સ્વને ખુશ રાખવાની ચાવી

તમે નાના બાળકોને જોયાં છે? એ હંમેશાં ખુશ અને આનંદમાં રહે છે. એમને દુઃખી કરવા અથવા ગુસ્સે કરવા ખુબ જ અઘરા છે. જ્યારે મોટી ઉંમરના લોકોને જોયા છે? એ હંમેશાં સ્ટ્રેસમાં જ રહે છે. એમને હસાવવા એટલા જ મુશ્કેલ છે જેટલા નાના બાળકોને રડાવવા… હા બધી જગ્યાએ એક સરખું નથી હોતું..

પણ આવું હોવાનું કારણ શું?

આની પાછળ કારણ છે આપણું મગજ. આપણું મગજ તર્ક-વિતર્કોના આધારે નક્કી કરે છે કે આપણે કોનાથી દૂર રહેવું અને કોની સાથે લડી લેવું. શું કરવું, શું ન કરવું. અને આ પરથી જ નક્કી થાય છે આપણુ ખુશ થવું અથવા દુઃખી થવું. જો આપણી ખુશીનું પ્રભારણ (ચાર્જ) આપણા મગજ પાસે રહેશે તો કદાચ આમ જ થવાનું..

આપણી ખુશીની ચાવી આપણે આપણા હાથમાં રાખવી પડશે. તો જ આપણે ખુશ રહી શકીશું. વિચાર એ વાતનો કરો કે હું ખુશ કેવી રીતે રહી શકું. એક વાત એ પણ છે કે જો તમારી ખુશીનો આધાર બાહ્ય પરિબળો પર હશે તો તમે ક્યારેય ખુશ નહીં રહી શકો. “પેલા એ આમ કર્યું, આણે તેમ કર્યું…” બસ આમ જ ફરિયાદ કરતાં રહેશો તો તમે હંમેશા દુઃખી જ થશો. હંમેશાં જે જેમ છે તેમ જ તેને સ્વીકારી આગળ વધો અને જે નથી એની ફરિયાદ કરવાને બદલે જે છે તેને સ્વીકારીને ચાલો તો હંમેશા ખુશ રહેશો.

આજે આપણે વાત કરીશું એ મુદ્દાઓ પર જે તમને ખુશ રહેવામાં મદદરૂપ થશે.  તો ચાલો જાણીએ જાતને ખુશ રાખવાના થોડાક ઉપાયો:

૧) આભાર માનવો : હંમેશાં તમે જે કાંઈ પણ મેળવ્યું છે તેના માટે આભાર માનવો જોઈએ. અને આભાર માનવામાં ક્યારેય મોડું ન કરવું. આમ તો જો મારી સલાહ માનો તો રોજ રાત્રે સૂતા પહેલાં એ દિવસ સફળતાપૂર્વક પૂરો થયો તે માટે કોણ કોણ જવાબદાર?? એ સૌના નામની યાદી તૈયાર કરવી જોઈએ અને બીજા દિવસે બીજું નવું કામ શરૂ કરતાં પહેલાં એ બધાંયનો મનોમન અથવા બની શકે તો એ વ્યક્તિને પર્સનલી કહીને આભાર માનવો જોઈએ. આજના સારા કે નરસા ગમે તેવો દિવસ રહ્યો હોય, આજના દિવસ માટે ઈશ્વરનો આભાર માનવો જોઈએ,આ કામને પોતાની રોજિંદી ક્રિયાઓમાં સ્થાન આપવું જોઈએ. માત્ર પાંચ મિનિટ આભાર માનવા માટે ફાળવવાથી તમને જે હાશકારો થશે એ આનંદનો અનુભવ અનેરો હશે. કરી જો જો એક વાર‌…

૨) વ્યસન છોડો : આંતરિક ખુશી માટે બીજો મુદ્દો છે વ્યસન છોડો… દારૂ પીવો, તમાકુ ખાવું આ તો બધા અતિશય ખરાબ વ્યસન છે પણ એ સિવાય પણ બીજા વ્યસનો છે જેમ કે વધુ પડતું ટીવી જોવું, આજના આધુનિક યુગમાં ઈન્ટરનેટનો વધુ પડતો ઉપયોગ પણ વ્યસન જ કહેવાય. એ સિવાય વધુ પડતું ખાવું, ખોટાં ખોટાં નકારાત્મક વિચારો કરવા, આ બધા જ વ્યસન છે જેને સારી આદતો સાથે બદલવા જરૂરી છે. કારણકે આ આદતોને એમનેમ છોડવા ખુબ જ મુશ્કેલ છે. માટે જો ખુશ રહેવું હોય તો તેનું સારી આદતો સાથે રિપ્લેસમેન્ટ અનિવાર્ય છે. સારી આદતોમાં ઘણી બાબતો આવી શકે, જેમ કે ટીવી જોવાના બદલે મ્યુઝીક સાંભળવું, અથવા જુના મિત્રોને મળવું, ઇન્ટરનેટના ઉપયોગ કરવાને બદલે ગાર્ડનમાં ચાલવા જવું, તમાકુ કે ગૂટખા ખાવાના બદલે એલાઈચી કે ચોકલેટ ખાવી! આમ જો મનમાં બદલવાની ભાવના હોય તો કશું અઘરું નથી.

૩) અર્થપૂર્ણ સંબંધો : આજના સમયમાં ફેસબુક, વ્હોટસએપ આવ્યાં છે ત્યારથી લોકો મોબાઈલ અને ઈન્ટરનેટ પર જ વધુ સમય વીતાવે છે. અને આ જ કારણ છે કે આપણને એકલતા કનડે છે. કોઈક ચેટ કરવા વાળું ના હોય કે એક દિવસ પણ ઇન્ટરનેટ બંધ હોય તો આપણે ઉદાસ અને એકલા પડી જઈએ છીએ. કારણ આપણે વર્ચ્યુલ (આભાસી) સંબંધોની બહાર કોઈ જીવંત સંબંધોમાં સમયનું ઇન્વેસ્ટમેન્ટ કર્યું જ નથી. કોઈ પ્રકારના સાચા સંબંધો જાણે રહ્યા જ નથી. માટે જો ખુશ રહેવું હોય તો વધુ નહીં પણ ઓછામાં ઓછા ચાર-પાંચ અર્થપૂર્ણ સંબંધો કેળવો કે જેમની સાથે વાત કરી તેમ તમારું મન હળવું કરી શકો. અને તમારી મૂંઝવણો દૂર કરી શકો. જીવનમાં ખુશ રહેવા માટે સાચા સંબંધો કેળવવા જરૂરી છે.

૪) યોગ : આજના સમયમાં આખું વિશ્વ યોગનો મહિમા જાણી રહ્યું છે. યોગને અપનાવી રહ્યું છે. યોગના ઘણા ફાયદા છે. યોગ તમારી અંદર સકારાત્મક ઊર્જાનું નિર્માણ કરે છે. યોગ તમારી એકાગ્રતા વધારે છે, તમારી અંદર સ્ફૂર્તિ લાવે છે, તમારી સર્જનાત્મકતા વધારે છે. અને તમારું પ્રફુલ્લિત મન તમને આનંદમાં રાખે છે. દિવસમાં કોઈપણ સમયે યોગ કે કસરત માટે થોડો સમય ફાળવો, એ તમારા આયુષ્યની વૃદ્ધિ તો કરશે જ પણ તમારા હાલના શ્વાસોને પણ શુદ્ધ બનાવશે.

૫) પોતાને વ્યસ્ત રાખો : પોતાની જાતને હંમેશાં વ્યસ્ત રાખો. મન એકાગ્ર કરી કામ કરો‌. તમારું મન એક જ કામમાં વ્યસ્ત રહેશે તો એટલાં ઓછાં નકારાત્મક વિચારો આવશે અને એટલા જ તમે દુઃખી ઓછા થશો.

૬) જીવન-ધ્યેય: મિત્રો, આપણા જીવનમાં કોઈને કોઈ ધ્યેય હોવો જરૂરી છે. ધ્યેય વિનાનું જીવન વ્યર્થ છે. પોતાના કામની પસંદગી તમારી ઈચ્છા, શોખ, રસ મુજબ કરો..

આપણા સમાજમાં એક રિવાજ ચાલી આવ્યો છે કે બાળક માતા-પિતા, સમાજ, ગુરુજનો વગેરેની ઈચ્છા મુજબ પોતાની પ્રવૃત્તિઓ પસંદ કરતા હોય છે. મમ્મીએ કહ્યું બેટા ડૉક્ટર જ બનવાનું છે, પપ્પાએ કહ્યું બેટા એન્જીનિયર બનવાનું છે.. ને દીકરી કે દીકરો લાગી જાય એની પાછળ મહેનત કરવા… હા આ બધા વ્યવસાય સારા જ છે. પણ જો એમાં તમને રસ નહીં હોય તો તે કામને તમે માણી નહીં શકો. અને જો કામ માણશો નહીં તો તે બોજારૂપ લાગશે. માટે જે પણ કામ પસંદ કરો તે એવું કરો કે જેને તમે માણી શકો. તો તમે જોશો કે તમે કેટલા ખુશ રહી શકો છો.

Life’s Every Moment Is Precious Use It Wisely And Enjoy It Fully.

હાર્દિક કલ્પદેવ પંડ્યા

સફળતા – એક કળા…

હું ક્યારેય હારતો નથી. અથવા હું જીતીશ… અથવા હું હંમેશા જીતુ જ છું.

આ એક પહેલું પગથિયું છે સફળતા તરફ અગ્રેસર થવાનું. હંમેશા સકારાત્મક રહો. અને વિચારો કે હું જે કંઈ પણ કરવા જઈ રહ્યો છું એમાં હું ચોક્કસ સફળ થઈશ જ. અને એ જ સકારાત્મક ઊર્જા સાથે કામ કરો.

સફળતાના આમ તો ઘણા સૂત્રો છે. પણ મૂળભૂત ત્રણ સૂત્રો આ છે:

૧)જવાબદારીની શક્તિ

૨)આભાર પત્રિકા

૩) જીવન પસંદગીનું પરિણામ છે.

જવાબદારીની શક્તિ : જવાબદારી ક્યારેય આપી શકાતી નથી. એ તો લેવાની વસ્તુ છે. જે જવાબદારી લઈ ન શકે તે જવાબદારી આપી કેવી રીતે શકે? જવાબદારીની અનૂભુતિ જ તમને ઉત્સાહપૂર્વક કામ કરવા પ્રેરે છે. અને એ ઉત્સાહ જ સફળતા મેળવી આપે છે.

Take Responsibilities..

આભાર પત્રિકા : આભાર માનવો… રોજ રાત્રે સૂતા પહેલાં એક સૂચિ તૈયાર કરો. કે આજના દિવસની સફળતા માટે કોને કોને આભાર માનવાનો છે. અને અચૂક એનો આભાર માનો. આભાર માનવામાં ક્યારેય વાર ન લગાડવી જોઈએ. આભાર માનવાથી સંબંધો ગાઢ બને છે. અને એ જ સંબધો તમારી સફળતાનું કારણ બની શકે છે. રોજ રાત્રે આજના દિવસ માટે પણ ઈશ્વરનો આભાર માનો.

So, Always Be Grateful Not Great Fool..

જીવન પસંદગીનું પરિણામ છે: તમે જીવનમાં કેવા વિચારોની પસંદગી કરો છો એના પર આધાર રાખે છે તમારું જીવન કેવું હશે. ક્યારેય કોઈને બદલવાનો પ્રયત્ન ન કરો. કોઈને સુધારવાની કોશિશ ન કરો. જે છે તેને સ્વીકારવાનું વલણ અપનાવો. પછી જુઓ કેવું બધું તમારી ઈચ્છા મુજબ બદલાય છે.

સંસ્કારોથી બને છે આપણા વિચાર, વિચારોથી બને છે આપણો વ્યવહાર, વ્યવહારથી બદલાય છે આપણું આચરણ, અને આપણું આચરણ બને છે આપણા પ્રચારનું કારણ… અને આપણો પ્રચાર બને છે આપણી સિધ્ધિ, પ્રસિદ્ધિ અને સમૃદ્ધિનું કારણ…

જીવન પસંદગીનું પરિણામ છે. પ્રતિકુળ પરિસ્થિતિને તમે સમસ્યા માનો છો કે ઉખાણું… જો સમસ્યા માનશો તો પ્રશ્નચિહ્ન બની જશો. પણ જો ઉખાણું માનશો તો ઉકેલી જશો. અને સફળ થઈ જશો.

સફળતાનાં આ ત્રણ સૂત્રોની વાત કરી. હવે પસંદગી આપની છે. તમે શું માનો છો. મને બધું આવડે કે પછી હું હજી શીખું છું.

पढेलिखे होने से अच्छा है पढते लिखते रहना।

શીખતાં જાવ અને સફળ થતાં જાવ…

 

હાર્દિક કલ્પદેવ પંડ્યા

મૌનનું મહત્વ

સંસ્કૃતમાં એક શ્લોક છે. “મૌનમ્ સર્વાર્થ સાધનમ્”. એટલે કે મૌન એ સૌથી શ્રેષ્ઠ સાધના છે. ખરેખર, મૌન એ ખુબ જ મોટી અને અઘરી સાધના છે. એનું મહત્વ પણ એટલું જ વધુ અને ઉત્તમ છે. મૌન માત્ર આંતરિક ઊર્જાની બચત નથી કરતું, આપણી અંદર નવીન ઊર્જાનો સંચાર પણ કરે છે. ગુસ્સો, આવેશ, વેર, દ્વેષ જેવી નકારાત્મકતા નષ્ટ કરે છે. જ્યારે આપણે ગુસ્સામાં હોઈએ ત્યારે મૌન આપણને ગુસ્સો ભૂલવામાં તથા પરિસ્થિતિના દરેક પાસાઓને પારખવામાં મદદરૂપ થાય છે. માનસિક સુખની પ્રાપ્તિ કરાવે છે. મૌન જીવનમાં સકારાત્મક્તા લાવવા માટે ખુબ મહત્વનો ભાગ ભજવે છે. આપણી વિચારશક્તિને સશક્ત બનાવે છે. આપણને નિયમિત અને શિસ્તબદ્ધ બનાવે છે. આપણી અંદર આત્મવિશ્વાસની વૃદ્ધિ કરે છે. મૌન એ વ્યક્તિને શ્રેષ્ઠ શ્રોતા બનાવે છે, જે શ્રેષ્ઠ શ્રોતા હોય તે જ વિદ્વાન બની શકે છે અને કહેવાય છે કે જે વ્યક્તિ વિદ્વાન હોય છે એ હંમેશા વધુ પડતું બોલવા કરતાં પોતાના કર્મોથી પોતાની વિદ્વતા સાબિત કરવામાં વધુ માને છે. આવા લોકો જરૂર સિવાય ક્યારેય શબ્દોનો પ્રયોગ કરતાં નથી, મૌન રહે છે. અને એટલે જ તેઓ સફળતાની ઊંચાઈએ બિરાજે છે. મૌનના સ્વાસ્થયલક્ષી લાભ પણ છે… મૌન એટલે યોગની ઉત્તમ સાધના… આ મૌન અને શાંત ચિત્તે માત્ર પ્રભુ સ્મરણ કરવાથી ઉચ્ચ રક્તચાપ એટલે કે હાઈ બ્લડ પ્રેશરની તકલીફમાં પણ ઘણો ફાયદો થાય છે. મૌન દ્વારા મનને શાંત અને પ્રફુલ્લિત કરી શકાય છે અને એના કારણે લોહીની ઉણપ પણ શરીરમાંથી દૂર કરી શકાય છે. મૌનથી ગંભીર બીમારીઓ ભલે દૂર ન થાય પણ રાહત ચોક્કસ અપાવે છે. આપણી રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરી આપણને એક નવી જ સ્ફૂર્તિ પ્રદાન કરે છે. આપણી અંદર કોઈપણ ગંભીર બીમારી સાથે લડવાની શક્તિનો સંચાર કરે છે. કહેવાય છે કે જે ઓછું બોલનાર અને મૌનનો નિયમ પાળતા લોકો નીરોગી અને લાંબુ જીવે છે.

આમ મૌનના ઘણા ફાયદા છે. પણ આ મૌન છે શું? મૌન કોને કહેવાય?

ઋષિમુનિઓએ મૌન વિશે જણાવતા કહ્યું છે કે મૌન એટલે બોલવું નહીં, વાંચવું નહીં, કોઈ ઈશારા નહીં, કોઈ વિચાર નહીં, કોઈ પરિસ્થિતિ સર્જાય તોય પ્રતિક્રિયા નહીં. જ્યાં બેઠા છો બસ ત્યાં જ બેસી રહેવાનું અને એ પણ શૂન્યમનસ્ક. આ છે ખરું મૌનવ્રત.

મૌન અઘરું છે પણ અશક્ય નથી…

શું આજના સમયમાં આવી આકરી સાધના શક્ય છે ખરી? આપણે કહીશું, ના… શક્ય નથી. પણ હકીકતમાં શક્ય છે. બીજું કંઈ નહીં પણ પોતાની જીભ પર નિયંત્રણ રાખવું તો ચોક્કસ શક્ય છે જ. આપણા રોજીંદા જીવનમાં આખો દિવસ નહિ તો દિવસનો અમુક સમય જેમ કે જમતી વખતે, સવારે ઉઠ્યા પછી એકાદ કલાક, એ રીતે મૌન રહેવાનો નિયમ પાળી જ શકાય. શક્ય હોય તો મૌન દરમિયાન ખાવાપીવાનું પણ ટાળી શકાય. હવે મૌન ધારણ કરવા માટે સૌથી ઉત્તમ સમય કયો? તો જવાબ છે પ્રાતઃકાળનો. પ્રાતઃકાળ એટલે કે સવારના સમયે મૌન ખુબ જ ફળદાયી રહે છે. કારણ કે સવાર સવારમાં આપણું મન બાહ્ય નકારાત્મકતાથી દૂર હોય છે. એવા સમયે સકારાત્મક ઊર્જા વધારવામાં મૌન ખુબ જ ઉપયોગી બને છે. આપણું મન ખુબ જ ચંચળ છે. તેની વિચારયાત્રાને અટકાવવી અશક્ય છે. પણ સવારના સમયે તેની ગતિ ધીમી હોવાથી સરળતાથી નિયંત્રિત કરી શકાય છે. આ સમયે મૌનવ્રત શક્ય હોય છે. અને ફળદાયી બને છે. ભલે એક જગ્યાએ બેસી ન રહી શકીએ. વાંચન ટાળી ન શકીએ. કોઈપણ પરિસ્થિતિમાં પ્રતિક્રિયા આપ્યા વિના ન રહી શકીએ પણ પોતાના શબ્દો પર તો નિયંત્રણ રાખી જ શકીએ. પેલી કહેવત છે ને, ‘ન બોલવામાં નવ ગુણ’. કોઈ વાર ચૂપ રહેવાથી પણ કેટલાય પ્રશ્નો ઉકેલાઈ જાય છે. સંબંધો સચવાઈ જાય છે. શબ્દો થકી સંબંધો બગડે એના કરતાં તો મૌન સારું જ ને! પણ હા, ક્યારે મૌન રહેવું અને ક્યારે બોલવું એનું જ્ઞાન પણ જરૂરી છે, કોઈ ખોટી વાત થતી અટકાવવા બોલવું તો પડે જ. વિરોધ કરવો જ પડે. એ વખતે મૌન ના રહેવાય.

ચાલો ત્યારે આ અઘરી પણ ઉત્તમ સાધનાનો તમે પણ ક્યારેક પ્રયોગ કરી જો જો… એક સુંદર અનુભવ મળશે…! આ મૌન એકવાર તો રાખવા જેવુ હો..!

 

હાર્દિક કલ્પદેવ પંડ્યા

સકારાત્મક અભિગમ

સકારાત્મક રહો… ખુશ રહો…. સ્વસ્થ રહો…

એ જ સુખી અને આનંદમય જીવનનો મૂળ મંત્ર…

ઘણીવાર બધા મને પૂછે, “તને ક્યારેય ગુસ્સો નથી આવતો?”
તો હું કહું હા, એક સમય એવો પણ હતો જ્યારે મને ખુબ ગુસ્સો આવતો, પણ જ્યારે મેં મૌનનો નિયમ લીધો ત્યારે સમજાયું કે ગુસ્સો કરવાનો કોઈ ફાયદો નથી. ગુસ્સાથી માત્ર નુકસાન જ છે, આપણુ અને બીજાનું પણ… બીજુ એ પણ સમજાયું કે મૌન રહેવાથી આપણને આપણી ભૂલ, ગુસ્સો આવ્યો એ સમયની પરિસ્થિતિ વગેરે સમજાય છે. અંતરમનમાં શાંતિ અને હળવાશની અનૂભુતિ થાય છે. સકારાત્મક બની શકાય છે. જેને કારણે આવેલ મુશ્કેલીને દુર કરવાના ઉપાયો આપમેળે સુઝવા લાગે છે. અને જ્યારે આપણી મુશ્કેલીઓ દુર થઈ જાય એટલે આપણુ મન પ્રસન્ન… અને મન પ્રસન્ન તો આપણુ સ્વાસ્થ્ય પણ સારું રહે છે.
જીવનના દરેક તબક્કે સકારાત્મક્તાથી પરિસ્થિતિ સ્વીકારવાનુ વલણ રાખીએ તો હંમેશા ખુશ રહી શકાય. અને આપણુ પ્રસન્ન મન આપણી આભાને સકારાત્મક બનાવી વાતાવરણને ખુશનુમા કરી દે છે. સ્વાર્થીપણે પણ આપણી તબિયત સારી રાખવા પણ સકારાત્મક વલણ અપનાવવું જોઈએ. આપણી આસપાસ રહેલા વ્યક્તિઓ પર પણ એનો પ્રભાવ પડે છે. અને સંબંધોમાં મીઠાશ લાવી શકાય છે. પતિ-પત્ની, પિતા-પુત્ર, ભાઈ-બંધુઓ, મિત્રો બધા જ સંબંધો વચ્ચેના મતભેદ, ક્યારેક મનભેદને પણ આ જ સકારાત્મક્તાથી દૂર કરી શકાય છે. દાંપત્ય જીવન, ગ્રહસ્થ જીવન કે પછી સામાજિક જીવન હોય એને આનંદમય અને ખુશહાલ બનાવી શકાય છે.
સકારાત્મક કેવી રીતે રહેવું?
સૌથી પહેલા તો મન પ્રસન્ન રાખવા અકારણ પણ હંમેશા ચહેરા પર સ્મિત રાખવું જોઈએ. કોઈને પણ મળીએ તો સ્મિત સાથે જ… આ પણ એક રીત છે સકારાત્મક રહેવાની. પોતાના રોજીંદા જીવનમાંથી થોડો સમય પોતાની મનગમતી પ્રવૃતિ માટે ફાળવવો કારણ કે મનગમતી પ્રવૃતિ મનને પ્રફુલ્લિત કરે છે. અને પ્રફુલ્લિત મન સકારાત્મક વિચારોથી આપણને મુશ્કેલીઓને દૂર કરવાના ઉપાયોના માર્ગે આગળ વધારે છે. સકારાત્મક્તા આપણી અંદર લાવવા કોઈ એક નિયમ જીવનમાં જરૂર લો. નિયમથી તમારી અંદર શિસ્ત, નિયમિતતા જેવા ગૂણોનો સંચાર થાય છે જે એક પ્રકારની સકારાત્મક્તા જ છે. રોજ સવારે અમુક સમય માટે મૌન રાખવુ, કઈપણ ખાદ્ય પદાર્થ મોંમાં લેતા પહેલા જે ભગવાનમાં માનતા હોય એમનુ નામ લેવુ, રોજ એક માળા કરવી, રોજ અમુક પ્રકારનુ દાન કરવું, સવારે વહેલા ઉઠી યોગ અને કસરત કરવી, વગેરે…. આ તો માત્ર ઉદાહરણ છે. આવો કોઈપણ નિયમ, સકારાત્મક ઊર્જા ઉત્પન્ન કરવામાં મદદરૂપ થાય છે. અને સકારાત્મક અભિગમ આપણને શ્રેષ્ઠ વ્યક્તિત્વ પ્રદાન કરે છે, સમૃદ્ધિ અને સફળતા પણ અપાવે છે…

માટે જ સકારાત્મક રહો…. સુખી(ખુશ) રહો…. સ્વસ્થ રહો…

 

હાર્દિક કલ્પદેવ પંડ્યા

બાળ ઉછેર – એક કસોટી

બાળ ઉછેર એ એક કસોટી સમું કાર્ય છે. દરેક મા-બાપ ઈચ્છે છે કે તેમના બાળકોને એક મહાન જીવન મળે. તેમનું બાળક સફળતાના શિખરો સર કરે.

આ માટે જરૂરી છે કે બાળકોમાં કેટલીક આદતો કેળવાય. જેમ કે…

આપવાની આદત: આજકાલ જોવા મળે છે કે બાળકોમાં આ મારું, તે મારુંની વૃત્તિ પ્રવર્તે છે. બાળકોમાં વહેંચીને ખાવાની, હળીમળીને રમવાની, મારું-તારું કરવાની જગ્યાએ એકબીજા સાથે વહેંચવાની આદત કેળવવી જોઈએ. આ આદત બાળકોને સંતોષી બનાવે છે અને મેળવેલ વસ્તુમાં ખુશ રહેતા શીખવે છે.

વાંચનની આદત: વાંચનની આદત જ્ઞાન વધારવામાં મદદરૂપ થાય છે. આજના આધુનિક યુગમાં બાળકો ટીવી, વિડિયો ગેમ, અને મોબાઈલમાં એટલા ખોવાયેલા રહે છે કે વાંચન નામશેષ થઈ ગયું છે. બાળકોને વાંચવું ગમતું જ નથી. પણ એ વાત સ્વીકારવી જ રહી કે ટીવી, વિડિયો ગેમ, વગેરે થકી માહિતગાર થઈ શકાય છે પણ વાંચનથી જ્ઞાન પ્રાપ્ત થાય છે. માટે બાળપણથી જ બાળકોમાં વાંચનની આદત કેળવવી જોઈએ.

ઈત્તર પ્રવૃત્તિ અથવા કસરત કરવાની આદત: બાળકોમાં બીજી સારી આદતોની સાથે કસરત અને ઈત્તર પ્રવૃત્તિમાં રસ કેળવવાની આદત કેળવો. ઈત્તર પ્રવૃત્તિ એટલે અભ્યાસક્રમ સિવાયની કોઈ પણ પ્રવૃત્તિ જેના થકી બાળકનો સર્વાંગી વિકાસ થાય, બાળકમાં એકાગ્રતા વધે અને મગજ તેજ થાય. આ પ્રવૃત્તિ કોઈ પણ હોઈ શકે. સ્વિમિંગ, સ્કેટીંગ, કરાટે, અલગ અલગ ભાષા શીખવી, ચિત્રકામ, સંગીત શીખવું, વગેરે.

કદર કરવાની આદત: આપણને બધી જ વસ્તુઓ આસાનીથી મળી જાય છે પણ આપણને એ વાતની કદર નથી હોતી. અને આપણને જોઈ બાળકો પણ એ જ શીખે છે. માટે સૌથી પહેલા આપણે જે મેળવ્યું છે એની કદર કરતાં શીખવું પડશે અને બાળકોને પણ દરેક વસ્તુની કિંમત કરતાં શીખવવું પડશે. કેટલીક વાતો એવી હોય છે જે શીખવાડવા માટે તેનું સ્વ-અમલીકરણ કરવું જરૂરી બને છે. માટે જો તમે ઈચ્છો છો કે તમારું બાળક કદર કરતાં શીખે તો તમે પણ એ આદતને કેળવો. આખા દિવસમાં તમારી સાથે જે સારું થયું હોય તેની સરાહના કરો, એ સારી વાતની ચર્ચા કરો, તમારા પરિવારજનોને એ વિશે વાત કરો. તમારા જીવનમાં કંઈ પણ ખરાબ થાય તો તેના વિશે તમે બાળકો સાથે પરિવાર સાથે વાત કરો છો, એ જોઈ તમારા બાળકો પણ એ જ શીખે છે, અને બાળકો પણ તેમની તકલીફો અને ફરિયાદો જ તમને કહે છે. માટે પહેલા પોતે સકારાત્મક બનો અને સારી વાતો બાળકો સાથે વહેંચો.

નવું શીખવાની આદત : ઘણીવાર જ્યારે બાળકો કંઈક નવું શીખવાની અથવા નવું કામ કરવાની ઈચ્છા વ્યક્ત કરે છે ત્યારે માતા-પિતા તેને પહેલી વખત તો ના જ પાડી દઈએ છીએ. જે તદ્દન ખોટું છે. બાળકોને જે પ્રવૃત્તિમાં રસ હોય તે તેને કરવા દેવી જોઈએ. તેને એ પ્રવૃત્તિમાં આગળ વધવા માટે પ્રોત્સાહિત કરવા જોઈએ. નવું નવું શીખવાની આદત તેમનામાં જીજ્ઞાસા વૃતિ વધારે છે. જ્ઞાનમાં વૃદ્ધિ તો થાય જ છે સાથે સાથે એકાગ્રતા, આત્મવિશ્વાસમાં પણ વધારો થાય છે. જે નવું શીખવાની ઈચ્છા રાખે છે એ જ જીવનમાં સફળતા મેળવે છે. એકનું એક રોજીંદુ કામકાજ કરવાવાળા ક્યારેય પ્રગતિ કરી શકતા નથી. માટે બાળકોમાં નવું નવું શીખવાની, હંમેશાં ક્રિયાશીલ રહેવાની આદત કેળવવી જોઈએ.

આ પાંચ આદતો બાળકોમાં કેળવવાથી બાળકોનો સર્વાંગી વિકાસ થાય છે અને એક મહાન જીવન અને ઉત્તમ વ્યક્તિત્વનું નિર્માણ થાય છે. અને બાળક સફળતાના શિખરો પણ સર કરી શકે છે.

 

હાર્દિક કલ્પદેવ પંડ્યા