મારૂ ભારત સપનાનું ભારત

૧૫ ઓગષ્ટ એટલે આપણાં દેશનો રાષ્ટ્રીય પર્વ… સ્વતંત્રતા દિન… આપણાં દેશને સ્વતંત્રતા અપાવવા કેટકેટલા સેનાનીઓ અને નેતાઓએ પોતાનું સર્વસ્વ આપી દીધું. લોહી, પસીનો રેડયા. હવે એ જૂની વાતોને વારંવાર નથી વાગોળવી પણ એક વિચાર ચોક્કસ કરવો છે. આપણે આ એક દિવસ પૂરતા આપણી અંદર ઊમળકાભેર રાષ્ટ્રીયતા અને દેશપ્રેમ લાવી દઈએ છીએ. પણ ક્યારેય આપણે નિસ્વાર્થભાવે દેશની સેવા કરવાનું વિચાર્યું છે ખરું? દેશની સેવા કરવી એટલે કંઈ દેશની સીમા પર જઈ સુરક્ષામાં તૈનાત થવાની જરૂર નથી. દેશ પ્રત્યેની આપણી અમુક મૂળભૂત ફરજો અને જવાબદારીને નિષ્ઠા પૂર્વક નિભાવીએ એ પણ દેશની સેવા જ છે.

ચાલો જાગ્યા ત્યારથી સવાર કહેવતને સાચી પાડી આજથી જાગી જઈએ અને કંઈક નવું વિચારીએ… આપણાં મહાન ભારત દેશને એક નવો દૃષ્ટિકોણ આપીએ.

આ હડતાળ, દંગા, ફસાદના નામે કામ રોકી સાર્વજનિક જગ્યાએ તોડફોડ અને ધમાલ કરી જે વિરોધ નોંધાવી છીએ શું એની ખરેખર જરૂર છે ખરી? જો વિરોધ કરવો જ હોય તો કંઈક ક્રિએટિવ રીતે ન કરી શકાય…

જેમ કે… થોડા સમય પહેલાં ડૉક્ટરો અને નર્સિંગ સ્ટાફના હડતાળના સમાચાર મળ્યા હતા. એ વખતે કેટલાય દર્દીઓ મૃત્યુ પામ્યા હતા. હડતાળના નામે ઈલાજ રોકવાની જગ્યાએ એ જ ડૉક્ટરો હોસ્પિટલના ખર્ચે દર્દીઓ પાસેથી પૈસા લીધા વગર સારવાર કરે તો? ખર્ચો વધશે પણ કમાણી નહીં થાય તો હોસ્પિટલ મેનેજમેન્ટ ડોકટોરોની વાત માની જ લેશે ને. અને દર્દીઓ પણ સચવાઈ જશે. દર્દીઓના અને તેમના સગાસંબંધીઓના આશિષ મળશે એ તો પાછું બોનસ… કહો શું આ રસ્તો ખોટો છે કે સાચો??

ફેક્ટરી વર્કર અને નોકરિયાતો પણ પગાર વધારા માટે હડતાળ કરે છે. પણ વિચરતા નથી કે નુકસાન કેટલું થાય છે. પોતાના જ ઘરમાં પૈસાની ખેંચ જે પહેલાથી હતી એ વધે… માનસિક તાણ વધે… મજૂર કક્ષાના છોકરાછૈયાં તો બિચારા ભૂખ્યા મરે… પણ હવે જો વિરોધનાં નામે એવું કરે કે ડબલ ટ્રીપલ પ્રોડક્શન/માર્કેટિંગ વધારી દે તો ફેક્ટરી/કંપની માલિકોને માલ/સેવા વેચવામાં નાકે દમ આવી જાય તો બોલો શું એ તમારી માંગ પૂરી ન કરે??

હવે વાત કરીએ ફિલ્મોની… તો પી.કે.થી લઈને ઓહ માય ગોડ ને એવી કેટલીયે ફિલ્મોના વિરોધ અને વિરોધના નામે તોડફોડ, દંગા એનો તો જાણે ટ્રેન્ડ છે. શું આપણી શ્રદ્ધા, આસ્થા, ધાર્મિક ભાવના એટલી ખોખલી છે કે ફિલ્મના એક નાનકડા દૃશ્ય કે ડાયલોગ દ્વારા એ આહત થઈ જાય?? ફિલ્મ જોવી, ન જોવી એ આપનો અંગત વિષય છે આપણે ન જોવી હોય તો ન જોઈએ.. વધુમાં વધુ આપણાં પ્રિયજનો અને ઓળખીતાને આગ્રહ કરીએ કે એ પણ ન જૂએ. અને એમને કહીએ કે એ એમના ઓળખીતાઓને ના પાડે.. આમ શાંતિ પૂર્વક વિરોધ ન કરી શકાય? ફિલ્મ બનાવવી એ પ્રોડ્યુસર, ડાઈરેકક્ટરનું કામ છે. એ પોતાનું અને પોતાના પરિવારનું પેટ પાળવા આ કામ કરે છે. અને સાથે જ કેટકેટલા નાનામોટા કર્મચારીઓનું પેટ પાળે છે. ફિલ્મો એ આપણાં સમાજનું જ એક દર્પણ છે પણ એ દર્પણ બતાવવામાં જો એ કોઈ ભૂલ કરતાં હોય તો ભૂલ બતાવો પણ શાંતિથી… કોઈ ફિલ્મ જોવા જશે જ નહીં તો ૨-૪ દિવસમાં ફિલ્મ ઉતરી જશે. પેલા ડાઈરેકક્ટરને પણ સમજાઈ જશે કે એની ફિલ્મમાં કંઈક ખોટું હશે એટલે જ ફિલ્મ ન ચાલી… કિસ્સો પૂરો. એમાં બસો અને બાઈકો બાળવાની ને લોકોના હાડકાં તોડવાની, હુલ્લડો કરવાની શું જરૂર છે?

આ બધાથી આગળ નીકળી જવાની હોડમાં આપણે ટ્રાફિક નિયમોને પણ તાક પર મૂકી દઈને વાહન ચલાવીએ છીએ. શું એ ખોટું નથી?? આપણાં પોતાના માટે જ જોખમી નથી? આ ટ્રાફિકના નિયમો પાળી “દુર્ઘટના કરતાં દેરી ભલી” કહેવતને માની ન શકીએ?? આપણાં અને બીજાના પણ જીવનું રક્ષણ આ નિયમ પાલનથી કરીએ તો એ પણ દેશ સેવા જ છે ને???

એમ જ કાર, સ્કુટર વગેરે વાહનોની મેન્યુફેક્ચરિંગ કંપનીઓ વાહનોમાં ઈન-બીલ્ટ સ્પુટમ ટેન્ક અને ડસ્ટબીન મૂકે તો કેવું? પબ્લિક પણ એનો આગ્રહપૂર્વક ઉપયોગ કરે તો કેટલું સરસ? આ તૈયાર નાસ્તાના પેકેટ બનાવતી કંપનીઓ એવી ઑફર કાઢે કે ખાલી પેકેટ પાછા આપો અને ૫૦% પૈસા પાછા મેળવો. ૧૦૱. નું એક પેકેટ(ખાલી) દુકાન પર પાછું આપો તો ૫૱ પરત મેળવો અને ૫ ૱ વાળું પેકેટ આપો તો ૨ ૱ પરત… બોલો કોઈ કચરો બહાર ફેંકી દે.? ખીસ્સામાં ભરી રાખે ને.. ખરું કે ખોટું?? દેશમાં સ્વચ્છતા લાવવાનો આ રસ્તો ન અપનાવી શકીએ આપણે??

પ્લાસ્ટિકની થેલીઓને બદલે કાપડની થેલીઓ બનાવીએ. દેશમાં પ્રદૂષણ થતું અટકાવવાનો આ પણ એક ઉત્તમ ઉપાય છે. કાપડની થેલી માટે કપાસનું ઉત્પાદન વધારીએ.. તમાકુની ખેતી કરવાની જગ્યાએ વરિયાળીની ખેતી કરીએ.. તમાકુની પ્રોડક્ટ જો બે ૱ એ વેચાતી હોય તો વરિયાળીના પેકેટ પાંચ ૱ માં વેચીએ. એલ્કોહોલિક પ્રોડક્ટની જગ્યાએ દુધ, છાશ, ને જ્યુસની ફેક્ટરી નાખીએ. ભલે એ દુધ, છાશ દસને બદલે ત્રીસમાં વેચીએ.. કમ સે કમ ભારતની યુવા શક્તિ વ્યસનથી તો મુક્ત રહેશે. આપણાં દેશનો યુવા, વૃદ્ધ, તરુણ વ્યાસંમુક્ત થશે તો સ્વસ્થ રહેશે. લાંબુ જીવશે. કર્મઠ બની કામ કરશે અને પોતાના પરિવારની સમૃદ્ધિની સાથે દેશમાં પ્રગતિ લાવવામાં પણ યોગદાન આપી શકશે. ચાલો આવા નાનામોટા સુધારા આપણી જાતે લાવી બને એટલું આપણે દેશને સુધારવામાં, દેશને પ્રગતિના પંથે અગ્રેસર કરવામાં યોગદાન આપીએ. અને આ સ્વતંત્રતાના પર્વને એક અનોખી રીતે ઉજવીએ. આખું વર્ષ ઉજવીએ.

 

હાર્દિક કલ્પદેવ પંડયા

પર્યાવરણ બચાવો, જીવન સંવારો…!

આજના આ આધુનિક યુગમાં દુનિયા જ્યારે વિકાસને ઝંખી રહી છે ત્યારે વિકાસની આંધળી દોટમાં કુદરતી સંપત્તિનું જતન અને રક્ષણ કરવાની જવાબદારીની આપણાથી ઉપેક્ષા થઈ જાય છે. સામાન્ય જનમાનસના રહેઠાણ અને રોજગારની સગવડો ઊભી કરવા માટે રહેવાસી વિસ્તારો તથા ઔધ્યોગિક વિસ્તારોના નિર્માણ માટે આપણે જંગલો કાપ્યા અને નદીઓમાં પણ સિમેન્ટ અને કોંક્રેટના ઢગલા કર્યા. આ જ મૂળ કારણ છે કે આજે આપણે ઘનઘોર જંગલો અને નિર્મળ વહેતી નદીઓને લુપ્ત થતાં જોઈ રહ્યા છીએ. વૃક્ષારોપણ તો જાણે ઘટતું જ ગયું છે અને એટલે જ પૃથ્વીનું ધોવાણ વધતું ગયું છે. પરિણામે પ્રદૂષણ અને કુદરતી આપદાઓનું પ્રમાણ વધારવામાં આપણે જ કારણભૂત બન્યા છીએ.

સુનામી આવે કે ભૂકંપ… દુકાળ સર્જાય કે અતિવૃષ્ટિ…. તકલીફો કોઈપણ પડે આપણે સરકાર અને પ્રશાસન ઉપર ઠીકરું ફોડી પોતાની જવાબદારીઓથી મુક્ત થઈ જઈએ છીએ. પણ શું એમ આસાનીથી આપણી કુદરત તરફની જવાબદારીઓથી મુક્ત થઈ શકાય ખરું?? શું આપણી કોઈ જવાબદારી નથી?? આ પર્યાવરણ આપણને સુંદર, સ્વસ્થ જીવન અને જીવન-નિર્વાહ માટેના સંસાધનો આપે છે તો શું એ આપણી ફરજ નથી કે આપણે પણ તેનું જતન કરીએ?? જો આપણે ફરજો નિભાવી ન શકીએ તો હક માંગવાનો અધિકાર પણ આપણને નથી…! આજે આધુનિકરણના નામે આપણે જળ, વાયુ, ધરતી અને આકાશ બધુ જ દૂષિત કરી દીધા છે. માણસ તો ઠીક પણ આપણે તો પશુ-પક્ષી અને જંગલી પ્રાણીઓનું જીવન પણ દુશ્વાર કરી દીધું છે. અને એટલે જ આજે કેટકેટલાય પ્રાણીઓ માત્ર ફોટાઓમાં જ જોવા મળે છે. જો આમ જ ચાલશે તો આ દુનિયા નષ્ટ થતાં વાર નહીં લાગે. આપણે સમજવાની જરૂર છે કે જો આપણે જીવન ટકાવી રાખવું હશે તો પર્યાવરણને બચાવવું જ પડશે અને એ વાતને પોતાની ફરજ માનીને સ્વીકાર કરવી પડશે. આ માટે કોઈ મોટા વેદ ભણવાની જરૂર પણ નથી. કશું જ અઘરું નથી. જો આપણે ઇચ્છીએ તો ખુબ જ સહેલાઈથી આપણે પર્યાવરણનું સંરક્ષણ કરી શકીએ છીએ. બસ દૃઢ ઇચ્છાશક્તિ અને સંકલ્પની જરૂર છે.

પર્યાવરણને બચાવવાનો એક ઉત્તમ ઉપાય છે વૃક્ષારોપણ. આપણે રહેઠાણ અને ઔધ્યોગિક ક્રાંતિ માટે ઇમારતો બનાવવા વૃક્ષો કાપ્યા અને જમીનને ખોખલી અને કમજોર કરી નાખી. કહેવાય છે કે વૃક્ષો વરસાદ લાવવામાં મદદ કરે છે. આ વૃક્ષો કાપવાના કારણે વરસાદ અનિયમિત થઈ ગયો. એટલું જ નહીં વાયુ પ્રદૂષણ અને જળ પ્રદૂષણમાં પણ વધારો થયો. અને આ જ કારણે બધી જ ઋતુઓ અનિયમિત થઈ ગઈ, જેને કારણે જમીનનું ધોવાણ વધ્યું અને તેની ફળદ્રુપતાની સાથે સાથે મજબૂતી પણ ખોરવાઈ ગઈ. જળ અને વાયુની સ્વચ્છતા ખોવાઈ ગઈ અને આપણુ જનજીવન મુશ્કેલીમાં મુકાઇ ગયું. માટે જો આપણે વૃક્ષો વાવીશું તો જમીનનું ધોવાણ અટકશે. જમીનની ફળદ્રુપતા ટકી રહેશે. સુનામી, પૂર, વાવાઝોડા, અતિવૃષ્ટિ અને અનાવૃષ્ટિ જેવી આપદાઓથી આપણું રક્ષણ થશે. ભલે આપણી સગવડ અને સુવિધાઓ માટે એક વૃક્ષ કાપીએ, પણ એની સામે આગિયાર વૃક્ષ વાવીએ. વાયુ અને જળમાં થતાં પ્રદૂષણને અટકાવવામાં પણ આ વૃક્ષારોપણ મદદરૂપ થઈ શકે છે.

ચાલો સંકલ્પ કરીએ વૃક્ષો વાવીએ

અને પર્યાવરણ બચાવવામાં આપણુ નાનું અમથું યોગદાન આપીએ.

 

હાર્દિક કલ્પદેવ પંડ્યા