ઉત્સાહિત વ્યક્તિત્વ સફળતાની એક ઉત્તમ ચાવી છે..!

માનવીની રચના કાંઈક એવી રીતે બની છે કે આપણો મૂડ એવો રહે છે કે ક્યારેક તે એકદમ ઉત્સાહિત થઇ જાય છે અને ક્યારેક તે સાવ હતોત્સાહ થઇ જાય છે. આમ થવું સાવ સ્વાભાવિક છે, તે કુદરતી છે. જયારે આપણે કોઈ અણગમતી પરિસ્થિતિ પર અટકી જઈએ છીએ ત્યારે આપણે દુ:ખી થઇ જઈએ છીએ. પણ જયારે આપણે કશુંક સકારાત્મક સાંભળીએ ત્યારે આપણો મૂડ સારો થવા લાગે છે. અને જયારે આપણો મૂડ વધારે સારો હોય ત્યારે આપણે તેને ઉત્સાહ કહીએ છીએ.

જયારે કશુંક નવું, ગમતું હોય તેવું થવાનું હોય ત્યારે આપણો ઉત્સાહ વધે છે પણ જો કોઈ કાર્ય કરવાનો આપણો મૂડ ન હોય ત્યારે આપણો ઉત્સાહ મંદ પડી જાય છે. આનો અર્થ એ થયો કે આપણા મનની સ્થિતિ અને ઉત્સાહનો આધાર આપણી જે તે સમયની પરિસ્થિતિ ઉપર રહેલો હોય છે. જો અવસર આનંદનો હોય તો આપણે ઉત્સાહિત રહી શકીએ છીએ. પરંતુ જો પરિસ્થિતિ હતાશાજનક હોય તો આપણે હતાશ કે દુ:ખી રહીએ છીએ. આપણું રોજિંદું જીવન પણ આ પ્રકારે પરિસ્થિતિ અનુસાર બદલાય છે. પરંતુ શું આપણો ઉત્સાહ આપણી પરિસ્થિતિ ઉપર આધારિત હોવો જોઈએ? વિચારી જુઓ.

  ચાલો આપણે ૨ અલગ પ્રકારના ઉત્સાહને સમજીએ:

  ૧) સકારાત્મક ઉત્સાહ (Positive Excitement)

2) નકારાત્મક ઉત્સાહ (Negative Excitement) 

સકારાત્મક ઉત્સાહ:

આપણે એવી દુનિયામાં રહીએ છીએ જે સમસ્યાઓથી (મુશ્કેલીઓથી) ભરેલી છે. આપણાં કંટાળાજનક જીવનમાંથી બહાર આવવા માટે આપણી પાસે કેવળ એક જ ઉપાય છે અને તે છે આપણો સકારાત્મક ઉત્સાહ, આપણું સકારાત્મક વલણ, દૃષ્ટિ. પણ શું તમે એમ માનો છો કે આ સકારાત્મક ઉત્સાહ આપણી અંદર આપોઆપ, સ્વાભાવિકપણે જાગશે?

કૃપા કરીને એ યાદ રાખો કે આપણાં જીવનમાં આપણો સકારાત્મક ઉત્સાહ જ આપણી મનઃસ્થિતિને સુધારવામાં મદદરૂપ થતો હોય છે.

પણ, જીવનમાં ઉત્સાહ જળવાઈ રહે તે માટે શું આપણે અલગ હોય એવું કાંઈક કરવું જ જોઈએ? આ પ્રશ્નનો જવાબ છે હા, આપણે કાંઈક નવું અને અલગ કરવું જ જોઈએ. અને એવું નવું કાંઈક કરતી વખતે તેની આડે કોઈપણ અવરોધ ન આવવા દેવો જોઈએ. જયારે આપણે કોઈપણ કાર્ય પહેલી વાર કરતા હોઈએ ત્યારે આપણી અંદર એક બહુ જ ખાસ પ્રકારની ઘટના બનતી અનુભવાય છે. આપણે અચાનક હકારાત્મક બની જઈએ છીએ અને કાંઈક નવું કરવા માટે ખૂબ જ ઉત્સાહિત થઇ જઈએ છીએ!

જીવનમાં સકારાત્મક ઉત્સાહ ધરાવવાથી ઘણા ફાયદાઓ મળે છે:

આ જીવંત ઉત્સાહ આપણો વિકાસ કરવામાં બહુ જ મદદરૂપ થાય છે. પણ ઘણી વાર એવું બને છે કે આવો ઉત્સાહ આપણે સતત જાળવી શકતા નથી. મારી સલાહ છે કે એકવાર તમને ઉત્સાહિત થવા માટેનું ગમતું કારણ મળી જાય તો તે કામ કરવા તરત જ મંડી પડવું જોઈએ. જે શક્ય નહોતી એવી તક પ્રભુએ આપી, તેમ વિચારીને હંમેશાં ખુશ થવું જોઈએ અને તેની કદર કરવી જોઈએ. જયારે આપણે આપણાં કામની કદર કરતાં શીખી જશું તો આપણો ઉત્સાહ શરૂઆત વખતે જેવો હતો તેવો જ અંત સુધી જળવાઈ રહેશે.

જયારે આપણને આપણું કામ બહુ ગમવા લાગશે ત્યારે આપણે તેને વધારે સારું કરવાનો, તેને સુધારવાનો પ્રયત્ન પણ કરવા લાગશું. આપણો એ ઉત્સાહ આપણને સર્જનાત્મક બનાવતો રહેશે અને તેથી આપણી કાર્યક્ષમતા પણ વધતી રહેશે.

જયારે આપણે ખાસ કોઈ પ્રયત્ન કર્યા વગર જ આપણાં કાર્યને સમર્પિત થઇ જશું તો આપણું તે કાર્ય જ અણમોલ ઉપહાર જેવું બની જશે. અને જો આપણે આપણું રોજિંદું કામ પણ એટલા જ ઉત્સાહથી કરતાં રહીશું તો તે આપણો એવો મજબૂત આધાર બની જશે કે જે આપણને રોજબરોજના કાર્યોમાં સતત વ્યસ્ત રાખશે અને પછી તો આપણને આપણી અપેક્ષા કરતાં પણ વધારે સારું કાર્ય કરવા માટે પ્રેરણા મળતી રહેશે!

આપણે આપણાં લક્ષ્યો નક્કી કરીને તેનું આયોજન કરવાની શરૂઆત કરવી જોઈએ. આપણે જે સિદ્ધિઓ મેળવવાની છે તેની યાદી તૈયાર કરવી જોઈએ. અને પછી જોશો કે આપણાં નિર્ધારિત કાર્યમાં આપણને મદદરૂપ થાય તેવા અને આપણે આગળ વધી શકીએ તેવા કેટકેટલા ઉપાયો અને યુક્તિઓ આપણી સામે આવી જાય છે! 

સુપરમેનની જેમ હીરોગીરી કરવાથી આપણને પરમ શક્તિ (સુપર પાવર) મળી જવાની નથી. એવી રીતનું વર્તન કરવાથી આપણી અંદર અલબત, સકારાત્મક જોશ ઉભરાવા લાગે છે. પણ એવી કાલ્પનિક બાબતોમાં રાચીને શેખચલ્લીની જેમ છત પરથી છલાંગ લગાવવાથી ઊડી શકાશે એવું વિચારવું એ ઉત્સાહનો અતિરેક છે.

નકારાત્મક ઉત્સાહ:

જયારે આપણે સકારાત્મક ઉત્સાહ વિશે વાંચીએ ત્યારે તે બિલકુલ સાચું લાગે છે અને તેમાંની અમુક બાબતો આપણાં જીવનમાં બની પણ શકે છે. પરંતુ થોડીક વાતો એવી છે કે જેનું આપણે ધ્યાન રાખવું જોઈએ કે આપણી અંદર સકારાત્મક ઉત્સાહનો અતિરેક આપણી ક્ષમતાથી વધારે પડતો ન થઇ જાય. ઘણી વાર સકારાત્મક ઉત્સાહનો અતિરેક આપણી અંદર અતિ-આત્મવિશ્વાસ લાવી દે છે. આપણે એ યાદ રાખવું જોઈએ કે આપણે આપણી સમસ્યાઓના    સમાધાન માટે જ ઉત્સાહ ધરાવીએ છીએ. અને આપણો હેતુ તેને લીધે નવી મુશ્કેલી ઊભી કરવાનો નથી.

સામાન્ય રીતે એ વાત આપણને સમજાતી નથી પણ અતિ ઉત્સાહને કારણે આપણે તે વસ્તુની વધુને વધુ ઈચ્છા કરીએ છીએ અને તેના પ્રત્યે લોભ વધતાં તેને માટે આપણે વધારે લોભામણા થઇ જઈએ છીએ. એ લોભ અને લાલચમાં આપણે ઘણીવાર આપણે ન કરવાનું હોય તેવું કાંઇક કરી બેસીએ છીએ. અને આપણે એમ માનીને ખોટો નિર્ણય લઇ બેસીએ છીએ કે ઉત્સાહથી આપણાં જીવનમાં ઈચ્છિત ફેરફાર થઇ જ જશે. પણ અહીં જ આપણે ખોટા પડીએ છીએ.  ઉત્સાહ આપણા માટે ત્યારે જ સાચી રીતે કામ કરે કે જ્યારે આપણને ખાતરી હોય કે તે આપણા માટે સકારાત્મક પ્રતિભાવ અપાવશે.

ઉત્સાહના અતિરેકમાં આપણે બહુ ઉતાવળે પછીનું પગલું ભરીએ છીએ કે જેના માટે આપણી તૈયારી હોતી નથી.

તમારા ઉત્સાહને વધારવાના પગથિયાં        

દરેક માણસે એ સમજી લેવું જોઈએ કે જો તમે મૂડમાં ન હો તો તેને માટે તમે પોતે જ જવાબદાર છો. તમારો મૂડ બદલવા માટે બીજી કોઈપણ વ્યક્તિ તમને  મદદ કરી ન શકે. તમારા નજીકના અને વહાલાં લોકો તમને ખુશ રાખવા માટે પ્રયત્ન જરૂર કરી શકે પણ જો તમે પોતે તમારો મૂડ બદલવા માટે કોઈ પ્રયત્ન ન કરો તો તમે તમારો મૂડ બદલી નહીં શકો. કારણ કે તમે તમારા મનથી દુ:ખી રહેવાનું જ નક્કી કર્યું છે. તમારે તમારા ઉત્સાહને તમારી ઈચ્છા મુજબ જાળવી રાખવાનું શીખવું પડશે. જયારે તમે ગમતું કામ કરવાનું શરુ કરો છો ત્યારે તમારો મૂડ (મનની સ્થિતિ) બદલાય છે. ત્યારે તમે હતાશામાંથી (ડિંપ્રેશન) બહાર આવવાની યાત્રા શરુ કરો છો અને તમે નોર્મલ (સામાન્ય) બનતા જાઓ છો.

જયારે તમે કંઈક કરો ત્યારે તમે ઈચ્છો કે તમે ફરી તમારી સામાન્ય મનઃસ્થિતિ પર પહોંચી જાઓ. મનની આ જે સામાન્ય સ્થિતિ છે તે તમને તમારી ભૂલો શોધવામાં અને તેને સુધારવામાં મદદ કરશે. અને તેથી તમને ફરીવાર એવી કોશિશ કરવાનું મન થશે. કોઈ કોઈ વાર એવું પણ બને કે તમારા મનની સ્થિતિ સામાન્ય ન થાય. જો તમારા મનની સ્થિતિ સામાન્ય ન થાય તો તમારે બીજો વિકલ્પ વિચારવો જોઈએ કે જેમાં તમારે તમારા મનને થોડો આરામ આપવો જોઈએ અને તેને તાજુંમાજું (ફ્રેશ) કરવું જોઈએ. આમ કરવું બહુ જ જરૂરી છે.

આરામ કર્યા પછી તમે જયારે જાગો છો ત્યારે તમારું મન ફ્રેશ (તાજાં) થઇ ગયું હોય છે, પણ તેમ છતાં યે જો તમે હતાશા અનુભવતા હો તો બીજો ઝડપી ઉપાય મનને કોઈ મનોરંજન કાર્યક્રમ તરફ વાળવું એ છે. તેમાં નૃત્ય કરવા કે ટીવી જોવા જેવી પ્રવૃત્તિ કરી શકાય અને મનોરંજન મળવાથી તે હળવું પણ બને અને તમારું કામ સરળ બને. એ માટે તમારે એ કાર્યમાં ઓતપ્રોત થઇ જવાનું છે. તમે તમને ગમતી રમતગમતમાં પણ ભાગ લઇ શકો.

આટલું કર્યા પછી પણ જો તમે પોતાને મુશ્કેલીમાં છો એવું અનુભવતા હો તો છેલ્લો ઉપાય  એ છે કે તમારા હિતેચ્છુ મિત્ર કે સલાહકારને મળો. જયારે તમે તેની પાસે જઈને તેને તમારી પરિસ્થિતિ વિષે જણાવશો ત્યારે તમને સમજાશે કે બીજા લોકોની સરખામણીમાં તમારી મુશ્કેલી તો સાવ નાની છે અને જયારે તમે તમારી મુશ્કેલીને બીજાની નજરે જોશો ત્યારે તમને સમજાશે કે તમારામાં ઉત્સાહનો જે અભાવ છે એ તમારી મુશ્કેલીને કારણે નથી પણ તમારા વિચારો જ તમારા ઉત્સાહને અવરોધે છે. એટલે કે જયારે તમે તમારા મિત્ર પાસેથી એ જાણો છો અને તમને એ હકીકત સમજાય છે કે જીવનમાં બધું જ શક્ય છે. પણ તમારી માન્યતાઓ અને નકારાત્મક વિચારો જ તમને ઉત્સાહિત થતાં અટકાવે છે. જયારે તમે તમારા મનને હકારાત્મક વિચારો તરફ વાળો છો ત્યારે તમને સમજાય છે કે તમારાં જીવનમાં જે કાંઈ છે તે તમારા મન દ્વારા જ સર્જાયું છે. અને તમારા મનની જે અમાપ શક્તિ છે એ શક્તિને તમે પોતે જ મુક્ત કરી શકો.

હાર્દિક કલ્પદેવ પંડયા

જીવન એક તહેવાર છે..!

આપણું આખું જીવન એક તહેવાર છે… જો આપણે તેને સમજી અને અનુભવી શકીએ તો ચોક્કસ માણી પણ શકીએ અને હંમેશા ખુશ અને હસતાં પણ રહી શકીએ. ભલે ને પછી ગમે તેવી પરિસ્થિતિમાં આપણે કેમ ન મુકાઈએ. આપણને સૌને એક સર્વોત્તમ યોનિમાં જન્મ મળ્યો છે. માનવ જન્મ… આ પરમ કૃપાળુ પરમાત્માએ આપેલ એક સર્વોત્તમ ભેટ છે. અને આપણી ફરજ છે કે આ અમૂલ્ય ભેટનું આપણે સન્માન કરીએ. અને સન્માન કરવાનો એકમાત્ર રસ્તો છે આ જીવનને તહેવાર સમું માણવું. આપણે જોઈએ છીએ કે આપણી આસપાસ ઘણા ખરા લોકો અને એકંદરે આપણે પણ હંમેશા ચિંતા, તણાવ અને ઉકળાટમાં જીવીએ છીએ. એક માત્ર તહેવાર જ એવો સમય હોય છે કે જ્યારે આપણે સંપૂર્ણ આનંદથી દિવસ વિતાવીએ છીએ. તો જો આપણે આપણાં આખા જીવનને એટલે કે જીવનની પળે પળને તહેવાર સમી જીવતા શીખી જઈએ તો કેટલું ઉત્તમ?

હવે જો આપણે આપણાં જીવનને સંપૂર્ણ તહેવાર સમું માણવું હોય તો જીવનના બધા જ રંગોને સકારાત્મકતાથી સ્વીકારવા પડે. કોઈપણ પ્રતિકૂળ પરિસ્થિતિનું નિર્માણ થાય ત્યારે એમ સમજવું પડે કે આ પરીક્ષા છે જે મારો ભગવાન લઈ રહ્યો છે. અને એ ભગવાનનો આભાર માનવો કે એમણે આપણને એ પરીક્ષામાંથી પસાર થવા લાયક ગણ્યા. કારણ કે જ્યાં સુધી આપણાં એ ભગવાન આપણને કોઈપણ પરીક્ષામાંથી પસાર થવા લાયક નથી બનાવતા ત્યાં સુધી એ ક્યારેય પરીક્ષા લેતા પણ નથી જ. આપણે કોઈપણ પ્રતિકૂળ પરિસ્થિતિમાં મુકાઈએ કે તરત જ આપણે ફરિયાદો કરવા લાગીએ છીએ. પણ એ દરેક પ્રતિકૂળ પરિસ્થિતિમાંથી બહાર નીકળવાનો રસ્તો પહેલાથી જ ભગવાને નક્કી કરી રાખ્યો હોય છે. બસ આપણે તેને શોધવાનો અને પરખવાનો હોય છે. પણ એ પહેલા એ પરિસ્થિતિને સ્વીકારી એને પડકાર સ્વરૂપે સ્વીકારી એનો સામનો કરવા સજ્જ થવું પડે. આપણે સૌ પેલી કહેવત તો જાણીએ જ છીએ.”ભગવાન પણ એની જ મદદ કરે છે જે પોતાની મદદ કરે છે.” બસ આ એના જેવુ જ છે. જો આપણે જાતે જ દૂ:ખી થતાં રહીશું તો ભગવાન પણ આપણને ખુશ નહીં કરી શકે. અને એક દિવસ એવો આવશે કે જ્યારે આપણે તહેવારોના દિવસે પણ દૂ:ખી અને ઉદાસ રહીશું. માટે પળેપળને એ પરમ કૃપાળુ પરમાત્માની અમુલ્ય ભેટ માની એને માણવા પ્રયત્ન કરીએ.

આ એટલું અઘરું પણ નથી. જો દૃઢ નિશ્ચય કરીએ અને થોડો અભ્યાસ(practice) કરીએ તો આપણે તહેવાર સમું જીવન જીવી જ શકીએ. અને એ માટે સૌથી પહેલા અકારણ હસવાનું શીખીએ. લોકો ઉપર હસતાં આપણને આવડે છે પણ પોતાના જીવનને સ્વીકારી હસીને જીવતા આપણને નથી આવડતું માટે એ સૌથી પહેલા શીખવું જોઈએ. નવેનવ રસથી સંપન્ન એવા આ જીવનને માણવા દરેકે દરેક રસ એટલે કે ભાવનાઓને સમજતા અને અનુભવતા શીખવું પડે. ત્યારે જ આપણે સતત કોઈપણ પરિસ્થિતિમાં તટસ્થ રહી જીવનનો આનંદ માણી શકીએ છીએ. જો આ ભાવનાઓ આપણે બરાબર ન અનુભવીએ તો સુખમાં છલકાઈ જવાનો અને દૂ:ખમાં ભાંગી પાડવાનો ભય રે છે. માટે આ નવેનવ રસ એટલે કે ભાવનાઓને સમજીએ અને માણીએ એ જરૂરી છે. ત્યાર બાદ બાળક બની બાળકની એ નિખાલસતા અને નિર્દોષતાને અપનવીએ. જીવનભર આપણી અંદર એક બાળક જીવંત રાખીએ. બાળકો સાથે બાળકોની સાવ બાલિશ એટલે કે છોકરમતવાળી રમતો રમીએ. આપણે મોટા થતાં જઈએ છીએ અને આપણી પરિપક્વતા આપણી અંદર રહેલા બાળકને મારી નાખે છે અને એટલે જ આપણે ખરા અર્થમાં બાળકોની જેમ જીવનને માણી નથી શકતા.

નકારાત્મક આદતો છોડી સકારાત્મક આદતોને જીવનમાં અપનવીએ. એ પણ આપણને અંતરમનથી ખુશ રાખવામાં મદદરૂપ થશે. આપણી શોખની પ્રવૃત્તિઓ અને મનોરંજન માટે સમય ફાળવીએ. બીજું કશું નહીં તો પણ આ આધુનિક યુગમાં આપણે સૌથી આગળ નીકળી જવાની હોડમાં આપણાં મન પર અને મગજ પર જે ભૂતકાળની ભૂલોના પસ્તાવા અને ભવિષ્ય કેવું હશે એની ચિંતાની જે પરત બનાવી છે એને હટાવી વર્તમાનમાં જીવતા શીખી જઈએ. જે મળ્યું છે તેનો આભાર માની જે નથી મળ્યું તે મળી જ જશે એ વિશ્વાસ સહ કાર્યરત બનીએ. કારણ કે વર્તમાનમાં નહીં જીવીએ તો કાર્યરત બની આપણાં સપનાઓ પૂરા પણ નહીં કરી શકીએ. આ જ રીતે આપણાં સપના પૂરા કરતાં કરતાં આપણે આ તહેવાર સમા જીવનને માણી શકીએ છીએ.

ચાલો પહેલા જીવન એક તહેવાર છે એ વાતને સ્વીકારીએ અને પછી તેનો અનુભવ કરવા સજ્જ થઈએ.

 

હાર્દિક કલ્પદેવ પંડયા

મારૂ ભારત સપનાનું ભારત

૧૫ ઓગષ્ટ એટલે આપણાં દેશનો રાષ્ટ્રીય પર્વ… સ્વતંત્રતા દિન… આપણાં દેશને સ્વતંત્રતા અપાવવા કેટકેટલા સેનાનીઓ અને નેતાઓએ પોતાનું સર્વસ્વ આપી દીધું. લોહી, પસીનો રેડયા. હવે એ જૂની વાતોને વારંવાર નથી વાગોળવી પણ એક વિચાર ચોક્કસ કરવો છે. આપણે આ એક દિવસ પૂરતા આપણી અંદર ઊમળકાભેર રાષ્ટ્રીયતા અને દેશપ્રેમ લાવી દઈએ છીએ. પણ ક્યારેય આપણે નિસ્વાર્થભાવે દેશની સેવા કરવાનું વિચાર્યું છે ખરું? દેશની સેવા કરવી એટલે કંઈ દેશની સીમા પર જઈ સુરક્ષામાં તૈનાત થવાની જરૂર નથી. દેશ પ્રત્યેની આપણી અમુક મૂળભૂત ફરજો અને જવાબદારીને નિષ્ઠા પૂર્વક નિભાવીએ એ પણ દેશની સેવા જ છે.

ચાલો જાગ્યા ત્યારથી સવાર કહેવતને સાચી પાડી આજથી જાગી જઈએ અને કંઈક નવું વિચારીએ… આપણાં મહાન ભારત દેશને એક નવો દૃષ્ટિકોણ આપીએ.

આ હડતાળ, દંગા, ફસાદના નામે કામ રોકી સાર્વજનિક જગ્યાએ તોડફોડ અને ધમાલ કરી જે વિરોધ નોંધાવી છીએ શું એની ખરેખર જરૂર છે ખરી? જો વિરોધ કરવો જ હોય તો કંઈક ક્રિએટિવ રીતે ન કરી શકાય…

જેમ કે… થોડા સમય પહેલાં ડૉક્ટરો અને નર્સિંગ સ્ટાફના હડતાળના સમાચાર મળ્યા હતા. એ વખતે કેટલાય દર્દીઓ મૃત્યુ પામ્યા હતા. હડતાળના નામે ઈલાજ રોકવાની જગ્યાએ એ જ ડૉક્ટરો હોસ્પિટલના ખર્ચે દર્દીઓ પાસેથી પૈસા લીધા વગર સારવાર કરે તો? ખર્ચો વધશે પણ કમાણી નહીં થાય તો હોસ્પિટલ મેનેજમેન્ટ ડોકટોરોની વાત માની જ લેશે ને. અને દર્દીઓ પણ સચવાઈ જશે. દર્દીઓના અને તેમના સગાસંબંધીઓના આશિષ મળશે એ તો પાછું બોનસ… કહો શું આ રસ્તો ખોટો છે કે સાચો??

ફેક્ટરી વર્કર અને નોકરિયાતો પણ પગાર વધારા માટે હડતાળ કરે છે. પણ વિચરતા નથી કે નુકસાન કેટલું થાય છે. પોતાના જ ઘરમાં પૈસાની ખેંચ જે પહેલાથી હતી એ વધે… માનસિક તાણ વધે… મજૂર કક્ષાના છોકરાછૈયાં તો બિચારા ભૂખ્યા મરે… પણ હવે જો વિરોધનાં નામે એવું કરે કે ડબલ ટ્રીપલ પ્રોડક્શન/માર્કેટિંગ વધારી દે તો ફેક્ટરી/કંપની માલિકોને માલ/સેવા વેચવામાં નાકે દમ આવી જાય તો બોલો શું એ તમારી માંગ પૂરી ન કરે??

હવે વાત કરીએ ફિલ્મોની… તો પી.કે.થી લઈને ઓહ માય ગોડ ને એવી કેટલીયે ફિલ્મોના વિરોધ અને વિરોધના નામે તોડફોડ, દંગા એનો તો જાણે ટ્રેન્ડ છે. શું આપણી શ્રદ્ધા, આસ્થા, ધાર્મિક ભાવના એટલી ખોખલી છે કે ફિલ્મના એક નાનકડા દૃશ્ય કે ડાયલોગ દ્વારા એ આહત થઈ જાય?? ફિલ્મ જોવી, ન જોવી એ આપનો અંગત વિષય છે આપણે ન જોવી હોય તો ન જોઈએ.. વધુમાં વધુ આપણાં પ્રિયજનો અને ઓળખીતાને આગ્રહ કરીએ કે એ પણ ન જૂએ. અને એમને કહીએ કે એ એમના ઓળખીતાઓને ના પાડે.. આમ શાંતિ પૂર્વક વિરોધ ન કરી શકાય? ફિલ્મ બનાવવી એ પ્રોડ્યુસર, ડાઈરેકક્ટરનું કામ છે. એ પોતાનું અને પોતાના પરિવારનું પેટ પાળવા આ કામ કરે છે. અને સાથે જ કેટકેટલા નાનામોટા કર્મચારીઓનું પેટ પાળે છે. ફિલ્મો એ આપણાં સમાજનું જ એક દર્પણ છે પણ એ દર્પણ બતાવવામાં જો એ કોઈ ભૂલ કરતાં હોય તો ભૂલ બતાવો પણ શાંતિથી… કોઈ ફિલ્મ જોવા જશે જ નહીં તો ૨-૪ દિવસમાં ફિલ્મ ઉતરી જશે. પેલા ડાઈરેકક્ટરને પણ સમજાઈ જશે કે એની ફિલ્મમાં કંઈક ખોટું હશે એટલે જ ફિલ્મ ન ચાલી… કિસ્સો પૂરો. એમાં બસો અને બાઈકો બાળવાની ને લોકોના હાડકાં તોડવાની, હુલ્લડો કરવાની શું જરૂર છે?

આ બધાથી આગળ નીકળી જવાની હોડમાં આપણે ટ્રાફિક નિયમોને પણ તાક પર મૂકી દઈને વાહન ચલાવીએ છીએ. શું એ ખોટું નથી?? આપણાં પોતાના માટે જ જોખમી નથી? આ ટ્રાફિકના નિયમો પાળી “દુર્ઘટના કરતાં દેરી ભલી” કહેવતને માની ન શકીએ?? આપણાં અને બીજાના પણ જીવનું રક્ષણ આ નિયમ પાલનથી કરીએ તો એ પણ દેશ સેવા જ છે ને???

એમ જ કાર, સ્કુટર વગેરે વાહનોની મેન્યુફેક્ચરિંગ કંપનીઓ વાહનોમાં ઈન-બીલ્ટ સ્પુટમ ટેન્ક અને ડસ્ટબીન મૂકે તો કેવું? પબ્લિક પણ એનો આગ્રહપૂર્વક ઉપયોગ કરે તો કેટલું સરસ? આ તૈયાર નાસ્તાના પેકેટ બનાવતી કંપનીઓ એવી ઑફર કાઢે કે ખાલી પેકેટ પાછા આપો અને ૫૦% પૈસા પાછા મેળવો. ૧૦૱. નું એક પેકેટ(ખાલી) દુકાન પર પાછું આપો તો ૫૱ પરત મેળવો અને ૫ ૱ વાળું પેકેટ આપો તો ૨ ૱ પરત… બોલો કોઈ કચરો બહાર ફેંકી દે.? ખીસ્સામાં ભરી રાખે ને.. ખરું કે ખોટું?? દેશમાં સ્વચ્છતા લાવવાનો આ રસ્તો ન અપનાવી શકીએ આપણે??

પ્લાસ્ટિકની થેલીઓને બદલે કાપડની થેલીઓ બનાવીએ. દેશમાં પ્રદૂષણ થતું અટકાવવાનો આ પણ એક ઉત્તમ ઉપાય છે. કાપડની થેલી માટે કપાસનું ઉત્પાદન વધારીએ.. તમાકુની ખેતી કરવાની જગ્યાએ વરિયાળીની ખેતી કરીએ.. તમાકુની પ્રોડક્ટ જો બે ૱ એ વેચાતી હોય તો વરિયાળીના પેકેટ પાંચ ૱ માં વેચીએ. એલ્કોહોલિક પ્રોડક્ટની જગ્યાએ દુધ, છાશ, ને જ્યુસની ફેક્ટરી નાખીએ. ભલે એ દુધ, છાશ દસને બદલે ત્રીસમાં વેચીએ.. કમ સે કમ ભારતની યુવા શક્તિ વ્યસનથી તો મુક્ત રહેશે. આપણાં દેશનો યુવા, વૃદ્ધ, તરુણ વ્યાસંમુક્ત થશે તો સ્વસ્થ રહેશે. લાંબુ જીવશે. કર્મઠ બની કામ કરશે અને પોતાના પરિવારની સમૃદ્ધિની સાથે દેશમાં પ્રગતિ લાવવામાં પણ યોગદાન આપી શકશે. ચાલો આવા નાનામોટા સુધારા આપણી જાતે લાવી બને એટલું આપણે દેશને સુધારવામાં, દેશને પ્રગતિના પંથે અગ્રેસર કરવામાં યોગદાન આપીએ. અને આ સ્વતંત્રતાના પર્વને એક અનોખી રીતે ઉજવીએ. આખું વર્ષ ઉજવીએ.

 

હાર્દિક કલ્પદેવ પંડયા

પર્યાવરણ બચાવો, જીવન સંવારો…!

આજના આ આધુનિક યુગમાં દુનિયા જ્યારે વિકાસને ઝંખી રહી છે ત્યારે વિકાસની આંધળી દોટમાં કુદરતી સંપત્તિનું જતન અને રક્ષણ કરવાની જવાબદારીની આપણાથી ઉપેક્ષા થઈ જાય છે. સામાન્ય જનમાનસના રહેઠાણ અને રોજગારની સગવડો ઊભી કરવા માટે રહેવાસી વિસ્તારો તથા ઔધ્યોગિક વિસ્તારોના નિર્માણ માટે આપણે જંગલો કાપ્યા અને નદીઓમાં પણ સિમેન્ટ અને કોંક્રેટના ઢગલા કર્યા. આ જ મૂળ કારણ છે કે આજે આપણે ઘનઘોર જંગલો અને નિર્મળ વહેતી નદીઓને લુપ્ત થતાં જોઈ રહ્યા છીએ. વૃક્ષારોપણ તો જાણે ઘટતું જ ગયું છે અને એટલે જ પૃથ્વીનું ધોવાણ વધતું ગયું છે. પરિણામે પ્રદૂષણ અને કુદરતી આપદાઓનું પ્રમાણ વધારવામાં આપણે જ કારણભૂત બન્યા છીએ.

સુનામી આવે કે ભૂકંપ… દુકાળ સર્જાય કે અતિવૃષ્ટિ…. તકલીફો કોઈપણ પડે આપણે સરકાર અને પ્રશાસન ઉપર ઠીકરું ફોડી પોતાની જવાબદારીઓથી મુક્ત થઈ જઈએ છીએ. પણ શું એમ આસાનીથી આપણી કુદરત તરફની જવાબદારીઓથી મુક્ત થઈ શકાય ખરું?? શું આપણી કોઈ જવાબદારી નથી?? આ પર્યાવરણ આપણને સુંદર, સ્વસ્થ જીવન અને જીવન-નિર્વાહ માટેના સંસાધનો આપે છે તો શું એ આપણી ફરજ નથી કે આપણે પણ તેનું જતન કરીએ?? જો આપણે ફરજો નિભાવી ન શકીએ તો હક માંગવાનો અધિકાર પણ આપણને નથી…! આજે આધુનિકરણના નામે આપણે જળ, વાયુ, ધરતી અને આકાશ બધુ જ દૂષિત કરી દીધા છે. માણસ તો ઠીક પણ આપણે તો પશુ-પક્ષી અને જંગલી પ્રાણીઓનું જીવન પણ દુશ્વાર કરી દીધું છે. અને એટલે જ આજે કેટકેટલાય પ્રાણીઓ માત્ર ફોટાઓમાં જ જોવા મળે છે. જો આમ જ ચાલશે તો આ દુનિયા નષ્ટ થતાં વાર નહીં લાગે. આપણે સમજવાની જરૂર છે કે જો આપણે જીવન ટકાવી રાખવું હશે તો પર્યાવરણને બચાવવું જ પડશે અને એ વાતને પોતાની ફરજ માનીને સ્વીકાર કરવી પડશે. આ માટે કોઈ મોટા વેદ ભણવાની જરૂર પણ નથી. કશું જ અઘરું નથી. જો આપણે ઇચ્છીએ તો ખુબ જ સહેલાઈથી આપણે પર્યાવરણનું સંરક્ષણ કરી શકીએ છીએ. બસ દૃઢ ઇચ્છાશક્તિ અને સંકલ્પની જરૂર છે.

પર્યાવરણને બચાવવાનો એક ઉત્તમ ઉપાય છે વૃક્ષારોપણ. આપણે રહેઠાણ અને ઔધ્યોગિક ક્રાંતિ માટે ઇમારતો બનાવવા વૃક્ષો કાપ્યા અને જમીનને ખોખલી અને કમજોર કરી નાખી. કહેવાય છે કે વૃક્ષો વરસાદ લાવવામાં મદદ કરે છે. આ વૃક્ષો કાપવાના કારણે વરસાદ અનિયમિત થઈ ગયો. એટલું જ નહીં વાયુ પ્રદૂષણ અને જળ પ્રદૂષણમાં પણ વધારો થયો. અને આ જ કારણે બધી જ ઋતુઓ અનિયમિત થઈ ગઈ, જેને કારણે જમીનનું ધોવાણ વધ્યું અને તેની ફળદ્રુપતાની સાથે સાથે મજબૂતી પણ ખોરવાઈ ગઈ. જળ અને વાયુની સ્વચ્છતા ખોવાઈ ગઈ અને આપણુ જનજીવન મુશ્કેલીમાં મુકાઇ ગયું. માટે જો આપણે વૃક્ષો વાવીશું તો જમીનનું ધોવાણ અટકશે. જમીનની ફળદ્રુપતા ટકી રહેશે. સુનામી, પૂર, વાવાઝોડા, અતિવૃષ્ટિ અને અનાવૃષ્ટિ જેવી આપદાઓથી આપણું રક્ષણ થશે. ભલે આપણી સગવડ અને સુવિધાઓ માટે એક વૃક્ષ કાપીએ, પણ એની સામે આગિયાર વૃક્ષ વાવીએ. વાયુ અને જળમાં થતાં પ્રદૂષણને અટકાવવામાં પણ આ વૃક્ષારોપણ મદદરૂપ થઈ શકે છે.

ચાલો સંકલ્પ કરીએ વૃક્ષો વાવીએ

અને પર્યાવરણ બચાવવામાં આપણુ નાનું અમથું યોગદાન આપીએ.

 

હાર્દિક કલ્પદેવ પંડ્યા

મોટિવેશન શું છે?? પ્રેરણા કોને કહેવાય??

આ મોટિવેશન શું છે?? પ્રેરણા કોને કહેવાય??

પ્રેરણા કે મોટિવેશન બીજું કંઈ જ નહીં પણ આપણી અંદર રહેલ સકારાત્મક્તાનો પ્રકાશપુંજ છે. પ્રેરણા આપણી અંદર જ છે, બહારથી આપણને પ્રેરણા કોઈ ના આપી શકે… પ્રેરક લેખ લખનાર લેખક હોય કે પ્રેરક વક્તવ્ય આપનાર વક્તા કોઈ આપણને પ્રેરણા આપી નહીં શકે, જ્યાં સુધી આપણે એના શબ્દોને સ્વીકારવા તૈયાર ના હોઈએ, આપણે ખોટા રસ્તે જઈ રહ્યા છીએ એ સ્વીકારીએ નહીં ત્યાં સુધી કોઈ આપણને સાચો રસ્તો બતાવી, એ તરફ વાળી નહીં શકે…

જાગવાની ઈચ્છાશક્તિ આપણાંમાં નહીં હોય ત્યાં સુધી એલાર્મ પણ આપણને જગાડી નહીં શકે

આખી વાત ઈચ્છાશક્તિની છે… જો આપણી અંદર ઈચ્છાશક્તિ ના હોય, તો આપણને કોઈ કંઈ જ કરાવી શકવાના નથી…! આ પ્રેરક લેખ કે વકતવ્યો એલાર્મ જેવા છે… એ આપણી અંદર સુસુપ્ત અવસ્થામાં રહેલ સકારાત્મક ઉર્જાના પુંજને જગાડવાનું કામ કરે છે..! પણ જાગવાનુ કામ તો આપણે જાતે જ કરવું પડે…! પણ પ્રોબ્લેમ એ છે કે આપણને એલાર્મમાં સ્નુઝનો પણ વિકલ્પ આપેલો હોય છે અને એની આપણને આદત પડી ગઈ છે, સ્નુઝ દબાવી પાછા સૂઈ જવાનું… આ વકતવ્યો સાંભળીએ કે લેખ વાંચીએ એટલે પૂરું નથી થઈ જતું, એ વિચારોને અમલમાં મૂકવા પડે, પોતાના જીવનમાં પરિવર્તન લાવવા તૈયાર થવું પડે… જો ઈચ્છાશક્તિનો અભાવ હોય, પોતાની ભૂલ સ્વીકારવાના અને પોતે ખોટા છે એ વાત સ્વીકારવાના સ્વભાવનો અભાવ હોય તો આપણે આ પ્રેરક શબ્દોને સ્વીકારી નહીં શકીએ અને પોતાની ભૂલો પણ નહીં સમજાય. તો તમે જ કહો ફાયદો ક્યાંથી મળવાનો??

જેમનામાં ઈચ્છાશક્તિ હોય છે એ લોકો પોતાના ધ્યેયને વળગી રહે છે અને ક્યારેય નિષ્ક્રિય બેસી નથી રહેતા. હંમેશા કર્મઠ બની પોતાનું કામ કરતાં રહે છે, પોતાની ભૂલ સ્વીકારવામાં સંકોચ નથી કરતાં, ભૂલ સુધારવા કટિબદ્ધ રહે છે, પોતાની ફરજો નિષ્ઠા પૂર્વક નિભાવતા રહે છે, અને જે પોતાની ફરજો નિષ્ઠાપૂર્વક નિભાવે છે, જીવનમાં પરિવર્તન લાવવાથી ડરતા નથી, જોખમ લેવા તૈયાર રહે છે, એ હંમેશા સફળ થાય જ છે… આ ફરજો નિભાવવાની અને સખત મહેનત સાથે ઈમાનદારીથી કામ કરવાની ઈચ્છાશક્તિ હોયને તો પ્રેરણા આપોઆપ અંદરથી જ મળી જાય… બહારથી કશું જ મેળવવાની જરૂર નથી. પ્રેરક લેખો કે વકતાવ્યો તો આપણને એક દિવસ માટે સકારાત્મક ઉર્જા પૂરી પાડે છે, પણ જે પ્રેરણા અંદરથી મળે છે એ આજીવન મરીએ ત્યાં સુધી આપણને કર્મઠ બની કામ કરવાની અને સફળતા મેળવવાની શક્તિ અને સ્ફૂર્તિ આપે છે… હા બધાની અંદર પ્રેરણા જાગૃત અવસ્થામાં નથી હોતી કેટલાકની અંદર આ પ્રેરણાનો પ્રકાશપુંજ સુસુપ્ત અવસ્થામાં આવી ગયો હોય છે ત્યારે પ્રેરક લેખો અને વકતાવ્યો એમને જાગૃત થવામાં મદદ કરે છે… પણ મૂળે એક વાત ચોક્કસ કે એ પ્રેરક શબ્દોથી મળેલ ઉર્જાને સક્રિય કરી આપણાં એ પ્રેરણના પ્રકાશપુંજને જાગૃત આપણે જ કરવો પડે..! એ સિવાય આ શબ્દોનો કોઈ અર્થ નથી. માટે પ્રેરક વક્તયો સાંભળવા અને પ્રેરક લેખ વાંચવા ખરા પણ એ પહેલા એ શબ્દોને હું મારા જીવનમાં ઊતરીશ અને મારા જીવનમાં પરિવર્તન કરીશ એ બાહેંધરી પોતાની જાતને આપવી અને પોતાની ઇચ્છાશક્તિને પ્રબળ કરવી જ રહી.

જો મહેનતમાં પ્રમાણિક્તા નહીં હોય, તો સફળતા અને સમૃદ્ધિ પણ આપણી પાસે પ્રમાણિક્તા દાખવશે નહીં…!

પોતાની જાતને કહેવું પડે કે મારે સફળ થવું છે.. કામ કરવું છે અને મહેનતથી ઉપર ઊઠવું છે… અને હું એ માટે સક્ષમ છું, કટિબદ્ધ છું. સફળતાનો કોઈ ટૂંકો રસ્તો નથી… અને આ રસ્તા પર કુદકા મારીને એને ટૂંકો પણ ન જ કરાય… કુદકા મારવા જઈશું તો ચોક્કસ પડીશું જ… આ સફળતાના રસ્તે તો શાંતિ, સમજદારી અને ઈમાનદારી પૂર્વક ચાલીને જ જવું પડે…! તો જ સફળતા મળશે, બાકી નિષ્ફળતા જ મળશે…! જો મહેનતમાં પ્રમાણિક્તા નહીં હોય, તો સફળતા અને સમૃદ્ધિ પણ આપણી પાસે પ્રમાણિક્તા દાખવશે નહીં… ગમે ત્યારે દગો દઈ જશે…! અને આપણે સફળતાના આસમાનેથી ભોંયતળીએ પછડાઈશું…! એક વાત હંમેશા યાદ રાખવી કે જો નિષ્ફળતાને સ્વીકારવાની હિંમત આપણી અંદર હશે તો જ આપણે સફળતાને પણ મેળવી અને માણી શકીશું. જો નિષ્ફળતાને સ્વીકારીશું નહીં તો સફળ થઈ જ નહીં શકીએ…! કારણ કે નિષ્ફળતાને સ્વીકારીશું તો ભૂલ શું કરી એ સમજી શકવા સક્ષમ થઈશું. અને ભૂલ સમજાઈ જશે તો એ સુધારવાના રસ્તા પણ મળી જશે… અને ભૂલ સુધારી લઈશું એટલે સફળતા પણ મળી જ જશે. અને એ ભૂલ સુધારીને મેળવેલ સફળતાનું જે સુખ હશે એ આપણને એક અનોખો આનંદ આપશે… મન પ્રફુલ્લિત થઈ જશે અને આપણને જીવન જીવતા અને માણતા પણ આવડી જશે…

બાકી આપણે બધા  જ અહીં સફળ થવા અને દુનિયાનું બધુ સુખ માણવા જ જનમ્યા છીએ… આપણાં જીવનમાં જે પરીક્ષાનો સમય આવે છે કે પ્રતિકૂળ પરિસ્થિતિ સર્જાય છે એ બીજું કંઈ નહીં પણ મારા પ્રગતિ માટે ભગવાને સર્જેલી મારી કાબેલિયત પારખવા માટેની પરીક્ષા જ છે જે પરીક્ષા પણ ભગવાન પોતે જ આપે છે, મને તો માત્ર એમાંથી પસાર જ કરે છે… અને એટલે જ હું ઉત્તીર્ણ થઈને મસ્ત મજાનાં ફળ મેળવું છું. આપણે આ વાત પર ભરસો કરતાં શીખવું પડશે…! ભગવાન પર શ્રદ્ધા રાખવાની જરૂર છે..! પછી જુઓ કોઈ સમય તકલીફ વાળો નહીં લાગે… મન દુખી નહીં થાય… ચહેરા પરનું સ્મિત ક્યાંય નહીં ખોવાય…! એક એક દિવસ… એક એક પળ તહેવાર સમી થઈ જશે..! અને તહેવાર તો ઉજવવા માટે જ હોય ને..! આખું જીવન માત્ર જીવી ન નાખીએ…! તહેવારની જેમ માણીએ…!

પોતાની અંદર જીવન માણવાની ઈચ્છાશક્તિ ઉત્પન્ન કરીએ… આપણને અને આપણાં થકી બીજાને પણ જીવન માણવાની પ્રેરણા આપોઆપ મળી જશે.

 

હાર્દિક કલ્પદેવ પંડ્યા

છેલ્લે ક્યારે કોઈ કામ પહેલીવાર કર્યું હતું?

આપણે સૌ ઘંટીના બળદ જેવું જીવન જીવતા થઈ ગયા છીએ. એ જ રોજ સવારે આળસ મરડી ધીમે ધીમે ઊઠવું, નિત્યક્રમ પતાવી પૂજાપાઠ કરવા, નાસ્તા-પાણી ને જમણવાર પતાવવા અને તૈયાર થઈ કામ-ધંધે લાગવું. એ જ વાહન ચલાવી ઓફિસ જવું, એ જ ઓફિસ અને એ જ કામ, સહકર્મચારીઓ સાથે કામકાજ અને રકઝક, પાછું એ જ વાહન ચલાવી ઘરે આવવું, રાત્રિ ભોજન, કંટાળાજનક દૈનિક ધારાવાહિક અને હૃદયને દ્રવિત કરી દે તેવા સમાચાર, અને પાછું પથારીમાં પડવું ને ઊંઘી જવું. બીજા દિવસે ઊઠીને પણ બસ એ જ ક્રમ શરૂ….

“આ જીવન સામાન્ય રહી માત્ર પસાર કરવા માટે જ નથી.

રોજ કંઈક નવું કરીએ, જીવનમાં નવા ઉત્સાહ, ઉમંગ અને આનંદનો ઉમેરો દરરોજ કરીએ..”

જીવન એટલે રોજિંદા કામકાજ કરીને દિવસ પસાર કરવો એ જ નથી. રોજ એકનું એક જ કામ કરતાં રહેવું જરૂરી નથી. જીવન એ આજીવન કારાવાસની સજા નથી. જાણે કોઈએ આપણાં ઉપર જીવન થોપી દીધું હોય, એવી રીતે ક્યારેય જીવવું નહીં. હંમેશા જીવનમાં કંઈક નવીનતા લાવવા પ્રયત્નશીલ રહેવું. દરરોજ, દર મહિને, દર વર્ષે, કંઈક નવું શીખવાની ઇચ્છા મનમાં હંમેશા જીવંત રાખવી જોઈએ. શીખવાની કોઈ ઉંમર હોતી નથી. કોઈપણ ઉંમરે કંઈ પણ શીખી શકાય. મનની ઇચ્છાઓ પૂરી કરવા માટે કોઈ ચોક્કસ સમય હોતો નથી. કોઈ એવી પ્રવૃત્તિ કે જે આપણને કરવી ગમતી હોય પણ તેના અપૂરતા જ્ઞાનના કારણે કરી ન શકતા હોઈએ તો એમાં નિપુણ થવા પ્રયત્ન કરવો જોઈએ. લેખન, ગાયન, ચિત્રકળા, નૃત્યકળા વગેરે… આ તો માત્ર ઉદાહરણ છે, આવી અનેક પ્રવૃત્તિઓ છે. જે પ્રવૃત્તિમાં રસ હોય તે કરવા સમય ફાળવવો જોઈએ. ક્યારેક પોતાના વાહનમાં મુસાફરી કરવાની જગ્યાએ સાર્વજનિક વાહન વ્યવહારનો ઉપયોગ કરીએ. ક્યારેક રોજિંદા કરતાં અલગ એવા કપડાં પહેરીએ, નવી ભાષા શીખીએ, નવી રમતો રમીએ, આજ કાલ તો અવનવા આધુનિક ઉપકરણોનો જમાનો છે, કોઈ વખત એય વાપરવા અને શીખવાનો ઉત્સાહ મનમાં જગાવીએ. રોજ કંઈક નવું શીખતા રહેવામાં જે અનેરો આનંદ છે એ બીજે ક્યાંય નથી. સક્રિય રહેવાનો પ્રયત્ન કરીએ. કંઈક નવું શોધતા રહીએ. રોજિંદા જીવનની ક્રિયાઓને અલગ રીતે કરીએ. પોતાની કામ કરવાની ઢબ બદલીએ. આમ કરવાથી પણ કંઈક નવું શીખવા મળશે, જાણવા મળશે.

“પોતાની જિજ્ઞાષાવૃત્તિને જીવનપર્યંત જ્વલંત રાખીએ.”

જીવનમાં હંમેશા સર્જનાત્મક રહીએ. પોતાની જિજ્ઞાષાવૃત્તિને આજીવન જ્વલંત રાખીએ. આમ જ સક્રિય રહી આગળ વધીએ. જોખમ લેવાની શક્તિ કેળવીએ. તો જ આપણે જીવનને ખરા અર્થમાં જીવી જ નહીં પણ માણી શકીશું. નવું કરવા અને નવું સ્વીકારવા તૈયાર હોઈશું તો જ મનથી આનંદમાં રહી શકીશું. આપણી દરેક સફળતાઓ, દરેક ઉપલબ્ધિઓથી પણ મહત્વનુ છે પોતાની જાતને એ પૂછવું કે “છેલ્લે મેં ક્યારે કોઈ કામ પહેલીવાર કર્યું હતું?”

ચાલો વિચારીએ, પૂછીએ પોતાની જાતને આ સવાલ અને આજથી જ જીવનને એક તહેવાર બનાવીએ. દરરોજ પોતાની હયાતિની સાબિતી આ દુનિયાને આપીએ. ઉત્સાહભેર જીવન જીવીએ. કંઈક નવું શોધીએ અને કરીએ.

 

હાર્દિક કલ્પદેવ પંડ્યા

નસીબ એટલે વળી શું??

આપણે કેટલાકને કહેતા સાંભળ્યા છે કે “મારું તો નસીબ જ ખરાબ છે.” તો કેટલાકને “નસીબ જેવુ કાંઈ નથી હોતું, મહેનતથી જ બધુ પ્રાપ્ત થાય છે.” કહેતા સાંભળ્યા છે. પણ વળી આ નસીબ કઈ બલાનું નામ છે?

દોસ્તો, જો આપણે આપણાં વ્યક્તિત્વમાં નિખાર લાવવો હશે તો આ “નસીબ” શબ્દ અને તેના અર્થને સમજવો ખુબ જ જરૂરી છે. દરેક માણસ પોતાના જીવનકાળમાં અનેક ઘટનાઓમાંથી પસાર થાય છે, જન્મ, બાળપણ, શાળાજીવન, મિત્રમંડળ, જીવનસાથી, નોકરી-ધંધો, અને પછી પોતાના બાળકો… અને આમ જ જીવનકાળ અવિરત ચાલ્યા કરે છે.  અને આ બધી જ ઘટનાઓ દરમિયાન જે શબ્દ સૌથી વધારે આપણે સાંભળીએ છીએ તે છે “નસીબ”…

દોસ્તો, આ “નસીબ” એટલે આપણાં ભૂતકાળમાં કરેલા કર્મોના આધારે આપણાં જીવનમાં ઘટતી અણધારી ઘટનાઓ કે જેના વિશે આપણને કંઈ જ ખબર નથી હોતી. બસ એ ઘટના ઘટે છે અને એને આપણે માત્ર સ્વીકારવાની હોય છે. સ્વીકારવી જ પડે છે… જેના પર આપણું કોઈ જ નિયંત્રણ નથી હોતું. બસ આને કહેવાય “નસીબ”. પણ હા હોં! આ “નસીબ”ને આપણાં નિયંત્રણમાં લાવવું એટલું અઘરું પણ નથી જ. બસ પોતાના પર આત્મવિશ્વાસ રાખી આગળ વધીએ અને સકારાત્મક્તા પૂર્વક સાચા રસ્તે સખત મહેનત કરીએ. બસ પછી જુઓ આપણું નસીબ કેવું બદલાય છે અને આપણી ઇચ્છા મુજબના પરિણામ આવે છે.

“જે છે, તે છે” બસ આ સ્વીકારી આગળ વધીશું તો ભયમુક્ત જીવન જીવી શકીશું. જે “નસીબમાં થવાનું છે તે તો થઈને જ રહેશે.” આ વાત સમજી ગયા એ સૌ સફળતા તરફ એક ડગલું આગળ વધી ગયા. કારણ કે તેમના જીવનમાં કોઈ પણ તકલીફો આવશે તોય એ ડગી નહીં જાય પણ “આ તો ભગવાન તરફથી થતી મારી પરીક્ષા છે. મને કંઈક સરસ પરિણામ આપવા માટે.” એમ કહી એ તકલીફ સામે લડી જશે. અને ક્યારેય એને અફસોસ પણ નહીં અનુભવાય, કારણ કે એ જાણે છે કે “મેં જે કર્યું છે એનું જ આ પરિણામ છે.” બસ આપણે પણ આ જ શીખવાનું છે. અને પછી જુઓ જીવન કેવું ખુશખુશાલ થઈ જાય છે.

આ નસીબ એટલે ભગવાન રામનું ચૌદ વર્ષનું વનવાસ, ભગવાન કૃષ્ણનું એક સામાન્ય શિકારી દ્વારા મોત, અને મીરાને ઝેર પીવાની ફરજ પડવી…. અને ઈતિહાસમાં અમર થઈ ગયેલ અનેક મહાનુભાવોના જીવનમાં આવેલ મુશ્કેલીઓ… તો પછી આપણે કોણ વળી?

બસ આટલું યાદ રાખો:

  • જે છે, તે છે…
  • જે થવાનું છે, તે તો થઈને જ રહેશે.
  • બસ એને સ્વીકારીને આગળ વધવું અને જીવનને માણવું.!

જે થાય છે તે સારા માટે જ થાય છે…

ઘણાં લોકો કહે છે કે આ બધુ મારી સાથે જ કેમ થયું? ભગવાન હમેશાં મને જ હેરાન કરે છે. કેટલી પરીક્ષા લેશે ભગવાન? આ બધુ ખરાબ મારી સાથે જ થાય છે. આપણને જરા અમથી તકલીફ પડે અને આપણે ભગવાનને કોસવા લાગીએ છીએ. “ભગવાન, તું તો મારો દુશ્મન છે.”

દોસ્તો, ભગવાને આ દુનિયા બનાવી છે, આપણને જન્મ આપ્યો છે એ કંઈ આપણને હેરાન કે દુખી કરવા માટે નહીં. ભગવાન આપણને જે આપે છે એ સારા માટે જ હોય છે. પછી એ દુ:ખ જ કેમ ના હોય. ભગવાન ચાહે તો આ દુનિયામાં બધુ સારું, સકારાત્મક અને “મોજા હી મોજા” વાળું જ રહે પણ જો એમ થાય તો સકારાત્મકતા અને સારી વસ્તુઓની કિંમત શૂન્ય થઈ જાય. બસ એટલે જ એમણે આપણને સુખની સાથે દુ:ખ અને આનંદની સાથે તકલીફની અનુભૂતિ આપી કે જેથી આપણે સુખ, આનંદ, હેપ્પી ફીલિંગની કદર કરતાં શીખીએ. જેમ શાળામાં એક ધોરણમાંથી બીજા ધોરણમાં જવા માટે પરીક્ષા આપવી પડે એમ તમે કોઈ ઉત્તમ ફળને લાયક છો કે નહીં એ જાણવા ભગવાન પણ તમારી પરીક્ષા તો લે જ ને??? આ જે કંઈ પણ ખરાબ સમય છે એ ખરાબ નહીં તમારી પરીક્ષાનો સમય છે. ભગવાન જ પરીક્ષા લે છે અને એ જ પરીક્ષા આપે પણ છે બસ એમ માની આગળ વધો દ્રઢપણે પરિસ્થિતિનો સામનો કરો. પોતાની અંદર આત્મવિશ્વાસ રાખો. સકારાત્મક વિચારસરણી એ જ દરેક પ્રશ્નનો ઉકેલ છે.

તમારો તમારા પ્રિયજન સાથે ઝગડો થયો છે? તો સમજો કે ભગવાન પણ ચાહે છે કે તમારા વચ્ચે સંબંધ પાક્કો અને મજબૂત બને. અને આમેય જ્યાં સાચા હૃદયના સંબંધો હોય ત્યાં જ ઝગડા અને મનદુ:ખ વગેરે શક્ય છે. કારણ કે ત્યાં જ તો અપેક્ષાઓ હોય છે. બાકી આજના સમયમાં અપેક્ષાઓ પારકા પાસે કોણ રાખે છે? તો એમની વાતોનું ખોટું લાગે અને ઝગડા થાય ખરા?? તમને તમારા જ લીધેલા નિર્ણય પર પસ્તાવો થાય છે?? તો બે વાત યાદ રાખો કે થઈ ગયું એને તમે બદલી શકતા નથી તો એ માટે ચિંતા કે ખોટા મૂંઝાઈને ફાયદો નથી. અને બીજું ભગવાને તમારા માટે કંઈક ઉત્તમ શોધી રાખ્યું છે. અને તમારા માટે પ્રગતિનો માર્ગ શોધી રાખ્યો છે. સમય આવ્યે એ મળી જ જશે. આ તો બે નાના ઉદાહરણો છે. આવા કેટલાય સવાલો છે જે મનમાં ઉઠતાની સાથે જ આપણે ભગવાનને ગાળો સુદ્ધાં આપતા સંકોચ નથી કરતાં.

પણ દોસ્તો, જો ભગવાને બધુ જ આપણને સહેલાઈથી આપી દીધું હોત તો આપણને એની કોઈ કિંમત જ ન રહેત બસ એટલે એ આપણને આ રીતે પરીક્ષા/કસોટી દ્વારા જે આપણે મેળવ્યું છે અથવા મેળવવાના છીએ એના માટે લાયક બનાવે છે કે આપણી લાયકાત પારખે છે. આપણને દરેક વસ્તુની કદર કરતાં શીખવે છે. માટે એના પર શ્રદ્ધા રાખો અને કર્મ કરે જાવ. જે પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યા છો એને સહર્ષ સ્વીકારો. અને મળેલ જીવનનો આનંદ માણો અને તકલીફો માટે પણ ભગવાનને આભાર કહો. પછી જુઓ આપોઆપ તકલીફો કેવી દૂર થઈ જાય છે.

આગળ કહ્યું એમ સકારાત્મક વિચારસરણી એ જ દરેક પ્રશ્નનો ઉકેલ છે. માટે હમેશાં સકારાત્મક વિચારો આવે એ વાત પર વધુ ધ્યાન આપો. કોઈ પણ પરિસ્થિતિના સકારાત્મક અને નકારાત્મક બંને પાસા જોવાની આદત કેળવો. હા, નકારાત્મક પાસા તરફ પણ જોવું કારણ કે જોશો તો જ તો એનાથી દૂર રહેવા પ્રયત્નશીલ રહેશો.

આ મંત્રને ગાંઠ વાળીને પોતાની પાસે રાખી લો.
“જે થાય છે તે સારા માટે જ થાય છે…”
અને પછી જીવન ઉત્તમ જ ઉત્તમ… તહેવાર જ તહેવાર… કોઈ સવાલ નહીં અને કોઈ મૂંઝવણ નહીં.

બસ એક દ્રઢ આત્મવિશ્વાસ… જે થઈ રહ્યું છે તે સારા માટે જ છે અને જે થવાનું છે એ પણ સારા માટે જ હશે. ભગવાન મને કંઈક ઉત્તમ આપવાનો છે… તૈયાર થઈ જા બેટા…!

હાર્દિક કલ્પદેવ પંડ્યા

સ્વતંત્રતા કોને કહેવાય?

આ સ્વતંત્રતા એટલે શું? આ એક ખૂબ રસપ્રદ પણ જટિલ એવો મહત્વપૂર્ણ વિષય છે. આજના સમયમાં આઝાદી, સ્વતંત્રતા અને અભિવ્યક્તિની આઝાદી એવા વિષયોએ ખૂબ જ જોર પકડ્યું છે. પણ લોકોની દલીલો અને ચર્ચાઓ જોતાં ખરેખર લાગે છે કે આ સ્વતંત્રતાનો સાચો અર્થ કોઈને ખબર જ નથી.

લોકોના સ્વતંત્રતા વિશે શું મંતવ્ય છે?

નાના ભૂલકાઓને પૂછશો સ્વતંત્રતા એટલે શું? તો સૌથી પહેલા તો એમને અંગ્રેજીમાં ભાષાંતરીત કરીને પૂછવું પડશે કે “વોટ ઈઝ ફ્રીડમ ફોર યૂ?” અને પછી એમનો જવાબ મળશે. ખેર અત્યારે ભાષાની ચર્ચા રહેવા દઈએ. વાત સ્વતંત્રતાની છે. એ ભૂલકાઓ કહેશે કે આખો દિવસ રમવાની અને ટીવી જોવાની વિના કોઈ રોકટોક પરવાનગી એટલે સ્વતંત્રતા… ભાઈ હવે આ અબોધ ઉંમરે તો આ જ માંગ હોય ને એમની… એય ખોટા તો નથી જ. અત્યારે લોકો છોકરાઓને હજી તો સરખું બોલતા પણ ના આવડતું હોય ને શાળાના બોઝા તળે મૂકી દે છે. શું કામ? તો જવાબ હોય આ દુનિયાની ભાગદોડમાં પોતાને સક્ષમ બનાવતા શીખે. માં-બાપથી છૂટો થાય. સ્વાવલંબી બને. અરે એમ કહોને કે બે-ચાર કલાક તમનેય એમના અબોધ નખરાં ઉઠાવવાથી છુટકારો(સ્વતંત્રતા) મળે.

કિશોરાવસ્થામાં તાજેતરમાં પ્રવેશેલા બાળકોને પુછો તો કહેશે અમને મન મરજી મુજબ ઘરની બહાર ફરવા મળે, શું કરીએ છીએ કોની સાથે ફરીએ છીએ, શું વાતો કરીએ છીએ એ પૂછતાછ ના થવી જોઈએ એ સ્વતંત્રતા. સાચે આ ઉંમરે જ્યારે બાળકોને માતપિતા કરતાં મિત્રોની વધુ જરૂર હોય છે ત્યારે મા-બાપનું માતપિતાપણું  બાળકોના મનમસ્તિસ્ક પર હાવી થવા તૈયાર જ બેઠું હોય છે. આ ખોટું છે એ જાણતાં હોવા છતાં…. ત્યારે સ્વતંત્રતાની વ્યાખ્યા તો આવી જ હોવાની ને?

યુવા વર્ગ… આ યુવાનીમાં સ્વતંત્રતા અને સ્વછંદતા વચ્ચેનો ફરક કરવાની સમજશક્તિ કેળવાયેલી નથી હોતી અને એ સમયે મા-બાપ નહીં પણ સાચા માર્ગદર્શકની જરૂર હોય છે જે સંતાનને તેમની જ ભાષામાં ફરક સમજાવે અને એ પ્રમાણે વર્તવાની સમજ આપે. અહીં પણ મા-બાપ સમાજની શરમના નામે, પોતાના સ્ટેટસના નામે સંતાનો પર પોતાનું માતપિતાપણું થોપે છે અને છેવટે સ્વતંત્રતાનો મતલબ પરિપક્વતાથી સમજવાની જગ્યાએ સ્વછંદતા સંતાનના મન અને મગજ પર વર્ચસ્વ પાડી દે છે. અને એમના જ પતનને  નોતરે છે. અહીં ભૂલ સંતાનોની નથી જ કે તેઓ ખોટા રસ્તે વળ્યા. ભૂલ છે માતપિતા અને વડીલોની… આ કટુસત્ય નિખાલસતા અને સકારાત્મકપણે સ્વીકારવું જ રહ્યું.

વૃદ્ધાવસ્થાનો સમય… આ એક એવો સમય છે જ્યારે વ્યક્તિનું મગજ પરિપક્વતા વાળું અને હૃદય અબોધ બાળક સમું હોય છે. આ સમયે વ્યક્તિ બીજું કશું જ ઇચ્છતી નથી હોતી સિવાય પ્રેમ, સ્નેહ અને માન-સન્માન… પણ યુવાપેઢી કે જેને સ્વચ્છંદતાની આદત પડી ગઈ છે એ વડીલોને પ્રેમ અને સ્નેહ તો ઠીક માન પણ આપવામાં માનતી નથી. બસ “તમને ખબર ના પડે..” “તમે જુનવાણી લોકો…” અને આવા જ કેટલાય હૃદયને વીંધી નાખે એવા શબ્દોથી અપમાન કરી દે છે. તેમની કોઈ પણ દલીલ આ યુવા વર્ગને ખોટી જ લાગે છે. અને છેવટે આ વડીલોની સ્વતંત્રતાનું કરૂણ મોત થાય છે.

હવે ખરેખર સ્વતંત્રતા એટલે શું?

દોસ્તો, પોતાની બધી જ ફરજોને ઈમાનદારી પૂર્વક નિભાવીને સ્વજનોની ઇચ્છા અને ભાવનાનું સન્માન કરી પોતાની મરજી મુજબનું જીવન જીવવા માટે સર્વાંગી સંમતિ પૂર્વક પરવાનગી મેળવવી અને ઈચ્છુક જીવન જીવવું એટલે સાચી સ્વતંત્રતા. સ્વતંત્રતા એમ જ નથી મળતી. સ્વતંત્રતા એક રીતે હકનું જ બીજું નામ છે. અને તમને ખબર જ હશે કે હક પોતાની સાથે ફરજ લઈને આવે છે. એ જો ના નિભાવી શકો તો તમને તમારા હકો પર અધિકાર બતાવવાનો પણ અધિકાર નથી.

બાળકો મા-બાપને સન્માન આપે એમની વાત માની તેઓ જે કહે છે એ એમના સારા માટે જ કહે છે એ વિશ્વાસ રાખી માં-બાપના કહ્યા મુજબ વર્તવાની ફરજ ઈમાનદારીથી નિભાવે તો એમની ઇચ્છાને મા-બાપ પૂરી કરી એમને સ્વતંત્રતાનો અહેસાસ કરાવશે. જો યુવાવર્ગ નાનામાં નાની વાત માતાપિતા સાથે સાઝા કરશે અને એમના મંતવ્યોને ધ્યાનમાં લેવાની તૈયારી બતાવશે તો કોઈ પણ રોકટોક અને પૂછતાછ વગર મા-બાપ પણ તેમને બધા જ પ્રકારની છૂટ(સ્વતંત્રતા) આપશે. જો માં-બાપ પણ બાળકોના મિત્ર બની એમના સલાહકાર બનવાની જગ્યાએ માર્ગદર્શક બનશે તો સંતાન પણ સ્વતંત્રતા અને સ્વચ્છંદતા વચ્ચે ફરક કરતાં આસાનીથી શીખશે. યાદ રાખો સલાહ આપનાર અને લેનાર બેય એમ જ વિચારે છે કે એ બીજા માટે છે. એટલે યુવાન સંતાનના સલાહકાર બનવા કરતાં માર્ગદર્શક બનો. અને છેલ્લે વાત વૃદ્ધાવસ્થાની…. જો શિશુહૃદય ધરાવતા વૃદ્ધ મા-બાપની ઇચ્છાઓને માન આપવાની ફરજ સાચા હૃદયથી સંતાનો નિભાવશે તો મા-બાપ પણ તેમની ઇચ્છા અને ભાવનાનું ધ્યાન રાખશે અને સંતાનો તથા મા-બાપ બેય પરસ્પર સ્વતંત્રતાનો અહેસાસ કરશે અને કરાવશે.

દોસ્તો આ સ્વતંત્રતા માણવાની સાથે નિભાવવાની વાત છે. સમજદારી પૂર્વક, પરિપક્વતા પૂર્વક, લાગણી પૂર્વક અને સન્માન પૂર્વક…

હાર્દિક કલ્પદેવ પંડ્યા

મૌનનું મહત્વ

સંસ્કૃતમાં એક શ્લોક છે. “મૌનમ્ સર્વાર્થ સાધનમ્”. એટલે કે મૌન એ સૌથી શ્રેષ્ઠ સાધના છે. ખરેખર, મૌન એ ખુબ જ મોટી અને અઘરી સાધના છે. એનું મહત્વ પણ એટલું જ વધુ અને ઉત્તમ છે. મૌન માત્ર આંતરિક ઊર્જાની બચત નથી કરતું, આપણી અંદર નવીન ઊર્જાનો સંચાર પણ કરે છે. ગુસ્સો, આવેશ, વેર, દ્વેષ જેવી નકારાત્મકતા નષ્ટ કરે છે. જ્યારે આપણે ગુસ્સામાં હોઈએ ત્યારે મૌન આપણને ગુસ્સો ભૂલવામાં તથા પરિસ્થિતિના દરેક પાસાઓને પારખવામાં મદદરૂપ થાય છે. માનસિક સુખની પ્રાપ્તિ કરાવે છે. મૌન જીવનમાં સકારાત્મક્તા લાવવા માટે ખુબ મહત્વનો ભાગ ભજવે છે. આપણી વિચારશક્તિને સશક્ત બનાવે છે. આપણને નિયમિત અને શિસ્તબદ્ધ બનાવે છે. આપણી અંદર આત્મવિશ્વાસની વૃદ્ધિ કરે છે. મૌન એ વ્યક્તિને શ્રેષ્ઠ શ્રોતા બનાવે છે, જે શ્રેષ્ઠ શ્રોતા હોય તે જ વિદ્વાન બની શકે છે અને કહેવાય છે કે જે વ્યક્તિ વિદ્વાન હોય છે એ હંમેશા વધુ પડતું બોલવા કરતાં પોતાના કર્મોથી પોતાની વિદ્વતા સાબિત કરવામાં વધુ માને છે. આવા લોકો જરૂર સિવાય ક્યારેય શબ્દોનો પ્રયોગ કરતાં નથી, મૌન રહે છે. અને એટલે જ તેઓ સફળતાની ઊંચાઈએ બિરાજે છે. મૌનના સ્વાસ્થયલક્ષી લાભ પણ છે… મૌન એટલે યોગની ઉત્તમ સાધના… આ મૌન અને શાંત ચિત્તે માત્ર પ્રભુ સ્મરણ કરવાથી ઉચ્ચ રક્તચાપ એટલે કે હાઈ બ્લડ પ્રેશરની તકલીફમાં પણ ઘણો ફાયદો થાય છે. મૌન દ્વારા મનને શાંત અને પ્રફુલ્લિત કરી શકાય છે અને એના કારણે લોહીની ઉણપ પણ શરીરમાંથી દૂર કરી શકાય છે. મૌનથી ગંભીર બીમારીઓ ભલે દૂર ન થાય પણ રાહત ચોક્કસ અપાવે છે. આપણી રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરી આપણને એક નવી જ સ્ફૂર્તિ પ્રદાન કરે છે. આપણી અંદર કોઈપણ ગંભીર બીમારી સાથે લડવાની શક્તિનો સંચાર કરે છે. કહેવાય છે કે જે ઓછું બોલનાર અને મૌનનો નિયમ પાળતા લોકો નીરોગી અને લાંબુ જીવે છે.

આમ મૌનના ઘણા ફાયદા છે. પણ આ મૌન છે શું? મૌન કોને કહેવાય?

ઋષિમુનિઓએ મૌન વિશે જણાવતા કહ્યું છે કે મૌન એટલે બોલવું નહીં, વાંચવું નહીં, કોઈ ઈશારા નહીં, કોઈ વિચાર નહીં, કોઈ પરિસ્થિતિ સર્જાય તોય પ્રતિક્રિયા નહીં. જ્યાં બેઠા છો બસ ત્યાં જ બેસી રહેવાનું અને એ પણ શૂન્યમનસ્ક. આ છે ખરું મૌનવ્રત.

મૌન અઘરું છે પણ અશક્ય નથી…

શું આજના સમયમાં આવી આકરી સાધના શક્ય છે ખરી? આપણે કહીશું, ના… શક્ય નથી. પણ હકીકતમાં શક્ય છે. બીજું કંઈ નહીં પણ પોતાની જીભ પર નિયંત્રણ રાખવું તો ચોક્કસ શક્ય છે જ. આપણા રોજીંદા જીવનમાં આખો દિવસ નહિ તો દિવસનો અમુક સમય જેમ કે જમતી વખતે, સવારે ઉઠ્યા પછી એકાદ કલાક, એ રીતે મૌન રહેવાનો નિયમ પાળી જ શકાય. શક્ય હોય તો મૌન દરમિયાન ખાવાપીવાનું પણ ટાળી શકાય. હવે મૌન ધારણ કરવા માટે સૌથી ઉત્તમ સમય કયો? તો જવાબ છે પ્રાતઃકાળનો. પ્રાતઃકાળ એટલે કે સવારના સમયે મૌન ખુબ જ ફળદાયી રહે છે. કારણ કે સવાર સવારમાં આપણું મન બાહ્ય નકારાત્મકતાથી દૂર હોય છે. એવા સમયે સકારાત્મક ઊર્જા વધારવામાં મૌન ખુબ જ ઉપયોગી બને છે. આપણું મન ખુબ જ ચંચળ છે. તેની વિચારયાત્રાને અટકાવવી અશક્ય છે. પણ સવારના સમયે તેની ગતિ ધીમી હોવાથી સરળતાથી નિયંત્રિત કરી શકાય છે. આ સમયે મૌનવ્રત શક્ય હોય છે. અને ફળદાયી બને છે. ભલે એક જગ્યાએ બેસી ન રહી શકીએ. વાંચન ટાળી ન શકીએ. કોઈપણ પરિસ્થિતિમાં પ્રતિક્રિયા આપ્યા વિના ન રહી શકીએ પણ પોતાના શબ્દો પર તો નિયંત્રણ રાખી જ શકીએ. પેલી કહેવત છે ને, ‘ન બોલવામાં નવ ગુણ’. કોઈ વાર ચૂપ રહેવાથી પણ કેટલાય પ્રશ્નો ઉકેલાઈ જાય છે. સંબંધો સચવાઈ જાય છે. શબ્દો થકી સંબંધો બગડે એના કરતાં તો મૌન સારું જ ને! પણ હા, ક્યારે મૌન રહેવું અને ક્યારે બોલવું એનું જ્ઞાન પણ જરૂરી છે, કોઈ ખોટી વાત થતી અટકાવવા બોલવું તો પડે જ. વિરોધ કરવો જ પડે. એ વખતે મૌન ના રહેવાય.

ચાલો ત્યારે આ અઘરી પણ ઉત્તમ સાધનાનો તમે પણ ક્યારેક પ્રયોગ કરી જો જો… એક સુંદર અનુભવ મળશે…! આ મૌન એકવાર તો રાખવા જેવુ હો..!

 

હાર્દિક કલ્પદેવ પંડ્યા