષા છે. માટે સંઘર્ષનો સામનો અડગ રહી કરો. મહેનત કરવાનું ટાળશો નહીં.

પણ… પણ… પણ…

આપણે આજથી વધુ સુંદર કાલ અને કાલ પડે એટલે એથીયે સુંદર ફરી આવતી કાલ માટે જ જીવન પૂરું કરી દઈએ છીએ. ના…! આવું પણ ન હોવું જોઈએ… આ જીવન વિધાતાની આપેલ અમુલ્ય ભેટ છે. જીવન માત્ર જીવવા માટે નહીં પણ માણવા માટે છે. એટલે જીવનને માણતા પણ શીખો.

 

હાર્દિક કલ્પદેવ પંડ્યા

મૈત્રી શું છે?? મિત્રતા એટલે શું?

ગલી મહોલ્લામાં આપણી સાથે રમતો રમે, પતંગ ચગાવવાની હરિફાઈ કરે, સ્કૂલમાં નાનો મોટો ઝગડો ભલે થાય પણ કોઈ ત્રીજો હાથ પણ લગાડી જાય તો રક્ષણ માટે પહેલો આગળ આવે, પરીક્ષાના સમયે સાથે બેસીને વાંચે, દરેક મોજ મસ્તી અને ધમાલમાં જેનો સાથ મળે, પણ ક્યારેય આપણને ખોટા રસ્તે જવા ન દે.. એનું નામ સાચો દોસ્ત. અને એનામાં રહેલી આપણા માટેની લાગણી એટલે મૈત્રી…. મિત્રતા….

આ તો પાયો છે. અહીંથી આ સુંદર સંબંધની ઈમારતનું નિર્માણ શરૂ થાય છે. અને આ જ મૈત્રી બાળપણ, ભણતર અને ગણતર સુધી એટલે કે જીવનપર્યંત ચાલે છે. એકબીજાની રજેરજથી વાકેફ હોય, વર્ષોથી છૂટા પડ્યા હોય તોય મળે ત્યારે ઉમળકાભેર મળેને એ સાચો દોસ્ત. આ દુનિયામાં મૈત્રી એ જ સૌથી સુંદર ભાવ છે… એક વખત માટે બે વ્યક્તિ વચ્ચે પ્રેમ ન હોય ને તોય સંબંધ ટકાવી શકાય જો એ બે વચ્ચે મૈત્રી સાચી હોય.

મિત્રતા એ જીવનનો સૌથી મહત્વપૂર્ણ સંબંધ છે. આ દુનિયામાં બીજા એક પણ સંબંધો એવા નથી કે જે આપણે પસંદ કરી શકીએ છીએ. બસ એક જ સંબંધ એવો છે જે આપણે બાંધીએ છીએ. અને એ છે મિત્રતા. જો સારો અને સાચો મિત્ર મળી ગયોને તો સમજો જીવન સાર્થક થઈ ગયું. કારણ કે એ સાચો મિત્ર જ આપણને પ્રગતિના પંથે આગળ વધવામાં મદદરૂપ બનશે. એ સહારો નહિ બને બલ્કે વગર સહારે આગળ વધવા માટે આપણને સક્ષમ બનાવશે. એક મિત્ર એટલે એવો ઘેઘૂર વડલો કે જ્યાં તમે એની નીચે બેસી શકો,  લટકી શકો, એના ફળ ખાઈ શકો, ધમાચકડી મચાવી શકો, શું ન કરી શકો.? ને છતાંયે જન્મથી મૃત્યુ સુધી જેનો સાથ મળે એ સાચો મિત્ર.

આપણે કોઈને ચાહીએ અને કોઈ આપણને ચાહે… ચાહવાવાળા તો બહુ મળશે. સાચી મૈત્રી ધરાવતો વ્યક્તિ મળવો એ નસીબની વાત છે. હું તો કહું છું કે જે વ્યક્તિ સાચી મૈત્રી નિભાવી શકે ને એ જ વ્યક્તિ સાચો પ્રેમ પણ કરી શકે. એટલે જો પહેલા નિભાવવી હોયને તો સાચી મૈત્રી નિભાવો. પ્રેમ તો આપોઆપ મળશે. ઘણીવાર આપણે હજી તો મૈત્રી બરાબર બંધાઈ ન હોય અને પ્રેમનો એકરાર કરવા નીકળી પડીએ છીએ. અરે યાર! પણ પહેલા મૈત્રી તો નિભાવો. મિત્રતાનો પાયો તો મજબૂત બનાવો… ખરેખર આ દોસ્તી, પ્રેમ, સંબંધો બધાને આપણે એક મજાક બનાવી દીધો છે. સંબંધો પણ સ્વાર્થના બંધાય છે. સ્વાર્થ પૂરો એટલે સંબંધ પણ.

દોસ્ત એ નથી જે રોજ ફોન કરે, મળવા આવે, બાવડે ધબ્બો મારી કેમ છે દોસ્ત કહે. દોસ્ત તો એ છે જે આપણા ખરાબ સમયે સાથે ઊભો રહે અને કહે ચિંતા ન કર દોસ્ત હું તારી સાથે જ છું. જોઈ લઈશું, ફોડી લઈશું બધું.

કોલ ના કરે પણ યાદોને મનમાં સાચવી રાખે એ સાચો દોસ્ત..”

સાચી અને લાંબા સમય સુધી ટકી રહે એવી મિત્રતા જોઈએ તો પહેલી શરત સારા વ્યક્તિ બની કોઈનું સાચો મિત્ર બનવું પડે. જેમ કે કૃષ્ણ અને સુદામા.‌‌.. અમીરી-ગરીબી, સુખ-દુઃખ, કશું જ નહીં માત્ર મૈત્રી… શુદ્ધ મૈત્રી. જેને જીવનમાં આવા ૨-૪ સાચા અર્થમાં કહેવાય એવા મિત્રો મળ્યા છે એ દુનિયાના સૌથી શ્રીમંત વ્યક્તિ છે.

મારા મતે દુનિયાનો સૌથી શ્રેષ્ઠ સંબંધ એટલે મિત્રતા.

હાર્દિક કલ્પદેવ પંડ્યા

જે થાય છે તે સારા માટે જ થાય છે…

ઘણાં લોકો કહે છે કે આ બધુ મારી સાથે જ કેમ થયું? ભગવાન હમેશાં મને જ હેરાન કરે છે. કેટલી પરીક્ષા લેશે ભગવાન? આ બધુ ખરાબ મારી સાથે જ થાય છે. આપણને જરા અમથી તકલીફ પડે અને આપણે ભગવાનને કોસવા લાગીએ છીએ. “ભગવાન, તું તો મારો દુશ્મન છે.”

દોસ્તો, ભગવાને આ દુનિયા બનાવી છે, આપણને જન્મ આપ્યો છે એ કંઈ આપણને હેરાન કે દુખી કરવા માટે નહીં. ભગવાન આપણને જે આપે છે એ સારા માટે જ હોય છે. પછી એ દુ:ખ જ કેમ ના હોય. ભગવાન ચાહે તો આ દુનિયામાં બધુ સારું, સકારાત્મક અને “મોજા હી મોજા” વાળું જ રહે પણ જો એમ થાય તો સકારાત્મકતા અને સારી વસ્તુઓની કિંમત શૂન્ય થઈ જાય. બસ એટલે જ એમણે આપણને સુખની સાથે દુ:ખ અને આનંદની સાથે તકલીફની અનુભૂતિ આપી કે જેથી આપણે સુખ, આનંદ, હેપ્પી ફીલિંગની કદર કરતાં શીખીએ. જેમ શાળામાં એક ધોરણમાંથી બીજા ધોરણમાં જવા માટે પરીક્ષા આપવી પડે એમ તમે કોઈ ઉત્તમ ફળને લાયક છો કે નહીં એ જાણવા ભગવાન પણ તમારી પરીક્ષા તો લે જ ને??? આ જે કંઈ પણ ખરાબ સમય છે એ ખરાબ નહીં તમારી પરીક્ષાનો સમય છે. ભગવાન જ પરીક્ષા લે છે અને એ જ પરીક્ષા આપે પણ છે બસ એમ માની આગળ વધો દ્રઢપણે પરિસ્થિતિનો સામનો કરો. પોતાની અંદર આત્મવિશ્વાસ રાખો. સકારાત્મક વિચારસરણી એ જ દરેક પ્રશ્નનો ઉકેલ છે.

તમારો તમારા પ્રિયજન સાથે ઝગડો થયો છે? તો સમજો કે ભગવાન પણ ચાહે છે કે તમારા વચ્ચે સંબંધ પાક્કો અને મજબૂત બને. અને આમેય જ્યાં સાચા હૃદયના સંબંધો હોય ત્યાં જ ઝગડા અને મનદુ:ખ વગેરે શક્ય છે. કારણ કે ત્યાં જ તો અપેક્ષાઓ હોય છે. બાકી આજના સમયમાં અપેક્ષાઓ પારકા પાસે કોણ રાખે છે? તો એમની વાતોનું ખોટું લાગે અને ઝગડા થાય ખરા?? તમને તમારા જ લીધેલા નિર્ણય પર પસ્તાવો થાય છે?? તો બે વાત યાદ રાખો કે થઈ ગયું એને તમે બદલી શકતા નથી તો એ માટે ચિંતા કે ખોટા મૂંઝાઈને ફાયદો નથી. અને બીજું ભગવાને તમારા માટે કંઈક ઉત્તમ શોધી રાખ્યું છે. અને તમારા માટે પ્રગતિનો માર્ગ શોધી રાખ્યો છે. સમય આવ્યે એ મળી જ જશે. આ તો બે નાના ઉદાહરણો છે. આવા કેટલાય સવાલો છે જે મનમાં ઉઠતાની સાથે જ આપણે ભગવાનને ગાળો સુદ્ધાં આપતા સંકોચ નથી કરતાં.

પણ દોસ્તો, જો ભગવાને બધુ જ આપણને સહેલાઈથી આપી દીધું હોત તો આપણને એની કોઈ કિંમત જ ન રહેત બસ એટલે એ આપણને આ રીતે પરીક્ષા/કસોટી દ્વારા જે આપણે મેળવ્યું છે અથવા મેળવવાના છીએ એના માટે લાયક બનાવે છે કે આપણી લાયકાત પારખે છે. આપણને દરેક વસ્તુની કદર કરતાં શીખવે છે. માટે એના પર શ્રદ્ધા રાખો અને કર્મ કરે જાવ. જે પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યા છો એને સહર્ષ સ્વીકારો. અને મળેલ જીવનનો આનંદ માણો અને તકલીફો માટે પણ ભગવાનને આભાર કહો. પછી જુઓ આપોઆપ તકલીફો કેવી દૂર થઈ જાય છે.

આગળ કહ્યું એમ સકારાત્મક વિચારસરણી એ જ દરેક પ્રશ્નનો ઉકેલ છે. માટે હમેશાં સકારાત્મક વિચારો આવે એ વાત પર વધુ ધ્યાન આપો. કોઈ પણ પરિસ્થિતિના સકારાત્મક અને નકારાત્મક બંને પાસા જોવાની આદત કેળવો. હા, નકારાત્મક પાસા તરફ પણ જોવું કારણ કે જોશો તો જ તો એનાથી દૂર રહેવા પ્રયત્નશીલ રહેશો.

આ મંત્રને ગાંઠ વાળીને પોતાની પાસે રાખી લો.
“જે થાય છે તે સારા માટે જ થાય છે…”
અને પછી જીવન ઉત્તમ જ ઉત્તમ… તહેવાર જ તહેવાર… કોઈ સવાલ નહીં અને કોઈ મૂંઝવણ નહીં.

બસ એક દ્રઢ આત્મવિશ્વાસ… જે થઈ રહ્યું છે તે સારા માટે જ છે અને જે થવાનું છે એ પણ સારા માટે જ હશે. ભગવાન મને કંઈક ઉત્તમ આપવાનો છે… તૈયાર થઈ જા બેટા…!

હાર્દિક કલ્પદેવ પંડ્યા

સ્વતંત્રતા કોને કહેવાય?

આ સ્વતંત્રતા એટલે શું? આ એક ખૂબ રસપ્રદ પણ જટિલ એવો મહત્વપૂર્ણ વિષય છે. આજના સમયમાં આઝાદી, સ્વતંત્રતા અને અભિવ્યક્તિની આઝાદી એવા વિષયોએ ખૂબ જ જોર પકડ્યું છે. પણ લોકોની દલીલો અને ચર્ચાઓ જોતાં ખરેખર લાગે છે કે આ સ્વતંત્રતાનો સાચો અર્થ કોઈને ખબર જ નથી.

લોકોના સ્વતંત્રતા વિશે શું મંતવ્ય છે?

નાના ભૂલકાઓને પૂછશો સ્વતંત્રતા એટલે શું? તો સૌથી પહેલા તો એમને અંગ્રેજીમાં ભાષાંતરીત કરીને પૂછવું પડશે કે “વોટ ઈઝ ફ્રીડમ ફોર યૂ?” અને પછી એમનો જવાબ મળશે. ખેર અત્યારે ભાષાની ચર્ચા રહેવા દઈએ. વાત સ્વતંત્રતાની છે. એ ભૂલકાઓ કહેશે કે આખો દિવસ રમવાની અને ટીવી જોવાની વિના કોઈ રોકટોક પરવાનગી એટલે સ્વતંત્રતા… ભાઈ હવે આ અબોધ ઉંમરે તો આ જ માંગ હોય ને એમની… એય ખોટા તો નથી જ. અત્યારે લોકો છોકરાઓને હજી તો સરખું બોલતા પણ ના આવડતું હોય ને શાળાના બોઝા તળે મૂકી દે છે. શું કામ? તો જવાબ હોય આ દુનિયાની ભાગદોડમાં પોતાને સક્ષમ બનાવતા શીખે. માં-બાપથી છૂટો થાય. સ્વાવલંબી બને. અરે એમ કહોને કે બે-ચાર કલાક તમનેય એમના અબોધ નખરાં ઉઠાવવાથી છુટકારો(સ્વતંત્રતા) મળે.

કિશોરાવસ્થામાં તાજેતરમાં પ્રવેશેલા બાળકોને પુછો તો કહેશે અમને મન મરજી મુજબ ઘરની બહાર ફરવા મળે, શું કરીએ છીએ કોની સાથે ફરીએ છીએ, શું વાતો કરીએ છીએ એ પૂછતાછ ના થવી જોઈએ એ સ્વતંત્રતા. સાચે આ ઉંમરે જ્યારે બાળકોને માતપિતા કરતાં મિત્રોની વધુ જરૂર હોય છે ત્યારે મા-બાપનું માતપિતાપણું  બાળકોના મનમસ્તિસ્ક પર હાવી થવા તૈયાર જ બેઠું હોય છે. આ ખોટું છે એ જાણતાં હોવા છતાં…. ત્યારે સ્વતંત્રતાની વ્યાખ્યા તો આવી જ હોવાની ને?

યુવા વર્ગ… આ યુવાનીમાં સ્વતંત્રતા અને સ્વછંદતા વચ્ચેનો ફરક કરવાની સમજશક્તિ કેળવાયેલી નથી હોતી અને એ સમયે મા-બાપ નહીં પણ સાચા માર્ગદર્શકની જરૂર હોય છે જે સંતાનને તેમની જ ભાષામાં ફરક સમજાવે અને એ પ્રમાણે વર્તવાની સમજ આપે. અહીં પણ મા-બાપ સમાજની શરમના નામે, પોતાના સ્ટેટસના નામે સંતાનો પર પોતાનું માતપિતાપણું થોપે છે અને છેવટે સ્વતંત્રતાનો મતલબ પરિપક્વતાથી સમજવાની જગ્યાએ સ્વછંદતા સંતાનના મન અને મગજ પર વર્ચસ્વ પાડી દે છે. અને એમના જ પતનને  નોતરે છે. અહીં ભૂલ સંતાનોની નથી જ કે તેઓ ખોટા રસ્તે વળ્યા. ભૂલ છે માતપિતા અને વડીલોની… આ કટુસત્ય નિખાલસતા અને સકારાત્મકપણે સ્વીકારવું જ રહ્યું.

વૃદ્ધાવસ્થાનો સમય… આ એક એવો સમય છે જ્યારે વ્યક્તિનું મગજ પરિપક્વતા વાળું અને હૃદય અબોધ બાળક સમું હોય છે. આ સમયે વ્યક્તિ બીજું કશું જ ઇચ્છતી નથી હોતી સિવાય પ્રેમ, સ્નેહ અને માન-સન્માન… પણ યુવાપેઢી કે જેને સ્વચ્છંદતાની આદત પડી ગઈ છે એ વડીલોને પ્રેમ અને સ્નેહ તો ઠીક માન પણ આપવામાં માનતી નથી. બસ “તમને ખબર ના પડે..” “તમે જુનવાણી લોકો…” અને આવા જ કેટલાય હૃદયને વીંધી નાખે એવા શબ્દોથી અપમાન કરી દે છે. તેમની કોઈ પણ દલીલ આ યુવા વર્ગને ખોટી જ લાગે છે. અને છેવટે આ વડીલોની સ્વતંત્રતાનું કરૂણ મોત થાય છે.

હવે ખરેખર સ્વતંત્રતા એટલે શું?

દોસ્તો, પોતાની બધી જ ફરજોને ઈમાનદારી પૂર્વક નિભાવીને સ્વજનોની ઇચ્છા અને ભાવનાનું સન્માન કરી પોતાની મરજી મુજબનું જીવન જીવવા માટે સર્વાંગી સંમતિ પૂર્વક પરવાનગી મેળવવી અને ઈચ્છુક જીવન જીવવું એટલે સાચી સ્વતંત્રતા. સ્વતંત્રતા એમ જ નથી મળતી. સ્વતંત્રતા એક રીતે હકનું જ બીજું નામ છે. અને તમને ખબર જ હશે કે હક પોતાની સાથે ફરજ લઈને આવે છે. એ જો ના નિભાવી શકો તો તમને તમારા હકો પર અધિકાર બતાવવાનો પણ અધિકાર નથી.

બાળકો મા-બાપને સન્માન આપે એમની વાત માની તેઓ જે કહે છે એ એમના સારા માટે જ કહે છે એ વિશ્વાસ રાખી માં-બાપના કહ્યા મુજબ વર્તવાની ફરજ ઈમાનદારીથી નિભાવે તો એમની ઇચ્છાને મા-બાપ પૂરી કરી એમને સ્વતંત્રતાનો અહેસાસ કરાવશે. જો યુવાવર્ગ નાનામાં નાની વાત માતાપિતા સાથે સાઝા કરશે અને એમના મંતવ્યોને ધ્યાનમાં લેવાની તૈયારી બતાવશે તો કોઈ પણ રોકટોક અને પૂછતાછ વગર મા-બાપ પણ તેમને બધા જ પ્રકારની છૂટ(સ્વતંત્રતા) આપશે. જો માં-બાપ પણ બાળકોના મિત્ર બની એમના સલાહકાર બનવાની જગ્યાએ માર્ગદર્શક બનશે તો સંતાન પણ સ્વતંત્રતા અને સ્વચ્છંદતા વચ્ચે ફરક કરતાં આસાનીથી શીખશે. યાદ રાખો સલાહ આપનાર અને લેનાર બેય એમ જ વિચારે છે કે એ બીજા માટે છે. એટલે યુવાન સંતાનના સલાહકાર બનવા કરતાં માર્ગદર્શક બનો. અને છેલ્લે વાત વૃદ્ધાવસ્થાની…. જો શિશુહૃદય ધરાવતા વૃદ્ધ મા-બાપની ઇચ્છાઓને માન આપવાની ફરજ સાચા હૃદયથી સંતાનો નિભાવશે તો મા-બાપ પણ તેમની ઇચ્છા અને ભાવનાનું ધ્યાન રાખશે અને સંતાનો તથા મા-બાપ બેય પરસ્પર સ્વતંત્રતાનો અહેસાસ કરશે અને કરાવશે.

દોસ્તો આ સ્વતંત્રતા માણવાની સાથે નિભાવવાની વાત છે. સમજદારી પૂર્વક, પરિપક્વતા પૂર્વક, લાગણી પૂર્વક અને સન્માન પૂર્વક…

હાર્દિક કલ્પદેવ પંડ્યા

વિશ્વાસ એટલે શું? અને આત્મવિશ્વાસ એટલે શું?

દોસ્તો વિશ્વાસ અને આત્મવિશ્વાસ એ તમારી પોતાની અંદર હોવો જોઈએ. અત્યારના સમયમાં જો કોઈ વિશ્વાસ કરવાની વાત કરે અથવા કહે કે હું ફલાણા ફલાણા વ્યક્તિ પર પૂરો વિશ્વાસ કરું છું તો તમારા એ વિશ્વાસના ફુગ્ગાને શંકાની ટાંકણી મારી ફોડવાવાળા ઘણા તમને મળી રહેશે. અને તમારી અંદરનો વિશ્વાસ જાણે રુંધવા લાગશે.

પણ ખરેખર શું એ વિશ્વાસ ગણાય ખરો? જે કોઈના શંકાસ્પદ શબ્દોથી જ ડગમગી જાય? ના હોં… જો તમે પણ એવું વિચારો છો તો ચેતી જજો. આ ભ્રમણા ખોટી છે. તમને નુકસાન જ કરશે. એ પછી સંબંધોમાં હોય કે વૈશ્વિક વ્યવહારમાં….

તમને બધુ જ આવડતું હશે પણ જ્યારે સો લોકો વચ્ચે જઈ બોલવાનું હશે અને તમારા વક્તવ્યને ધ્યાન પૂર્વક સાંભળે એવા વિશ્વાસપાત્ર શ્રોતાઓ જોઈશે ત્યારે પોતાની જાત પર આત્મવિશ્વાસ રાખવો પડશે તો જ સફળતા પ્રાપ્ત થશે.

એક વાત હમેશાં યાદ રાખવી કે જો તમને તમારી પોતાની જાત પર વિશ્વાસ નથી, તમારા આત્મા પર વિશ્વાસ નથી તો તમે કોઈના ઉપર પણ વિશ્વાસ મૂકી શકવાના નથી. એટલે જો જીવનમાં વિશ્વાસપાત્ર વ્યક્તિઓનો સાથ જોઈતો હોય તો પહેલા પોતાની જાત પર વિશ્વાસ કરતાં શીખો.

જ્યાં સુધી તમને તમારી જાત પર વિશ્વાસ નહીં હોય ત્યાં સુધી તમે ભલેને સો શું હજારોની ભીડમાં હશો તોય અસુરક્ષાની અનુભૂતિ તમને થયા કરશે. તમે કોઈના પર વિશ્વાસ મૂકી જ નહીં શકો અને જો કોઈના પર વિશ્વાસ નહીં મૂકો તો આ દુનિયામાં ક્યાંય તમારું કામ નહીં થાય. ના તમે કોઈને કામે લાગી શકશો ના કોઈ તમને કામે લાગશે. માટે હમેશાં આત્મવિશ્વાસ રાખો. આ આત્મવિશ્વાસ જ તમને તમારા વિશ્વાસપાત્ર વ્યક્તિઓ સુધી પહોંચાડી દેશે. સફળતાનો માર્ગ બતાવશે.

આ આત્મા એટલે ઈશ્વરનો જ અંશ. હવે કહો આ આત્મા તમને કોઈ ખોટી સલાહ આપી શકે ખરી? આ બધી જે ખોટી સલાહ મળે છે એ મગજનો પ્રતાપ છે આત્માનો નહીં. માટે આત્માના અવાજને સાંભળતા શીખો. આત્માના આવાજને ઓળખો અને એને જ અનુસરો. ઘણા લોકો આત્માનો આવાજ સાંભળે છે પણ એને અવગણી દે છે કારણ કે એમને એમાં ક્ષણિક એવા નુકસાન દેખાય છે. જે સ્વીકારવા તે તૈયાર નથી. લોકો નુકસાનથી અનહદ ડરે છે. અને બસ બુદ્ધિના તાબે ચડી એનું કહ્યું કરે છે. અને પછી અસફળ થાય છે. પણ એ નથી સમજતા કે એ નુકસાન જ એમને એવી શીખ આપશે કે પછી જીવનમાં ક્યારેય નુકસાન ભોગવવું જ નહીં પડે. દોસ્તો, આ આપણી આત્મા અને આપણું હૃદય આપણને જે સલાહ આપે છે એમાં કદાચ ટૂંકાગાળાનું નુકસાન હશે પણ લાંબાગાળે એ ફાયદાકારક જ નીવડશે. માટે આત્માના અવાજને ઈશ્વરનો અવાજ માની અનુસરો.

પોતાની જાત પર, પોતાના આત્મા પર, અંદરના અવાજ પર વિશ્વાસ એટલે જ આત્મવિશ્વાસ. દ્રઢ આત્મવિશ્વાસવાળા લોકોનો બીજા પર મૂકેલો વિશ્વાસ ક્યારેય ખોટો નથી પડતો. સાવ અજાણ્યાં લોકો પર મૂકેલો વિશ્વાસ પણ જીવન પર્યંત અકબંધ રહે છે. બસ જો આત્મવિશ્વાસ વિના કોઈના પર વિશ્વાસ મૂક્યો તો સમજજો કે એ તૂટશે જ.

હા વિશ્વાસ મૂકીએ એટલે ક્યારેક એ તૂટેય ખરો અને વિશ્વાસઘાતની પરિસ્થિતિ પણ સર્જાય.. પણ જેનો આત્મવિશ્વાસ પ્રબળ હોય છે તેને આવી બધી બાબતોનો કોઈ ફરક પડતો નથી કારણ કે એને પોતાના પર વિશ્વાસ છે કે એને અહીં નહીં તો બીજે ક્યાંક વિશ્વાસપાત્ર લોકો મળી જ રહેશે. “થાય એ તો!” “જીવન છે બધા જ પ્રકારના અનુભવો થશે જ.. ચાલ્યા કરે!” આમ વિચારી એ આગળ વધી જાય છે. કારણ કે એ આત્મવિશ્વાસથી ભરપૂર છે.

“જો તમે કોઈના પર વિશ્વાસ મૂકી નથી શકતા તો યાદ રાખો કે ઉણપ એનામાં નહીં પણ તમારા આત્મવિશ્વાસમાં છે.”

“જે સૌને પોતાના અને પોતાને સૌના માને છે એ કદી કોઈની પણ ઈર્ષા કરતાં નથી.”


હાર્દિક કલ્પદેવ પંડ્યા

…એકાંત – સ્વને ઓળખવાનો ઉત્તમ અવસર

આપણાં આખા જીવન દરમિયાન એકાંત એ એક જ એવો સમય છે જ્યારે આપણે સ્વને ઓળખવા પ્રયત્ન કરી શકીએ છીએ. આત્મનિરીક્ષણ કરી શકીએ છીએ. જે પોતાની જાત સાથે વાત કરી જાણે છે તે પોતાના અંતરમાં છુપાયેલ પ્રતિભાને પારખી લે છે અને ઈતિહાસ રચી નાખે છે.

સમગ્ર જીવનકાળ દરમિયાન આપણે કેટકેટલા લોકોની વચ્ચે રહીએ છીએ. દુનિયાની કોઈ જગ્યા એવી નથી જ્યાં કોઈ આપણને મળે નહીં. એ ભીડમાંથી અલગ પડી એકાંત શોધવાની જરૂર છે. વાંચન અને કસરતની જેમ જીવનમાં એકાંતની પણ જરૂર હોય છે. દિવસના ૨૪ કલાકમાંથી માત્ર અડધો કલાક એકાંતમાં વિતાવવો જોઈએ. ઘરની અગાસી પર, ગામની ભાગોળે, તળાવને કિનારે… ક્યાંય પણ… જ્યાં કોઈ વાત કરવાવાળું ના હોય. બસ પછી પોતાની જાત સાથે વાતો કરવાની શરૂ. અંતરમાં વસેલા મનને સવાલો પૂછવાના… આપણાં મગજને સવાલો પૂછવાના… જીવનમાં આગળ શું કરવું છે? હાલ જે કંઈ કરું છું એ બરાબર છે? ભવિષ્યનું આયોજન કર્યું છે ખરું? આવા કેટકેટલા સવાલો છે જેનો જવાબ સમાજ, સગાવ્હાલા, મિત્રો નહીં આપી શકે. આ સવાલો તો આપણું અંતરમન જ ઉકેલશે.

સ્વ-વિકાસ માટે એકાંત જરૂરી છે. આ પળોમાં કોઈ એક જગ્યાએ બેસી પહેલા મનને શાંત કરવું. બાહ્ય નકારાત્મકતા કે જે આપણી અંદર ઘૂસી ગઈ છે તેને બહાર કાઢવી. પ્રકૃતિ થકી મળતી સકારાત્મક ઉર્જાને અંદર ઉતારવી. અને જે જોઈએ છે તેનું રટણ કરવું. સવાલના જવાબ જોઈએ છે તો એ સવાલ વારંવાર જાતને જ પુછવા. એકાંત એટલે દુનિયાથી એકલા થઈ અંતર સુધી પહોંચવું. અંતરમાં કોણ છે? ઈશ્વર છે. હવે કહો ઈશ્વર સિવાય કોઈ બીજો આપણાં સવાલોનો સાચો અને સચોટ જવાબ આપી શકે ખરો? અંતરમાં વસતા એ ઈશ્વરને બધા જ સવાલો પૂછીશું તો જે જવાબ મળશે એ આપણને એવા મજબૂત કરી નાંખશે કે વાત જ ના પુછો. આજની પેઢી માટે ટીવી, મોબાઈલ, ઇન્ટરનેટ, વ્હોટ્સએપ, ફેસબુક… જ એમની દુનિયા થઈ ગઈ છે. વળી પર્સનાલિટી ડેવલોપમેંટની વાતો તો ખરી જ… પણ પર્સનલને ઓળખવાનું, એની સાથે રહવાનું ક્યારે..? આજે કોઈને અંતરમાં ઘૂસીને પોતાને જોવાની ફુરસદ જ નથી. તો પછી વ્યક્તિત્વમાં નિખાર આવે જ કઈ રીતે? આત્મવિશ્વાસ કેળવવા માટે પણ એકાંતની જરૂર પડે છે. જાહેરમાં સેંકડો અને હજારો લોકો સામે જ્યારે બોલવાનું હોય ત્યારે’ય પહેલા એકાંતમાં પ્રેક્ટિસ તો કરવી જ પડે છે. અરીસા સામે ઊભા રહી પોતાની જાતને જોઈ એને જ આખું ભાષણ સંભળાવવું પડે છે. અને ત્યારે જ આત્મવિશ્વાસ જાગે. નહિતર શબ્દો ભુલાય, હોઠ ફફડે પણ અવાજ ના નીકળે, પગ ધ્રુજે ને પરસેવો છૂટે…. આ એકાંત જ છે જે આપણને આપણી જાતનું દર્શન કરાવે છે. આપણી અંદર શું ખૂટે છે એ બતાવે છે. સ્વનું અવલોકન કરતાં શીખવે છે. ચાલો આજથી જ વાંચન અને કસરત સાથે એકાંત માણવા અને સ્વને ઓળખવા માટે પણ સમય ફાળવીએ.

યાદ રાખો :

આપણા આ બે વિચારો તમારું વર્તન નક્કી કરે છે.:

જ્યારે આપણે સમુદ્ધ છીએ ત્યારે આપણે બીજા લોકો માટે કેવા વિચારો રાખીએ છીએ અને

જ્યારે આપણી પાસે કશું જ નથી ત્યારે પોતાની જાત વિશે શું વિચારીએ છીએ.

 

હાર્દિક કલ્પદેવ પંડ્યા

હું કોણ છું? – મારે જાતે જ જાણવું રહ્યું.

હું કોણ છું? આ પ્રશ્ન આપણા વ્યક્તિત્વને પ્રભાવશાળી બનાવવાનું પ્રથમ પગથિયું છે. દૂનિયામાં આપણુ પદ, હોદ્દો,  હેસિયત ઊભી કરવાનું પહેલું પગથિયું…. જો આપણા મનમાં આ પ્રશ્ન ઉદ્ભવે છે તો આપણે સાચા રસ્તે આગળ વધી રહ્યા છીએ, બસ હવે બાકી છે તો આ સવાલનો જવાબ. જે આ સવાલનો જવાબ શોધી શક્યા એ મહાન કહેવાયા. જો કે હા આ સવાલનો જવાબ મેળવવો કંઈ સહેલો નથી. પણ અશક્ય પણ નથી.

“હું કોણ છું?” મતલબ મારું આ દૂનિયામાં આવવું એ કોઈ ચોક્કસ કારણથી જ હોવું જોઈએ. એ વાત સ્વીકારવી. હું જે પરિવાર, મિત્રો કે સમાજ વચ્ચે છું એ કોઈને કોઈ કારણોસર જ. હું જ્યાં પણ છું અથવા મેં જે કંઈ પ્રાપ્ત કર્યું છે તે ઉત્તમ જ છે. અને જો કંઈ પ્રાપ્ત નથી કરી શક્યો તો એની પાછળ પણ કોઈ કારણ જવાબદાર હશે. આ માનવું એ જ પ્રગતિની સીડીનું પહેલું પગથિયું છે.

શ્રીમદ્ ભગવદ્ ગીતામાં કહ્યું છે કે, “હું કોઈ સામાન્ય જીવ, કે ચીલાચાલુ વ્યક્તિ નથી.” આ વાતને દૃઢપણે માનવું. મારું પણ એક અલગ વ્યક્તિત્વ છે. મારી અંદર એક અનોખી ક્ષમતા છે જેના દ્વારા હું સ્વમહેનતે સિદ્ધિઓ પ્રાપ્ત કરીશ. બસ આત્મવિશ્વાસ સાથે આ માનો અને આગળ વધો. સફળતાના રસ્તા આપોઆપ મળતા જશે. પોતાના પર આત્મવિશ્વાસ કેળવવો ખુબ જરૂરી છે. મારે કોઈના પ્રમાણપત્રની જરૂર નથી એવું નહિ પણ સૌપ્રથમ હું પોતે જ પોતાનું પ્રમાણપત્ર છું.

આપણને જોઈએ છે શું એ સવાલનો જવાબ આપણા પોતાના સિવાય કોઈ શોધી નહીં શકે.

અનેક સમસ્યાઓ અને વિપરીત સંજોગોમાં પણ જે શ્રદ્ધા અને વિશ્વાસ સાથે સતત ક્રિયાશીલ રહે છે તે જ કંઈક ચમત્કૃતિ સર્જી શકે છે અને સમાજને અચંબિત કરી દે છે. કારણ કે એમાં એની શ્રદ્ધા અને વિશ્વાસની સાથે ઈશ્વરીય શક્તિ પણ સામેલ હોય છે.

હું મારો જ દાખલો આપું કે આજે તમને આ બધું કહેવા હું સક્ષમ થયો છું તો એ મારા આત્મવિશ્વાસને કારણે જ.‌‌..

હું રોજ નિયમિત એક કલાક મારી પોતાની જાત સાથે વાતો કરું છું. પોતાને જ પ્રશ્ન પૂછું છું. અને અંતરથી જવાબ મેળવું છું. નિત્ય, અખંડ, અનંત અનાદિ પુરાણ બ્રહ્મ સનાતનના જ આપણે અંશ છીએ. “અહં બ્રહ્માસ્મિ!”

ચાલો તૈયાર કરીએ પોતાની જાતને…

જીવન જીવવા… અને માણવા માટે…

પછી જ મળશે જવાબ… “હું કોણ છું??”

 

હાર્દિક કલ્પદેવ પંડ્યા

પ્રેમ એટલે શું??

પ્રેમ..! કેટલો સુંદર, મનમોહક શબ્દ..

આહા..! આજે તો વાંચવાની મજા પડી જશે. પ્રેમ એટલે સૌ કોઈનો મનગમતો વિષય…

પણ….

આ પ્રેમ છે શું? પ્રેમની કોઈ ચોક્કસ વ્યાખ્યા ખરી?

પ્રેમ જેટલો મનમોહક વિષય છે એટલો જ અઘરો પણ…

આજના સમયમાં ખરેખર કહેવાય એવો પ્રેમ થતો જ નથી. આજના યુવાનો માટે પ્રેમ એટલે સહવાસ કરવો, ફરવા જવું, દિવસમાં દસ વાર ‘આઈ લવ યુ’ કહેવું, ચુંબન, આલિંગન, પહેલી નજરે ગમી જાય એ પ્રેમ અને બીજું કેટલુંય પણ બધું આવું જ.. ઉપરછલ્લું! જે બીજા બધામાં આવે પણ પ્રેમની વ્યાખ્યામાં નહિ.. આ બધું પ્રેમ નહીં માત્ર શારીરિક આકર્ષણ છે.

પ્રેમ એ કોઈ વ્યક્ત કરી શકાય તેવી લાગણી છે જ નહીં. પ્રેમને તો અનૂભવવો પડે. પ્રેમ એક એવી અનૂભૂતિ છે જ્યાં સમય પણ અટકી જાય. પ્રેમનો વિસ્તાર અનંત છે…

ખરેખર પ્રેમ એટલે માત્ર પામવું જ નહીં. પણ પ્રેમ એટલે તો છોડી દેવું, ત્યાગ કરવો, જેને તમે ચાહો છો તેને પામવાની કોશિશ જરૂર કરો પણ હદમાં રહીને… પોતાના પ્રેમની ખુશી માટે તેનાથી દૂર રહેવું પડે તો પણ ખુશી ખુશી દૂર થઈ જાઓ.

જો કોઈ તમારાથી દૂર જઈ રહ્યું હોય તો એને જવા દો.. જો એ સાચે જ તમારા હશે તો ચોક્કસ પાછા આવશે. અને જો ન આવે તો સમજી લો કે એ તમારા હતા જ નહીં.”

જો હું કોઈને મેળવવાની ઈચ્છા સહ પ્રેમ કરું છું તો એ પ્રેમ નહીં પણ આકર્ષણ છે, સ્વાર્થ છે. એ જાણવા છતાં કે જેને હું ચાહું છું એને હું પામી શકવાનો નથી છતાં જો એના માટેની મારી લાગણીઓ અકબંધ રહે તો એ જ સાચો પ્રેમ છે. પ્રેમ એ એક વ્યક્તિ સાથેનો સંબંધ નથી. જીવનમાં મળતી દરેક વ્યક્તિ માટે લાગણી ન ઉદ્ભવી શકે, તે જ રીતે દરેક વ્યક્તિ પ્રત્યે પ્રેમ ન થઈ શકે. અત્યારની પેઢીની ગેરસમજ એ સૌથી વધુ નુકસાનકારક બાબત છે..‌ ‘પ્રેમ’ શબ્દના અર્થની ગેરસમજ.. જેને કારણે વ્યક્તિત્વ અને વિકાસ બેય આ યુવાનો દાવ પર લગાડી દે છે અને પછી… પસ્તાવો જ પસ્તાવો…

ખરેખર તો જ્યાં સુધી આપણે ફ્રેન્ડશિપ ડે’ અને ‘વેલેન્ટાઈન્સ ડે’ આપણા પરિવાર સાથે ઉજવતા નહીં થઈએ ત્યાં સુધી ‘પ્રેમ’નો સાચો અર્થ નહીં સમજાય. અને એક વાર સમજાઈ ગયો એટલે બસ.. “ઑલ ઈઝ વેલ.”

જ્યાં સુધી છોકરા અને છોકરી વચ્ચેનો પ્રેમ મા-બાપ, ભાઈ-બહેન, મિત્રો સાથેના પ્રેમ જેવો જાહેર અને પવિત્ર નહીં હોય ત્યાં સુધી એ પ્રેમ નથી જ.

પ્રેમ અંદરથી ભરી દે છે, ખાલી નથી કરતો. જેની સાથે પ્રેમ થયો હોય તે વ્યક્તિ ન મળે તો બેચેની નથી થતી પણ એક ગજબની શક્તિ આપે છે. હું પ્રેમમાં છું એ નહીં પણ પ્રેમ મારી અંદર છે એ સાચી સમજ છે. એ કેળવાય પછી જ જીવનમાં મળતી દરેક વ્યક્તિ મને કોઈપણ સ્વાર્થ વિના પામવાની, મને મળવાની, મારી સાથે સમય વિતાવવાની વાત કરશે. પ્રેમમય બની જવાશે. પ્રેમ જ્યારે તાકાત બને ત્યારે સમજવું કે સાચો પ્રેમ થયો છે.

આપણે જ્યારે કોઈને પ્રેમ કરીએ છીએ તો ઈચ્છીએ છીએ કે તે પણ એમ જ કરે.. પણ આ ખોટું છે. કોઈને આપણી જેમ જ કરવા આગ્રહ ન કરવો જોઈએ. કોઈને બદલવાની કોશિશ કરીશું તો એમાં પ્રેમ ગૂંગળાઈ જશે, જે જેવા છે તેને તેવા જ સ્વીકારીએ, એ સાચી લાગણી છે. કર્મ અને ફળ અલગ છે જ નહીં. આપણે કોઈને સ્વાર્થભાવથી પ્રેમ કરીશું તો સામે સ્વાર્થભાવ જ મળશે. અને પછી સંબંધોમાં રહેલી મીઠાશ, કડવાશમાં બદલાઈ જશે. અને પછી ફરિયાદો, વિવાદો ચાલુ થશે. અને છેવટે સંબંધો પૂરા…. તો શું પ્રેમ એ વ્યક્તિગત ભાવ છે? શું મા-બાપ, ભાઈ-બહેન, મિત્રો, પતિ કે પત્ની માટે એક સરખો પ્રેમ ન ઊપજી શકે? કેવું હાસ્યાસ્પદ લાગે છે નહીં? પણ જવાબ મેળવવો જ રહ્યો.

આપણુ વ્યક્તિત્વ સહજ વ્યક્ત થાય એ માટે જેને મળીએ તેને પ્રેમ કરીએ. પાછળથી એની સાથે ન બને તો પણ પ્રેમભાવ રાખીએ. દુશ્મનને પણ પ્રેમ કરીએ. જેમ જૂદા જૂદા અંતઃસ્ત્રાવો ગુસ્સામાં, કરુણામાં, આપણા શરીરમાં જન્મે છે તેમ પ્રેમ કરતા કરતા આપણી અંદર પ્રેમના સ્ત્રાવ સતત ઉત્પન્ન થાય છે. જે આપણને એક સરસ માણસ બનાવે છે. જેમ મધર ટેરેસા સૌને પ્રેમ કરતા, બધા માટે સમભાવ રાખતા, સેવાભાવ રાખતા અને બધા લોકો પણ એમને પ્રેમ કરતા.. પણ અહીં ક્યાંય સ્વાર્થ તો હતો જ નહીં. માત્ર નિસ્વાર્થ પ્રેમ… Unconditional Love…

“હું તને ચાહું છું” બસ… આટલું જ.. પ્રેમ આ સિવાય કશું જ માંગતો નથી. આ ભાવ આપણી અંદર જગાવીએ ત્યારે જ આપણે સૌના ચહીતા થઈએ. સૌ આપણને પ્રેમ કરવા લાગે. જે જોઈએ તે આપો તો સામેથી મળે.

કોઈ એવું જે આપણું અને માત્ર આપણું જ હોય એવી લાગણી કરતાં… હું તને ચાહું છું.. તું મને ચાહે કે ન ચાહે.. આ ભાવના અને વિચારો આપણને આપણા જેવી જ વ્યક્તિ સુધી પહોંચાડશે. ઈશ્વર પર શ્રદ્ધા રાખી અને આપણી જવાબદારીઓ નિભાવવામાં ધ્યાન કેન્દ્રિત કરીએ. માટે કહેવાતા એક વ્યક્તિના પ્રેમમાં પડવા કરતાં જીવનને પ્રેમ કરો. જે ઈચ્છા હોય તે સહજતાથી મેળવી લેશો તો જીવનમાં મજા રહેશે નહીં.

આપણા વાણી-વર્તન-વ્યવહાર એવા કરીએ કે દરેક વ્યક્તિ આપણને પ્રેમ કરવાની ઈચ્છા કરે.

આજના આ હરિફાઈના યુગમાં સતત બીજાથી આગળ નીકળી જવાની હોડમાં આપણે આ ‘પ્રેમ’ ને સમજ્યા જ નથી. લાભ અને શોષણ અથવા ફોસલાવી પટાવીને બીજા પાત્ર પાસે પોતાનું કામ કઢાવવું આવો પ્રેમ ઊભો થઈ રહ્યો છે. છોકરાં છોકરીઓ ૪-૫ ગર્લફ્રેન્ડ-બોયફ્રેન્ડ રાખે અને દરેકને કહે હું તને ચાહું છું… અને પછી એમનું ભવિષ્ય જૂઓ… આ સમજ ખોટી છે. જ્યારે માત્ર શારીરિક આકર્ષણ અથવા વૈભવ જોઈને કોઈને ચાહો ત્યારે અંત પણ ખરાબ જ હોવાનો… કારણ… અહીં પાયામાં સ્વાર્થ રહેલો છે. ટકે છે માત્ર નિસ્વાર્થ પ્રેમ… Unconditional Love.

ખરેખર તો જે બે વ્યક્તિ એકમેકના થયા વિના રહી શકવા સક્ષમ હોય, અને પછી એકબીજા સાથે રહેવાની પસંદગી કરે ત્યારે જ બંને વચ્ચે સાચો પ્રેમ થયો કહેવાય.

સાચો પ્રેમ બાહ્ય દેખાવ પર આધારિત નથી હોતો. જ્યાં આકર્ષણ નથી ત્યાં જ સાચા પ્રેમની પરીક્ષા છે. એક સામાન્ય સ્વસ્થ વ્યક્તિને એક દિવ્યાંગ અને રોગી સાથે પણ પ્રેમ થઈ શકે.

માણસ પ્રેમ કરવા માટે બન્યો છે અને વસ્તુઓ વાપરવા માટે… પણ આપણે આ વાતને ઊંધી કરી નાખી છે. આપણે માણસને વાપરતા થયા અને વસ્તુઓને પ્રેમ..

પ્રેમ એ માત્ર પવિત્ર અનૂભૂતિ છે. ઈશ્વરની આપણને મળેલ એક અણમોલ ભેટ. એને ખોટા અર્થોમાં ઢાળી ગુમાવવી ન જ જોઈએ.

“મગજ બોલે છે ઘણું પણ જાણતું કશું નથી. હૃદય જાણે બધું પણ બોલતું કશું નથી.”

એ જ હૃદયના મૌનને સાંભળતા શીખો.

સાચા પ્રેમની વ્યાખ્યા સમજાઈ જશે.

 

હાર્દિક કલ્પદેવ પંડ્યા

પર્સનાલિટી એટલે શું?

ઘણીવાર લોકોને બોલતા જોયા છે. “બાપુ પર્સનાલિટી તો પડવી જ જોઈએ. ઈજ્જતનો સવાલ છે” પણ આ પર્સનાલિટી એટલે શું? એને ડેવલપ કેવી રીતે કરાય?

આમ જોઈએ તો આ વિષય પર તમને બજારમાં ઘણા પુસ્તકો, સીડી વગેરે મળી જશે. પણ ખરેખર પર્સનાલિટી શું છે? એ જાણવા મળ્યું ખરું?

પર્સનાલિટી ડૅવલપ કરવા શું સારાં કપડાં પહેરવા, સારાં બૂટ, શૂટ-ટાઈ, મોંઘી ઘડિયાળ, સારી હેરસ્ટાઈલ, સરસ રીતે ઊભા રહેવું, ચાલવું, સારી ગાડી, મોટો બંગલો… શું આ જ છે પર્સનાલિટી પાડવાના સંસાધનો?

અરે ભાઈ, ના પર્સનાલિટી પાડવા માટે પૈસાની કે પૈસાનો દેખાડો કરવાની જરૂર નથી.

હવે તમે કહેશો, સડસડાટ અંગ્રેજી બોલવાથી પર્સનાલિટી પડે. એટલે મોંઘાદાટ પણ અંગ્રેજી બોલવાના ક્લાસ કરી લેવા, એટલે ફટાફટ અંગ્રેજી આવડી જાય. પણ ભાઈ, જે શબ્દોના અર્થ તમને ખબર નથી, સ્પેલીંગ આવડતા નથી, ક્યાં કયો શબ્દ વપરાય એની ખબર નથી તો મોંઘાદાટ ઈંગ્લીશ સ્પિકીંગના ક્લાસ કરીને શું ફાયદો? ઉલટું એ અધૂરું જ્ઞાન તમને જ ચાર જણા વચ્ચે હાંસીને પાત્ર બનાવશે.

પર્સનાલિટીની સાચી વ્યાખ્યા સમજવી હોય તો સ્વને ઓળખો, તમારી આવડત, કુશળતાને ધારદાર બનાવો. જ્યાં સુધી માણસ ઈશ્વર, જન્મ, નસીબ, સ્વયંશિસ્ત, દેશપ્રેમ, ધર્મ, જવાબદારી, પ્રેમ, મિત્ર, લગ્ન, ધનપ્રાપ્તિ જેવા શબ્દોનો અર્થ નહીં સમજે, ત્યાં સુધી એની પર્સનાલિટી ક્યાંથી પડવાની? નારદમુનિ, ગાંધીબાપુ જેવા કેટલાય નામ લઈ લો, છે ને એવું વ્યક્તિત્વ કે માત્ર રેખાચિત્રથી જ આપણે તેમને ઓળખી જઈએ. વ્યક્તિત્વ નિર્માણ માટે જરૂરી છે જીવનમાં ડગલે ને પગલે જે તે સમસ્યા, પરિસ્થિતિ, વસ્તુઓના અર્થને સમજવું. સારાં કપડાંથી તમે થોડા સમય માટે સારા લાગશો. પણ પછી? પણ જ્યારે તમે દુનિયાદારીનો ખરો અર્થ સમજી લેશો ત્યારે ખરાં અર્થમાં તમે અભિવ્યક્ત થશો.

એક વાત ચોક્કસ છે. નાનપણથી જ દુનિયાદારીની સમજ કેળવવી જોઈએ. તો જ બાળક હોય કે યુવાન, ભયમાં નહીં જીવે. એને દુનિયાની ઓળખ મળશે‌. એટલે આજથી જ દરેક વસ્તુ કે વિષયનો અભ્યાસ અને મનન કરવું પડશે. પર્સનાલિટી ડૅવલપ કરવાનો વિષય નથી. એ તો માણસની અંદર જ હોય છે. એને માત્ર એક પ્રેરણા થકી જગાડવાની જરૂર છે. માણસ જો અંદરથી સક્ષમ હશે, ઊર્જાવાન હશે, જ્ઞાની હશે તો દુનિયાના ગમે તેવા ઝંઝાવાત સામે અડગ રહી શકશે. લડી લેશે, પરિસ્થિતિ સામે. એનું વ્યક્તિત્વ સ્વતઃ જ નિરખી ઉઠશે.

બીજાને પ્રભાવિત કરવા વિકસિત કરીએ તેવી પર્સનાલિટી કરતાં પોતાની જાતને પ્રભાવિત કરવા કરીએ તે સાચા અર્થમાં પર્સનાલિટી ડેવલોપમેન્ટ છે. ધર્મ (જવાબદારી) નિભાવો એટલે આપમેળે વ્યક્તિત્વ નિરખી ઉઠશે (પર્સનાલિટી ડૅવલપ થઈ જશે)

સ્ટેટ્સની જાણીતી વ્યાખ્યા- આપણી માન્યતા અને હકીકત વચ્ચે કેટલો અંતર છે એ વિચારવા જેવું ખરું હોં!

What Is Status?…

“Spending Money, Which We Don’t Have, To Buy The Thing We Don’t Need, To Impress The People Who We Don’t Know.”

 

હાર્દિક કલ્પદેવ પંડ્યા