ધર્મ એટલે શું? માન્યતાઓ: શ્રદ્ધા કે અંધશ્રદ્ધા??

આ ધર્મના નામે કેટકેટલી ચર્ચાઓ અને વિવાદો થાય છે… પણ ખરેખર લાગે છે કે ધર્મને આપણે સાચી રીતે ઓળખી જ શક્યા નથી. ધર્મના નામે હુલ્લડો કરી નાખીએ છીએ, કોઈના વાદે ચડી મારધાડ કરી નાખીએ છીએ પણ ક્યારેય ધર્મને ઊંડાણથી સમજવા પ્રયત્ન કર્યો છે ખરો? માનતાઓ માનીએ છીએ, બાધા રાખીએ છીએ, પાઠ-પુજા કરીએ છીએ પણ બધું જ સમજ્યા વગર… ભય, બીક, ડરને વશીભૂત થઈને…

દોસ્તો, ધર્મ એટલે વ્યક્તિના સર્વાંગી વિકાસ માટેનું પ્રથમ પગથિયું. ધર્મ એટલે અનુશાસનની પાઠશાળા, જ્યાં આપણી અંદર સકારાત્મકતાની સાથે શિસ્તનું સિંચન થાય. જે ધર્મની સાચી વ્યાખ્યા સમજી શક્યા છે તેઓ મહાન વ્યક્તિ તરીકે ઈતિહાસમાં અમર થઈ ગયા અને જે ધર્મના નામે કટ્ટરપંથી બન્યા એ માત્ર વિવાદોમાં ઘેરાઈને રહી ગયા. અહીં કોઈ એક ધર્મની વાત નથી. દરેક ધર્મનો અંતિમ હેતુ અવગુણોનો નાશ કરી ગુણોનું સિંચન કરી વ્યક્તિનો સર્વાંગી વિકાસ જ હશે/છે.

દરેક ધર્મમાં અમુક માન્યતાઓ, રીત-રિવાજ અને નિયમો હોય છે. આ બધાં જ નીતિ-નિયમો, માન્યતાઓ જ્યારે પણ સમાજ સામે મૂકવામાં આવી હશે ત્યારે તેનો હેતુ કટ્ટરવાદ તો નહીં જ હોય. જો મારી માનો તો આ બધાં જ નિયમો અને રિવાજો પણ વૈજ્ઞાનિક તર્કથી અને સમાજના સર્વાંગી વિકાસ માટેની જરૂરિયાત સમજીને જ મૂકવામાં આવ્યા હશે, પણ આપણે “ના હોં… આ તો કરવું જ પડે નહીં તો ભગવાન નારાજ થઈ જાય ને હેરાન હેરાન કરી નાખે..” બસ આ ડર દિલોદિમાગ પર ખીલ્લો ઠોકી બેસાડી દીધા છે. આ બધું સમજવા અને તર્ક જાણવાનો સમય જ ક્યાં છે આપણી પાસે? નહીં?? પાછા જેમને આવા નિયમો પાળવા ન હોય એ અભિવ્યક્તિની આઝાદીની વાતો કરીશે.

ચાલો હિન્દુ ધર્મના જ અમુક રીત-રિવાજો અને નિયમો વિશે વાત કરીએ…

દોસ્તો, આ શનિવારે કે મંગળવારે આપણાં તેલ ન નાખવાથી કે માથું ન ધોવાથી હનુમાન દાદાને વળી શું ફરક પાડવાનો?? તોય બસ સમજ્યા જાણ્યા વગર જ આપણે એ માનીએ છીએ. પણ આ રિવાજ શરૂ કરવા પાછળનો હેતુ એ હશે કે આપણી અંદર રહેલ લાલચ, લોભ, લાલસા, વાસના જેવા વિકારો પર નિયંત્રણ લાવતા શીખીએ. એક વૈરાગી જેમ જીવે તે રીતે ક્યારેક જીવવું પડે તોય આપણે જીવી લઈએ એ શીખવવા આ નિયમ બનાવ્યો હશે. કારણ કે હનુમાનજી મહારાજ પોતે વૈરાગી/બ્રહ્મચારી જીવન જીવતા… પણ આપણે તો બસ ધર્મના નામે કટ્ટરતાથી એ માનવું અને લાલચ, લોભની પૂરતી માટે કંઈ પણ ખોટું કરવું પડે તો કરવામાં પાછા ના પડવું… બસ આ જ કરીએ છીએ.

એમ જ ક્યારેય રાત્રે નખ ન કાપવા એ નિયમ પણ તાર્કિક રીતે બન્યો હશે. કે પુરાતન કાળમાં વીજળીની સુવિધા ન હતી. સાયંકાળથી (એટલે કે સાંજ પડતાં જ) દીવો પ્રગટાવી દેવામાં આવતો. અને દીવાની જ્યોત કેટલી નાની હોય છે? હવે જો એ જ્યોતમાં નખ કાપવા જઈએ તો ચામડી કપાઈ જવાનો ડર રહે, શારીરિક નુકશાન થાય અને દવા કરાવવી પડે, માટે આ નિયમ બનાવાયો. પણ કદાચ આ નિયમ બનાવનાર મહાત્માઓને પણ ખબર હશે કે આ સમાજ એમના તર્કને ક્યારેય નહીં સમજે, એમને તો ડરાવવા જ પડશે… એટલે કહી દીધું કે રાત્રે નખ કાપશો તો લક્ષ્મીજી નારાજ થઈ જશે. અને આપણે બસ કટ્ટરતાથી માની લીધું. પણ એ ન સમજ્યા કે લક્ષ્મીજીનું નારાજ થવું એટલે કે પૈસા વપરાવા.. તમે ડોક્ટર પાસે જાવ તો એ ઈલાજ કરવાના પૈસા તો લે જ ને.! એટલે લક્ષ્મીજી નારાજ થયા ગણાય એમ કહ્યું. અને કહ્યું કે રાત્રે નખ ન કાપો. મા લક્ષ્મી તો દેવી મા છે. આખા જગતને સમૃદ્ધિ આપનારી મા કંઈ એના બાળકોથી નારાજ થાય ખરી? અને તોય આપણે…

આ ઉપવાસ પણ રિવાજમાં મુકાયા એ કંઈ ભગવાન એવું નથી કહેતા કે તમે ભૂખ્યા રહો અને મને છપ્પન ભોગ ધરાવો… આ ઉપવાસનું પણ વૈજ્ઞાનિક અને તબીબી કારણ હશે/છે. બસ આપણે સમજ્યા નથી. ઉપવાસનો હેતુ છે આપણી શારીરિક અને માનસિક શુદ્ધિ… અઠવાડિયે એક દિવસ ઉપવાસ કરવાથી પાચનતંત્ર સારું રહે છે અને અનેક પ્રકારની બીમારીથી બચી શકાય છે. એક દિવસનો ઉપવાસ આપણી અંદર સ્ફૂર્તિ અને ઉર્જાનો સંચાર કરે છે. જે આપણને કોઈપણ વિકાર વિના સકારાત્મકતાથી જીવન જીવતા શીખવી જાય છે.

દાનધર્મનો નિયમ પણ આપણી અંદર પરોપકારનો ગુણ અને અને ત્યાગનો ગુણ શીખવવા બનાવાયો હશે. પણ કટ્ટરપંથીઓએ એને પણ સમાજમાં ભય સ્વરૂપે વહેચ્યું. જો દાનધર્મ નહીં કરો તો પરમાત્મા નારાજ થશે. અને કરશો તો બમણું મળશે.. અરે ભગવાને આ દુનિયામાં માણસનો અવતાર જ એકબીજાની મદદ કરવા આપ્યો છે. દાનધર્મથી ભગવાન ખુશ નથી થતાં પણ તમારી એક મદદના કારણે કોઈ બીજું ખુશ થયું એ જોઈ ભગવાન ખુશ થાય છે. એની આ સરસ મજાની દુનિયા રચવાની મહેનત સફળ થઈ એ જાણી ખુશ થાય છે. અને એ જ ખુશીમાં એ તમને બમણું આપે છે… એ માટે કે પહેલીવાર તમે તમારું પેટ કાપીને પણ જરૂરિયાતમંદની મદદ કરી તો હવે તમને બમણું મળવું જ જોઈએ જેથી તમે તમારું તો સુંદર રીતે પૂરું કરી જ શકો અને વધે તેમાંથી સમાજ કલ્યાણના કામ કરી શકો. આ દુનિયાને સુંદર મજાની બનાવી શકો. આ છે તર્ક, આ છે વિચાર દાનધર્મનો… ને આપણે???

ભગવાને આ જે સ્વર્ગ અને નર્ક, સારું અને ખરાબ બધું જ જે બનાવ્યું છે એ તમને બધી જ સારી વસ્તુઓની કદર કરતાં શીખવાડવા જ સર્જયું છે, નહીં કે આપણને હેરાન કરવા… આપણે સૌ એ પરમાત્માના જ સંતાન છીએ પછી એ પોતાના જ બાળકોને હેરાન કરે ખરાં??? એટલું તો વિચારો??

મિત્રો, ધર્મ ડરવા કે ડરાવવા માટે નથી, આપણને નિર્ભય બનાવવા માટે છે. ધર્મનું આંધળું અનુકરણ ના કરો કે ના કોઈને કરવા મજબૂર કરો. ધર્મ અને રીતિરિવાજોને સમજવા પ્રયત્ન કરો અને એનું મર્મ સમજી અનુસરણ કરો. તમારો સર્વાંગી વિકાસ નિશ્ચિત છે.

  • અનુકરણ અને અનુસરણ વચ્ચે ખુબ જ પાતળી ભેદરેખા છે… તેને સમજવી જ રહી.
  • જે કરવાથી જાન, માલ કે બીજા કોઈપણ પ્રકારનું નુકશાન ના થાય એ શ્રદ્ધા, પણ જે કરવાથી કોઈના જીવન પર સંકટ આવે કે કોઈ બીજા પ્રકારનું નુકશાન થાય એ બધું જ અંધશ્રદ્ધા.

 

હાર્દિક કલ્પદેવ પંડ્યા

મૈત્રી શું છે?? મિત્રતા એટલે શું?

ગલી મહોલ્લામાં આપણી સાથે રમતો રમે, પતંગ ચગાવવાની હરિફાઈ કરે, સ્કૂલમાં નાનો મોટો ઝગડો ભલે થાય પણ કોઈ ત્રીજો હાથ પણ લગાડી જાય તો રક્ષણ માટે પહેલો આગળ આવે, પરીક્ષાના સમયે સાથે બેસીને વાંચે, દરેક મોજ મસ્તી અને ધમાલમાં જેનો સાથ મળે, પણ ક્યારેય આપણને ખોટા રસ્તે જવા ન દે.. એનું નામ સાચો દોસ્ત. અને એનામાં રહેલી આપણા માટેની લાગણી એટલે મૈત્રી…. મિત્રતા….

આ તો પાયો છે. અહીંથી આ સુંદર સંબંધની ઈમારતનું નિર્માણ શરૂ થાય છે. અને આ જ મૈત્રી બાળપણ, ભણતર અને ગણતર સુધી એટલે કે જીવનપર્યંત ચાલે છે. એકબીજાની રજેરજથી વાકેફ હોય, વર્ષોથી છૂટા પડ્યા હોય તોય મળે ત્યારે ઉમળકાભેર મળેને એ સાચો દોસ્ત. આ દુનિયામાં મૈત્રી એ જ સૌથી સુંદર ભાવ છે… એક વખત માટે બે વ્યક્તિ વચ્ચે પ્રેમ ન હોય ને તોય સંબંધ ટકાવી શકાય જો એ બે વચ્ચે મૈત્રી સાચી હોય.

મિત્રતા એ જીવનનો સૌથી મહત્વપૂર્ણ સંબંધ છે. આ દુનિયામાં બીજા એક પણ સંબંધો એવા નથી કે જે આપણે પસંદ કરી શકીએ છીએ. બસ એક જ સંબંધ એવો છે જે આપણે બાંધીએ છીએ. અને એ છે મિત્રતા. જો સારો અને સાચો મિત્ર મળી ગયોને તો સમજો જીવન સાર્થક થઈ ગયું. કારણ કે એ સાચો મિત્ર જ આપણને પ્રગતિના પંથે આગળ વધવામાં મદદરૂપ બનશે. એ સહારો નહિ બને બલ્કે વગર સહારે આગળ વધવા માટે આપણને સક્ષમ બનાવશે. એક મિત્ર એટલે એવો ઘેઘૂર વડલો કે જ્યાં તમે એની નીચે બેસી શકો,  લટકી શકો, એના ફળ ખાઈ શકો, ધમાચકડી મચાવી શકો, શું ન કરી શકો.? ને છતાંયે જન્મથી મૃત્યુ સુધી જેનો સાથ મળે એ સાચો મિત્ર.

આપણે કોઈને ચાહીએ અને કોઈ આપણને ચાહે… ચાહવાવાળા તો બહુ મળશે. સાચી મૈત્રી ધરાવતો વ્યક્તિ મળવો એ નસીબની વાત છે. હું તો કહું છું કે જે વ્યક્તિ સાચી મૈત્રી નિભાવી શકે ને એ જ વ્યક્તિ સાચો પ્રેમ પણ કરી શકે. એટલે જો પહેલા નિભાવવી હોયને તો સાચી મૈત્રી નિભાવો. પ્રેમ તો આપોઆપ મળશે. ઘણીવાર આપણે હજી તો મૈત્રી બરાબર બંધાઈ ન હોય અને પ્રેમનો એકરાર કરવા નીકળી પડીએ છીએ. અરે યાર! પણ પહેલા મૈત્રી તો નિભાવો. મિત્રતાનો પાયો તો મજબૂત બનાવો… ખરેખર આ દોસ્તી, પ્રેમ, સંબંધો બધાને આપણે એક મજાક બનાવી દીધો છે. સંબંધો પણ સ્વાર્થના બંધાય છે. સ્વાર્થ પૂરો એટલે સંબંધ પણ.

દોસ્ત એ નથી જે રોજ ફોન કરે, મળવા આવે, બાવડે ધબ્બો મારી કેમ છે દોસ્ત કહે. દોસ્ત તો એ છે જે આપણા ખરાબ સમયે સાથે ઊભો રહે અને કહે ચિંતા ન કર દોસ્ત હું તારી સાથે જ છું. જોઈ લઈશું, ફોડી લઈશું બધું.

કોલ ના કરે પણ યાદોને મનમાં સાચવી રાખે એ સાચો દોસ્ત..”

સાચી અને લાંબા સમય સુધી ટકી રહે એવી મિત્રતા જોઈએ તો પહેલી શરત સારા વ્યક્તિ બની કોઈનું સાચો મિત્ર બનવું પડે. જેમ કે કૃષ્ણ અને સુદામા.‌‌.. અમીરી-ગરીબી, સુખ-દુઃખ, કશું જ નહીં માત્ર મૈત્રી… શુદ્ધ મૈત્રી. જેને જીવનમાં આવા ૨-૪ સાચા અર્થમાં કહેવાય એવા મિત્રો મળ્યા છે એ દુનિયાના સૌથી શ્રીમંત વ્યક્તિ છે.

મારા મતે દુનિયાનો સૌથી શ્રેષ્ઠ સંબંધ એટલે મિત્રતા.

હાર્દિક કલ્પદેવ પંડ્યા