આજના આ આધુનિક યુગમાં દુનિયા જ્યારે વિકાસને ઝંખી રહી છે ત્યારે વિકાસની આંધળી દોટમાં કુદરતી સંપત્તિનું જતન અને રક્ષણ કરવાની જવાબદારીની આપણાથી ઉપેક્ષા થઈ જાય છે. સામાન્ય જનમાનસના રહેઠાણ અને રોજગારની સગવડો ઊભી કરવા માટે રહેવાસી વિસ્તારો તથા ઔધ્યોગિક વિસ્તારોના નિર્માણ માટે આપણે જંગલો કાપ્યા અને નદીઓમાં પણ સિમેન્ટ અને કોંક્રેટના ઢગલા કર્યા. આ જ મૂળ કારણ છે કે આજે આપણે ઘનઘોર જંગલો અને નિર્મળ વહેતી નદીઓને લુપ્ત થતાં જોઈ રહ્યા છીએ. વૃક્ષારોપણ તો જાણે ઘટતું જ ગયું છે અને એટલે જ પૃથ્વીનું ધોવાણ વધતું ગયું છે. પરિણામે પ્રદૂષણ અને કુદરતી આપદાઓનું પ્રમાણ વધારવામાં આપણે જ કારણભૂત બન્યા છીએ.
સુનામી આવે કે ભૂકંપ… દુકાળ સર્જાય કે અતિવૃષ્ટિ…. તકલીફો કોઈપણ પડે આપણે સરકાર અને પ્રશાસન ઉપર ઠીકરું ફોડી પોતાની જવાબદારીઓથી મુક્ત થઈ જઈએ છીએ. પણ શું એમ આસાનીથી આપણી કુદરત તરફની જવાબદારીઓથી મુક્ત થઈ શકાય ખરું?? શું આપણી કોઈ જવાબદારી નથી?? આ પર્યાવરણ આપણને સુંદર, સ્વસ્થ જીવન અને જીવન-નિર્વાહ માટેના સંસાધનો આપે છે તો શું એ આપણી ફરજ નથી કે આપણે પણ તેનું જતન કરીએ?? જો આપણે ફરજો નિભાવી ન શકીએ તો હક માંગવાનો અધિકાર પણ આપણને નથી…! આજે આધુનિકરણના નામે આપણે જળ, વાયુ, ધરતી અને આકાશ બધુ જ દૂષિત કરી દીધા છે. માણસ તો ઠીક પણ આપણે તો પશુ-પક્ષી અને જંગલી પ્રાણીઓનું જીવન પણ દુશ્વાર કરી દીધું છે. અને એટલે જ આજે કેટકેટલાય પ્રાણીઓ માત્ર ફોટાઓમાં જ જોવા મળે છે. જો આમ જ ચાલશે તો આ દુનિયા નષ્ટ થતાં વાર નહીં લાગે. આપણે સમજવાની જરૂર છે કે જો આપણે જીવન ટકાવી રાખવું હશે તો પર્યાવરણને બચાવવું જ પડશે અને એ વાતને પોતાની ફરજ માનીને સ્વીકાર કરવી પડશે. આ માટે કોઈ મોટા વેદ ભણવાની જરૂર પણ નથી. કશું જ અઘરું નથી. જો આપણે ઇચ્છીએ તો ખુબ જ સહેલાઈથી આપણે પર્યાવરણનું સંરક્ષણ કરી શકીએ છીએ. બસ દૃઢ ઇચ્છાશક્તિ અને સંકલ્પની જરૂર છે.
પર્યાવરણને બચાવવાનો એક ઉત્તમ ઉપાય છે વૃક્ષારોપણ. આપણે રહેઠાણ અને ઔધ્યોગિક ક્રાંતિ માટે ઇમારતો બનાવવા વૃક્ષો કાપ્યા અને જમીનને ખોખલી અને કમજોર કરી નાખી. કહેવાય છે કે વૃક્ષો વરસાદ લાવવામાં મદદ કરે છે. આ વૃક્ષો કાપવાના કારણે વરસાદ અનિયમિત થઈ ગયો. એટલું જ નહીં વાયુ પ્રદૂષણ અને જળ પ્રદૂષણમાં પણ વધારો થયો. અને આ જ કારણે બધી જ ઋતુઓ અનિયમિત થઈ ગઈ, જેને કારણે જમીનનું ધોવાણ વધ્યું અને તેની ફળદ્રુપતાની સાથે સાથે મજબૂતી પણ ખોરવાઈ ગઈ. જળ અને વાયુની સ્વચ્છતા ખોવાઈ ગઈ અને આપણુ જનજીવન મુશ્કેલીમાં મુકાઇ ગયું. માટે જો આપણે વૃક્ષો વાવીશું તો જમીનનું ધોવાણ અટકશે. જમીનની ફળદ્રુપતા ટકી રહેશે. સુનામી, પૂર, વાવાઝોડા, અતિવૃષ્ટિ અને અનાવૃષ્ટિ જેવી આપદાઓથી આપણું રક્ષણ થશે. ભલે આપણી સગવડ અને સુવિધાઓ માટે એક વૃક્ષ કાપીએ, પણ એની સામે આગિયાર વૃક્ષ વાવીએ. વાયુ અને જળમાં થતાં પ્રદૂષણને અટકાવવામાં પણ આ વૃક્ષારોપણ મદદરૂપ થઈ શકે છે.
ચાલો સંકલ્પ કરીએ વૃક્ષો વાવીએ
અને પર્યાવરણ બચાવવામાં આપણુ નાનું અમથું યોગદાન આપીએ.
હાર્દિક કલ્પદેવ પંડ્યા