વિશ્વાસ એટલે શું? અને આત્મવિશ્વાસ એટલે શું?

દોસ્તો વિશ્વાસ અને આત્મવિશ્વાસ એ તમારી પોતાની અંદર હોવો જોઈએ. અત્યારના સમયમાં જો કોઈ વિશ્વાસ કરવાની વાત કરે અથવા કહે કે હું ફલાણા ફલાણા વ્યક્તિ પર પૂરો વિશ્વાસ કરું છું તો તમારા એ વિશ્વાસના ફુગ્ગાને શંકાની ટાંકણી મારી ફોડવાવાળા ઘણા તમને મળી રહેશે. અને તમારી અંદરનો વિશ્વાસ જાણે રુંધવા લાગશે.

પણ ખરેખર શું એ વિશ્વાસ ગણાય ખરો? જે કોઈના શંકાસ્પદ શબ્દોથી જ ડગમગી જાય? ના હોં… જો તમે પણ એવું વિચારો છો તો ચેતી જજો. આ ભ્રમણા ખોટી છે. તમને નુકસાન જ કરશે. એ પછી સંબંધોમાં હોય કે વૈશ્વિક વ્યવહારમાં….

તમને બધુ જ આવડતું હશે પણ જ્યારે સો લોકો વચ્ચે જઈ બોલવાનું હશે અને તમારા વક્તવ્યને ધ્યાન પૂર્વક સાંભળે એવા વિશ્વાસપાત્ર શ્રોતાઓ જોઈશે ત્યારે પોતાની જાત પર આત્મવિશ્વાસ રાખવો પડશે તો જ સફળતા પ્રાપ્ત થશે.

એક વાત હમેશાં યાદ રાખવી કે જો તમને તમારી પોતાની જાત પર વિશ્વાસ નથી, તમારા આત્મા પર વિશ્વાસ નથી તો તમે કોઈના ઉપર પણ વિશ્વાસ મૂકી શકવાના નથી. એટલે જો જીવનમાં વિશ્વાસપાત્ર વ્યક્તિઓનો સાથ જોઈતો હોય તો પહેલા પોતાની જાત પર વિશ્વાસ કરતાં શીખો.

જ્યાં સુધી તમને તમારી જાત પર વિશ્વાસ નહીં હોય ત્યાં સુધી તમે ભલેને સો શું હજારોની ભીડમાં હશો તોય અસુરક્ષાની અનુભૂતિ તમને થયા કરશે. તમે કોઈના પર વિશ્વાસ મૂકી જ નહીં શકો અને જો કોઈના પર વિશ્વાસ નહીં મૂકો તો આ દુનિયામાં ક્યાંય તમારું કામ નહીં થાય. ના તમે કોઈને કામે લાગી શકશો ના કોઈ તમને કામે લાગશે. માટે હમેશાં આત્મવિશ્વાસ રાખો. આ આત્મવિશ્વાસ જ તમને તમારા વિશ્વાસપાત્ર વ્યક્તિઓ સુધી પહોંચાડી દેશે. સફળતાનો માર્ગ બતાવશે.

આ આત્મા એટલે ઈશ્વરનો જ અંશ. હવે કહો આ આત્મા તમને કોઈ ખોટી સલાહ આપી શકે ખરી? આ બધી જે ખોટી સલાહ મળે છે એ મગજનો પ્રતાપ છે આત્માનો નહીં. માટે આત્માના અવાજને સાંભળતા શીખો. આત્માના આવાજને ઓળખો અને એને જ અનુસરો. ઘણા લોકો આત્માનો આવાજ સાંભળે છે પણ એને અવગણી દે છે કારણ કે એમને એમાં ક્ષણિક એવા નુકસાન દેખાય છે. જે સ્વીકારવા તે તૈયાર નથી. લોકો નુકસાનથી અનહદ ડરે છે. અને બસ બુદ્ધિના તાબે ચડી એનું કહ્યું કરે છે. અને પછી અસફળ થાય છે. પણ એ નથી સમજતા કે એ નુકસાન જ એમને એવી શીખ આપશે કે પછી જીવનમાં ક્યારેય નુકસાન ભોગવવું જ નહીં પડે. દોસ્તો, આ આપણી આત્મા અને આપણું હૃદય આપણને જે સલાહ આપે છે એમાં કદાચ ટૂંકાગાળાનું નુકસાન હશે પણ લાંબાગાળે એ ફાયદાકારક જ નીવડશે. માટે આત્માના અવાજને ઈશ્વરનો અવાજ માની અનુસરો.

પોતાની જાત પર, પોતાના આત્મા પર, અંદરના અવાજ પર વિશ્વાસ એટલે જ આત્મવિશ્વાસ. દ્રઢ આત્મવિશ્વાસવાળા લોકોનો બીજા પર મૂકેલો વિશ્વાસ ક્યારેય ખોટો નથી પડતો. સાવ અજાણ્યાં લોકો પર મૂકેલો વિશ્વાસ પણ જીવન પર્યંત અકબંધ રહે છે. બસ જો આત્મવિશ્વાસ વિના કોઈના પર વિશ્વાસ મૂક્યો તો સમજજો કે એ તૂટશે જ.

હા વિશ્વાસ મૂકીએ એટલે ક્યારેક એ તૂટેય ખરો અને વિશ્વાસઘાતની પરિસ્થિતિ પણ સર્જાય.. પણ જેનો આત્મવિશ્વાસ પ્રબળ હોય છે તેને આવી બધી બાબતોનો કોઈ ફરક પડતો નથી કારણ કે એને પોતાના પર વિશ્વાસ છે કે એને અહીં નહીં તો બીજે ક્યાંક વિશ્વાસપાત્ર લોકો મળી જ રહેશે. “થાય એ તો!” “જીવન છે બધા જ પ્રકારના અનુભવો થશે જ.. ચાલ્યા કરે!” આમ વિચારી એ આગળ વધી જાય છે. કારણ કે એ આત્મવિશ્વાસથી ભરપૂર છે.

“જો તમે કોઈના પર વિશ્વાસ મૂકી નથી શકતા તો યાદ રાખો કે ઉણપ એનામાં નહીં પણ તમારા આત્મવિશ્વાસમાં છે.”

“જે સૌને પોતાના અને પોતાને સૌના માને છે એ કદી કોઈની પણ ઈર્ષા કરતાં નથી.”


હાર્દિક કલ્પદેવ પંડ્યા

Published by

ખુશી મંત્ર - સ્વયં સુખ, આત્મ વિકાસ, અને સફળતાની ચાવી

મારૂ નામ હાર્દિક કલ્પદેવ પંડ્યા છે. હું સંસ્કૃત વિષયમાં સ્નાતક છું. જીવન નિર્વાહ માટેની પ્રવૃત્તિ એટલે ધંધો... પ્રિંટિંગ અને ડિઝાઈનિંગનો કરું છું. એક લેખક તરીકે હું અછાંદસ, કવિતા, માઈક્રોફિકશન, પ્રેરક લેખ વગેરે લખું છું. મારા જીવનનો સિદ્ધાંત છે "સકારાત્મક રહેવું અને સકારાત્મક્તા ફેલાવવી." અને એ જ હેતુસર આ વેબસાઈટની શરૂઆત થઈ કરી છે. મારા શબ્દો થકી જો કોઈ એક પણ સકારાત્મક અભિગમ આપનાવવા પ્રેરિત થશે તો મારો આ વેબસાઈટ તૈયાર કરવાનો પ્રયાસ સફળ.

4 thoughts on “વિશ્વાસ એટલે શું? અને આત્મવિશ્વાસ એટલે શું?”

Leave a comment