બાળપણ… આહા… શબ્દ સાંભળતા જ મનમાં એક બાળક જન્મ લઈ લે… આખાય ચહેરા પર ચમક આવી જાય. અંતરમન ખેલકૂદ કરવા થનગની ઊઠે. પણ ખરેખર આજે જોઈએ તો બાળપણ ક્યાંક ખોવાઈ ગયું છે.
નાના બાળકોની વાત કરીએ તો, બાળકોમાં પણ બાળપણથી જ સમજદારી, શિસ્ત અને અનુશાસનના નામે આપણે એમનું બાળપણ એમની પાસેથી છીનવી લીધું છે. અને આ જ સમજદારી, શિસ્ત અને અનુશાસનના નામે આપણે પણ બાળક બની બાળકો સાથે રમવાની એ મજા ને ભૂલી ગયા છીએ.
યાદ કરવા બેસીએ કે છેલ્લે ક્યારે નિખાલસ બાળક બની એક બાળકની જેમ બાળકો સાથે રમ્યા હતાં??? તો કદાચ દિવસ આખો નીકળી જશે પણ એક દિવસ શું, એક ક્ષણ પણ એવી યાદ નહીં આવે. ઘણું તો આપણે બાળકની નિખાલસતા અને પ્રમાણિક્તા પણ આપણા બાળપણમાં જ છોડી આવ્યા છીએ. લાલચ અને લોભ, ઈર્ષા અને દ્વેષ ભાવ એટલી હદે આપણે પોતાની અંદર ભરી દીધા છે કે આપણે સાચું ખોટું બધુ જ ભૂલી ગયા છીએ. બાળકોને આપણે સાચું બોલવાના, પ્રમાણિક્તા અને ઈમાનદારીના પાઠ ભણવીએ પણ આપણે પોતે જ એમાંથી કશું આપણા જીવનમાં ન ઊતારીએ તો બાળકોમાં એ સંસ્કાર ક્યાંથી આવે? બાળકો બાળપણમાં જે કંઈ શીખે છે એમાંથી નેવું ટકા નિરિક્ષણ દ્વારા… જે જુએ છે એ જ શીખે છે… હવે આપણે જ ઘૂસખોરી, અપ્રમાણિકતા, અને ભ્રષ્ટાચારને આદરીશું તો બાળકો બીજું શું શીખશે.? આપણે જ વાતે વાતે ગુસ્સા, ઝગડા અને વાદવિવાદ કરીશું અને પોતાને સાચા પાડવાના ખોટી રીતે પ્રયત્ન કરીશું તો બાળકો બીજું શું શીખશે?
ખેર… આજે તો વાત માત્ર એ બાળપણને જીવવાની અને એ બાળપણ સમું જીવન માણવાની જ કરવી છે… તમે ક્યારેય નાના ભૂલકાઓને ચિંતાતુર જોયા છે ખરાં??? ના જરાય નહીં… એ હંમેશા નિશ્ચિંત જ જોવા મળે… કારણ કે એમને જીવન જીવતા નહીં પણ માણતા આવડે છે. એ જીવનની દરેકે દરેક પળને માણી જાણે છે. અને એટલે જ એમના ચહેરા પર સ્મિત કાયમી અકબંધ રહે છે. અને ભગવાન પણ એ ભોળા બાળપણમાં જ વસે છે… બાળકો જે કંઈપણ નવું કરે એમાં જલ્દી સફળ થાય છે, પ્રાથમિક ધોરણોમાં તેઓ હંમેશા પહેલા ને બીજા નંબરે પાસ થાય છે, એનું કારણ ખબર છે? કારણ કે એ સમયે એ માત્ર સફળતાની હોડમાં દોડ નથી લગાવતા પણ જે કંઈ કામ કરે એ પોતાના આનંદ માટે અને કંઈક નવું શીખવાની જિજ્ઞાશા સહ કરે છે. અને એ જ ગુણ એમને સફળતા અપાવે છે. કારણ કે એ જે-તે કામ(ભણતર)માં પોતાને ખુશ રહેવાનુ કારણ શોધતા હોય છે… પોતાનો આનંદ શોધતા હોય છે. પણ એ આનંદમાં ક્યારેય કોઈનું નુકસાન કરવાની ભાવના નથી હોતી. અને એ જ પવિત્રતા એમના જલ્દી સફળ થવાનું મુખ્ય કારણ છે. આપણે જેમ જેમ મોટા થતાં જઈએ છીએ એમ એમ આપણી અંદર પોતાની પ્રગતિના વિચારો કરતાં બીજાની અધોગતિ અથવા બીજાની પ્રગતિ પ્રત્યે ઈર્ષાભાવ પહેલા આવે છે અને એ જ કારણ છે કે આપણે સફળતાને પામી શકતા નથી. આપણાં ભાવ અને વિચાર જો બાળક જેવા સકારાત્મક, શુદ્ધ અને પવિત્ર જીવનના છેલ્લા શ્વાસ સુધી અકબંધ રહે તો આપણે જીવનમાં જે સફળતા જોઈએ છે એ પ્રાપ્ત કરી જ શકીએ અને એટલું જ નહીં એ સફળતા અને સુખને માણી પણ શકીએ.
જીવનનો કોઈપણ તબક્કો હોય એમાં આપણી અંદર એક બાળક હંમેશા જીવંત રહેવું જ જોઈએ. એની એ નિખાલસતા, ભોળાપણું, અને પવિત્રતા એ આપણાં જીવનને ઉત્તમ અને આદર્શ બનાવવા માટેના મૂળભૂત મૂલ્યો છે. આ બાળપણ જ છે જે જીવનનો સાચો અર્થ શીખવે છે… જીવનનો સાચો અર્થ જીવન માત્ર જીવી નાંખવામાં નહીં પણ જીવનને માણવામાં છે.. દરેકે દરેક દિવસ અને દરેકે દરેક પળ એક તહેવારની જેમ માણવી જોઈએ…
પણ આ બાળકને શોધવા અને એ બાળકને આપણાં જીવનમાં જીવંત રાખવા કરવું તો શું??
૧) પોતાના જીવનમાં એક બાળક જીવંત રાખવા હંમેશા અકારણ સ્મિત રાખી સૌને મળીએ.
૨) નાનામાં નાની પ્રવૃત્તિ વિના કોઈ સંકોચ કરવા તૈયાર રહેવું.
૩) રમતો રમવામાં ક્યારેય શરમ ન અનુભવતા નિખાલસ બની રમવી.
૪) જાતને ખુશી ક્યાંથી મળે એ શોધવામાં રસ કેળવવો.
૫) હંમેશા પોતાની સાથે બીજા માટે પણ સકારાત્મક વલણ અને મદદની ભાવના કેળવવી.
૬) બાળકની જેમ કોઇની સાથે ઝગડો થાય તોય અંતે તો સામે ચાલીને એ મન મુટાવ દૂર કરીએ…
આવા કેટલાય ગૂણો છે બાળકો પાસે શીખવાના… બસ એ જ શીખી પોતાની અંદર જીવનભર જીવંત રાખીએ અને આપણાં બાળકોને પણ શીખવીએ…
ચાલો, ફરી એ ખોવાઈ ગયેલા આપણી અંદરના બાળકને શોધી લઈએ અને જીવનને માણવાની શરૂઆત કરીએ.. જીવનને સાર્થક બનાવીએ.
હાર્દિક કલ્પદેવ પંડયા