આજે ઘણા ખરા લોકો ચિંતા, આવેશ અને તણાવમાં જીવી રહ્યા છે. હસતાં મોઢા સાથે કદાચ જ કોઈ જોવા મળે છે. આનું મુખ્ય કારણ એ છે કે આપણે જે કોઈ કામ કરીએ છીએ એ મજબૂરી અથવા જવાબદારી માનીને મગજ પર ભાર રાખીને કરીએ છીએ અને એ કામને માત્ર પૂરું કરવા જ કરીએ છીએ.. આપણે આપણાં કામને માણી શકતા નથી… કે એમ કહો કે કામને માણતા નથી. એટલે જ એ કામ સફળતા પૂર્વક પાર પડતું નથી. સફળતા મળવાને બદલે નિષ્ફળતા મળે છે. આ કારણે આપણે તણાવ અનુભવીએ છીએ. આ તણાવ આપણાં શરીર પર પણ ખોટી અસર કરે છે. આપણે ગંભીર બીમારીઓના શિકાર બનીએ છીએ. આ તણાવ માત્ર શરીરને જ નુકશાન નથી પહોંચાડતું પણ આ તણાવના કારણે સંબંધોમાં ખટાશ આવવાની શક્યતાઓ પણ વધી જાય છે. ઘરમાં કજિયા કંકાસનો વધારો થાય છે. જીવન જાણે નાશ પામે છે. માટે આ તણાવથી જો દૂર રહેવું હોય તો પોતાના રસના ક્ષેત્રમાં જ કામ કરવું જોઈએ, જેથી આપણે આપણું કામ માણી શકીએ અને ઉત્સાહ અને આનંદ સાથે કામ કરી શકીએ. જો આપણે પોતાના રસનું કામ કરીએ છીએ તો તેમાં આપણું મન એકાગ્રતા પૂર્વક પોરવાયેલું હોય છે કારણ કે એ કામ કરવામાં આપણને આનંદ આવે છે, જ્યારે એકાગ્રતાથી કોઈ કામ થાય ત્યારે તેમાં સફળતા તો ચોક્કસ મળે જ ને..??!!
પોતાના સપનાને બાળકોની જવાબદારી ન બનાવવી..
અહીં એક વાત એ પણ છે કે કેટલાક લોકો એવા પણ હોય છે કે જે પોતાના ન પૂરા થયેલ સપનાઓને પૂરા કરવા પોતાના બાળકો ઉપર આશા અને અપેક્ષા રાખે છે અને બાળકો તેમના માતા-પિતાના સપના પૂરા કરવા માટે પોતાના સપનાઓનો ભોગ આપી દે છે. સંસ્કાર અને સંસ્કૃતિનું આ કદાચ ઉત્કૃષ્ટ ઉદાહરણ હોઈ શકે પણ જે સંસ્કૃતિ અને સંસ્કાર બાળકને જીવન માણવાનું શીખવાડવાની જગ્યાએ માત્ર જીવી નાખવાની શિક્ષા આપે એ શું કામના??? માટે વડીલો અને માતા-પિતાએ પણ બાળકોને સ્વતંત્રતા પૂર્વક તેમના ગમતા ક્ષેત્રમાં આગળ વધવાની અને સફળતાના શિખરોને સર કરવાની છુટ આપી તેમના આત્મવિશ્વાસમાં વધારો કરવો જોઈએ.. તેમણે કહેવું જોઈએ કે “બેટા તમારે જે ક્ષેત્રમાં આગળ વધવું હોય તેમાં વધો… હું/અમે તમારી સાથે જ છું/છીએ. આમ કરવાથી બાળક પોતાના મનગમતા વિષયનુ નિષ્ઠા પૂર્વક અધ્યયન કરશે અને ઉત્તમ જ્ઞાન મેળવી એ ક્ષેત્રમાં સફળતાને પ્રાપ્ત કરશે. અને જ્યારે પોતાના મનગમતા ક્ષેત્રમાં આગળ વધી સફળ થશે તો તે જીવનને માણી અને તણાવમુક્ત જીવન જીવશે. આનો બીજો લાભ એ પણ કે બાળકોની નજરમાં તમારું માન પણ વધશે. ગર્વથી કહેશે કે “મારા માતા-પિતાએ મને હંમેશા પૂરતી સ્વતંત્રતા આપી છે.” આ પૂરતી સ્વતંત્રતા તેમને જવાબદાર બનાવશે અને તમારું નામ ઉજ્જવળ પણ કરશે. માટે હંમેશા બાળકોને તેમની મરજી પ્રમાણે અને રસ પ્રમાણેનું ક્ષેત્ર પસંદ કરવા દો અને આગળ વધવા દો. હા, ચોક્કસ એમનું માર્ગદર્શન કરી એમને ગેરમાર્ગે દોરાતા રોકો અને સાચાખોટાનું ભાન પણ કરાવો… એની જરાય ના નહીં પણ પોતાના સપના પૂરા કરવાનું સાધન પોતાના બાળકને ન જ બનાવશો.
આપણાં સૌનું અંતિમ ધ્યેય ખુશહાલી અને આત્મિક આનંદ જ હોય છે, એ વાતને તો તમે સૌ સહમત થશો જ. તો આ ખુશી કે આત્મિક સુખ/આનંદ ક્યારે મળે??? આ ત્યારે જ મળે જ્યારે આપણે જીવનને પોતાની મરજી મુજબ જીવીએ અને પોતાના મનપસંદ ક્ષેત્રમાં કામ કરી સફળતા મેળવીએ… માટે જે કરો તે મનથી કરો. અને પોતાના નફા, નુકશાન, સફળતા અને નિષ્ફળતાની શક્યતાઓ વગેરે બધા જ પાસાઓને જાણી પારખીને જે કામ કરવામાં આનંદ આવતો હોય અને જે વિષયનો અભ્યાસ કરવામાં રુચિ પડતી હોય તે પસંદ કરો તો સફળતા ચોક્કસ મળે છે અને જ્યારે સફળતા મળે છે ત્યારે ચોક્કસ આપણું અંતિમ ધ્યેય એટલે કે ખુશહાલી અને આત્મિક આનંદ પ્રાપ્ત થઈ જ જાય છે.
તો ચાલો આજથી જ નક્કી કરીએ કે જે કોઈ કામ કરીશું તે મનથી કરીશું અને સફળતાનો સ્વાદ ચાખવાની સાથે જીવનને માણીશું પણ ખરા…. અને હંમેશા તણાવમુક્ત રહી ખુલ્લા મનથી હસીશું અને હસતાં શીખવાડીશું સૌને…!
હાર્દિક કલ્પદેવ પંડયા