સફળ લગ્નજીવનના નીતિ નિયમો શું?

હિન્દુ ધર્મ-શાસ્ત્રો મુજબ જીવનમાં સોળ સંસ્કારોનું મહત્વ રહેલું છે. એ સોળ સંસ્કારોમાં એક છે લગ્ન. આ લગ્ન એટલે એક છોકરા અને એક છોકરીનું વિધિવત મેળાપ નહીં, પણ બે અલગ અલગ સભ્યતાઓનો, બે અલગ અલગ વિચારસરણીનો એકમેકમાં સમન્વય..! આજના સમયમાં સમાજમાં લગ્નના બે પ્રકાર છે.: ૧) પ્રેમ લગ્ન અને ૨) વ્યવસ્થા લગ્ન(arrange marriage) એવું કહી શકાય. પણ હું કહીશ કે જે પણ લગ્ન થાય છે એ પ્રેમ લગ્ન જ હોય છે. પહેલાના સમયમાં જ્યારે બાળ લગ્નની પ્રથા હતી ત્યારથી માંડીને હાલના સમયમાં થતાં કહેવાતા વ્યવસ્થા લગ્ન મારા મતે વાસ્તવમાં પ્રેમ લગ્ન જ ગણાય. કારણ કે એમાં પણ બે પરિવારની કે બે વડીલોની સ્નેહ ભાવના, એકબીજા પ્રત્યે સન્માનની ભાવના સમાયેલી હોય છે. બે પરિવાર કે બે વડીલો (હાલના સમયમાં છોકરા-છોકરી સહિત) જ્યારે અરસપરસ આત્મીયતાનો અનુભવ કરે છે, અને એમનામાં વિશ્વાસ ઉદભવે છે કે આપણે એકબીજાના રીતિરિવાજ સારી રીતે સમજી અને નિભાવી શકીશું ત્યારે જ તો લગ્ન નક્કી થાય છે. જેમ પ્રેમ લગ્નમાં છોકરો અને છોકરી એકબીજાને પસંદ કરે છે, એકમેકની ભાવનાઓનું સન્માન કરે છે, એકબીજા પ્રત્યે આત્મીયતા અનુભવે છે, અને પછી લગ્નેતર સંબંધમાં બંધાવા તૈયાર થાય છે, એમ જ…! જો એ આત્મીયતા ન બંધાય તો શું લગ્ન નક્કી થાય?? ના…! ક્યારેય નહીં. તો પછી એ પણ પ્રેમ લગ્ન જ થયા ને..!

“હક છીનવી ન શકાય એને જીતવા પડે.”

કેટલાક કિસ્સાઓ દુખદ હોય છે, જ્યાં લગ્ન વિચ્છેદને આરે આવીને ઊભા થઈ જાય છે. પણ એમાં પણ વાંક લગ્ન પ્રકારનો તો નથી જ હોતો. લગ્ન સંબંધ હોય કે બીજો કોઈ પણ સંબંધ, દરેક સંબંધમાં અમુક હક અને ઘણી બધી ફરજો મળતી હોય છે જેને નિભાવીને જ સંબંધ મધમીઠો રાખી શકાય છે, સંબંધ તૂટવાનું અથવા સંબંધોમાં તિરાડ પાડવાનું કારણ અપેક્ષાઓ પૂરી ન થવી અને ફરજપાલનની તૈયારી ન હોવી, એ જ હોય શકે. એક વાત સનાતન સત્ય છે જે આપણે સ્વીકારવી જ રહી, કે હક અને ફરજ બેય એક જ સિક્કાની બે બાજુ છે, અને બંને સાથે જ મેળવી શકાય છે, પહેલા હક અને પછી ફરજ કે પહેલા ફરજ અને પછી હક એ રીતે નહીં. જો હક મેળવવા તૈયાર હોવ તો સાથે ફરજ નિભાવવા તૈયારી બતાવવી જ પડશે અને જો ફરજો નિભાવવા તૈયાર હોવ તો હક જીતવા કેવી રીતે તે પણ શીખવું પડશે. એ વગર નહીં જ ચાલે. કારણ કે હક હંમેશા જીતવા પડે છે, તેને છીનવી ન જ શકાય.

“એક વાત યાદ રાખો, કોઈપણ સંબંધની શરૂઆત વ્યક્તિમાં રહેલ આભાથી થાય છે,

પણ તેના ટકવા કે તૂટવા પાછળ વ્યક્તિનો વ્યવહાર કારણભૂત હોય છે.”

હવે સફળ લગ્નેતર સંબંધના નીતિનિયમો શું? તો પહેલા તો સફળ કોને કહેવાય? એ સમજીએ… સફળ એટલે જેના જીવનમાં સુખાકારી, સમૃદ્ધિ, અને સ્વાસ્થયનો સમન્વય હોય તે. અને આ સમન્વય ત્યારે જ શક્ય છે જ્યારે ફરજ અને હકનુ સુયોગ્ય રીતે સભાનતાપૂર્વક નિર્વહન થાય. આપણે હંમેશા યાદ રાખવું જોઈએ કે જો આપણે કોઈને પોતાના કરવા હોય તો પહેલા આપણે એને સમર્પિત થવું પડે, એ વગર કોઈને પણ પોતાના કરવા શક્ય નથી. પોતાની ઈચ્છાઓને માન મળે એ અપેક્ષા કરતાં પહેલા આપણા સાથીની ઈચ્છાઓને માન આપવું પડે. આપણને ખબર હોય કે આપણે સાચા છીએ, પણ એ વાત આપણા સાથી પર થોપવાનો હઠાગ્રહ ન જ રખાય. અને એમ કરવા જઈએ તો સંબંધમાં તિરાડ પાડવાની કે ઘસારો પહોંચવાની શક્યતા વધી જાય છે, શરૂઆત તો એની વાતને માન આપીને જ કરવી પડે, ત્યાર પછી જ શાંતિથી વાતચીત અને પોતાના તર્ક થકી આક્રોશ વિના સમજાવવા પ્રયત્ન કરવો જોઈએ. ચોક્કસ ઈચ્છિત પરિણામ આવે જ. જે અપેક્ષા આપણે આપણા સાથી પાસે રાખીએ છીએ એ જ ફરજ સ્વરૂપે આપણે એના માટે પણ નિભાવવી પડે. કેટલીક વખત બાંધછોડ કરવી પડે તો એ માટે તૈયારી પણ રાખવી પડે. જો આપણે “હું”પણું છોડી નહીં શકીએ તો કોઈ પણ સંબંધને આપણે નિભાવી શકીશું નહીં, એવું જ દાંપત્યમાં પણ છે. એટલે જ સુખી અને ખુશહાલ દાંપત્યજીવન માટે “હું”પણું પણ છોડવું જ પડે.

ભલે આપણી સફળતા અને સમૃદ્ધિ આપણી પોતાની મહેનતથી જ હોય, પણ આપણા સાથીને શ્રેય આપતા શીખવું જોઈએ. કારણ કે એનો મૂક-સહકાર પણ આપણી સફળતા માટે જવાબદાર છે જ, જો આપણો સાથી સહકાર અને સાથ આપવા તૈયાર જ ન હોત તો?? એની આપણા કાર્ય અને આપણી ક્રિયાશીલતાને મંજૂરી જ ન હોત તો? શું આપણી સફળતા શક્ય હતી? બસ એ મંજૂરી માટે શ્રેય આપવો જોઈએ. કોઈને પોતાના કરવા માટેનો આ એક અકસીર ઉપાય છે. આપણા સાથીના સહકારની, એના કામની સરાહના કરવી જોઈએ. ભલેને નાનામાં નાનું કામ કે નાનો અમથો જ સહકાર કેમ ન હોય, એનું “એ તો એની ફરજ છે, એમાં શું મોટી વાત છે?” એમ કહી અપમાન ન કરતાં એની આભાર કહી સરાહના કરવી જોઈએ. આ નાનકડી સરાહના પણ હૃદય જીતી શકે છે.

દાંપત્ય સંબંધની સફળતા માટે જરૂરી છે કે આપણે આપણા સાથીને તેના અવગુણો સાથે સ્વીકારીએ. કોઈપણ સંજોગોમાં એને બદલવા હઠાગ્રહ ન જ કરીએ. કારણ કે જે આપણા માટે અવગુણ છે એ આપણા સાથી માટે જીવનનો સિદ્ધાંત અને જરૂરિયાત હોઈ શકે, અને એની પાસે એ સાબિત કરવા તર્ક પણ હોય, એવું’ય બને. આમ પણ કોઈના કહેવાથી જો પોતાનો મૂળ સ્વભાવ બદલવા તૈયાર થઈ જાય તો એ સાચો માણસ નથી જ. એ વાત હું દૃઢપણે માનું છું. બદલાવ, પરિવર્તન અંદરથી આવે છે, બહારથી નહીં. હા, પ્રેરણાસ્રોત બની શકાય. પણ હઠાગ્રહ કરવો એ આપણા સંબંધ માટે અહિતકર્તા થઈ શકે છે. જો આપણે આપણા સાથીના ગુણો કરતાં અવગુણો પર વધુ ધ્યાન આપીએ છીએ તો આપણા સાથીની આંખો દ્વારા આપણી ભૂલોને જોવાની પણ તૈયારી રાખવી પડશે. જો એમ નહીં થાય તો ક્લેશ જન્મ લેશે જ. માટે ખુશહાલ દાંપત્યજીવન માટે એકબીજાના અવગુણોને સ્વીકારી એકબીજાના ગુણોની સરાહના કરી જીવતા અને સાથ નિભાવતા શીખવું જોઈએ. એક દિવસ એવો ચોક્કસ આવશે કે જ્યારે આપણી ખુશી માટે આપણો સાથી એવા મૂળ સ્વભાવ કે જેને આપણે અવગુણનું નામ આપ્યું છે એમાં બાંધછોડ કરવા તૈયાર થશે જ.

જેમ સ્કૂલની પરીક્ષામાં મનગમતું પરિણામ જોઈએ

તો સમર્પિત થઈ વિષયોને ભણવા પડે,

એ જ રીતે લગ્નજીવનમાં મનગમતું પરિણામ જોઈએ તો

આપણા સાથીને સમર્પિત થઈને એને ભણવો અને જાણવો જ પડે.

હાર્દિક કલ્પદેવ પંડ્યા