મનની શક્તિ અપાર છે.!

મન શું છે? મન એટલે અખંડ ઉર્જાનો સ્રોત. આધુનિક ભાષામાં જો સમજીએ તો જો આપણે આપણાં શરીરને એક કોમ્પ્યુટર ગણીએ તો આપણું મગજ એ આપણું હાર્ડવેર છે અને આપણું મન એ સોફ્ટવેર… હા, આપણું મગજ એ માત્ર આપણાં શરીરનું એક અંગ છે એની અંદર વિચારો અને નિર્ણયો લેવાની શક્તિ આપનાર ઉર્જાસ્રોત એટલે આપણું મન…

આપણાં મન પાસે અસીમ, અપાર શક્તિનો ભંડાર રહેલો છે.. મનની એ શક્તિ દ્વારા આપણે જે કંઈ પણ મેળવવું હોય તે મેળવી શકીએ છીએ. એવું કહેવાય છે કે આપણે જે વિચારીએ છીએ અને માનીએ છીએ એ જ આપણે બની જઈએ છીએ.

આ મનની શક્તિ બે ભાગમાં વહેંચાયેલી છે. (૧) જાગૃત મન અને (૨) અર્ધજાગૃત મન. એમાં પણ આપણું જાગૃત મન માત્ર ૧૦ ટકા જ કામ કરે છે બાકી ૯૦ ટકા અર્ધજાગૃત મન કામ કરતું હોય છે. આપણાં રોજિંદા જીવનમાં જે કંઈ કામ કરીએ છીએ એ આપણાં જાગૃત મનથી જ થાય છે. જેમાં મહદંશે આપણી શારીરિક શક્તિનો જ ઉપયોગ થતો હોય છે. આપણી મનની શક્તિનો ઉપયોગ નહિવત જ આપણે કરીએ છીએ. પણ આવું કેમ છે. એનું એકમાત્ર કારણ એ જ કે આપણને આ મનની શક્તિનો કઈ રીતે અને કેટલો ઉપયોગ કરવો એ શીખવાડવામાં જ નથી આવ્યું. ન શાળામાં, ન કોલેજમાં ન કોઈ એવી યુનિવર્સિટી છે કે જ્યાં આ મનની શક્તિ વિશે જ્ઞાન આપવામાં આવે. તો ચાલો આપણે આજે આ મનની શક્તિ વિષે જ જાણીએ.

આપણાં મનમાં એક આખા દિવસમાં ૬૦ હજાર જેટલા વિચારો ઉત્પન્ન થતાં હોય છે પણ દુ:ખની વાત એ છે કે એમાંથી ૮૦ ટકા વિચારો નકારાત્મક જ હોય છે. માત્ર ૨૦ જ ટકા વિચારો સકારાત્મક હોય છે. જો આ પ્રમાણ ઊલટું કરી નાંખીએ અને ૮૦ ટકા વિચારોને સકારાત્મક બનાવી દઈએ તો આપણે કંઈક એવા સર્જનાત્મક કામ કરી શકીએ છીએ જે આપણાં જ નહીં પણ આપણી આસપાસના સૌના જીવનમાં બદલાવ લાવી શકે છે. જીવન સાર્થક બનાવી શકાય છે. હા, નકારાત્મક વિચારો આવશે જ… કારણ કે એનું નિર્માણ પણ એ પરમ કૃપાળુ પરમાત્માએ જ કર્યું છે, જો એ વિચારો મનમાં લાવવા જ ન હોત તો એનું નિર્માણ, એ શબ્દનું પણ નિર્માણ પરમાત્માએ કર્યું ન હોત.. પણ એ નકારાત્મક વિચારો પર જીત મેળવી એમાંથી પણ તક ઊભી કરી એને સકારાત્મક પરિસ્થિતિમાં પરિવર્તિત જે કરી દે એ જ પ્રગતિના પંથે આગળ વધી શકે છે. પોતાના જીવનમાં  સુખ, સમૃદ્ધિ અને સ્વાસ્થય સહ સફળતાને પણ આકર્ષી શકે છે… લાવી શકે છે.

એક ભ્રમણા એવી પણ છે કે જેટલા ભણેલા ગણેલા એટલા જ આપણે સફળ વધુ થઈ શકીએ છીએ. પણ એવું કંઈ જ નથી, ઓછું ભણેલ વ્યક્તિ પણ તેના આત્મવિશ્વાસ અને મનની શક્તિથી સફળતાના શિખરોને આંબી શકે છે. આપણું મન એ ફળદ્રુપ જમીન જેવુ છે, એમાં જે વાવીશું એ ઊગી નીકળશે. જો આપણે એમાં સકારાત્મક વિચારો, સખત અને સાચી દિશામાં ઈમાનદાર મહેનતના બીજ વાવીશું તો સફળતાનું વૃક્ષ ચોક્કસ ઊગશે… અને સુખ અને સમૃદ્ધિના મીઠા ફળ પણ આપશે. પણ જો એમાં નકારાત્મક વિચારો અને આળસના બીજ વાવીશું તો નિષ્ફળતા અને નિરાશાના જ ફળ પ્રાપ્ત થશે. માટે શું વાવવું એ પસંદગી આપણી પોતાની જ છે. આ મનની શક્તિ એ અખંડ અપાર છે. કારણ કે આ શક્તિ એ પરમ કૃપાળુ પરમાત્મા સાથે સીધી જોડાયેલી છે. કોઈપણ પરિસ્થિતિમાં જો આપણે બહારની દુનિયામાં ઉકેલ શોધવા કરતાં આપણાં અંતરઆત્માને જ ઉકેલ પૂછીશું તો ખરેખર સાચો જ જવાબ મળશે, કારણ કે એ પરમાત્માનો જ જવાબ હોય છે. હવે તમે જ કહો કે પરમાત્માનો જવાબ ક્યારેય ખોટો હોય શકે ખરો?? જરાય નહીં…. અને જો એ પરમાત્મા જ આપણી પાસે આપણી અંદર હાજરાહજૂર હોય તો બહાર ફાંફાં મારવાની જરૂર જ શું???

આપણું આ મન એ સ્મરણ શક્તિનો ભંડાર છે. એની અંદર આપણે જેટલું ભરવું હોય તે ભરી શકાય. પણ જો એમાં આપણે નકારાત્મક વિચારો, ભાવનાઓ અને નકારાત્મક ઉર્જા ભરીશું તો આપણી પ્રગતિ અવરોધશે, અને જો સકારાત્મક વિચારો, ભાવના અને સકારાત્મક ઉર્જાને ભરીશું તો પ્રગતિના પંથે આગળ વધી શકીશું. અને સફળતાને પામી શકીશું. પરંતુ શું આ સફળતા મેળવવી જ પૂરતી છે?? ના… સફળતા સાથે ભાવનાત્મક રીતે સશક્ત હોવું પણ એટલું જ જરૂરી છે. આપણે સૌ દિવ્ય ભરતી, હિટલર અને ગુરુ દત્ત આ સૌ ખ્યાતનામ વ્યક્તિઓને ઓળખીએ છીએ. આ સૌ સુખી અને સમૃદ્ધ હતા. પણ તેઓ ભાવનાત્મક રીતે સશક્ત ન હતા અને એટલે જ અંતે તેમણે આપઘાત કરી જીવનનો અંત આણ્યો હતો. જો આપણે સફળતાના શિખરો પર હોઈશું, સમૃદ્ધ હોઈશું, પણ જો આપણે ભાવનાત્મક રીતે સશક્ત નહીં હોઈએ તો આ બધુ જ નકામું છે. માટે હંમેશા ભાવનાત્મક રીતે પણ સશક્ત રહેવું… અને જે પરિસ્થિતિ સર્જાય એમાંથી તક કાઢવા અને એમાંથી બહાર નીકળવા પ્રયત્નશીલ રહેવું. કારણ કે તક તો પરમાત્મા બધાને આપે જ છે. એને ઓળખી ઝડપી લેવી કે ન ઓળખીને છોડી દેવી એ આપના હાથમાં જ હોય છે.

આપણે સામાન્ય રીતે જ્યારે વહેલા ઊઠવું હોય ત્યારે એલાર્મ મૂકીએ છીએ. અને ઘણી વખત તો આપણે એલાર્મ પણ બંધ કરીને પાછા સૂઈ જતાં હોઈએ છીએ… અને વહેલા ઉઠાવનું આયોજન નિષ્ફળ થાય છે. કારણ કે એ રીતે ઉઠવામાં આપણી અંદર સ્ફૂર્તિનો અભાવ રહે છે. પણ આપણી પોતાની અંદર એક માનસિક ઘડિયાળ રહેલી છે, જો એને એમ કહી દઈએ કે “મારે આટલા વાગ્યે ઊઠવું છે તો એ માનસિક ઘડિયાળ જ આપણને ઉઠાડી દે છે, અને એ પણ સ્ફૂર્તિ સાથે… એકવાર પ્રયત્ન કરી જો જો ચોક્કસ વિના એલાર્મ ઉઠી શકશો…

મિત્રો, આપણું મન એટલું સશક્ત છે કે આપણે ઈચ્છીએ તો આપણી ગંભીરમાં ગંભીર બીમારી પણ મનની એ શક્તિથી દૂર થઈ શકે છે. અને જો આપણે મનમાં ભરી દઈએ કે આપણે બીમાર છીએ તો જો બીમાર ન પણ હોઈએ તો પણ થઈ શકીએ છીએ. માટે જ્યારે પણ કોઈ આવી પરિસ્થિતિ સર્જાય ત્યારે દવા અને ડોક્ટરની મદદ લેવાની સાથે મનની શક્તિને પણ મજબૂત કરી કહેવાનું રાખો કે “હું સ્વસ્થ થઈ ગયો/ગઈ છું. મારી બીમારી દૂર થઈ ગઈ છે” આપણાં મનની એ અસીમ શક્તિ આપણને ખુબ જ જલ્દી સાજા કરી દેશે.

આપણું મન એ અખંડ ઉર્જા શક્તિનો પાવર જનરેટર છે. એ જે વિચારે તે બધુ જ કરી શકે છે, આપને એક ઉદાહરણ આપું તો ગુજરાતમાં એક સંત છે કે જેઓએ છેલ્લા ૮૦ વર્ષથી કંઈ જ ખાધું પીધું નથી. તેમ છતાં તેઓ સક્રિય અને સ્વસ્થ રહે છે. એમને એક પત્રકારે પુછ્યું કે,”આ શક્ય કઈ રીતે છે?” ત્યારે તેમણે માત્ર એટલું કહ્યું હતું કે,”હું રોજ સવારે ૧૫ મિનિટ સૂર્ય પાસેથી ઉર્જા લઉં છુ અને આખો દિવસ ઉરજવાન રહી શકું છું.” વિચારો મિત્રો જો કોઈ વ્યક્તિ માત્ર ૧૫ મિનિટ સૂર્ય ઉર્જા લઈ જીવી જ નહીં પણ આટલા તંદુરસ્ત અને સક્રિય રહી શકતા હોય તો આપણે તો શું શું ન કરી શકીએ… બધુ જ કરી શકીએ.. બસ જરૂર છે મનની શક્તિ ને ઓળખવાની અને ઇનો સદુપયોગ કરવાની…

મિત્રો આપણાં આ મન પાસે એવી અપાર શક્તિ છે કે આપણે જે ઇચ્છીએ એને આપણી તરફ આકર્ષિત કરી શકીએ છીએ.. અશક્ય કંઈ જ નથી. જો કે આ મનની શક્તિ વિશે લખવા બેસીએ તો આખું પુસ્તક લખી શકાય.. આ અખંડ ઊર્જાના સ્રોત એવા આપણાં મનને ચાલો યોગ અને સાધના થકી ઓળખવા પ્રયત્ન કરીએ અને જીવનમાં કંઈક સર્જનાત્મ કામ કરીએ… જીવનમાં આપણાં પોતાના માટે તો ઘણું કર્યું, હવે આ મનની શક્તિનો સદુપયોગ કરી દુનિયા માટે કંઈક કરીએ… ખરેખર એક સુખદ અનુભવ થશે… સાથે આ મનની શક્તિ થકી આપણને પણ લાભ તો ખરો જ. ચાલો જીવન બદલાવાના પંથે અગ્રેસર થઈએ.. જીવન બદલીએ, સંસાર બદલીએ… પોતાની અંદર સકારાત્મકતા ભરી સંસારને સકારાત્મકતા વહેંચીએ. અને પોતાની મનની શક્તિથી જ સુખ, સમૃદ્ધિ અને સ્વાસ્થય સહ સફળતાને પ્રાપ્ત કરીએ.

હાર્દિક કલ્પદેવ પંડ્યા

મારૂ ભારત સપનાનું ભારત

૧૫ ઓગષ્ટ એટલે આપણાં દેશનો રાષ્ટ્રીય પર્વ… સ્વતંત્રતા દિન… આપણાં દેશને સ્વતંત્રતા અપાવવા કેટકેટલા સેનાનીઓ અને નેતાઓએ પોતાનું સર્વસ્વ આપી દીધું. લોહી, પસીનો રેડયા. હવે એ જૂની વાતોને વારંવાર નથી વાગોળવી પણ એક વિચાર ચોક્કસ કરવો છે. આપણે આ એક દિવસ પૂરતા આપણી અંદર ઊમળકાભેર રાષ્ટ્રીયતા અને દેશપ્રેમ લાવી દઈએ છીએ. પણ ક્યારેય આપણે નિસ્વાર્થભાવે દેશની સેવા કરવાનું વિચાર્યું છે ખરું? દેશની સેવા કરવી એટલે કંઈ દેશની સીમા પર જઈ સુરક્ષામાં તૈનાત થવાની જરૂર નથી. દેશ પ્રત્યેની આપણી અમુક મૂળભૂત ફરજો અને જવાબદારીને નિષ્ઠા પૂર્વક નિભાવીએ એ પણ દેશની સેવા જ છે.

ચાલો જાગ્યા ત્યારથી સવાર કહેવતને સાચી પાડી આજથી જાગી જઈએ અને કંઈક નવું વિચારીએ… આપણાં મહાન ભારત દેશને એક નવો દૃષ્ટિકોણ આપીએ.

આ હડતાળ, દંગા, ફસાદના નામે કામ રોકી સાર્વજનિક જગ્યાએ તોડફોડ અને ધમાલ કરી જે વિરોધ નોંધાવી છીએ શું એની ખરેખર જરૂર છે ખરી? જો વિરોધ કરવો જ હોય તો કંઈક ક્રિએટિવ રીતે ન કરી શકાય…

જેમ કે… થોડા સમય પહેલાં ડૉક્ટરો અને નર્સિંગ સ્ટાફના હડતાળના સમાચાર મળ્યા હતા. એ વખતે કેટલાય દર્દીઓ મૃત્યુ પામ્યા હતા. હડતાળના નામે ઈલાજ રોકવાની જગ્યાએ એ જ ડૉક્ટરો હોસ્પિટલના ખર્ચે દર્દીઓ પાસેથી પૈસા લીધા વગર સારવાર કરે તો? ખર્ચો વધશે પણ કમાણી નહીં થાય તો હોસ્પિટલ મેનેજમેન્ટ ડોકટોરોની વાત માની જ લેશે ને. અને દર્દીઓ પણ સચવાઈ જશે. દર્દીઓના અને તેમના સગાસંબંધીઓના આશિષ મળશે એ તો પાછું બોનસ… કહો શું આ રસ્તો ખોટો છે કે સાચો??

ફેક્ટરી વર્કર અને નોકરિયાતો પણ પગાર વધારા માટે હડતાળ કરે છે. પણ વિચરતા નથી કે નુકસાન કેટલું થાય છે. પોતાના જ ઘરમાં પૈસાની ખેંચ જે પહેલાથી હતી એ વધે… માનસિક તાણ વધે… મજૂર કક્ષાના છોકરાછૈયાં તો બિચારા ભૂખ્યા મરે… પણ હવે જો વિરોધનાં નામે એવું કરે કે ડબલ ટ્રીપલ પ્રોડક્શન/માર્કેટિંગ વધારી દે તો ફેક્ટરી/કંપની માલિકોને માલ/સેવા વેચવામાં નાકે દમ આવી જાય તો બોલો શું એ તમારી માંગ પૂરી ન કરે??

હવે વાત કરીએ ફિલ્મોની… તો પી.કે.થી લઈને ઓહ માય ગોડ ને એવી કેટલીયે ફિલ્મોના વિરોધ અને વિરોધના નામે તોડફોડ, દંગા એનો તો જાણે ટ્રેન્ડ છે. શું આપણી શ્રદ્ધા, આસ્થા, ધાર્મિક ભાવના એટલી ખોખલી છે કે ફિલ્મના એક નાનકડા દૃશ્ય કે ડાયલોગ દ્વારા એ આહત થઈ જાય?? ફિલ્મ જોવી, ન જોવી એ આપનો અંગત વિષય છે આપણે ન જોવી હોય તો ન જોઈએ.. વધુમાં વધુ આપણાં પ્રિયજનો અને ઓળખીતાને આગ્રહ કરીએ કે એ પણ ન જૂએ. અને એમને કહીએ કે એ એમના ઓળખીતાઓને ના પાડે.. આમ શાંતિ પૂર્વક વિરોધ ન કરી શકાય? ફિલ્મ બનાવવી એ પ્રોડ્યુસર, ડાઈરેકક્ટરનું કામ છે. એ પોતાનું અને પોતાના પરિવારનું પેટ પાળવા આ કામ કરે છે. અને સાથે જ કેટકેટલા નાનામોટા કર્મચારીઓનું પેટ પાળે છે. ફિલ્મો એ આપણાં સમાજનું જ એક દર્પણ છે પણ એ દર્પણ બતાવવામાં જો એ કોઈ ભૂલ કરતાં હોય તો ભૂલ બતાવો પણ શાંતિથી… કોઈ ફિલ્મ જોવા જશે જ નહીં તો ૨-૪ દિવસમાં ફિલ્મ ઉતરી જશે. પેલા ડાઈરેકક્ટરને પણ સમજાઈ જશે કે એની ફિલ્મમાં કંઈક ખોટું હશે એટલે જ ફિલ્મ ન ચાલી… કિસ્સો પૂરો. એમાં બસો અને બાઈકો બાળવાની ને લોકોના હાડકાં તોડવાની, હુલ્લડો કરવાની શું જરૂર છે?

આ બધાથી આગળ નીકળી જવાની હોડમાં આપણે ટ્રાફિક નિયમોને પણ તાક પર મૂકી દઈને વાહન ચલાવીએ છીએ. શું એ ખોટું નથી?? આપણાં પોતાના માટે જ જોખમી નથી? આ ટ્રાફિકના નિયમો પાળી “દુર્ઘટના કરતાં દેરી ભલી” કહેવતને માની ન શકીએ?? આપણાં અને બીજાના પણ જીવનું રક્ષણ આ નિયમ પાલનથી કરીએ તો એ પણ દેશ સેવા જ છે ને???

એમ જ કાર, સ્કુટર વગેરે વાહનોની મેન્યુફેક્ચરિંગ કંપનીઓ વાહનોમાં ઈન-બીલ્ટ સ્પુટમ ટેન્ક અને ડસ્ટબીન મૂકે તો કેવું? પબ્લિક પણ એનો આગ્રહપૂર્વક ઉપયોગ કરે તો કેટલું સરસ? આ તૈયાર નાસ્તાના પેકેટ બનાવતી કંપનીઓ એવી ઑફર કાઢે કે ખાલી પેકેટ પાછા આપો અને ૫૦% પૈસા પાછા મેળવો. ૧૦૱. નું એક પેકેટ(ખાલી) દુકાન પર પાછું આપો તો ૫૱ પરત મેળવો અને ૫ ૱ વાળું પેકેટ આપો તો ૨ ૱ પરત… બોલો કોઈ કચરો બહાર ફેંકી દે.? ખીસ્સામાં ભરી રાખે ને.. ખરું કે ખોટું?? દેશમાં સ્વચ્છતા લાવવાનો આ રસ્તો ન અપનાવી શકીએ આપણે??

પ્લાસ્ટિકની થેલીઓને બદલે કાપડની થેલીઓ બનાવીએ. દેશમાં પ્રદૂષણ થતું અટકાવવાનો આ પણ એક ઉત્તમ ઉપાય છે. કાપડની થેલી માટે કપાસનું ઉત્પાદન વધારીએ.. તમાકુની ખેતી કરવાની જગ્યાએ વરિયાળીની ખેતી કરીએ.. તમાકુની પ્રોડક્ટ જો બે ૱ એ વેચાતી હોય તો વરિયાળીના પેકેટ પાંચ ૱ માં વેચીએ. એલ્કોહોલિક પ્રોડક્ટની જગ્યાએ દુધ, છાશ, ને જ્યુસની ફેક્ટરી નાખીએ. ભલે એ દુધ, છાશ દસને બદલે ત્રીસમાં વેચીએ.. કમ સે કમ ભારતની યુવા શક્તિ વ્યસનથી તો મુક્ત રહેશે. આપણાં દેશનો યુવા, વૃદ્ધ, તરુણ વ્યાસંમુક્ત થશે તો સ્વસ્થ રહેશે. લાંબુ જીવશે. કર્મઠ બની કામ કરશે અને પોતાના પરિવારની સમૃદ્ધિની સાથે દેશમાં પ્રગતિ લાવવામાં પણ યોગદાન આપી શકશે. ચાલો આવા નાનામોટા સુધારા આપણી જાતે લાવી બને એટલું આપણે દેશને સુધારવામાં, દેશને પ્રગતિના પંથે અગ્રેસર કરવામાં યોગદાન આપીએ. અને આ સ્વતંત્રતાના પર્વને એક અનોખી રીતે ઉજવીએ. આખું વર્ષ ઉજવીએ.

 

હાર્દિક કલ્પદેવ પંડયા

જે કરો તે મનથી કરો…

આજે ઘણા ખરા લોકો ચિંતા, આવેશ અને તણાવમાં જીવી રહ્યા છે. હસતાં મોઢા સાથે કદાચ જ કોઈ જોવા મળે છે. આનું મુખ્ય કારણ એ છે કે આપણે જે કોઈ કામ કરીએ છીએ એ મજબૂરી અથવા જવાબદારી માનીને મગજ પર ભાર રાખીને કરીએ છીએ અને એ કામને માત્ર પૂરું કરવા જ કરીએ છીએ.. આપણે આપણાં કામને માણી શકતા નથી… કે એમ કહો કે કામને માણતા નથી. એટલે જ એ કામ સફળતા પૂર્વક પાર પડતું નથી. સફળતા મળવાને બદલે નિષ્ફળતા મળે છે. આ કારણે આપણે તણાવ અનુભવીએ છીએ. આ તણાવ આપણાં શરીર પર પણ ખોટી અસર કરે છે. આપણે ગંભીર બીમારીઓના શિકાર બનીએ છીએ. આ તણાવ માત્ર શરીરને જ નુકશાન નથી પહોંચાડતું પણ આ તણાવના કારણે સંબંધોમાં ખટાશ આવવાની શક્યતાઓ પણ વધી જાય છે. ઘરમાં કજિયા કંકાસનો વધારો થાય છે. જીવન જાણે નાશ પામે છે. માટે આ તણાવથી જો દૂર રહેવું હોય તો પોતાના રસના ક્ષેત્રમાં જ કામ કરવું જોઈએ, જેથી આપણે આપણું કામ માણી શકીએ અને ઉત્સાહ અને આનંદ સાથે કામ કરી શકીએ. જો આપણે પોતાના રસનું કામ કરીએ છીએ તો તેમાં આપણું મન એકાગ્રતા પૂર્વક પોરવાયેલું હોય છે કારણ કે એ કામ કરવામાં આપણને આનંદ આવે છે, જ્યારે એકાગ્રતાથી કોઈ કામ થાય ત્યારે તેમાં સફળતા તો ચોક્કસ મળે જ ને..??!!

પોતાના સપનાને બાળકોની જવાબદારી ન બનાવવી..

અહીં એક વાત એ પણ છે કે કેટલાક લોકો એવા પણ હોય છે કે જે પોતાના ન પૂરા થયેલ સપનાઓને પૂરા કરવા પોતાના બાળકો ઉપર આશા અને અપેક્ષા રાખે છે અને બાળકો તેમના માતા-પિતાના સપના પૂરા કરવા માટે પોતાના સપનાઓનો ભોગ આપી દે છે. સંસ્કાર અને સંસ્કૃતિનું આ કદાચ ઉત્કૃષ્ટ ઉદાહરણ હોઈ શકે પણ જે સંસ્કૃતિ અને સંસ્કાર બાળકને જીવન માણવાનું શીખવાડવાની જગ્યાએ માત્ર જીવી નાખવાની શિક્ષા આપે એ શું કામના??? માટે વડીલો અને માતા-પિતાએ પણ બાળકોને સ્વતંત્રતા પૂર્વક તેમના ગમતા ક્ષેત્રમાં આગળ વધવાની અને સફળતાના શિખરોને સર કરવાની છુટ આપી તેમના આત્મવિશ્વાસમાં વધારો કરવો જોઈએ.. તેમણે કહેવું જોઈએ કે “બેટા તમારે જે ક્ષેત્રમાં આગળ વધવું હોય તેમાં વધો… હું/અમે તમારી સાથે જ છું/છીએ. આમ કરવાથી બાળક પોતાના મનગમતા વિષયનુ નિષ્ઠા પૂર્વક અધ્યયન કરશે અને ઉત્તમ જ્ઞાન મેળવી એ ક્ષેત્રમાં સફળતાને પ્રાપ્ત કરશે. અને જ્યારે પોતાના મનગમતા ક્ષેત્રમાં આગળ વધી સફળ થશે તો તે જીવનને માણી અને તણાવમુક્ત જીવન જીવશે. આનો બીજો લાભ એ પણ કે બાળકોની નજરમાં તમારું માન પણ વધશે. ગર્વથી કહેશે કે “મારા માતા-પિતાએ મને હંમેશા પૂરતી સ્વતંત્રતા આપી છે.” આ પૂરતી સ્વતંત્રતા તેમને જવાબદાર બનાવશે અને તમારું નામ ઉજ્જવળ પણ કરશે. માટે હંમેશા બાળકોને તેમની મરજી પ્રમાણે અને રસ પ્રમાણેનું ક્ષેત્ર પસંદ કરવા દો અને આગળ વધવા દો. હા, ચોક્કસ એમનું માર્ગદર્શન કરી એમને ગેરમાર્ગે દોરાતા રોકો અને સાચાખોટાનું ભાન પણ કરાવો… એની જરાય ના નહીં પણ પોતાના સપના પૂરા કરવાનું સાધન પોતાના બાળકને ન જ બનાવશો.

આપણાં સૌનું અંતિમ ધ્યેય ખુશહાલી અને આત્મિક આનંદ જ હોય છે, એ વાતને તો તમે સૌ સહમત થશો જ. તો આ ખુશી કે આત્મિક સુખ/આનંદ ક્યારે મળે??? આ ત્યારે જ મળે જ્યારે આપણે જીવનને પોતાની મરજી મુજબ જીવીએ અને પોતાના મનપસંદ ક્ષેત્રમાં કામ કરી સફળતા મેળવીએ… માટે જે કરો તે મનથી કરો. અને પોતાના નફા, નુકશાન, સફળતા અને નિષ્ફળતાની શક્યતાઓ વગેરે બધા જ પાસાઓને જાણી પારખીને જે કામ કરવામાં આનંદ આવતો હોય અને જે વિષયનો અભ્યાસ કરવામાં રુચિ પડતી હોય તે પસંદ કરો તો સફળતા ચોક્કસ મળે છે અને જ્યારે સફળતા મળે છે ત્યારે ચોક્કસ આપણું અંતિમ ધ્યેય એટલે કે ખુશહાલી અને આત્મિક આનંદ પ્રાપ્ત થઈ જ જાય છે.

તો ચાલો આજથી જ નક્કી કરીએ કે જે કોઈ કામ કરીશું તે મનથી કરીશું અને સફળતાનો સ્વાદ ચાખવાની સાથે જીવનને માણીશું પણ ખરા…. અને હંમેશા તણાવમુક્ત રહી ખુલ્લા મનથી હસીશું અને હસતાં શીખવાડીશું સૌને…!

 

હાર્દિક કલ્પદેવ પંડયા

નસીબ એટલે વળી શું??

આપણે કેટલાકને કહેતા સાંભળ્યા છે કે “મારું તો નસીબ જ ખરાબ છે.” તો કેટલાકને “નસીબ જેવુ કાંઈ નથી હોતું, મહેનતથી જ બધુ પ્રાપ્ત થાય છે.” કહેતા સાંભળ્યા છે. પણ વળી આ નસીબ કઈ બલાનું નામ છે?

દોસ્તો, જો આપણે આપણાં વ્યક્તિત્વમાં નિખાર લાવવો હશે તો આ “નસીબ” શબ્દ અને તેના અર્થને સમજવો ખુબ જ જરૂરી છે. દરેક માણસ પોતાના જીવનકાળમાં અનેક ઘટનાઓમાંથી પસાર થાય છે, જન્મ, બાળપણ, શાળાજીવન, મિત્રમંડળ, જીવનસાથી, નોકરી-ધંધો, અને પછી પોતાના બાળકો… અને આમ જ જીવનકાળ અવિરત ચાલ્યા કરે છે.  અને આ બધી જ ઘટનાઓ દરમિયાન જે શબ્દ સૌથી વધારે આપણે સાંભળીએ છીએ તે છે “નસીબ”…

દોસ્તો, આ “નસીબ” એટલે આપણાં ભૂતકાળમાં કરેલા કર્મોના આધારે આપણાં જીવનમાં ઘટતી અણધારી ઘટનાઓ કે જેના વિશે આપણને કંઈ જ ખબર નથી હોતી. બસ એ ઘટના ઘટે છે અને એને આપણે માત્ર સ્વીકારવાની હોય છે. સ્વીકારવી જ પડે છે… જેના પર આપણું કોઈ જ નિયંત્રણ નથી હોતું. બસ આને કહેવાય “નસીબ”. પણ હા હોં! આ “નસીબ”ને આપણાં નિયંત્રણમાં લાવવું એટલું અઘરું પણ નથી જ. બસ પોતાના પર આત્મવિશ્વાસ રાખી આગળ વધીએ અને સકારાત્મક્તા પૂર્વક સાચા રસ્તે સખત મહેનત કરીએ. બસ પછી જુઓ આપણું નસીબ કેવું બદલાય છે અને આપણી ઇચ્છા મુજબના પરિણામ આવે છે.

“જે છે, તે છે” બસ આ સ્વીકારી આગળ વધીશું તો ભયમુક્ત જીવન જીવી શકીશું. જે “નસીબમાં થવાનું છે તે તો થઈને જ રહેશે.” આ વાત સમજી ગયા એ સૌ સફળતા તરફ એક ડગલું આગળ વધી ગયા. કારણ કે તેમના જીવનમાં કોઈ પણ તકલીફો આવશે તોય એ ડગી નહીં જાય પણ “આ તો ભગવાન તરફથી થતી મારી પરીક્ષા છે. મને કંઈક સરસ પરિણામ આપવા માટે.” એમ કહી એ તકલીફ સામે લડી જશે. અને ક્યારેય એને અફસોસ પણ નહીં અનુભવાય, કારણ કે એ જાણે છે કે “મેં જે કર્યું છે એનું જ આ પરિણામ છે.” બસ આપણે પણ આ જ શીખવાનું છે. અને પછી જુઓ જીવન કેવું ખુશખુશાલ થઈ જાય છે.

આ નસીબ એટલે ભગવાન રામનું ચૌદ વર્ષનું વનવાસ, ભગવાન કૃષ્ણનું એક સામાન્ય શિકારી દ્વારા મોત, અને મીરાને ઝેર પીવાની ફરજ પડવી…. અને ઈતિહાસમાં અમર થઈ ગયેલ અનેક મહાનુભાવોના જીવનમાં આવેલ મુશ્કેલીઓ… તો પછી આપણે કોણ વળી?

બસ આટલું યાદ રાખો:

  • જે છે, તે છે…
  • જે થવાનું છે, તે તો થઈને જ રહેશે.
  • બસ એને સ્વીકારીને આગળ વધવું અને જીવનને માણવું.!

સ્વતંત્રતા કોને કહેવાય?

આ સ્વતંત્રતા એટલે શું? આ એક ખૂબ રસપ્રદ પણ જટિલ એવો મહત્વપૂર્ણ વિષય છે. આજના સમયમાં આઝાદી, સ્વતંત્રતા અને અભિવ્યક્તિની આઝાદી એવા વિષયોએ ખૂબ જ જોર પકડ્યું છે. પણ લોકોની દલીલો અને ચર્ચાઓ જોતાં ખરેખર લાગે છે કે આ સ્વતંત્રતાનો સાચો અર્થ કોઈને ખબર જ નથી.

લોકોના સ્વતંત્રતા વિશે શું મંતવ્ય છે?

નાના ભૂલકાઓને પૂછશો સ્વતંત્રતા એટલે શું? તો સૌથી પહેલા તો એમને અંગ્રેજીમાં ભાષાંતરીત કરીને પૂછવું પડશે કે “વોટ ઈઝ ફ્રીડમ ફોર યૂ?” અને પછી એમનો જવાબ મળશે. ખેર અત્યારે ભાષાની ચર્ચા રહેવા દઈએ. વાત સ્વતંત્રતાની છે. એ ભૂલકાઓ કહેશે કે આખો દિવસ રમવાની અને ટીવી જોવાની વિના કોઈ રોકટોક પરવાનગી એટલે સ્વતંત્રતા… ભાઈ હવે આ અબોધ ઉંમરે તો આ જ માંગ હોય ને એમની… એય ખોટા તો નથી જ. અત્યારે લોકો છોકરાઓને હજી તો સરખું બોલતા પણ ના આવડતું હોય ને શાળાના બોઝા તળે મૂકી દે છે. શું કામ? તો જવાબ હોય આ દુનિયાની ભાગદોડમાં પોતાને સક્ષમ બનાવતા શીખે. માં-બાપથી છૂટો થાય. સ્વાવલંબી બને. અરે એમ કહોને કે બે-ચાર કલાક તમનેય એમના અબોધ નખરાં ઉઠાવવાથી છુટકારો(સ્વતંત્રતા) મળે.

કિશોરાવસ્થામાં તાજેતરમાં પ્રવેશેલા બાળકોને પુછો તો કહેશે અમને મન મરજી મુજબ ઘરની બહાર ફરવા મળે, શું કરીએ છીએ કોની સાથે ફરીએ છીએ, શું વાતો કરીએ છીએ એ પૂછતાછ ના થવી જોઈએ એ સ્વતંત્રતા. સાચે આ ઉંમરે જ્યારે બાળકોને માતપિતા કરતાં મિત્રોની વધુ જરૂર હોય છે ત્યારે મા-બાપનું માતપિતાપણું  બાળકોના મનમસ્તિસ્ક પર હાવી થવા તૈયાર જ બેઠું હોય છે. આ ખોટું છે એ જાણતાં હોવા છતાં…. ત્યારે સ્વતંત્રતાની વ્યાખ્યા તો આવી જ હોવાની ને?

યુવા વર્ગ… આ યુવાનીમાં સ્વતંત્રતા અને સ્વછંદતા વચ્ચેનો ફરક કરવાની સમજશક્તિ કેળવાયેલી નથી હોતી અને એ સમયે મા-બાપ નહીં પણ સાચા માર્ગદર્શકની જરૂર હોય છે જે સંતાનને તેમની જ ભાષામાં ફરક સમજાવે અને એ પ્રમાણે વર્તવાની સમજ આપે. અહીં પણ મા-બાપ સમાજની શરમના નામે, પોતાના સ્ટેટસના નામે સંતાનો પર પોતાનું માતપિતાપણું થોપે છે અને છેવટે સ્વતંત્રતાનો મતલબ પરિપક્વતાથી સમજવાની જગ્યાએ સ્વછંદતા સંતાનના મન અને મગજ પર વર્ચસ્વ પાડી દે છે. અને એમના જ પતનને  નોતરે છે. અહીં ભૂલ સંતાનોની નથી જ કે તેઓ ખોટા રસ્તે વળ્યા. ભૂલ છે માતપિતા અને વડીલોની… આ કટુસત્ય નિખાલસતા અને સકારાત્મકપણે સ્વીકારવું જ રહ્યું.

વૃદ્ધાવસ્થાનો સમય… આ એક એવો સમય છે જ્યારે વ્યક્તિનું મગજ પરિપક્વતા વાળું અને હૃદય અબોધ બાળક સમું હોય છે. આ સમયે વ્યક્તિ બીજું કશું જ ઇચ્છતી નથી હોતી સિવાય પ્રેમ, સ્નેહ અને માન-સન્માન… પણ યુવાપેઢી કે જેને સ્વચ્છંદતાની આદત પડી ગઈ છે એ વડીલોને પ્રેમ અને સ્નેહ તો ઠીક માન પણ આપવામાં માનતી નથી. બસ “તમને ખબર ના પડે..” “તમે જુનવાણી લોકો…” અને આવા જ કેટલાય હૃદયને વીંધી નાખે એવા શબ્દોથી અપમાન કરી દે છે. તેમની કોઈ પણ દલીલ આ યુવા વર્ગને ખોટી જ લાગે છે. અને છેવટે આ વડીલોની સ્વતંત્રતાનું કરૂણ મોત થાય છે.

હવે ખરેખર સ્વતંત્રતા એટલે શું?

દોસ્તો, પોતાની બધી જ ફરજોને ઈમાનદારી પૂર્વક નિભાવીને સ્વજનોની ઇચ્છા અને ભાવનાનું સન્માન કરી પોતાની મરજી મુજબનું જીવન જીવવા માટે સર્વાંગી સંમતિ પૂર્વક પરવાનગી મેળવવી અને ઈચ્છુક જીવન જીવવું એટલે સાચી સ્વતંત્રતા. સ્વતંત્રતા એમ જ નથી મળતી. સ્વતંત્રતા એક રીતે હકનું જ બીજું નામ છે. અને તમને ખબર જ હશે કે હક પોતાની સાથે ફરજ લઈને આવે છે. એ જો ના નિભાવી શકો તો તમને તમારા હકો પર અધિકાર બતાવવાનો પણ અધિકાર નથી.

બાળકો મા-બાપને સન્માન આપે એમની વાત માની તેઓ જે કહે છે એ એમના સારા માટે જ કહે છે એ વિશ્વાસ રાખી માં-બાપના કહ્યા મુજબ વર્તવાની ફરજ ઈમાનદારીથી નિભાવે તો એમની ઇચ્છાને મા-બાપ પૂરી કરી એમને સ્વતંત્રતાનો અહેસાસ કરાવશે. જો યુવાવર્ગ નાનામાં નાની વાત માતાપિતા સાથે સાઝા કરશે અને એમના મંતવ્યોને ધ્યાનમાં લેવાની તૈયારી બતાવશે તો કોઈ પણ રોકટોક અને પૂછતાછ વગર મા-બાપ પણ તેમને બધા જ પ્રકારની છૂટ(સ્વતંત્રતા) આપશે. જો માં-બાપ પણ બાળકોના મિત્ર બની એમના સલાહકાર બનવાની જગ્યાએ માર્ગદર્શક બનશે તો સંતાન પણ સ્વતંત્રતા અને સ્વચ્છંદતા વચ્ચે ફરક કરતાં આસાનીથી શીખશે. યાદ રાખો સલાહ આપનાર અને લેનાર બેય એમ જ વિચારે છે કે એ બીજા માટે છે. એટલે યુવાન સંતાનના સલાહકાર બનવા કરતાં માર્ગદર્શક બનો. અને છેલ્લે વાત વૃદ્ધાવસ્થાની…. જો શિશુહૃદય ધરાવતા વૃદ્ધ મા-બાપની ઇચ્છાઓને માન આપવાની ફરજ સાચા હૃદયથી સંતાનો નિભાવશે તો મા-બાપ પણ તેમની ઇચ્છા અને ભાવનાનું ધ્યાન રાખશે અને સંતાનો તથા મા-બાપ બેય પરસ્પર સ્વતંત્રતાનો અહેસાસ કરશે અને કરાવશે.

દોસ્તો આ સ્વતંત્રતા માણવાની સાથે નિભાવવાની વાત છે. સમજદારી પૂર્વક, પરિપક્વતા પૂર્વક, લાગણી પૂર્વક અને સન્માન પૂર્વક…

હાર્દિક કલ્પદેવ પંડ્યા