કરો સવારની સકારાત્મક શરૂઆત અને બનાવો દિવસ આખો તહેવાર..!!

એવું કહેવાય છે કે જેની સવાર સુધરી એનો આખો દિવસ સુધરી ગયો! પણ કેમ? કારણ કે સવાર એટલે નવા દિવસની શરૂઆત. નવો દિવસ એટલે નવું જીવન અને નવો પ્રારંભ…!!! અને એટલે જ કહેવાય છે કે દિવસની શરૂઆત એટલે કે સવાર સકારાત્મક રીતે થાય અને આનંદ પૂર્વક થાય એ ખૂબ સારું. અને એ માટે આપણે સૌએ કેટલી સકારાત્મક આદતોને કેળવવી જોઈએ. અને આજે એ જ વિષે હું વાત કરવા જઈ રહ્યો છુ.

દિવસની શરૂઆતના પહેલા બે કલાક ઓછામાં ઓછા આ સકારાત્મક પ્રવૃત્તિ માટે ફાળવવા જોઈએ. તો ચાલો જોઈએ એ સકારાત્મક પ્રવૃત્તિ કઈ છે. પહેલા તો ઊઠીને તરત મોબાઇલ અને એવા બીજા આધુનિક ઉપકરણોને હાથમાં લેવાની આદત છોડવી. અને ઉઠ્યા બાદ સીધા જ બીજા કામોમાં લાગ્યા વિના દસ મિનિટ મૌન પાળવું.. આમ તો હું લગભગ એક કલાક ઓછામાં ઓછું મૌન પાળવાની સલાહ આપું છું. પણ શક્ય ન હોય તો પણ દસ મિનિટ તો ચોક્કસ મૌન પાળવું અને એક જગ્યાએ ચૂપચાપ બેસી રહેવું. હા, મનોમન જે ભગવાનને માનતા હોઈએ એમનું નામ જપ કરી શકાય, મંત્રોચ્ચાર કરી શકાય. ત્યાર પછી એક ચિત્ત થઈ ધ્યાન કરવું અને આપણાં અંતરની સફરે નીકળવું. ધ્યાન એટલે આપણાં અંતરમાં વિરાજમાન ભગવાન સાથે વાતો કરવાનો એક સોનેરી અવસર.. જ્યારે આપણે ભગવાન સાથે એકાંતનો સમય ગાળી શકીએ છીએ. અને આપણાં પ્રશ્નોનાં ઉકેલ પણ મેળવી શકીએ છીએ. અને સાચું માર્ગદર્શન મેળવી શકીએ છીએ. ખરેખર આ ધ્યાન એ મનની શાંતિ અને પ્રફુલ્લિતતા મેળવવા માટે ખૂબ કારગર સાબિત થઈ શકે છે.

ત્યાર બાદ હળવી પણ શરીરને સ્વસ્થ રાખવા જરૂરી એવી કસરતો કરવી. કસરત અને યોગાસન માટે વધુ નહીં તો પણ વીસથી પચ્ચીસ મિનિટનો સમય ફાળવવો જોઈએ. આપણી તન્દુરસ્તી અને રોગપ્રતિકારક શક્તિની વૃદ્ધિ માટે એ ખૂબ જ જરૂરી છે. જ્યારે આપણે કસરત અને યોગાસન જેવી પ્રવૃત્તિ કરીએ છીએ ત્યારે શરીરની એક એક માંસપેશીઓ ખુલી જાય છે, જકડન જેવુ ક્યાંય પણ હોય તો તે નીકળી જાય છે. અને લોહીનું ભ્રમણ આખા શરીરમાં સપ્રમાણ થવા લાગે છે. આ પ્રવૃત્તિ એટલે આપણી અંદર એક ઉર્જાનો સંચાર કરવાનો ઉત્તમ ઉપાય. શરીરની તન્દુરસ્તી માટે જેટલી જરૂરી કસરત છે એટલું જ જરૂરી પ્રાણાયામ પણ છે. પ્રાણાયામ એટલે આપણાં શરીરની બોત્તેર હજાર નાડીઓમાં સપ્રમાણ ઑક્સીજન પહોંચાડવાનો સરસ ઉપાય. આ પ્રાણાયામ દ્વારા આપણે આપણી રોગપ્રતિકારક શક્તિને વધુ મજબૂત કરી શકીએ છીએ. આમ તો પ્રાણાયામ ઘણા પ્રકારના છે. અને દરેક પ્રાણાયામનું એક આગવું મહત્વ છે. પણ સર્વ સામાન્ય પ્રાણાયામ એટલે અનુલોમ વિલોમ… ઓછામાં ઓછા બાર સાઇકલ આ અનુલોમ વિલોમ કરવાથી આપણાં શરીરની બધી જ નાડીઓમાં સપ્રમાણ ઑક્સીજન પહોંચી શકે છે. અને એ સાથે જ આપણાં શરીરમાં વહેતા લોહીનું શુદ્ધિકરણ ખૂબ જ સરસ રીતે થાય છે.

ત્યાર બાદ આપણે થોડો સમય આપણાં ધ્યેયની પૂર્તિ માટે પણ ફાળવવો જોઈએ. અહીં હું એમ કહીશ કે એક નોટબૂક બનાવવી જોઈએ, જેમાં આપણે રોજ પોતાનો ધ્યેય એટલે કે “GOAL” લખીએ અને પછી તેને ત્રણ વખત મોટેથી વાંચીએ. આમ કરવાથી આપણાં અર્ધજાગૃત મનને આપણે તૈયાર કરી શકીએ છીએ આપણાં સપનાઓ અને ઇચ્છાઓને પૂરા કરવા કાર્યરત થવા માટે. આ લખાણ પૂરું કર્યા પછી આપણે વિઝ્યુલાઇઝેશન અને એફરમેશનની પ્રવૃત્તિ એટલે કે આપણાં સ્વપ્નના જીવનને મનની આંખો આગળ કાલ્પનિક રીતે ચિત્રબદ્ધ કરવું અને તેને સત્ય માનવા આપણાં અર્ધજાગૃત મનને તૈયાર કરવું. આ એક આકર્ષણના સિદ્ધાંત રૂપ પ્રવૃત્તિ છે જેના દ્વારા આપણે આપણાં સપનાઓ સાકાર કરી શકીએ છીએ.

અને ત્યાર બાદ સૌથી છેલ્લે “love yourself” પ્રવૃત્તિ એટલે કે પોતાની જાતને પ્રેમ કરતાં શીખવું… ચોક્કસ આ પ્રવૃત્તિ કરવી જોઈએ. આપણી અંદર સકારાત્મક ઉર્જા અને આત્મવિશ્વાસનો સંચાર કરવા માટે આ ખૂબ જ ઉપયોગી પ્રવૃત્તિ છે. કારણ કે જો આપણે પોતાની જાતને પ્રેમ નહીં કરી શકીએ તો પછી આપણે બીજાને કેવી રીતે પ્રેમ કરી શકીશું? અને એ સાથે જ આપણે આપણાં કામને પણ કેવી રીતે પ્રેમથી નિષ્ઠાપૂર્વક કરી શકીશું? બસ આ બધુ પૂરું કરવામાં આપણને આ પ્રવૃત્તિ ખરેખર મદદરૂપ થાય છે. આપણને આપણાં નિર્ણયો પર પણ ઘણી વખત અવિશ્વાસ ઊભો થતો હોય છે અને એ જ અપૂરતો વિશ્વાસ જ આપણી નિષ્ફળતાનું કારણ બને છે. માટે જો આપણે આ પ્રવૃત્તિ કરીએ તો ચોક્કસ આપનો આત્મવિશ્વાસ વધશે અને આપણે આત્મવિશ્વાસ સાથે પોતાના નિર્ણયો લઈ શકીશું. અને સફળતા પણ પ્રાપ્ત કરી શકીશું.

આટલું પણ કરીને જો આપણે આપણાં દિવસની શરૂઆત કરીએ તો જે સકારાત્મક ઉર્જા આપણી અંદર ઉદ્દભવે છે તે આપણને આખો દિવસ સકારાત્મક અને સ્ફૂર્તિવાન બની રહેવામાં મદદ કરે છે અને આપણાં બધા જ કામ સફળ થાય છે. એટલું જ નહીં પણ ઘર પરિવારમાં પણ સકારાત્મક વાતાવરણ ઊભું થાય છે અને પ્રેમ અને સ્નેહભર્યા સંબંધો વધુ મજબૂત થાય છે. જીવનમાં સુખ, સમૃદ્ધિ, સ્વાસ્થય અને સફળતા લાવવા આપણી દિવસની શરૂઆત ચોક્કસ આ પ્રકારની સકારાત્મક પ્રવૃત્તિઓ દ્વારા કરવી જોઈએ.

તો ચાલો કરીએ શરૂઆત આજથી જ સકારાત્મક સવારની… આ સરસ મજાની પ્રવૃતિઓથી સવારને સકારાત્મક બનાવી દિવસની શરૂઆત કરીએ. આપણાં ઇચ્છિત ભવિષ્યની ડોર આપણાં હાથમાં લઈએ. બનાવીએ આપણાં જીવનને તહેવાર આ સકારાત્મક આદતો કેળવીને..!!

હાર્દિક કલ્પદેવ પંડ્યા

આરોગ્યમ ધન સંપદા…

આપણું આરોગ્ય જ આપણી સાચી સંપત્તિ છે. જેનું આરોગ્ય સારું તેનું આખું જીવન તહેવાર થઇ જાય છે. સ્વાસ્થયનો મતલબ માત્ર શારીરિક રીતે સ્વસ્થ બનવું નથી, પણ માનસિક રીતે પણ સ્વસ્થ થવું જરૂરી છે. કારણ કે વ્યક્તિ શારીરિક રીતે સ્વસ્થ હોય કે ન હોય જો માનસિક રીતે જો તે સ્વસ્થ હશે તો પોતાની શારીરિક બીમારીને પણ સારી કરી શકશે. અને એ વાત તો તબીબી વિજ્ઞાને પણ સાબિત કર્યું છે કે જો મનોબળ મજબુત રાખીએ તો ગંભીરથી ગંભીર બીમારી પણ દુર કરી શકાય છે.

મનની તંદુરસ્તી માટે સકારાત્મક વિચારો કરો અને અને આ સકારાત્મક વિચારોનું ઉદ્ગમ બિંદુ એટલે સકારાત્મક વાંચન… હા વાંચન અને એ પણ સકારાત્મક વાંચન એ સૌથી ઉત્તમ ઉપાય છે વિચારોમાં સકારાત્મકતા લાવવા માટે… આ વિચારોની સકારાત્મકતા આપણા દ્રષ્ટિકોણમાં પણ બદલાવ લાવે છે. અને આપણા દ્રષ્ટિકોણને બદલીને જ તો આપણે દુનિયા બદલી શકીએ છીએ… તો આપાણી સ્વાસ્થયની પરિસ્થિતિ શા માટે નાં બદલાય?

મનની તંદુરસ્તી માટે એક ઉત્તમ ઉપાય એ પણ છે કે આપણી અંદર એક બાળક આજીવન જીવતો રાખવો જોઈએ. હા, એક બાળક જ છે જે મનથી હંમેશા ખુશ રહે છે. કોઈ પણ જાતની ચિંતા વિના જીવનને તહેવારની જેમ માણે છે. અને એટલે જ બાળકોમાં સ્ફૂર્તિ અને જોશ વધુ હોય છે. જે તેમની રોગ પ્રતિકારક શક્તિમાં પણ વધારો કરે છે. માટે અંતરમનમાં હંમેશા એક બાળકને જીવંત રાખો… આજીવન નીરોગી રહી શકશો. બાળકોની રમતો રમો, બાળકોની જેમ નિખાલસ બની કોઈપણ શિસ્તનો વિચાર કાર્ય વિના થોડો સમય ધમાલ મસ્તી માટે કાઢો. મનની તંદુરસ્તી માટે આ પણ એક ઉત્તમ ઉપાય છે.

ચાલો આ મનની તંદુરસ્તીના તો કેટલાક ઉપાય તમને આપ્યા. પણ એ સાથે જો તન પણ તંદુરસ્ત રહે તો કેટલું સારું, નહિ? અરે તમે ચોક્કસ કહેશો એ તો સોને પે સુહાગા જેવું…. બરાબર ને.. તો ચાલો વાત કરીએ હવે તનની તંદુરસ્તી માટે…

તનની તંદુરસ્તી માટે રોજ સવારે વહેલા ઉઠીને ઓછામાં ઓછું અડધો કલાક કસરત, યોગ વગેરેને આપવો. રોજ ઓછામાં ઓછું આઠથી દસ આંટા મારવા, પ્રાણાયામ, અનુલોમ-વિલોમ વગેરે કરવું. બીજું કંઈ નહિ તોય જો સૂર્ય નમસ્કાર એકવાર કરવામાં આવે તો પણ એક ઉત્તમ ઉર્જા આપણી અંદર ઉદ્ભવી શકે છે. કારણ કે આપ સૌ એ તો જાણો અને માનો જ છો કે સૂર્ય એટલે ઉર્જાનો ઉત્તમ સ્રોત.. અને હા, આ તનની તંદુરસ્તીમાં ખોરાકનો પણ એટલો જ મહત્વનો ફાળો છે હોં.. આ આજના આધુનિક સમયમાં જયારે ફાસ્ટ ફૂડ જોરમાં છે ત્યારે તનની તંદુરસ્તી બગડવાનું એક મુહ્ય કારણ આપનો ખોરાક પણ છે. માટે સાત્વિક અને પૌષ્ટિક ખોરાક તો ખરો જ…

તો ચાલો આજે ખુબ જ નાની અમથી પણ મહત્વની વાત કરી “આરોગ્યમ ધન સંપદા” જો કે આ વિષય પર તજજ્ઞો તો આખેઆખા પુસ્તકો લખી ચુક્યા છે.. ને હું પણ માનું છું કે આ વિષય પર એક આખો ગ્રંથ લખી શકાય એમ છે.. પણ આ નાની નાની વાતો પણ જો ધ્યાનમાં લેવાય તો પણ તન અને મનની તંદુરસ્તી જાળવી રાખી શકાય.. માટે બસ એટલું જ કહીશ..

સ્વસ્થ રહો… સુખી રહો… સમૃદ્ધિને વરો…

હાર્દિક કલ્પ્દેવ પંડ્યા